jump to navigation

“દિવાસ્વપ્ન” December 25, 2007

Posted by girishdesai in : કવિતા , add a comment

દિવાસ્વપ્ન

નિરાંત વેળા આ મન મારૂં, ડૂબ્યું સ્મૃિત કેરા સાગરમાં.
પહોંચી ગયો વતન માંહે, બેઠો હતો જુના પ્રાંગણમાં.

જોયા ત્યારે મેં જે દ્રષ્યો, કહું તે તમ સહુને આ પળમાં
જે ડૂબવશે તમ સહુને પણ,સ્મૃિત કેરા સાગરમાં.

વિધ વિધ પ્રાણી ત્યાં તો મેં દીઠાં, બેઠા બેઠા પ્રાંગણમાં
કદી દીઠી ગાવડી ફરતી,સૂણ્યો ગર્દભ ભૂકતો મસ્તિમાં.

વૃક્ષ ’પર વાનર કૂદ્યો ’ને, ભસ્યો શ્વાન આવી આંગણમાં
કાગડો કા કા કરતો ઉડયો,બોલી કોયલ મીઠા સૂરમાં.

ત્યાં તો આવ્યો શાકભાજી વાળો, બૂમો પાડતો ઊંચા સૂરમાં
શાકભાજી હું લાવ્યો છું તાજી, લઇ લો બેઠા બેઠા ઘરમાં.

જીવંત આવું દ્રષ્ય જોઇ, હરખાતો ’તો હું મુજ મનમાં
ત્યાં તો ફોનની ઘંટડી વાગી,તુટયું દિવાસ્વપ્ન તે ક્ષણમાં.

થયો સભાન, મેં કીધો નિશ્ચય,જાવા ફરી એ આંગણમાં
ત્યાં જઇને મેં જે જોયું તેથી થયું આશ્ચર્ય મુજ મનમાં.

દ્રષ્ય એ જુનું ના દેખાયું, જે છુપાયું હતું મારા મનમાંં
ઇંટો કેરા માળા ત્યાં દીઢાં, જયાં હતા વૃક્ષો આમલડીના.

ગઈ આમલી ગયા લીમડાના , ત્યાં થયા રસ્તા ડામરના
કૂદતાં વાનર ’ને ગાતા પંખી, કેમ ન આવે તે દ્રષ્ટિમાં.

કરી નષ્ટ વન ઉપવનો, માનવી બાંધે માળા ઇંટોના
તો કયાં વસશે પંખીને પ્રાણી,એ વિચારું હું મુજ મનમાં.

“અહંનો અંચળો” December 21, 2007

Posted by girishdesai in : વિચાર , add a comment

“અહંનો અંચળો”
ઓઢી અહંનો અંચળો,બ્રહ્મ અંતરમાં છુપાય
દે દર્શન એ બ્રહ્મ જ્યારે અંચળો દૂર થાય.

“પૂનર્જન્મ– “અહંની યાત્રા” December 19, 2007

Posted by girishdesai in : ચિંતન લેખ , add a comment

પૂનર્જન્મ
“અહંની યાત્રા”

