ધાર્મિકતા અને આધ્યાત્મિકતા (Religiosity And Spirituality) August 22, 2009
Posted by girishdesai in : ચિંતન લેખ , add a commentધાર્મિકતા અને આધ્યાત્મિકતા (Religiosity And Spirituality)
આ બે શબ્દો મેં ઘણી વખત સમાનાર્થે વપરાતા સાંભળ્યાં છે. પરંતુ મારી સમજ પ્રમાણે આ બેઉના અર્થમાં આસમાન જમીન નો ફેર લાગે છે. તેથી આ વાતની ચોખવટ કરવા હું આ લખાણ આપ સહુની સમક્ષ પ્રસ્તુત કરું છું. મારી સમજમાં કાંઇ ભૂલ હોય તો આપ સહુને તે અંગે પ્રતિભાવ પાડવા મારી ખાસ વિનંતી છે.
ધાર્મિકતા એટલે ધર્મપાલનને લગતા વિચાર કે વર્તન અને આધ્યાત્મિકતા એટલે આત્માને લગતા વિચાર કે વર્તન.
આમ તો ધર્મના ઘણા અર્થ થાય છે પરંતુ અહીં મેં એનો અર્થ જુદા જુદા માનવ સમાજમાં પળાતાં ધર્મો જેવા કે” હિન્દુ,મુસ્લીમ ખ્રિસ્તી વગેરે વગેરે” એવો કર્યો છે.આ બધા સામાજિક ધર્મો માનવ કૃત છે.અને તે બધાં જ સ્થળ અને કાળ પ્રમાણે બદલાતાં રહે છે.વળી આ બધા ધર્મો કેવળ માનવો માટે છે.માનવકૃત આ દરેક ધર્મમાં તેમના અલગ અલગ શાસ્ત્રોકત અને સામાજિક રીત રીવાજો અને વિધિ નિષેધો હોય છે અને દરેક મનુષ્ય તેના ધર્મના આ બંધનો મને કે કમને સ્વીકારી લે છે. અને આ સ્વિકૃતી જ તેને આધ્યામને રસ્તે જતાં રોકી રાખે છે. દા.ત. એને ત્યાં લગ્ન કે કથા પ્રસંગ હોય કે નવા ગૃહ પ્રવેશ માટેની વાસ્તુ વિધિ કરવાની હોય તો આ વિધિ માટે કયા મહારાજને બોલાવવો કે લગ્ન વિધિ માટે હોલની વ્યવસ્થા કયાં કરવી, આ વિધિ માટેનો કેટલો ખર્ચ થશે,કોને આમંત્રણ મોકલવા આવી બધી ગડમથલમાં જ એનો સમય બરબાદ થઇ જાય તો આધ્યાત્મનો વિચાર કરવાની ફુરસદ કયાંથી મળે ?
આમ માનવ કૃત આ બધા જ ધર્મો વ્યકિતને બહિર્મુખ બનાવે છે. પરંતુ આધ્યાત્મ માટે તો અંતરમુખ થવું ખૂબ આવશ્યક છે.આપણે સહુ જાણીએ છીએ કે વેદિક કાળમાં પણ આવી જ સ્થિતી હતી. વેદિક કાળમાં કર્મકાંડ અર્થાત યજ્ઞયાગ,હવન અને બલીદાનનું ખૂબ મહત્વ હતું. અને આવી ક્રિયામાં રત રહેતા સમાજને બહિર્મુખ થતો જોઇ કેટલાક સમજુ વિદ્વાન ઋષિઓએ વેદાન્તની એટલે કે ઉપનિશદોની અર્થાત જ્ઞાનકાંન્ડની રચના કરી સમાજને અંતરમુખ કરવાનો પ્રયત્ન કર્યો. ધર્મની સાચી વ્યાખ્યા તો છે “ધારયતિ ઇતિ ધર્મ” એટલે કે જે પ્રાણી માત્રનું રક્ષણ કરે,પાલન કરે તે સાચો ધર્મ. પણ જો ધર્મનું આપણે પાલન કે રક્ષણ કરવું પડે તો તે ધર્મ અપંગ જ ગણાય.માનવકૃત આ બધા ધર્મોમાં કેવળ માનવ જાતીના રક્ષણનો જ વિચાર કરાતો હોય છે. જગતના અન્ય પ્રાણીઓનો નહી.એટલું જ નહી પણ સમગ્ર માનવ જાતીનો પણ તેમાં સમાવેશ નથી કરાતો. કારણ દરેક ધર્મના રીત રીવાજો અલગ અલગ હોય છે.એમના મંદિરો,મ્સ્જિદો,ચર્ચ વગેરેમાં પ્રાર્થના કરવાના ઢંગ પણ અલગ અલગ વળી એમના દેવ પણ અલગ અલગ આવો શંભુમેળો જયાં હોય ત્યાં આધ્યાત્મિકતા ઉપર કોનું ધ્યાન રહે!
