jump to navigation

“પાતંજલ યોગસૂત્ર” March 6, 2009

Posted by girishdesai in : ચિંતન લેખ , trackback

પાતંજલ યોગસૂત્ર

આ વિશે હું કાંઇ પણ લખું તે પહેલાં મારે એક વાતની ચોખવટ કરવી જરૂરી છે કે હું નથી કોઇ પંડિત કે નથી કોઇ સિદ્ધ કે સાધુ અને તેથી જો તમે એવી આશાથી વાંચશો કે આ લખાણથી તમને આ સૂત્રોમાં છુપાયેલું રહસ્ય જાણવા મળશે તો તમે જરૂર નીરાશ થશો.કારણ તત્ત્વનું (પરમાત્મ તત્ત્વનું) જ્ઞાન મેળવવું એ અનુભવનો વિષય છે. કે જે કેવળ વાદ વિવાદથી સમજી શકાય નહીં.વળી વધારામાં પતંજલીએ વાપરેલી ભાષા સૂત્રાત્મક હોવાને કારણે સમજવી વધુ મુશ્કેલ લાગે છે.અને આમે શાસ્ત્રો અને શાસ્ત્રિઓની ભાષા સમજવી એ કપરૂં કામ છે. છતાં આપણે જો સા.બુનો (સામાન્ય બુદ્ધિનો) ઉપયોગ કરતાં રહીએ તો ઘણી વાતો સ્વચ્છ થઇ શકે છે. મોટા ભાગના વિદ્વાનો આ પાતંજલ સૂત્રમાં વર્ણવેલ છેલ્લા બે અંગોને વધુ મહત્વ આપતા હોય છે.પરંતુ મારી દ્રષ્ટિએ તો આમ કરવું એ પહેલી ચોપડીના વિદ્યાર્થી ને કોલેજના પાઠ ભણાવવા જેવું કહેવાય.શાસ્ત્ર એટલે જીવન ઘડતર માટે કે જીવન નિર્વાહ માટે જરુરી શસ્ત્ર કે કળા .જેમ ભૌતિક શાસ્ત્ર કે રસાયણ શાસ્ત્ર આપણને જીવન જીવવામાં સુવિધા કરી આપે છે તેમ આ પાતંજલ યોગશાસ્ત્ર પણ જીવન જીવવામાં ઘણું ઉપયોગી નીવડે એમ છે એમ હું માનું છું.
હવે મૂળ વાત ઉપર વિચારીએ. પતંજલિ મુનિનું આ યોગ સૂત્ર, રાજયોગ અને અષ્ટાંગ યોગ નામે પણ જાણીતું છે.રાજ યોગ એટલા માટે કે જેમ રાજા પોતાના રાજયમાં રહેતા ધનિક અને નિર્ધન, ભણેલા અને અભણ બધાનો ખ્યાલ રાખે છે તેમજ આ યોગસૂત્રમાં પણ અબુધથી માડી બુદ્ધત્વની આકાંક્ષા રાખતા સર્વને માર્ગ દર્શન મળી રહે છે.અને અષ્ટાંગ યોગ એટલા માટે કે તેમાં અબુધતામાંથી બુદ્ધત્વ સુધી પહોંચવાના આઠ અંગોની સમજણ આપી છે.જેના નામ છે
યમ, નિયમ, આસન, પ્રાણાયમ, પ્રત્યાહાર. ધારણા, ધ્યાન અને સમાધિ.
પતંજલિએ આ સૂત્રોને સમાધિપાદ,સાધનપાદ, વિભૂતિપાદ અને કૈવલ્યપાદ એવા ચાર પાદમાં (પ્રકરણમાં )વહેંચી નાખ્યાં છે. હું અહીં કેવળસાધન પાદ ઉપર જ આપ સહુનું ધ્યાન દોરીશ.
પહેલા પાદમાં સમાધિ અને તેના પ્રકાર, ચિત્તવૃતિ અને તેના પ્રકાર, ચિત્તવૃતિ ને કારણે સમાધિની સાધનામાં આવતા અંતરાયો અને આ અંતરાયોને દૂર કરવા અભ્યાસ અને વૈરાગ્યની જરૂર અંગે ભાર મૂકયો છે.
બીજા પાદમાં ઉપર બતાવેલા આઠ અંગોના ઉપાંગો વિશે સમજણ આપી છે અને પહેલાં પાંચ અંગોની સાધના, (બહિરંગી સાધન) ઉપર ખાસ ભાર મૂકયો છે.જે જીવન સાધના માટેના પ્રાથમિક અને જરૂરી પગથીયાં છે.
ત્રીજા પાદમાં છેલ્લા ત્રણ અંગોની સાધના (અંતરંગી સાધન) વિશે સમજ આપી છે.અને આવી સાધનાથી મળતી વિવિધ સિદ્ધિઓનો ઉલ્લેખ કર્યો છે. પરંતુ કેવળ આવી સિદ્ધિ મેળવવા માટે જ સાધના કરવી એ તો ઉન્નતિ નહી પણ અધોગતિનો માર્ગ લેવા બરોબર છે.માટે એમ નહીં કરવાની ચેતવણી આપી છે. વળી એમ પણ કહયું છે કે કૈવલ્યની પ્રાપ્તિ માટે તો વિવેક અને સંયમ કેળવી સિદ્ધિની લાલચોથી દૂર રહેવું જ પડે છે.
ચોથા પાદમાં ચિત્તની સ્થિતિ બદલવાના પાંચ પ્રકારના રસ્તા અને તે દરેકમાંથી ઉત્પન્ન થતી ચિત્તની વિવિધ સ્થિતિનું વર્ણન છે. આ પાંચ પ્રકાર છે ” જન્મજાત સંસકાર, અૌષધ, મન્ત્ર, તપ, અને સમાધિ”
યોગ એટલે શું
યુજ ધાતુ ઉપરથી બનેલ યોગનો સરળ અર્થ છે જોડવું કે મેળાપ કરવો.પરંતુ ગીતામાં કહયું છે કે
“યોગઃકર્મસુ કૌશલં ” અર્થાત કર્મમાં કુશળતા પ્રાપ્ત કરવી એ યોગ છે. વળી પતંજલી એ કહયું છે કે
” યોગ ચિત્ત વૃત્તિ નિરોધ” એટલે કે ચિત્તની વૃત્તિઓને રોકવી એ યોગ છે. તો આ બે વિધાનમાં સાચું કયું? આ બેઉ સાચા છે એટલું જ નહીં તેમાં કશો ફરક નથી. ગીતામાં વ્યાસમુનિએ કરેલું એમનું વિધાન જીવનના બધા જ ક્ષેત્રોને આવરી લે છે. જયારે પતંજલીએ એમનું વિધાન બુદ્ધત્વની આકાંક્ષા રાખતા મુમુક્ષુઓને ખાસ ધ્યાનમાં રાખી કર્યું હશે એમ કહીએતો ચાલે.આપણે જાણીએ છીએ જીવનમાં કોઇ પણ ક્ષેત્રમાં સફળતા મેળવવી હોય તો મનની ભટકતી વૃત્તિઓને રોકયાં વગર મન એકાર્ગ કરવું અતિ કપરું કામ છે. હવે વધુ આગળ વધતાં પહેલાં ચિત્ત એટલે શું ?અને વૃત્તિ એટલે શું ? તે અંગે ચોખવટ કર લઇએ.
ચિત્ત વૃત્તિ એટલે શું