પ્રાણી માત્ર પોતાના જીવન દરમ્યાન સુખ અને સગવડની ઇચ્છા રાખે છે. પરંતુ મનુષ્ય જ એક એવું પ્રાણી છે કે જેનું અંતર કેવળ સુખ સગવડ ઉપરાંત પોતાના મૃત્યુ બાદ જન્મ મૃત્યુના ફેરામાંથી મુકત થવાની, યા તો કાયમ માટે સ્વર્ગ સુખની એષણા રાખે છે. અને આ ઇચ્છા તેને એક યા બીજા ધર્મ તરફ ઘસડી જાય છે, કારણ દરેક ધર્મ પોતાની બાંગ પોકારીને કહેતો હોય છે કે તમારી એ ઇચ્છા પરિપૂર્ણ કરવાનો ઇલાજ અમારી પાસે છે. બધા જ ધર્મો કહેતા હોય છે કે પ્રામાણિકતા અને સદાચારથી તમે તમારું ધ્યેય હાંસલ કરી શકશો. હિન્દુઓનો કર્મનો સિદ્ધાંત પણ આ જ વાતને અનુમોદન આપે છે. પરંતુ આ સિદ્ધાંત એટલેથી જ નથી અટકતો. આ સિદ્ધાંત તો એમ સુચવે છે કે કેવળ પ્રામાણિકતા અને સદાચાર એ તમને ધ્યેય તરફ લઇ તો જશે પરંતુ ધ્યેય નજીક આવતાં જ સમજાશે કે ત્યાં પહોંચતા પહેલાં હજી એક અતી દુષ્કર ખાડી ઓળંગવાની બાકી છે,જે કેવળ પ્રામાણિકતા અને સદ્દ્વર્તનને સહારે ઓળંગી શાકાતી નથી. આ ખાડીનું નામ છે ‘અહંકાર’. અહંકાર એટલે માલિકીનો દાવો. જો હું કોઇ વસ્તુ ઉપર મારી માલિકીની છાપ મારૂં તો એમાંથી ઉભી થતી સુખ દુઃખની બધી ઉપાધિ મારે જ ભોગવવી પડે ને ? અને ઇશ્વર કરતાં વધુ ન્યાયી બીજું કોણ હોઇ શકે ! તે આપણને માલિકી ભાવથી કરેલા કર્મનું ફળ જરૂર આપે છે, વળી સાથે સાથે એ ફળ સારી રીતે ભોગવી શકાય તેવો યથાયોગ્ય દેહ પણ આપતો રહે છે. આને જ હિન્દુઓ પૂનર્જન્મ કહે છે.અને આમ આ અહંકાર આપણને જન્મ મૃત્યુના ફેરામાં ફસાવે છે. જો આપણે આ ફેરામાંથી છુટવું હોય તો આપણે આપણા કોઇ પણ કર્મ ઉપર માલિકી ભાવનો દાવો કરવો નહીં. આ દાવા વગર કરેલું કર્મ એટલે જ નિષ્કામ કર્મ.પરંતુ આવી ઘટના બને છે કે નહીં તેનો કોઇ પુરાવો મળતો નથી.આ તો કેવળ માન્યતા છે.(જે વસ્તુનો પુરાવો ન હોય તેને જબરજસ્તી મનમાં ઠસાવી દઇએ એ માન્યતા)હિન્દુ, બુદ્ધ અને જૈન ધર્મોને આ માન્યતા સ્વિકાર્ય છે.પરંતુ ખ્રિસ્તી,યહુદી અને ઇસ્લામ ધર્મોને તે સ્વિકાર્ય નથી.પરંતુ આ પાશ્ચાત્ય ધર્મોમાં પણ સ્વર્ગ અને નરકની માન્યતા તો છે જ. તેઓ માને છે કે મૃત્યુ બાદ મૃતાત્મા “પરગેટોરી” નામના કોઇ સ્થળમાં નિવાસ કરે છે અને એક એવો મુકરર દિવસ આવે છે કે જયારે ઇશ્વર આ સ્થળે આવી આ આત્માઓને એમના કર્મ પ્રમાણે સ્વર્ગમાં કે નરકમાં કાયમ માટે મોકલી આપે છે. આ મૃતાત્માઓને ફરી સુધરવાની તક આપતો નથી અર્થાત પૂનર્જન્મ મળતો નથી. તો ઇશ્વર આવો નિર્દય હશે શું?આ મુકરર દિવસને ખ્રિસ્તીઓ અને યહુદીઓ “ડે ઓફ રીસરેકશન’ કહે છે અને મુસ્લિમો તેને “કયામત”નો દિવસ કહે છે.
પૂનર્જન્મ કે સ્વર્ગ અને નરક છે કે નહીં તે કોણ કહી શકે. છતાં પૂનર્જન્મવાદીઓ પોતાનો મત સિદ્ધ કરવા કેવળ શ્રદ્ધાનો સહારો ન લેતાં તર્કબદ્ધ દલીલોનો સહારો લે છે.તેમની પહેલી દલીલ તો એ છે કે કોઇ પણ વ્યકિત કે જે કર્મના સિદ્ધાંતમાં માનતી હોય તેણે પૂનર્જન્મની માન્યતા સ્વિકારવી જ પડે. જો તે એમ ન કરે તો તે કોઇ દુરાચારીને સુખમાં રાચતો કે કોઇ સદાચારીને દુઃખમાં રડતો જુએ તો એ ઘટના કેવી રીતે સમજાવી શકે ? આવી ઘટના જોતાં જ એ કહેશે કે “અરે ભાઇ,આતો એના આગલા જન્મના કર્મોનું ફળ ભોગવે છે.” પણ આ ઉપરથી તો એમ સાબીત થાય કે કર્મનો નિયમ તો પ્રારબ્ધને જ પ્રાધાન્ય આપે છે અને તેથી લોકો પ્રારબ્ધ ઉપર આધાર રાખી નિષ્ક્રિય થઇ જાય છે. તો શું કર્મનો સિદ્ધાંત સાચે જ નિષ્ક્રિયતાનો પ્રેરક છે?
ના, જરાય નહી.કર્મના સિદ્ધાંતને પ્રારબ્ધવાદ માની લેવા જેવી બીજી મોટી ભૂલ કોઇ નથી એમ હું માનું છું. કારણ આ સિદ્ધાંત કર્મ ઉપર નહી પણ કર્મ કરવાની રીત ઉપર, અર્થાત અહંકાર રહીત પુરૂષાર્થ એટલે કે નિષ્કામ કર્મ ઉપર ખાસ ભાર મુકે છે. બૌદ્ધો અને જૈનો તો ભગવાન કરતાં પણ આ નિયમને વધુ અગત્ય આપે છે.
હવે વૈદિક વિચાર ધારા પ્રમાણે પૂનર્જન્મ અંગે શું સમજાવ્યું છે તે જોઇએ. આ તત્ત્વજ્ઞાન પ્રમાણે માનવ જીવના ત્રણ અલગ અલગ ભાગમાં પાડી એમાના કયા ભાગ માટે પૂનર્જન્મની શકયતા છે તે સમજાવ્યું છે.આ ત્રણ ભાગ આ પ્રમાણે છે.
૧) કારણ શરીર ૨) સ્થૂળ શરીર કે કાર્ય શરીર ૩) સૂક્ષ્મ શરીર કે કારક શરીર

કારણ શરીર –
આ શરીર કે જેને કારણે બીજા બે શરીર સંભવી શકે છે અને ટકી શકે છે તેનું વર્ણન કરતાં શાસ્ત્રો કહે છે કે તે શાશ્વત, અજન્મા,અદ્રષ્ય,સર્વવ્યાપી વગેરે વગેરે છે. તો જે જન્મ્યું જ નથી તેનું મૃત્યુ કેવી રીતે થાય? અને મૃત્યુ વગર પૂનર્જન્મ કયાંથી ? અર્થાત આ કારણ દેહના પૂનર્જન્મ વિશે વિચાર કરવો પણ યોગ્ય ન ગણાય.

