” વાદળ અને વર્ષા “ May 12, 2007
Posted by vijayshah in : કવિતા , trackback” વાદળ અને વર્ષા ”
નભમાં થાયે શાને વાદળ કાળાં!
‘ ને વર્ષે શાને તેમાથી પાણી !
સૂરજે ધોળે દિ ચોરી રે કીધી
આપે છે એની તેતો એંધાણી.
બાષ્પ કરી એણે પાણી ઉપાડયું
માન્યું ,નહીં જાય વાત કોઇ જાણી,
વળી છૂપવવા એ ચોરેલું પાણી,
એણે કાળી ચાદર, વાદળની તાણી.
પણ મેઘધનુષ તણાયું જયાં નભમાં
સાતે રંગમાં ચમકયું એ પાણી,
ફાળ પડી સૂરજને હૈયામાં કે
જશે વાત બધાં હવે જાણી.
જો હું નહીં આપું પાણી પાછું
તો થશે મારી બદનામી,
એમ વિચારી એણે નીચોવ્યાં એ વાદળ
‘ને વરસાવી દીધું બધું પાણી.
વર્ષી ગઇ વર્ષા,’ને વિખરાયાં વાદળ
ભરી કૂવા તળાવમાં પાણી
સૂરજની એ ચોરી, ભૂતળને ભાવી,
રાજી રાજી થયાં સહુ પ્રાણી.
ભેગાં મળી સહુ વિનવે સૂરજને
સદા દેતાં રહેજો આમ પાણી.
તે દિથી નભમાં થાય વાદળ કાળાં
‘ને વર્ષે છે તેમાંથી પાણી.
Comments»
no comments yet - be the first?