ચિત્ત એટલે વાસનાની વખાર કે જેમાંથી જુદા જુદા વિચારોના વહેળા જુદી જુદી દિશામાં વહેતા રહે છે. અને વૃત્તિ એ શબ્દ “વૃત્ત” એટલે કે વર્તુળ ઉપરથી બન્યો છે. જયારે વાસનાનો કોઇ વહેળો ચક્રાકાર ગતિમાં આગળ વધે છે અર્થાત તેમાં વમળ ઉત્પન થાય છે ત્યારે કોઇ એક જ વિચાર મનમાં ઘુમરાયા કરે છે.જેમકે કોઇને રાત દિવસ ધનિક થવાનો વિચાર સતાવ્યા કરે છે તો વળી કોેઇને નેતા થવાની લગની લાગે છે. મનમાં ઘુમરાતા આવા વિચારો એટલે વૃત્તિ.અને નિરોધ એટલે રોકવું કે અટકાવવું. આમ મનમાં ઘુમરાતા કોઇ પણ વિચારને અટકાવવાની ક્રીયા એટલે ચિત્ત વૃત્તિ નિરોધ.
જો આપણેઆ વૃત્તિમાં વમળ થવાના કારણો, તેની શકિત અને તેને ખાળવામાં આવતા અંતરાયો વિશે જાણીએ તો જ તેને રોકવામાં સફળતા મળે. પતંજલીએ આ વમળ થવાના બે મૂખ્ય કારણો બતાવ્યાં છે. કેટલાક વમળ આપણા સામાજિક અને સંસારિક સંજોગોને લીધે થાયછે. જેને બહિરંગી કારણો કહયાં છે જયારે કેટલાકનું કારણ આપણા પૂર્વના અનુભવો અને સંસ્કારો છે તેને અંતરંગી કારણો કહયાં છે. આ આઠમાના પહેલા પાંચ “યમ, નિયમ, આસન, પ્રાણાયમ, અને પ્રત્યાહાર” બહિરંગ ગણાય છે અને છેલ્લા ત્રણ અંતરંગી ગણાય છે.જેને કેવળ સંસારિક જીવનમાં હળી મળીને સુખ શાંતિથી રહેવાની ઇચ્છા હોય તેને માટે પહેલા પાંચ પગથીયા ચઠવા એ પુરતું છે. પરંતુ બુદ્ધત્વની આકાંક્ષા વાળાઓ માટે છેલ્લા ત્રણ ખૂબ આવશ્યક છે.
હવે પતંજલીએ આઠે અંગોની વધુ સમજ આપતાં દરેક અંગોના ઉપાંગોનો નિર્દેશ કર્યો છે. એટલે કે દરેક પગથીયામાં કેટલી ઈંટો છે તે પણ બતાવ્યું છે.જે નીચે પ્રમાણે છે.