ન જાયતે મ્રિયતે વા કદાચિત્ નાયં ભૂત્વા ભવિતા વા ન ભૂયઃ
અજો નિત્યઃ શાશ્વતઃ અયં પુરાણો ન હન્યતે હન્યમાને શરીરે ગીતા ૨,૨૦

સ્થૂળ શરીર –
આ શરીર “આકાશ,અગ્નિ,વાયુ,પૃથ્વી અને પાણી” એ પંચમાભૂતોનું બનેલું છે. અહીં ‘ વાયુ ,પૃથ્વી અને પાણી’નો ઉલ્લેખ કરી પદાર્થ માત્રની ઘન,પ્રવાહી કે વાયુ સ્થિતીનું સુચન કરવામાં આવ્યું છે. જયારે અગ્નિ “પ્રકાશ અને ગરમી”શકિતનું સુચન કરે છે. અને આકાશ આ બધા‘પદાર્થ અને શકિત’ને પાંગરવા માટે અતિ આવશ્યક છે.અને મૃત્યુ પછી આ પાંચ તત્ત્વોના બનેલા દેહનું,એના મૂળ તત્ત્વોના રૂપમાં પરિવર્તન થાય છે.(Law of conservation of mass and energy) આ દ્રષ્ટિએ જોતાં કદાચ એમ કહી શકાય કે આ પાંચ તત્ત્વોનો પૂનર્જન્મ થયો.પરંતુ આ તત્ત્વો સ્થૂળ દેહની ઉત્પત્તિ થતાં પહેલા પણ હતાં જ કેવળ સ્થૂળ દેહનો અંચળો ઓઢી સંતાઇ રહયાં હતા એટલે કે દેહ રૂપમાં વ્યકત હતાં એમ કહેવાય. ગીતામાં આ વાતનો પણ ઉલ્લેખ છે.

અવ્યકતાદીનિ ભૂતાનિ વ્યકત મધ્યાનિ ભારત
અવ્યકતનિધનાન્યેવ તત્ર કા પરિદેવના ગીતા-૨,૨૮

વળી ફરી નવો અંચળો ઓઢી બીજી કોઇ પણ યોનીમાં નવો દેહ ધારણ કરી આ પાંચે તત્ત્વો વ્યકત થઇ શકે ખરાં. તેથી આ ક્રીયાને પૂનર્જન્મ કહેવા કરતા દેહની પૂનરાભિવવ્યકિત કહીએ તે વધારે યોગ્ય ગણાય એમ હું માનું છું.

સૂક્ષ્મ શરીર-
આ શરીર “મન, બુદ્ધિ ચિત્ત અને અહંકાર” નામના ચાર અંગોનું બનેલું છે.જેનું બીજું નામ છે ‘અંતઃકરણ’, અંતઃકરણનો સાચો અર્થ છે અંતરગત કરવું.(જેમ કે વશીકરણ કે વર્ગીૈકરણ કરવું) જીવન દરમ્યાન થતા અનુભવોને અંતરગત કરી વ્યક્તિત્વ ઘડવાની ક્રિયાને પણ અંતઃકરણ કહેવાય ને ? આપણે સહુ જાણીએ છીએ કે કોઇ પણ વિશયનું જ્ઞાન મેળવવું હોય તો સૌથી પ્રથમ
તે વિશય અંગેની બધી માહિતી મેળવવી જોઇએ. પછી
તેનું પૃથકકરણ અને વર્ગિકરણ કરવું જોઇએ ત્યાર પછી
આ વર્ગોને અલગ અલગ લેબલ લગાવ્યા બાદ
આ વર્ગોનોે સંગ્રહ કરવો અને છેલ્લે
તેના ઉપર મહોર મારી આ બધી માહિતી ભાવિ માટે સાચવી રાખવી.
આ ક્રિયાઓ આપણા અંતરમાં પણ આ પ્રમાણે જ થાય છે.
આપણું ભટકતું મન જુદી જુદી માહિતી મેળવી બુદ્ધિ ને આપે છે.
બુદ્ધિ તે માહિતી સારી છે કે ખોટી તેનું નિદાન કરી વર્ગિકરણ કરી ચિત્તને આપે છે.
ચિત્ત આ બધાનો સંગ્રહ કરી અહંકારને આપે છે અને
અહંકાર તેના ઉપર ” આ બધી માહિતી મારી છે” એવી મહોર મારી સાચવી રાખે છે.
અને જીવનભર આ અહંકાર સાચવેલી માહિતી વડે પોતાનું વ્યક્તિત્વ ઘડે છે.
ગીતામાં એમ કહયું છે કે મૃત્યુ બાદ, પવન જેમ ગંધને તાણી જાય છે તેમ આ અહંકાર (જીવાત્મા) પૂર્વ દેહમાં સંગ્રાહેલી વિગતોને સાથે તાણી જઇ નવા દેહ સાથે જોડે છે.

શરીરં યદવાપ્નોતિ યત્ ચ અપિ ઉત્ક્રામતી ઇશ્વરઃ
ગૃહીત્વા એતાની સંયાતિ વાયુઃ ગન્ધાન્ ઇવ આશયાત્ગીતા ૧૫-૮

