jump to navigation

ગણપતિ કોમ્પ્યુટર February 28, 2007

Posted by vijayshah in : વિચાર , trackback

gane008.gif 

આ લેખ કેવળ રમુજ માટે જ લખાયો છે કે પછી તેમાં કાંઇ ઉંડુ રહસ્ય છુપાયેલું છે તેનો નિર્ણય તો તમારે જ કરવાનો છે.લેખ વાંચતા કદાચ તમને મનમાં થાય કે આ ગિરીશભાઇ શેખચલ્લીને પણ ઝાંખો પાડે એવા લાગે છે. ખેર એમાં સત્ય હોવાનો સંશયતો છે જ. તમે તમારે વાંચ્યા કરો. ગણપતિનો ખરો અર્થ શું ? ગણ, એ મૂળ શબ્દનો અર્થ છે વર્ગ, સમુહ કે શિવજીનો સેવક.પરંતુ ખરૂં જોતા આ શબ્દ સંખ્યા વાચક છે.
દાખલા તરીકે
ગણતરી- સંખ્યા ગણવાની ક્રિયા
ગણિત – સંખ્યા શાસ્ત્ર કે આંકડા શાસ્ત્ર


ગણના – ગણતરીમાં સમાઇ જવું તે
ગણક – ગણવાનું યંત્ર કે કોમ્પ્યુટર
આ દ્રષ્ટિએ જોઇએ તો ગણપતિ એટલે આંકડાઓના પતિ અથવા આંકડા શાસ્ત્રના નિષ્ણાત- મેથેમેટીશ્યન- અને જયારે તેઓ ગણતરી કરવા બેઠા હોય ત્યારે તેમનું મગજ કોમ્પ્યુટર જેવું જ કામ કરતું હશે એમાં મને જરાયે શંકા નથી. એમને જયારે પૃથ્વિની પ્રદક્ષીણા ફરવાનો વારો આવ્યો ત્યારે એ દુંદાળા દેવ ઊંદર ઉપર બેસી પૃથ્વિને બદલે મા બાપની પ્રદક્ષીણા કરી આવ્યા. હવે આ કળીકાળમાં આપણે પણ માઉસ ઉપર બેઠા બેઠા ઇન્ટરનેટને સહારે આખી દુનિયાની પ્રદક્ષીણા કરી લઇએ છીએ ને ? આ ઇન્ટરનેટની શોધ એલ ગોરે નહીં પણ આપણા ગણપતિ દાદાએ કરેલી. મને તો આ વાતમાં જરાયે શંકા નથી. હું તો માનું છું કે સૃષ્ટિની ઉત્પત્તિ વખતે શ્રી નારાયણે જે કોમ્પ્યુટરનો ઉપયોગ કર્યો તે કોમ્પ્યુટર નું નામ જ ગણપતિ હશે. અને સૃષ્ટિના સર્જનમાં જેની આટલી અગત્ય હોય તેની પૂજા તો સૌથી પહેલી જ કરવી પડે ને ? એટલે જ ગણપતિ દાદાની પૂજા હંમેશા સૌથી પ્રથમ કરવામાં આવે છે. શ્રી નારાયણની નાભિમાંથી જે કમળની દાંડી નીકળી તે તો આ ગણપતિ કોમ્પ્યુટરનો પાવર કોર્ડ છે.અને શ્રી નારાયણ એનો મુખ્ય પાવર સપ્લાય છે. હવે તમને જરૂર થશે કે આ ગિરીશભાઇ આગળ તો શેખચલ્લીની કોઇ વિસાત જ નથી,ખરી વાતને ? પણ એટલું ધ્યાનમાં રાખજો કે દરેક હિંદુ કે જે ગણપતિ દાદાને પૂજે છે તે એમ માને છે કે મનુષ્યના દેહ ઉપર હાથીનું માથું મુકી શકાય છે જો તે કાળમાં મેડીકલ ટેકનોલોજી આટલી આગળ વધી હોય તો ગણપતિ કોમ્પ્યુટર બનાવવું એતો હસતા મલકની વાત થઇ. ખરૂં કે નહી ? હજી મારો કલ્પના વિહાર પુરો નથી થયો ચાલો જરા આગળ વધીએ. શ્રી નારાયણની નાભિનો ઘાટ કેવો ? શુન્ય જેવો. અને નાની ફૂટતી કમળની કૂંપળ એક નાની ઉભી લીટી જેવી યાને કે એકડા જેવી જ દેખાય ને ? આ શુન્ય અને આ એકડો એ જ તો છે આજના આપણા કોમ્પ્યુટરની પરિભાષા. અને આ કોપ્યુટરનો હાર્ડ ડ્રાઇવ કે જેના ઉપર આ પરિભાષા સંગ્રાહી છે તે ગણપતિ દાદાની દુંદમાં છુપાયેલો છે.એટલે જ એમની દુંદ મોટી લાગે છે ને ? નારાયણ આ શૂન્ય અને એકડાની ભાષાથી ગણપતિ કોમ્પ્યુટરની મેમરી લોડ કરે છે તે જ છે આ સૃષ્ટિ રચનાનો પ્રોગ્રામ. સંકટનાશન ગણપતિ સ્તોત્રમાં નીચે પમાણે એક શ્લોક છે.

“જપેત્ ગણપતિઃ સ્તોત્રં ષડભિઃમાસૈઃ ફલં લભેત,
સંવત્સરેણ સિદ્ધિમ્ ચ લભતે નાત્ર સંશયઃ”

આનો અર્થ છે કે જે વ્યકિત ગણપતિ સ્તોત્રનો નિયમીત પાઠ કરે છે તેને છ માસમાં જ વાંચ્છિત ફળ મળે છે અને વર્ષ પૂરૂં થતામંા તો તેને પૂરી સિદ્ધિ મળે છે એમંા કોઇ શંકા જ નથી. હવે તમે જ કહો કે કોમ્પ્યુટરના અભ્યાસમાં જે વ્યકિત તન-મન લગાવી રાત દિવસ રત રહે તો શું તેને છ માસમાં સારી નોકરી ના મળે ? અને જો વર્ષે દિવસે તેમંા નિષ્ણાત થઇ ડોટકોમની કંપની શરૂ કરે તો કરોડાધિપતિ થઇ જાય કે નહીં ? આવા તો કેટલાયે દાખલા આજે મોજુદ છે. ખેર એ દુંદાળા ગણપતિ દાદા કોમ્પ્યુટર હતા કે નહી તે વાત બાજુએ મુકીએ તો પણ આજના આ સૂંઢાળા -કેબલ રૂપી સૂંઢવાળા- કોમ્પ્યુટરની સેવાથી જરૂર સિદ્ધિ પાપ્ત થાય છે. તેમાં તો કોઇ શંકા જ નથી. ન અત્ર સંશયઃ ૐ શાન્તિઃ શાન્તિઃ શાન્તિઃ

Comments»

1. - March 2, 2007

કદાચ એ જમાનાનું ગણપતિ કોમ્પુટર હશે.

2. - March 2, 2007

સરસ વિચાર છે. ગીરીશભાઈ ગણપતીબાપ્પાનું કળિયુગી અર્થઘટન સરસ કર્યું છે.

3. - March 2, 2007

માઉસ અને ગણિત ઉપર લખાયેલ હાસ્ય પ્રચુર લેખ..
મલઝ આવી ગૈ

4. - March 2, 2007

મઝા આવી ગઇ


Type in
Details available only for Indian languages
Settings Settings reset
Help
Indian language typing help
View Detailed Help