યમ”કે સંયમ”ના પાંચ ઉપાંગો – – “અહિંસા, સત્ય, અસ્તેય, બ્રહ્મચર્ય અને અપરિગ્રહ”
નિયમના પાંચ ઉપાંગો – – – – “શૌચ, સંતોષ, તપ, સ્વાધયાય અને ઇશ્વર પ્રણિધાન”
આસન “તન અને મનની સ્થિરતા”
પ્રાણાયમ પ્રકાર – – – – – – ” રેચક, પુરક અને કુંભક”
પ્રત્યાહાર એટલે વિરૂદ્ધ આહાર (એન્ટીદોટ) અથવા નિરોધ. આ અંગે આગળ વાંચતા સમજાશે.
ધારણા “નિશ્ચય,સંકલ્પ”
ધ્યાન અને “એકાગ્રતા”
સમાધિ આ છેલ્લા ત્રણ પગથીયાં ને અંતે ચઢવો પડતો વિકટ ઢાળ છે.

આ પગથીયાનું પ્રયોજન શું?

આ જગતમાં હરેક માનવી સુખ અને શાંતિથી જીવન વીતાવવાની ઇચ્છા રાખતો હોય છે. છતાં દરેક વ્યકિતને પોતાના જીવનમાં શારીરિક, માનસિક અને પ્રાકૃતિક એટલે કે “આધિભૌતિક”, “આધિઆત્મિક”અને “આધિદૈવિક”આ ત્રણ પ્રકારના દુઃખ વેઠવા જ પડે છે. આ ત્રિવિધ દુઃખો સદંતર રીતે કોઇ નીવારી શકતું નથી તેથી જ પતંજલીએ આઠ પગથીયાની સહાયથી તેમને હળવા કરવાનો ઉપાય બતાવવા યોગસૂત્રની રચના કરી છે એમ હું માનું છું.
હવે પહેલા પાંચ અંગો આ ત્રીવિધ દુઃખો હળવા કરવામાં કેવી રીતે સહાય કરે છે તે જોઇએ.
, યમ અથવા સંયમ
દરેક વ્યકિતના જીવનના બે પાસા હોય છે. એક સામાજિક અને બીજું વ્યકિતગત. આ અંગના પાંચ ઉપાંગો સામાજિક જીવનમાં આવતી ઉપાધીઓ અને તેમાંથી ઉદ્ભવતા દુઃખ ટાળવા માટે કામ આવે છે. આપણે સહુ જાણીએ છીએ કે હિંસા ,અસત્ય,ચોરી અને બદ્દાનત(બીજાની કોઇની વસ્તુ પચાવી પાડવાની વૃત્તિ)ને કારણે સમાજ સમાજ વચ્ચે,યાતો વ્યકિત વ્યકિત વચ્ચે કે સમાજ અને વ્યકિત વચ્ચે દ્વેશ ભાવ ઉત્પન્ન થયા વગર રહેતો નથી. અને આ દ્વેશ જ વિવિધ દુઃઈખોનું કારણ બને છે. આ સ્થિતિ ટાળવાનો રામબાણ ઇલાજ પતંજલી એ બતાવ્યો છે. અને તે એ કે જીવનમાં અહિંસા, સત્ય, અસ્તેય, બ્રહ્મચર્ય અને અપરિગ્રહ અપનાવવા. પરંતુ આમ કહેવું જેટલું સહેલું છે તેટલું જ કરવું દુષ્કર છે. જયાં સુધી આપણા મનમાં રહેલ હિંસા અસત્ય વગેરે વૃત્તિઓનું મૂળ કારણ ન સમજાય ત્યાં સુધી આવી વૃિત્તઓ દૂર કરી શકાય નહીં.
હિંસાનું મૂળ કારણ છે અસહિષ્ણુતા,અસંતોષ, ધર્માંધતા અને વેર વૃત્તિ,
દા.ત. ઇરાકનું યુદ્ધનું કારણ બુશની બાપનું વેર વાળવાની વૃત્તિ અને તાલીબાનની ધર્માંધતા.
અસત્યનું મૂળ કારણ છે ભય અને શંકા.
દા.ત. નાનું બાળક શિક્ષા થાવના ભયથી ઝુઠું લોલતા અચકાતું નથી.વળી સત્યનારાયણની કથાના વાણીયાને સાધુ ઉપર શંકા પડી એટલે ઝુઠું બોલ્યોને?
ચોર વૃત્તિ નું મૂળ કારણ છે આત્મ વિશ્વસનો અભાવ અને પ્રમાદ.
દા.ત. કોઇ વિદ્યાર્થી પ્રમાદને કારણે પુરતી તૈયારી વગર પરીક્ષા આપવા જાય તો પોતાની જાતમાં પુરતો વિશ્ચાસ ન હોવાને કારણે ચોરી કરવા પ્રેરાય એવું બને.
પરિગ્રહનું મૂળ કારણ છે ભાવીનો ડર.
દા.ત.પરિગ્રહનો એક અર્થ છે સંગ્રહ વૃત્તિ કે લોભ વૃત્તિ. ઘડપણમાં કામ લાગે માટે જ આપણે સંપત્તિ એકઠી કરીએ છીએ ને?
જો મનમાંથી અસંતોષ,ધર્માંધતા,વેર,ભય,પ્રમાદ,શંકા વગેરે દૂષણો દૂર ન થાય તો સંયમના પાંચ ઉપાંગો કેવી રીતે સ્થિર થાય ?
બ્રહ્મચર્ય આ પગથીયા અંગે જરા વધારે વિચાર કરવો જરૂરી છે. સામાન્ય રીતે બ્રહ્મચર્યનો અર્થ જાતીય સંભોગથી દૂર રહેવું એવો કરવામાં આવે છે.પરંતુ સંસારી વ્યકિતઓ માટે દૂર રહેવાનો અર્થ સંભોગનો સંપૂર્ણ ત્યાગ નહીં પણ તેમાં સંયંમ અને વિવેક રાખવો એવો થાય છે. સંપૂર્ણ ત્યાગ કરવો એ તો કુદરતી નિયમની વિરૂદ્ધ જવાની વાત થઇ. સંકૃતનો એક
શ્લોક મને અહીં યાદ આવ્યો.