મૃત્યુ પામતા પહેલાની જીવનની છેલ્લી પળોમાં અધુરી રહેલી કેટલીક ઇચ્છા મનને કોરી ખાતી હોય છે. આવી ઇચ્છા વાસનાનું રૂપ લઇ નવા જીવનમાં ડોકીયાં કરે છે.જયારે કેટલીક ઇચ્છા એવી પણ હોય છે કે જે મનને કોરી નથી ખાતી છતાં મનમાં તે પુરી ન થવાનો અસંતોશ રહી ગયો હોય.આવી ઇચ્છા નવા જીવનમાં સંસ્કાર રૂપે વ્યકત થાય છે આમ સંસ્કાર અને વાસનાનું ભાથું લઇ અહંકાર પોતાની લખ-ચોરાસીની યાત્રામાં આગળ વધે છે. પૂર્વ જીવનની માહિતીનું નવા જીવનમાં થતું આવું પ્રસારણ કદાચ એક ઉદાહરણથી વધુ સમજાશે. જેમ રેડીયો સ્ટેશનેથી પ્રસારીત માહિતી યોગ્ય રીતે ટયૂન કરેલો રેડીઓ ઝીલે છે તેમ જ પૂર્વ જીવનના અંતઃકરણમાં સંગ્રાહેલી માહિતીથી, વાસનાઓથી, યોગ્ય રીતે ટયૂન થયેલું નવા દેહનું મગજ એ જુની માહિતીના પ્રસારણને ઝીલીને નવા અનુભવ કરતું હશે. આમ બને છે કે નહીં તેનો પુરાવો મારી પાસે નથી. આતો કેવળ મારી માન્યતા જ છે. એની હાંસી ઉડાવશો કે અવગણના કરશો તો મને કોઇ વાંધો નથી. પરંતુ મારા વિચારોમાં થયેલી ક્ષતિઓ પ્રત્યે મારું ધ્યાન નહીં દોરો તો મને દુઃખ તો જરૂર થશે.
ઇતિ.

“મોટી બહેની” December 13, 2007

Posted by girishdesai in : કવિતા , add a comment

પૂર્વ જન્મોના કઇ પૂણ્યોને કારણ
મને મળ્યો જે બહેનીનો સાથ,
તે દેતી રહી પ્રેમ સદાય મુજને
જાણે હતી એ મારી માત.

સાચે આ મારી મોટી બહેની
હતી હૃદયની સાવ નિષ્પાપ,
કટુ વાણી ન કદી કહેતી કોઇને
ન કદી બોલતી ઊંચે સાદ.

જે કાંઇ વીતી એને માથે
સહી લીધું બધું ચૂપચાપ,
એવી આ મારી મોટી બહેની
પ્રભુ,આવી છે તારી પાસ.

પ્રભુ,સુણજે આ આજીજી મારી
જે હું કરી રહયો છું આજ,
માત સમી આ મારી બહેનીને
સદા સંભાળી રાખજે તારી પાસ.

ગિરીશ

“વિચારના વહેણ” December 11, 2007

Posted by girishdesai in : કવિતા , add a comment

વિદીત થાય વિશ્વ આ વિચારના વહેણમાં
વિચાર શમતાં જ વિશ્વ વિસરાઇ જાયે.

વિચાર તો વહેણ છે જીવન સરિતા તણું
વમળ પાપ પુણ્યના એ વહેણ માંહીં થાયે.

જો ખાળો એ વહેણને બુદ્ધિના બંધથી
તો વમળ પાપ પુણ્યના વિખરાઇ જાયે.

“Learning” December 6, 2007

Posted by girishdesai in : કવિતા , add a comment

Learning

Learning is a process that
We must go through on our own
And to succeed in such endeavor
We must rid of our every lazy bone.

And whatever we try to learn
We must do it without groan and moan
Then there is nothing in this world
That can really remain unknown.

“તો કહો શાથી ?” December 4, 2007

Posted by girishdesai in : વિચાર , add a comment

“તો કહો શાથી ?”

પુષ્પો ન હોયે તો ન મળે પરાગ
‘ને પરાગ વીના થાયે બીજ કયાંથી ?

ન હોય બીજ તો ઉગે કેમ વૃક્ષો
વૃક્ષો ન ઉગે તો વનરાઇ કયાંથી ?

વનરાઇ પોશે સહુ પ્રાણીઓને
ન પોશાય પ્રાણી તો માનવી કયાંથી ?

જે સાચવે છે આ પર્યાવરણને
તે પુષ્પો ઉગે છે પ્રભુની કૃપાથી

તો કહો

માનવી પ્રભુને પથ્થર બનાવી
હણી પુષ્પો તે ‘પર ચઢાવે શાથી ?

“ઈશાવસ્ય શ્લોક- ૧૭,૧૮

Posted by girishdesai in : ચિંતન લેખ , add a comment

શ્લોક – ૧૭
વાયુઃ અનિલં અમૃતં અથેદં ભસ્માન્તં શરીરમ્ ૤
ક્રતો સ્મર કૃતં સ્મર ક્રતો સ્મર કૃતં સ્મર ૤૤

રહો પ્રાણ (મારો) અમૃત અનિલે
થાઓ ભસ્મ દેહ આ (મારો)
ૐ ધાર્યું સ્મર, કર્યું સ્મર -ધાર્યું સ્મર,કર્યું સ્મર.

હવે જયારે જીવનનો સૂર્ય અસ્તાચળ સુધી પહોંચી ચુકયો છે અને ડુબવાની તૈયારીમાં છે ત્યારે સાધક પોતાના મનનું અને જીવનભર કરેલા કર્મોનું સરવૈયું કાઢતા પોતાના મનને પૂછે છે કે હે મન હે ક્રતુ, હે મારા મનોબળ તેં જીવનભર શું શું ધાર્યું હતું અને તે શું શું કર્યું તેનું સ્મરણ કર.આપણા જીવન દરમિયાન જે જે કર્મો કર્યાં હોય જે જે વિચારો સેવ્યાં હોય તે જ વિચારો છેલ્લી ઘડીએ યાદ આવે.