મને લાગે છે કે મનુષ્ય મનને અંતરમુખ કરવું એ અતિ મુશ્કેલ છેે એ વાત ધ્યાનમાં રાખીને પતંજલીએ યોગ સૂત્રની રચના કરી ધાર્મિકતાથી આધ્યાત્મિકતા સુધી કેમ પહોંચવું તેનો સાચો રસ્તો બતાવ્યો.અષ્ટાંગ યોગના પહેલા પાંચ અંગો (યમ,નિયમ,આસન,પ્રાણાયામ અને પ્રત્યાહાર) જગતની દરેક વ્યકિતને માટે એક સરખાં છે. પતંજલીના આ નિયમો અનુસાર જીવન જીવવમાં કોઇ મંદિર કે ચર્ચની જરુર નથી ઼ જરુરત છે કેવળ સૃષ્ટિ અને સૃષ્ટિના અન્ય પ્રાણીઓ સાથેના આપણા વ્યહવાર ઉપર ચાંપતી નજર રાખવાની.આ નિયમો છે સનાતન ધર્મના, માનવ ધર્મના, જેનું અનુસર કરીએ તો બીજા કોઇ પણ ધર્મની જરુર નથી. આ નિયમો આપણા મનને બહિર્મુખ ભલે રાખે પરંતુ તે મનને જરુર સ્વસ્થ અને શાંત રાખશે. અને મન જયારે સ્વસ્થ અને શાંત થાય ત્યારે તેને પતંજલીએ બતાવેલા છેલ્લા ત્રણ અંગો ” ધારણા,ધ્યાન અને સમાધિ” તરફ દોરી જવાનું સરળ થશે.શકય છે કે સમાધિ સુધી આપણે ન પણ પહોંચીએ પરંતુ ધારણા અને ધ્યાનથી અંતરમુખ તો જરુર થઇ શકીએ.અંતરમુખ થઇએ તો જ આપણને અંતરમાં છુપાએલા ” હું”નો પીછો પકડવાનો સમય મળેને ?
હવે ધાર્મિકતા અને આધ્યાત્મિકાતામાં મને જે ફેર જણાયો તેઅહીં રજુ કરું છું.
ધાર્મિકતા, આધ્યાત્મિકતા
૧ માનવકૃત છે. કુદરતી છે
૨ બદલાતી રહે છે “અનિત્ય છે” નિત્ય છે
૩ અનુકરણીય છે અનુભવનીય છે
૪ બહિર્મુખી છે અંતરર્મુખી છે
૫ વિવિધ પ્રકાર છે. એક જ પ્રકાર છે
૬ સ્વૈચ્છિક છે અનૈચ્છિક છે
૭ કેવળ મનુષ્ય માટે છે સર્વ પ્રાણી માટે છે.
૮ એનુ પાલન પોષણ આપણે કરવું પડે છે એ આપણું પાલન પોષણ કરે છે.