આહાર નિંદ્રા ભય મૈથુનમ્ સામાન્ય એતદ્ પશુભિઃનરાણામ્
ધર્મોહિ એકો અધિકો વિશીષ્ટો ધર્મેણ હિના પશુભિઈ સમાના.
અર્થાત આહાર, નિંદ્રા, ભય અને મૈથુનની પ્રક્રીયા દરેક પ્રાણિ માટે સામાન્ય છે. પરંતુ ધર્મની એ વિશીષ્ટતા છે કે તે કેવળ મનુષ્ય માટે જ છે. અન્ય સર્વ પ્રાણી કુદરતી નિયમોને આધારે જ જીવન વ્યતિત કરે છે. અહીં ધર્મનો અર્થ છે વિવેક બુદ્ધિ જે કેવળ મનુષ્યને જ ઉપલબ્ધ છે.એક બીજાની અનુમતિથી થતી નર નારીની સંવનન ક્રીયામાંતો અન્યોઅન્યના પ્રેમનો સ્વિકાર છે.તો તેનાથી સમાજને શું હાની થવાની હતી. બલ્કે જો મનમાં જન્મતી આ પ્રેમ વૃત્તિને પરાણે દાબી રાખવામાં આવે તો મનમાં વિકૃતિ જ પેદા થવાની જે એક યા બીજી રીતે દુઃખ ઊભું કર્યા વગર રહે નહીં.સાચા વૈરાગ્ય વગર સાધુ અને સ્વામિ બનેલ વ્યકિતઓના થતા ભવાડાથી આપણે બધા જ પરિચીત નથી શું?
દંપતિ કરે સંભોગ પ્રેમથી તો તેમાં નથી થતું કઇ પાપ
પણ હોય ભટકતું મન એકનું તો જરુર ઉપજે સંતાપ
વળી આપણી વર્ણાશ્રમ પદ્ધતિ પ્રમાણે તો બ્રહ્મચર્યાશ્રમનું મહત્વ તો જીવનના પહેલા પચીસ વર્ષ પુરતું જ છે.તે પછીના પચીસ વર્ષ નું મહત્વ ગૃહસ્થાશ્રમને અપાયું છે.એટલે જ શ્રી.રામ,શ્રી.કૃષ્ણ અને ગૌતમ બુદ્ધ જેવા અવતારી પુરુશોએ અને ઘણા બધા ઋષિમુનીઓએ પણ ગૃહસ્થાશ્રમ સ્વિકારી લીધો કે નહીં? બ્રહ્મચર્યાશ્રમ એટલે વિદ્યાર્થી અવસ્થા કે જેમાં વદ્યાર્થીના ભરણ પોશણની જવાબદારી તેના કુટુંબ અને તેના સમાજની હોય છે. અને તેથી તેને કુટુંબના અને સમાજના નિતી નિયમોનું પાલન કરવું પડે છે.અને આમ કરતા તે આ નિતી નિયમોથી પુરો વાકેફ થાય છે અને કયા સંજોગોમાં કેમ વર્તવું તે શીખે છે. સાથે સાથે હુન્નર ઉદ્યોનું જ્ઞાન પણ મેળવતો રહે છે. મારી સમજ પ્રમાણે તો બ્રહ્મચર્યનો અર્થ છે બ્રહ્મમાં ચર્યા કરવી. જેમ આપણે દિનચર્યા કે તપશ્ચર્યા કરીયે છીએ તેમ જ જાણે અજાણે બ્રહ્મચર્યા પણ કરતાં જ રહીએ છીએ. બ્રહ્મના બે સ્વરુપ છે. એક છે અવ્યકત ” પુરુશ” અને બીજું છે વ્યકત ” સૃષ્ટિ.” દિવસ રાત આપણે આ સૃષ્ટિમાં વિચરણ કરતાં રહીએ છીએ. દરેક વ્યકિતની પોતપોતાની અલગ સૃષ્ટિ હોય છેે.કારણ દરેક વ્યકિતની આસપાસ
શારીરિક,માનસિક,સામજિક અને નૈસર્ગિક એમ ચાર પ્રકારના આવરણો હંમેશા પરિભ્રમણ કરતાં રહે છે.પરિભ્રમણ કરતાં આ આવરણો એ જ તેનું પર્યાવરણ. પણ જે સમાજમાં તે રહે છે તે સમાજ અને તે સ્થળના વાતાવરણની અસર બધી જ વ્યકિત માટે સરખી હોય છે.અર્થાત તેનું સામાજીક અને નૈસર્ગિક પર્યાવરણ એક સરખું જ હોય છે.છતાં દરેકનું માનસિક પર્યાવરણ પોતાનું અંગત હોવાથી દરેક વ્યકિતનો પ્રતિભાવ જુદો જુદો હોયછે. આ પ્રતિભાવ હકારાત્મક અને સ્વિકારાત્મક બનાવી સૃષ્ટિના બધાંજ અંગો સાથે હળી મળીને રહેતા શીખવું એજ સાચું બ્રહ્મચર્ય અર્થાત આપણી દુનીયામાં રહેલ સર્વ પ્રાણી અને વનસ્પતી સૃષ્ટિનો વિચાર કરી સંયમ રાખી વિવેક બુદ્ધિથી રહેતા શીખવું એ છે સાચું બ્રહ્મચર્ય. જો આપણે બ્રહ્મચર્યનો આવો અર્થ કરી સંયમથી જીવન જીવીએ તો આપણા ત્રીવિધ સંતાપો હળવા થયા વગર રહે નહીં એમ હું માનું છું. આ થયું પહેલું પગથીયું. હવે બીજા પગથીયા વિશે પતંજલીએ શું કહયુંછે તે જોઇએ.
, નિયમ
સંયમ વિશે આટલું સમજયા પછી પણ સંયમ ઉપર કાબુ રાખવા માટે નિયમ ન પાળીએ તો સંયમ જાળવો મુશ્કેલ થાય એવું બને ખરું.આ માટે પતંજલીએ નિયમના પાંચ ઉપાંગો બતાવ્યા છે.જે છે –
“શૌચ, સંતોષ, તપ, સ્વાધયાય અને ઇશ્વર પ્રણિધાન”