યં યં વાપિ સ્મરન્ભાવં ત્યજત્યન્તે કલેવરં ૤
તં તેમેવૈતિ કૌતેય સદા તભ્દાવભાવિતઃ ૤૤ ગીતા ૮-૬

એનો અર્થ છે કે મનુષ્ય અંતકાળે જે જે પદાર્થનું સ્મરણ કરતો દેહ છોડે છે તે તે પદાર્થોને જ તે એના પુનર્જન્મમાં પામે છે.અર્થાત આમાનાં જે જે વિચારો, જે જે એષણાઓ અપૂર્ણ રહેવાથી મનમાં તેનો વસવસો રહી ગયો હોય (પોટન્ટ ડીઝાયર્સ )તે બધા વિચરો અને એષણાઓ પુનર્જન્મમાં મનની વાસના રૂપે પ્રગટ થાય,વળી એવી ઇચ્છાઓ કે અધુરી રહી હોય છતાં મનમાં જેનો વસવસો ન રહયો હોય (લેટન્ટ ડીઝાયર્સ) તે પુનર્જન્મમાં સંસ્કાર બની પ્રગટ થાય. કહેવાની મતલબ એ છે કે જીવનભર આપણે જે જે ધાર્યું હોય જે જે કર્યું તે જ મૃત્યુ વખતે યાદ આવે છે.અહીં ઇશાવાસ્ય વૃત્તિથી જીવન જીવી ચુકેલા સાધકને મનનું સરવૈયું કાઠતાં બતવ્યો છે.આવો સાધક છેલ્લી ઘડીએ મોક્ષનો વિચાર કરતો જણાય છે.તે પ્રાર્થે છે કે ભલે આ મરો દેહ ભસ્મસાત થઇ જાય પણ મરો આ પ્રાણ અનિલમાં અર્થાત માતરિશ્વમાં ભળો.મૃત્યુ વેળા આવા ઉદ્દગાર તો જેને દેહનો કે સંસારનો જરા પણ મોહ રહયો નથી તે જ કાઢી શકે.પૂજય ગાંધીજી એમનું જીવન આવી ઇશાવાસ્ય વૃત્તિથી જીવ્યા એટલે જ મૃત્યુ સમયના એમના ઉદ્દગાર હતા “હે રામ ”

શ્લોક-૧૮
અગ્ને નય સુપથા રાયે અસ્માન્
વિશ્વાનિ દેવ વયુનાનિ વિદ્ધાન ૤
યુયોધિ અસ્મદ્ જજુહુરાણમેનો
ભયિષ્ટામ્ તે નમ ઉકિતં વિધેમ ૤૤

હે પ્રાણ, લઇજા સુપથે સિદ્ધિ માટે
(તું છે)વિશ્વદેવ સહુ કર્મો જાણનાર
કરી દે દૂર અમ પાપ વાંકા જનારા
ઝાઝાં હો નમન તને અમારા.
શ્લોક સત્તરમાં મન સુધી પહોંચાલો સાધક આ શ્લોકમાં એના આત્માને પ્રાર્થના કરતો હોય એમ લાગે છે. ‘વયુનાનિ’ નો અર્થ છે કર્મો. સાધક જાણે છે કે આપણા બધાં જ કર્મોનું સાક્ષી છે આપણું મન.પણ મનનો કોઇ સાક્ષી હોયતો તે છે આપણો આત્મા. અને તેથી જ સાધક આત્માને વારંવાર (ભૂયિષ્ટામ્ ) વિનંતી કરે છે કે હે આત્મા,તું તો અમારા મનનો પણ સાક્ષી છે એટલે તું અમારા કીધેલા બધાજ કર્મો જાણે છે.તો તું અમને,પાપ કર્મો કરાવનારા આ અમારા દેહ અને મનથી દૂર કરી સિદ્ધિના સરળ માર્ગે લઇજા.

ઉપસંહાર
આ ઉપનિષદમાં ૠષિ આપણને સમજાવે છે કે ‘અદઃ અને ઇદં’ અર્થાત પુરૂષ અને પ્રકૃતિ રૂપે ભાસતા બે પૂર્ણ વાસ્તવમાં એક જ છે છતાં તે બે જુદા જુદા હોય એવી પ્રતિતી થવાનું કારણ છે જોનારની દ્રષ્ટિ,જોનારનું મન.જો પ્રકૃતિના કણ કણમાં પુરૂષનો વાસ હોય અને જો પુરૂષ પૂર્ણ હોય તો તે પ્રકૃતિ અપૂર્ણ કેવી રીતે હોઇ શકે ? અહીં ૠષિ વિવિધ પ્રકૃતિના લોકો માટે વિવિધ શબ્દો વાપરી એક જ વાત સમજાવે છે.એમના મત પ્રમાણે સહુના જીવનમાં ભોગ અને ત્યાગ, વિદ્યા અને અવિદ્યા તથા સંભૂતિ અને વિનાશનું જ્ઞાન અનીવાર્ય છે અને તેથી જ તે બધાની પુરતી સમજ કેળવવી જ જોઇએ. વધારામાં એમ પણ કહયું કે આ બાબતો વિશેના વિચારો જમાના પ્રમાણે બદલાતા રહે છે તેથી દરેક વ્યકિતએ તત્કાલીન ધીર પુરૂષોની સલાહ પ્રમાણે ચાલવું. ૠષિનું કહેવું છે કે જયારે કોઇ વ્યકિત પોતાના મનમાં પુરૂષ અને પ્રકૃતિને એક બીજામાં ઓત પ્રોત કરી મુકે છે ત્યારે જ એને સાચું બ્રહ્મજ્ઞાન લાધે છે.આવી વ્યક્તિત જ સુખ દુઃખમાં મનની સ્વસ્થતા સાચવી શકે છે. પારકાઓ પ્રત્યેની ઘૃણાનો ત્યાગ કરી શકે છે.અને આવી વ્યકિત જ અંત કાળે ભસ્મસાત થનાર દેહનો મોહ રાખ્યા વગર પોતાનો પ્રાણ પુરૂષમાં ભળી જાય એવી પ્રાર્થના કરી શકે. આમ ઇશાવાસ્ય ઉપનિષદમાં “આત્મા-પરમાત્મા”, “ભોગ-ત્યાગ”, “વિદ્યા-અવિદ્યા” તથા “સંભૂતિ- વિનાશ” જેવા ચાર દ્વૈતની ચર્ચા કરવામાં આવી છે.અને તમો ગુણી,રજો ગુણી, સત્વ ગુણી લોકોએ સત્યની શોધ માટે કેવી રીતે જીવનનું ઘડતર કરવું જોઇએ તેની સજમ આપી છે.મેં શરૂઆતમાં જ કહેલું કે પૂર્ણ ‘મદઃ પૂર્ણં ઇદં’ એ શાંતિ મંત્ર સમજાવવા કોઇ ધીર પુરૂષે અઢાર શ્લોકનું જે સંક્ષીપ્ત ભાષ્ય લખ્યંુ તે છે આ ઇશોપનિષદ. અઢાર શ્લોકમાં આટલું બધું સમજાવનાર ૠષિને નત મસ્તકે એટલું જ કહેવું રહયું કે
હે ૠષિવર્ય,
ભૂયિષ્ઠામ તે નમઃ ૤ ભૂયિષ્ઠામ તે નમઃ ૤ ભૂયિષ્ઠામ તે નમઃ ૤

