jump to navigation

અસ્તિત્વં February 18, 2007

Posted by vijayshah in : ચિંતન લેખ , trackback


અસ્તિત્વં અથવા “ત્વં અસ્તિ – તું છે” આ તું એટલે કોણ ? તું એટલે પેલી શકિત કે જેનાથી આ સૃષ્ટિનું સર્જન થયું.એને આપણે ઇશ્વર કહીએ કે ભગવાન, કૃષ્ણ કહીએ કે રામ કે પછી અલ્લાહ કહી કે ઇસુ એમાં કોઇ ફરક નથી પડતો. આ શક્તિનું જ બીજું નામ છે અસ્તિત્વ. ભગવાનનું કોઇ અલાયદું અસ્તિત્વ નથી પરંતુ અસ્તિત્વ એ જ ભગવાન છે. એ જ રામ છે એ જ રહીમ એ જ તમે છો એ જ હું છું. આ સારી સૃષ્ટિમાં જેનું પણ અસ્તિત્વ છે તે બધું જ ભગવાનનું રૂપ છે. છતાં એક વાત સમજવા જેવી છે.અને તે એ કે અસ્તિત્વ સદા વ્યકત નથી હોતું. પુરૂષ અને પકૃતિ સદાએ અવ્યકત હોય છે.અને પકૃતિ જયારે ત્રણ ગુણોની પકડમાં ફસાય છે ત્યારે તે સૃષ્ટિ રૂપે વ્યકત થાય છે.એનો અર્થ એ થયો કે જે અવ્યકત છે તેનું અસ્તિત્વતો છે જ પણ તે ઇન્દ્રિયાતીત હોવાથી આપણને દેખાતું નથી.હવા અને અવકાશ દેખાતા નથી તો શું એનું અસ્તિત્વ જ નથી એમ કહેવાય ? ભલે આપણને કોઇ ચીજ દેખાતી ન હોય પણ જો મનમાં એનો ભાવ થાય તો તેનું અસ્તિત્વ તો છે જ એમ માનવું રહયું. તેથી જ ગીતામાં કહયું છે ને કે
“ન અસતો વિધતે ભાવઃ, ન અભાવઃ વિધતે સતઃ”
ગયા અઠવાડીએ જ મેં ટીવી ઉપર એક પ્રોગ્રામ જોયો જેમાં ” ડાર્ક મેટર અને ડાર્ક એનર્જી ” અંગેની ચર્ચા કરવામાં આવી હતી. આજના ખગોળ શાસ્ત્રીઓ અને ભૌતિક શાસ્ત્રીઓ એવા નિર્ણય ઉપર આવ્યા છે કે જેને આપણે અવકાશ કે શૂન્ય કહીએ છીએ તે જગ્યા” ડાર્ક મેટરથી, એન્ટી મેટરથી” એટલે કે અદ્રષ્ય તત્વથી ભરેલી છે. અને તેમાં રહેલી શકિત ગુરૂત્વાકર્ષણથી વિરૂધ્ધની છે. જેને “એન્ટી ગ્રેવીટી, કે ડાર્ક એનર્જી” નું નામ આપવામાં આવ્યું છે.આ “ડાર્ક મેટર અને ડાર્ક એનર્જી ” સૃષ્ટિના સર્જનમાં અને તેની કાર્યવાહીમાં કેવો અને કેટલો ભાગ ભજવે છે તે અંગે તેઓ હજી સુધી કોઇ ચોકકસ નિર્ણય કરી શકયા નથી.છતાં આ વિધ્વાનોએ એટલુંતો સાબીત કર્યું છે કે આ વિશ્વની બધી જ નિહારિકાઓ એક બીજાથી દૂર ને દૂર ભાગતી જાય છે,એટલું જ નહીં પણ એમની ભાગવાની ગતિ વધતી જાય છે.આમ થવાનું એક જ કારણ હોઇ શકે અને તે એ કે કોઇ અજ્ઞાત શકિત આ બધી નિહારિકાઓને એક બીજા તરફ આકર્ષવાને બદલે એક બીજાથી દૂર હડસેલે છે.તેથી જ તેને “એન્ટી ગ્રેવીટી” નું નામ અપાયું છે. જો આમ જ હોય તો આ બધી જ નિહારિકાઓ એકલી અટુલી અનંતની યાત્રા કરતાં કરતાં અનંતના ગર્ભમાં જ ક્યાંક સંતાઇ જશે ને? શૂન્ય કહો કે અવકાશ કહો કે પછી અનંત કહો પણ પૂર્વે અવ્યકત આ સૃષ્ટિ એ શૂન્યમાંથી જ વ્યકત થઇ અને તેમાં જ તેના કોઇ ગુપ્ત પેટાળમાં પાછી અવ્યકત થઇ સંતાઇ જવાની.
” અવ્યકતાદીનિ ભૂતાનિ, વ્યકત મધ્યાનિ ભારત,
અવ્યકતનિધનાન્યેવ તત્ર કા પરિદેવના ” ગીતા ૨ – ૨૮
” શૂન્યમાંથી સૃષ્ટિ ઉત્પન્ન થઇ અને તે પાછી શૂન્યમાં જ ભળી જશે” એવા આપણા ઋષિમુનીઓના વિધાનમાં શું આ જ સત્ય છૂપાયું હશે! શૂન્ય કે અવકાશ એટલે કશું જ નહી છતાં આ શૂન્ય, આ અવકાશ,નો ભાવ આપણું મન સમજી શકે છે,અને તેથી જ કહી શકાય કે શૂન્યનું અસ્તિત્વ તો છે જ. અને આ અસ્તિત્વ એ જ ઇશ્વર.અર્થાત ઇશ્વર એટલે શૂન્ય તેથી જ તેને “નેતિ નેતિ ” કહેવાયો હશે ને ?
જો અવકાશનું અસ્તિત્વ જ ન હોત તો અસ્તિત્વને પાંગરવાનો અવકાશ રહેત ખરો?
૬-૩૦-૦૪

Comments»

1. - February 18, 2007

જો અવકાશનું અસ્તિત્વ જ ન હોત તો અસ્તિત્વને પાંગરવાનો અવકાશ રહેત ખરો?

ઘણીજ મનોગમ્ય વાત !


Type in

Following is a quick typing help. View Detailed Help

Typing help

Following preferences are available to help you type. Refer to "Typing Help" for more information.

Settings reset
All settings are saved automatically.