શૌચ, એટલે, માનસિક,શારીરિક,સમાજિક અને નૈસર્ગિક પર્યાવરણની સ્વચ્છતા.
આપણી માનસિક સ્વચ્છતા આપણા સંબંધો અને આપણા શિક્ષણ ઉપર નિર્ભર છે.એટલે જ જીવનમાં સતસંગ અને સારા શિક્ષણને મહત્વ અપાયું છે.આપણી શારીરિક સ્વચ્છતા આપણા આહાર અને ટેવો ઉપર આધાર રાખે છે. આપણી સામાજિક સ્વચ્છતા માટે આપણા કાયદા કાનૂના પાલનમાં સરકાર અને પ્રજા બન્ને શુદ્ધ રહે તે જરુરી છે.અને નૈૈસર્ગિક સ્વચ્છતા માટે આપણા જંગલો, નદી નાળાં,આપણા માર્ગો અને આપણા આંગણા સ્વચ્છ રાખવા અતી આવશ્યક છે.

સંતોષ, કહેવત છે ને કે સંતોષી નર સદા સુખી.મનનો અસંતોષ જ ચિત્તવૃત્તિને ચલીત કરે છે. સુખની સરળમાં સરળ વ્યખ્યા છે સુખ=સંતોષ/વાસના. જેમ જેમ સંતોષ વધે તેમ તેમ સુખ વધે અને જેમ જેમ વાસના વધે તેમ તેમ સુખ ઘટે.

તપ, એટલે અથાગ પ્રયત્ન.આપણંુ મન તો સદા ભટકતું હોય છે જો તેના ઉપર સતત જાપ્તો ન રાખીએ તો ધારેલા ધ્યેય ઉપર પહોચવું અશકય બને. આ સતત જાપ્તો રાખવાનીક્રિયા એટલે જ તપ

સ્વાધ્યાય, એટલે સ્વ+અધિ+આય સ્વ = પોતે ,અધિ = શ્ર ેષ્ઠ કે ઉત્તમ અને આય= ઉપાય. અર્થાત પોતાની જાતને ઉત્તમ બનાવવાનો ઉપાય કે જેનાથી આપણી પ્રગતિ થાય તે સ્વાધ્યાય કહેવાય. જેને માટે શ્રવણ,મનન અને નિદિધ્યાસ અર્થાત પ્રણિધાન ખુબ જરુરી છે.