અહીં આ સાથે ઇશોપ્નિષદની બાળપોથીની પૂર્ણાહુતિ કરું છું.

“શ્લોક-૧૫,૧૬” December 3, 2007

Posted by girishdesai in : ચિંતન લેખ , add a comment

શ્લોક-૧૫
હિરણ્મયેન પાત્રેણ સત્યસ્યાપિહિતં મુખમ્ ૤
તત્ત્વં પૂષન્નપાવૃણુ સત્યધર્માય દ્દષ્ટયે ૤૤
દેહ તણા પાત્ર વડે ઢંકાયું છે મુખ આત્મનું
પ્રભુ તે તું ઉઘાડી દે, કરૂં હું દર્શન સત્યનું.
આ શ્લોકમાં મેં હિરણ્યગર્ભનો અર્થ દેહ અને સત્યનો અર્થ આત્મા શાથી કર્યો તે અંગે ચોખવટ કરું. આ શ્લોકમાં વપરાયેલા, હિરણ્યમય અને સત્ય,આ બે શબ્દોનો અર્થ એક તો લૌકિક દ્રષ્ટિથી અને બીજી તાત્ત્વિક દ્રષ્ટિથી કરીએ તો જ આ અને આના પછીના શ્લોકનો અર્થ બરાબર સમજી શકાય એમ હું માનુ છું. લૌકિક દ્રષ્ટિએ જોતાં સત્યનો અર્થ સાપેક્ષ સત્ય એવો થાય તો શું સત્યનો કોઇ બીજો પકાર છે ખરો ? હા. તે છે સનાતન સત્ય,જે સત્ય સમયાનુસાર બદલાય તે લૌકિક સાપેક્ષ સત્ય કહેવાય પણ જે સત્ય સમય સાથે બદલાય નહી તે તાત્ત્વિક કે સનાતન સત્ય કહેવાય જેનું બીજું નામ છે ઋત. ઉદાહરણ, આજે હું જીવતો છું એ સત્ય છે પણ કાલે તે સત્ય ન પણ હોય.આ છે લૌકિક સત્ય.જયારે ગુરૂત્વાકર્ષણનો નિયમ ત્રણે કાળમાં સાચો જ રહેવાનો આ છે ઋત. તેજ પ્રમાણે લૌકિક દ્રષ્ટિએ તો હિરણ્યમય પાત્ર એટલે સોનમાંથી બનેલું પાત્ર.અથવા એમ કહેવાય કે લોભામણંુ પાત્ર અર્થાત પ્રેય વસ્તુ.આ પ્રમાણે જોતાં આશ્લોકના પહેલા પદનો લૌકિક અર્થ એવો થાય કે ‘ પ્રેય રૂપી ઢાંકણથી સત્ય રૂપી વાસણનું મુખ ઢંકાયેલું છે.‘ આજ કાલ પૈસાને કારણે દરેક સમાજમાં કેટલા જુઢાણા ચાલે છે એતો આપણે સહુ જાણીએ જ છીએ.હવે હિરણ્યમયનો તાત્ત્વિક અર્થ સમજતાં પહેલાં સાંખ્ય દર્શનનો ઉપરછલ્લો ખ્યાલ આપંુ તો મારા કહેવાની મતલબ જરા સરળતાથી સમજાશે.સાંખ્ય એ શબ્દ સંખ્યા ઉપરથી બનેલો છે. અને સાંખ્ય દર્શનમાં મૂખ્ય બે તત્ત્વોનો વિચાર કરવામાં આવ્યો છે. એક પુરૂષ અને બીજી પકૃતિ.પુરૂષતો સદા અવર્ણ્ય જ રહયો છે એટલે તેને તત્- ત્વમઅસિનું આગવું સ્થાન અપાયું પણ પ્રકૃતિને સમજવા તેને ચોવીસ પેટા તત્ત્વોમાં વિભાજીત કરવામાં આવી. તે ચોવીસ વિભાગો મેં અહીં આ પ્રમાણે દર્શાવ્યા છે. મહત, બુદ્ધિ, અહંકાર, મનસ, પાંચ તન્માત્રા, પાંચ કર્મેન્દ્રિઓ, પાંચ જ્ઞાનેન્દ્રિઓ અને પાંચ મહાભૂત. સાંખ્ય મત પ્રમાણે પુરૂષ સદા અવ્યકત રહે છે અને તે નિર્ગુણ, નિરાકાર, સર્વજ્ઞ, સર્વવ્યાપી વગેરે વગેરે છે પણ પ્રકૃતિ ત્રણ ગુણોથી યુકત છે. જયારે આ ત્રણે ગુણોની માત્રા એક સરખી હોય છે,અર્થાત જયારે આ ત્રણે ગુણો સમતોલ હોય છે ત્યારે પ્રકૃતિ અવ્યકત રહે છે પરંતુ જયારે આ ગુણોની માત્રા અસમતોલ થાય છે ત્યારે પ્રકૃતિ સૃષ્ટિ સ્વરૂપે વ્યકત થાય છે. આ અસમતુલા શાથી થાય છે તેનું કારણ આજ સુધી કોઇ જાણી શકયું નથી અને હવે પછી પણ જાણી શકશે નહી, કારણકે