ચૈતન્ય સ્વરુપનો પૂર્ણ સ્વીકાર October 28, 2014
Posted by girishdesai in : Uncategorized , add a commentચૈતન્ય સ્વરુપનો પૂર્ણ સ્વીકાર
ચૈતન્ય, આ શબ્દના બીજા ઘણા પર્યાય શબ્દો છે જેવા કે બ્રહ્મ, સશ્ચિદાનંદ,પરમાત્મા,જગદાધાર વગેરે વગેરે. છતાં મને સહુથી વધારે પસંદ છે ઈશાવાસ્ય ઉપનિષદમાં અપાયેલું નામ અદઃ અર્થાત ‘તે’. આપણે જે વસ્તુ કે વ્યક્તિને જાણતા ન હોઇએ તેનો ઉલ્લેખ ‘તે’ ના સંબોધનથી જ કરીએ છીએ. અને જે વસ્તુ કે વ્યક્તિ આપણી સમક્ષ હોય પણ તેનું નામ ન જાણતા હોઇએ તો તેને ‘ઈદં’ અર્થાત ‘આ’ કહી સંબોધીએ છીએ. આ ‘અદઃ’નું બીજું નામ છે પુરુષ અને ‘ઈદં’નુ બીજું નામ છે પ્રકૃતિ. ઈશાવસ્યના શાંતિ મંત્રમાં કહ્યું છે કે ‘તે’ એક પુરુષમાંથી ‘આ’ સર્વ પ્રકૃતિ ઉદ્ભવી છે. અને તે પુરુષ પ્રકૃતિની અંદર અને બહાર બધે જ વ્યાપ્ત છે. ‘તદ અંતરસ્ય સર્વસ્ય તદુ સર્વસ્યાસ્ય બાહ્યતઃ’ ‘તે’ના સ્વરુપનું આવું વર્ણન કર્યા પછી તેનો પૂર્ણ પણે સ્વીકાર કરવા કેવી રીતે કર્મ કરવું તે સમજાવતા કહ્યું કે “કુર્વન એવેહ કર્માણિ જિજીવિષેત શતં સમાઃ, એવં ત્વઈ ન અન્યથા અસ્તિ ન કર્મ લિપ્યતે નરે” એટલેકે આ પ્રમાણે સમજી કર્મો કરતાં કરતાં સો વર્ષ જીવવાની અશા રાખો. દરેક કર્મનું એક સામાન્ય ફળ મળે છે જેનું નામ છે અનુભવ . અને અનુભવ વિના અનુભૂતિ થવી અશક્ય છે. અને અનુભૂતિ વિનાનો પૂર્ણ સ્વીકાર પણ અસંભવ છે અને તેથી જ જીવનમાં કર્મ યોગ મહત્વનો ગણાયો છે. કર્મયોગ કરવાની સાચી રીત બતાવતા છાન્દોગ્ય ઉપનિષદમાં શ્રવણ, મનન અને નિદિધ્યાસ ઉપર ભાર મુકાયો છે. તો આ શ્રવણ, મનન અને નિદિધ્યાસ શું છે અને તેને કર્મયોગ કેવી રીતે કહેવાય તે મારી સમજ પ્રમાણે અહીં રજુ કરું છું. અહીં શ્રવણનો અર્થ કેવળ કાનથી સાંભળવું એવો નથી. મારી દ્ર્ષ્ટિએ એનો અર્થ છે આપણી પાંચ કર્મેન્દ્રિયો અને પાંચ ગ્નાનેન્દ્રિયોથી મળતા અનુભવો કે જેનાથી આપણે આપણુ અંતઃકરણ ઘડતાં રહીએ છીએ. અને મનમાં ઉભરાતા આ અનુભવો શાથી થયાં, તે સારા હતા કે ખોટા, ફરીથી એવો અનુભવ કરવાની ઇચ્છા થાય કે નહીં, તેનો બુદ્ધિ પૂર્વક ઉકેલ લાવવો એ છે મનન, અને આ ઉકેલ પ્રમાણે આપણા વર્તનમાં જરુરી ફેરફાર કરવા એ છે નિદિધ્યાસ. આપણા દરેક કર્મમા આ ત્રણે ક્રિયાઓ અગત્યની છે. કારણ કે
શ્રવણં,મનનં,નિદિધ્યાસં કૃત્વા ત્રયો તત ભવતિ વિકાસં
શ્રવણં,મનનં,નિદિધ્યાસં ત્યક્તવા એકોપિ ભવતિ વિકારં
શ્રવણં,મનનં,નિદિધ્યાસં ત્યક્તવા ત્રયો તત ભવતિ વિનાશં
પરપોટો
તળાવ કેરે તળિએ એક દિ, થયો નાનો પરપોટો,
ધીરે ધીરે ઉપર આવ્યો ને થતો ગયો એ મોટો.
જોવાદે ઉપર જઈ મુજને કે કોણ છે મુજથી મોટો,
એમ વિચારી કર્યું ડોકિયું,ત્યાંતો દેહ એનો છૂટ્યો.
દેહ જુઓ આ પરપોટાનો આભાસ છે કેવો ખોટો,
જો ન હોય પાણી ચારે કોરે તો બને શું કદિ પરપોટો ?
સંસાર કેરા સાગર માહીં, આ દેહ છે એક પરપોટો
જો ન હોત ચૈતન્ય ચારે કોરે તો થાત કેમ નાનેથી મોટો.