ઇશ્વર પ્રણિધાન,
આ શબ્દના વિવિધ અર્થ છે જેમકે ‘ગાઢ ચિંતન , મહાપ્રયત્ન, કર્મફળનો ત્યાગ’ આ પ્રમાણે જોતાં પ્રણિધાન વગર સ્વાધ્યાયમાં સફળતા મળે જ નહીં. વળી આવું ચિંતન અને આવો પ્રયત્ન આપણે જીવીત હોઇએતો જ થઇ શકે. તો આ પ્રકારનું પ્રણિધાન આપણા જીવનના સંચાલક ઇશ્વર પ્રત્યે જ હોવું જોઇએ એ તો સીધી સાદી વાત છે.નિયમ વિશે આટલું કહયાં પછી નિયમ પાળવામાં કયા અંતરાયો આવે છે અને તેને ટાળવાનો શું ઉપાય છે તે બતાવ્યું છે.
, આસન
પતંજલીની દ્રષ્ટિએ હાલ્યાચાલ્યા વગર લાંબો સમય તન અને મનને સ્થિર કરી બેસી રહેવાય તે યોગ્ય આસન કહેવાય.એમણે આ સૂત્રમાં આસન અંગે કેવળ બેસવાની રીતનો જ ઉલ્લેખ કર્યો છે.કારણ શરીરને સ્થિર કર્યા વગર પ્રાણાયમ કરવું અશકય છે. પરંતુ સ્થિર બેસી રહેવામાં અંતરાય થવાના બે મૂખ્ય કારણ છે. એક છે શારીરિક તણાવ અને બીજું છે માનસિક તણાવ. તો શરીરની સ્થિરતા માટે શું કરવું એ સમજાવતાં પતંજલી કહે છે કે આવા તણાવને શિથિલ કરવાનો પ્રયત્ન કરવો. એમણે તો કોઇ બીજા આસનોનો ઉલ્લેખ નથી કર્યો પણ જો આપણે સા.બુ.નો ઉપયોગ કરીએ તો એટલુંતો સમજાય કે આ માટે આપણે સ્વાથ્ય સાચવવાનો પ્રયત્ન કરવો જ રહયો. તનની બાહય સ્વસ્થતા માટે યોગના સરળ આસનો જેવાં કે પદ્માસન,સુખાસન,સર્વાંગાસન,કપાલભાતિ અને અનુલોમ-વિલોમ તથા ચાલવાની પ્રવૃત્તિ નિયમિત રીતે કરતાં રહીએ અને આંતરિક આરોગ્ય માટે સૌથી પ્રથમ આપણે શું અને કેટલું આરોગીએ છીએ અર્થાત કયો ખોરાક કેટલા પ્રમાણમાં અરોગ્ય છે તેનો ખ્યાલ રાખી વખતો વખત જરુરત પ્રમાણે જલ નેતી, કૂંજલક્રિયા વગેરે કરતા રહીએ તો આપણાં અંગ ઉપાંગો બરોબર કામ આપતા રહે.અહીં આરોગ્ય માટે જરુરી આસનો અને આહારની માહિતી માટે સ્વામી અધ્યાત્માનંદનુૂ પુસ્તક “યોગ અને આરોગ્ય – – પ્રકાશક ગૂર્જર ગ્રંથરત્ન કાર્યાલય”વાંચી જવા આપ સહુને ભલામણ કરું તો અસ્થાને નહીં જ ગણાય.”
પ્રાણાયામ
પ્રાણ+ આયામ એટલે નિયમન અર્થાત પ્રાણનું નિયમન કરવું એટલે પ્રાણાયામ. આ પહેલાના ત્રણ પગથીયાંમાં પતંજલિ મુનિએ આપણે આપણા સમાજિક,વ્યકિતગત અને શારીરિક જીવનને સુધારવા માટે શું કરવું જરૂરી છે તે બતાવ્યું. હવે આ પગથીયામાં મનને સ્થિર કરવાની રીત બતાવી છે. પ્રાણ એટલે જીવન શકિત કે જેની અભિવ્યકિત આપણી શ્વસન ક્રિયાથી થાય છે. તેથી જે વ્યકિતને આ જીવન શકિતનો ઊંડો અનુભવ કરવો હોય તેણે સહુથી પહેલા