જયારે આ ત્રણ ગુણો સમતોલ હોય છે ત્યારે બધું જ અવ્યકત હોય છે અર્થાત કોઇ પણ જીવ સાક્ષી રૂપે હાજર હોતો નથી અને અસમતુલા થયા બાદ પણ જીવ સૃષ્ટિ ઉત્પન્ન થતાં કાંઇ કરોડો વર્ષ નીકળી જાય છે તો આ યુગો પૂર્વેનો વણ લખ્યો ઇતિહાસ કોણ જાણી શકે ? આમ જે અસમતુલાથી પ્રકૃતિનું સૃષ્ટિમાં પરીવર્તન થયું અર્થાત પ્રકૃતિનાં જે ગર્ભમાંથી છુપાયેલી સૃષ્ટિનો ઉદ્ભવ થયો તે ગર્ભને હિરણ્યગર્ભ કહેવાય છે.આ ઉપરથી એમ કહી શકાય કે આ ચોવીસ તત્ત્વો વાળી સૃષ્ટિ હિરણ્ય-ગર્ભથી ઢંકાયેલી છે અને તેમાં જ આપણો દેહ ઢંકાયો છે.આ કારણથી જ મેં હિરણ્યગર્ભનો અર્થ દેહ કર્યો. હવે સત્યનો અર્થ આત્મા શાથી કર્યો એનું કારણ આપવાની જરૂર છે ખરી? આત્માતો અજન્મા અને અમર છે એવી પ્રચલીત સામાજિક માન્યતા છે.મેં આત્માનો સાક્ષાતકાર કર્યો નથી એટલે મારે આટલેથી જ સંતોષ માનવો રહયો.અને દરેક વ્યકિતને દેહ કરતા વધુ પ્રિય કશું હોય છે ખરૂં ? વળી જે દેહમાં આત્માની હાજરી ન હોય અર્થાત મૃત દેહ કોઇને પણ પ્રિય લાગે ખરો?.આમ તાત્ત્વિક દ્રષ્ટિએ આ શ્લોકનો અર્થ એમ જરૂર કરી શકાય કે દેહ રૂપી પ્રેય ઢાંકણ વડે શ્રેય રૂપી આત્મા ઢંકાયેલો છે. હવે શ્લોકના બીજા પદમાં જે ‘સત્યધર્માય’ શબ્દ છે એનો અર્થ છે – સત્યધર્મા માટે – એટલે કે જે સત્યની શોધમાં નીકળ્યો છે તેને માટે. અહીં સાધક પોતે જેની શોધમાં નીકળ્યો છે તે પૂષન્ ને એટલે કે બ્રહ્મને વિનંતી કરે છે કે હે બ્રહ્મ, સત્યની શોધમાં નીકળેલા મારે માટે તું આ દેહનું આવરણ દૂર કર જેથી એમાં છુપાયેલ આત્માનું હું દર્શન કરી શકું.અહીં દેહ રૂપી આવરણ દૂર કરવાનો અર્થ મૃત્યુની પ્રાપ્તિ ન કરશો.મૃત્યુ પછી તો સત્યની શોધની વાત જ કયાંથી થાય ! જે દેહમાં જીવ ન હોય તે શોધ કેવી રીતે કરે. દેહ રૂપી આવરણનો અર્થતો ઋષિએ પહેલા શ્લોકમાં જ આપી દીધો છે.જગત્યામ્ જગત એટલે કે હર પળે બદલાતું જગત- ક્ષણભંગુર જગત- આપણો દેહ પણ જગતનો જ ભાગ છે અને તે પણ ક્ષણભંગુર છે એ વાત જો મનમાં બરાબર વસી જાય ‘આદાય’ તો જ દેહનો મોહ જાય. દેહનો આ મોહ એટલે જ આત્માનું આવરણ અને તે સત્યના પૂર્ણ જ્ઞાન સિવાય કદી દૂર થઇ શકે નહીં. અને પૂર્ણ જ્ઞાન માટે અહંકારનો નાશ કરવો અતિ આવશ્યક છે.જયારે બ્રહ્મ સત્ય જગત મિથ્યા એ જ્ઞાન ચિત્તમાં દ્રઢ થાય ત્યારે આપોઆપ સદેહે જ આ દેહાવરણ દૂર થઇ જાય. રાજા જનકને વિદેહિ કહેવાનું આજ કારણ છે. અને દરેક સાધકની, દરેક સત્યધર્માની આજ યાચના હોવી જોઇએ.
શ્લોક-૧૬
પૂષન્ એકર્ષે યમ સૂર્ય પ્રજાપત્ય વ્યૂહ રશ્મીન સમૂહ ૤
તેજો યત્તે “રૂપં કલ્યાણતમં તત્તે પશ્યામિ
યઃ અસૌ અસૌ પુરૂષઃ સોઅહમ્ અસ્મિ ૤૤

હે એકલગામી નિયંતા,પજાપતિ પુત્ર, સૂર્ય,
વિિસ્તારીને સંકેલીલે તું કિરણો ત્હારા.
જેથી હું જોઉ કલ્યાણમય રૂપ તારૂં
જે છે પેલો પુ઼રૂષ તે જ છે રૂપ પણ મારૂં.

અહીં આ પ્રાર્થના સૂર્યને ઉદ્દેશીને કરાઇ છે.કારણ કે સૂર્ય એ જીવનનું પ્રતિક છે.તેની શકિતથી જ જીવન ચાલે છે. આ રાત, દિવસ, ઋતુઓ, હવામાન, અનાજ, વર્ષા બધું જ એની શકિત ઉપર નિર્ભર છે ને? આ બધાંનું નિયમન તેનાથી જ થાય છે ને? અને તેથી જ એને અહીં યમ અર્થાત નિયામકનું બીરૂદ અપાયું છે.વળી પ્રજાપત્ય એટલે કે પજાપતિનો પુત્ર કહયો છે એનું કારણ એ છે કે સૂર્ય ભલે આ પૃથ્વીનો નિયામક હોય, પણ એના નિયામકતો એના પિતા બ્રહ્મા જ છે. બ્રહ્માન્ડમાં તો એના જેવા અને એનાથી પણ મોટા કેટલાંયે સૂર્ય છે.અહીં સાધક સૂર્યને તેના કીરણોનો વ્યૂહ કરીને, પસારીને, અર્થાત ફેલાવીને – જેમ યુદ્ધમાં લશ્કરને વ્યૂહ રચના વખતે ફેલાવી દેવામાં આવે છે તેમ – તથા સંકેલી લઈ ઍ ક સાથે સમૂહમાં બતાવવા અંગે વીનંતી કરે છે કે જેથી તે સૂર્યની પૂર્ણ શકિતના બધાંજ અંગો સમજી શકે. દા.ત.આપણે કોઇ પણ યંત્ર કેવી રીતે કામ કરે છે તે સમજવું હોય તો પહેલા તેના બધા ભાગ જુદા કરી તે દરેકનો અભ્યાસ કરી વળી પાછા એક પછી એક ભેગા કરી યંત્રને હતું તે સ્થિતીમાં મુકી દઇએ તો તે યંત્ર અંગેની પૂર્ણ માહિતી મળી જાય.હવે આ શ્લોકના છેલ્લા પદનો વિચારકરીએ તો સમજાશે કે ઋષિ સૂર્યનો નિર્દેશ કરી આત્માનો સંકેત કરે છે.આત્મા જ જીવનનો સૂર્ય છે એને પ્રતાપે જ આ દેહ સૃષ્ટિ ચાલે છે. જીવાત્મા જ દેહનો નિયામક (યમ) છે.અને દરેક જીવાત્મા પરમાત્માનો જ અંશ છે.અને પરમાત્મા એટલે પ્રજાપતિ બ્રહ્મ.આ દ્રષ્ટિએ જીવાત્માને પ્રજાપતિનો પુત્ર-પ્રજાપત્ય – કહી શકાય. આમ જો પ્રકૃતિમાં રહેલા દરેક જીવત્માને પરમાત્માનું એક કિરણ સમજી તે દરેકને અલગ અલગ તપાસી તેની ખાસીયતો નો અભ્યાસ કરીએ અને પછી આ બધાનો એકત્ર એટલે કે સામાજિક દ્રષ્ટિથી અભ્યાસ કરીએ તો જ સો અહં અસ્મિનો અનુભવ થાય. અહીં જીવાત્મા એટલે પ્રકૃતિ અને પરમાત્મા એટલે પુરૂષ એવો અર્થ કરીએ તો વ્યૂહ અને સમુહનો સચો અર્થ સમજાય.સૃષ્ટિના હરેક અંશને બરાબર રીતે,પૂર્ણ રીતે,સમજીએ તો જ પુરૂષનો પૂર્ણ ખ્યાલ આવે એમ ઋષિનું કહેવું છે.અને ત્યારે જ પુરૂષ અને પ્રકૃતિની એકતા સમજાય.આ એકતાનું જ્ઞાન થતાં જ આપોઆપ સો અહં અસ્મિ બોલાઇ જાય.અને આ સ્થિતીએ પહોંચેલા સાધકને માટે સુખ દુઃખ હર્ષ શોક કશું જ રહેતું નથી.એની સ્થિતી પરમાત્મ જેવી જ થઇ જાય છે.આવી સ્થિતીનો અનુભવ થયો હસે એટલે જ ને શ્રી શંકરાચાર્યે ગાયું કે ન પાપં ન પૂણ્યં ન સૌખ્યં ન દુઃખં

ન મંત્રો ન તીર્થં ન વેદા ન યજ્ઞઃ ૤
અહં ભોજનં નૈવ ભોજયં ચ ભોકતા
ચીદાનંદ રૂપં શિવોહં શિવોહં ૤૤

Type in

Following is a quick typing help. View Detailed Help

Typing help

Following preferences are available to help you type. Refer to "Typing Help" for more information.

Settings reset
All settings are saved automatically.