આ શ્વસન ક્રિયાનું નિયંત્રણ કરતાં શીખવું જરૂરી છે. આપણે સહુ જાણીએ છીએ કે આપણા તન અને મનની સ્થિતિ પ્રમાણે આપણી શ્વસન ક્રિયા બદલાતી રહે છે. મનમાં ઉપજતી કામ,ક્રોધ,ભય વગેરે લાગણીઓ અને શરીરમાં ઉપજતા દમ વગેરે રોગોની આપણા શ્વાસ ઉપર થતી અસરોથી કોણ અજાણ છે! જો તન અને મનની સ્થિતિથી શ્વાસની ગતિ બદલાતી હોય તો શ્વાસની ગતિથી તન અને મનની સ્થિતિ બદલાય કે નહી એ જાણવા પ્રાણાયામ કરીએ તો જ સમજાય ને?
પ્રાણાયામના પ્રકાર
આભ્યંતર કે પૂરક જેમાં શ્વાસ લીધા પછી અંદર રોકી શકાય ત્યાં સુધી રોકી રાખવો
બાહ્યાંતર કે રેચક જેમાં શ્વાસ છોડયા પછી બહાર રોકી શકાય ત્યાં સુધી રોકી રાખવો
સ્તંભક કે કુંભક જેમાં શ્વાસ લેવાનું કે છોડવાનો પ્રયત્ન છોડી દેવો.અર્થાત તે અંદર કે બહાર રોકી રાખવો. આમ કરવાથી જીવન શકિત કયા ચક્રમાં કેટલો સમય સ્થિર રહે છે તે જાણવા મળે છે. આ ક્રિયાઓથી મન શાંત થાય છે. અને શરીરના પંચ વાયુઓનું નિયમન થઇ શકે છે.પરંતુ પતંજલી ના કહેવા પ્રમાણે જયારે કોઇ સાધક પોતાની તીવ્ર સાધનાને કારણ કે પોતાની આધયાત્મિક શકિતને કારણ કોઇ પણ પ્રયત્ન કર્યા વગર જ કુંભક સ્થિતિ પ્રાપ્ત કરીલે તે પ્રાણાયામનો ચોથો પ્રકાર છે.આ પ્રકારની કુંભક સ્થિતિમાં સાધક ઘણો લાંબો સમય રહી શકે છે.આને જ સમાધિ અવસ્થા કહેવાય છે.જયારે કોઇ સાધક બાહ્ય
સૃષ્ટિના કોઇ પણ વિશય ઉપર પોતાનું ધ્યાન એકાગ્ર કરે છે ત્યારે તેને તે વિશયનું પુરું જ્ઞાન થાય છે, સિદ્ધિ મળે છે.પરંતુ જયાં સુધી તે અંતરમુખ થઇ ચિત્તની શુદ્ધિ ન કરે ત્યાં સુધી તેને સમાધિ સ્થિતિ પ્રાત્પ થતી નથી.
પ્રત્યાહાર
ચિત્તની શુદ્ધિ કરાવનો આવો પ્રયાસ એટલે જ “પ્રત્યાહાર.”
ધારણા
ચિત્તની શુદ્ધિ કરી કોઇ ધ્યેય પ્રાપ્ત કરવાનો પાકો નિશ્ચય કે સંકલ્પ કરવો એનું નામ છે ધારણા.
ધ્યાન
એટલે મકકમ મનથી થતો પ્રયત્ન. અથવા કહો કે સાધના.પરંતુ જો આ સાધના બાહ્યવૃત્તિથી કરવામાં આવે તો સિદ્ધિ મળવાની શકયતા ખરી પણ સમાધિ તો અશકય જ જાણવી.
સમાધિ
સમ અટલે સમાન અને આધિ એટલે સ્થાન કે સ્થિતિ અર્થાત સમાધિ એટલે ચિત્ત અને ચૈતન્યની સ્થિતિ જયારે એક સરખી થઇ જાય તેને સમાધિ અવસ્થા કહેવાય. આવી સ્થિતિમાં જ સાધકનું અંતઃકરણ “અહં બ્રહ્માસ્મિ” નો ઉદ્ગાર કરી ઉઠે છે.સમાધિ અને સિદ્ધિઓનો મને કોઇ અનુભવ થયોનથી એટલે હું અહીં જ આ લેખની પૂર્ણાહુતિ કરું એ જ યોગ્ય ગણાય.

ઉપસંહાર

આ યોગસૂત્રમાં જીવનની સુખાકારી માટે શું કરવું તે અંગે ના ચાર રસ્તા બતવતાં કહયું છે કે
સમાજિક જીવનમાટે યમોનું અર્થાત સંયમનું પાલન કરો.
વ્યકિતગત જીવનમાટે નિયમાનું પાલન કરો.
સ્વાથ્ય માટે આસનોનું પાલન કરો.
અને મનની શાંતિ માટે પ્રાણાયામનું પાલન કરો.
પરંતુ જો મનમાં કોઇ પ્રકારની સિદ્ધિનો મોહ હોય તો ધારણા અને ધ્યાનનો આશ્રય લો. પણ એટલું યાદ રાખવું જરુરી છે કે આ પ્રમાણે મેળવેલી સિદ્ધિ સમાધિના રસ્તે જવામાં સહાય નહીં પણ અંતરાય રૂપ જ નીવડશે.

મિત્રો,
મારા આ લખાણ અંગે આપ સહુને યથાયોગ્ય ટીકા કરવા મારી ખાસ વિનંતી છે. આમ કરશો તો ફાયદોતો મને જ થશે.

ઇતિ.

Comments»

1. Rajesh - July 28, 2010

It is good and crisp literature of patanjali sutra

2. Anil Patel - September 28, 2010

Very nice and informative article.

Thanks
Anil


Type in

Following is a quick typing help. View Detailed Help

Typing help

Following preferences are available to help you type. Refer to "Typing Help" for more information.

Settings reset
All settings are saved automatically.