“શ્લોક-૧૫,૧૬” December 3, 2007
Posted by girishdesai in : ચિંતન લેખ , add a comment શ્લોક-૧૫
હિરણ્મયેન પાત્રેણ સત્યસ્યાપિહિતં મુખમ્
તત્ત્વં પૂષન્નપાવૃણુ સત્યધર્માય દ્દષ્ટયે
દેહ તણા પાત્ર વડે ઢંકાયું છે મુખ આત્મનું
પ્રભુ તે તું ઉઘાડી દે, કરૂં હું દર્શન સત્યનું.
આ શ્લોકમાં મેં હિરણ્યગર્ભનો અર્થ દેહ અને સત્યનો અર્થ આત્મા શાથી કર્યો તે અંગે ચોખવટ કરું. આ શ્લોકમાં વપરાયેલા, હિરણ્યમય અને સત્ય,આ બે શબ્દોનો અર્થ એક તો લૌકિક દ્રષ્ટિથી અને બીજી તાત્ત્વિક દ્રષ્ટિથી કરીએ તો જ આ અને આના પછીના શ્લોકનો અર્થ બરાબર સમજી શકાય એમ હું માનુ છું. લૌકિક દ્રષ્ટિએ જોતાં સત્યનો અર્થ સાપેક્ષ સત્ય એવો થાય તો શું સત્યનો કોઇ બીજો પકાર છે ખરો ? હા. તે છે સનાતન સત્ય,જે સત્ય સમયાનુસાર બદલાય તે લૌકિક સાપેક્ષ સત્ય કહેવાય પણ જે સત્ય સમય સાથે બદલાય નહી તે તાત્ત્વિક કે સનાતન સત્ય કહેવાય જેનું બીજું નામ છે ઋત. ઉદાહરણ, આજે હું જીવતો છું એ સત્ય છે પણ કાલે તે સત્ય ન પણ હોય.આ છે લૌકિક સત્ય.જયારે ગુરૂત્વાકર્ષણનો નિયમ ત્રણે કાળમાં સાચો જ રહેવાનો આ છે ઋત. તેજ પ્રમાણે લૌકિક દ્રષ્ટિએ તો હિરણ્યમય પાત્ર એટલે સોનમાંથી બનેલું પાત્ર.અથવા એમ કહેવાય કે લોભામણંુ પાત્ર અર્થાત પ્રેય વસ્તુ.આ પ્રમાણે જોતાં આશ્લોકના પહેલા પદનો લૌકિક અર્થ એવો થાય કે ‘ પ્રેય રૂપી ઢાંકણથી સત્ય રૂપી વાસણનું મુખ ઢંકાયેલું છે.‘ આજ કાલ પૈસાને કારણે દરેક સમાજમાં કેટલા જુઢાણા ચાલે છે એતો આપણે સહુ જાણીએ જ છીએ.હવે હિરણ્યમયનો તાત્ત્વિક અર્થ સમજતાં પહેલાં સાંખ્ય દર્શનનો ઉપરછલ્લો ખ્યાલ આપંુ તો મારા કહેવાની મતલબ જરા સરળતાથી સમજાશે.સાંખ્ય એ શબ્દ સંખ્યા ઉપરથી બનેલો છે. અને સાંખ્ય દર્શનમાં મૂખ્ય બે તત્ત્વોનો વિચાર કરવામાં આવ્યો છે. એક પુરૂષ અને બીજી પકૃતિ.પુરૂષતો સદા અવર્ણ્ય જ રહયો છે એટલે તેને તત્- ત્વમઅસિનું આગવું સ્થાન અપાયું પણ પ્રકૃતિને સમજવા તેને ચોવીસ પેટા તત્ત્વોમાં વિભાજીત કરવામાં આવી. તે ચોવીસ વિભાગો મેં અહીં આ પ્રમાણે દર્શાવ્યા છે. મહત, બુદ્ધિ, અહંકાર, મનસ, પાંચ તન્માત્રા, પાંચ કર્મેન્દ્રિઓ, પાંચ જ્ઞાનેન્દ્રિઓ અને પાંચ મહાભૂત. સાંખ્ય મત પ્રમાણે પુરૂષ સદા અવ્યકત રહે છે અને તે નિર્ગુણ, નિરાકાર, સર્વજ્ઞ, સર્વવ્યાપી વગેરે વગેરે છે પણ પ્રકૃતિ ત્રણ ગુણોથી યુકત છે. જયારે આ ત્રણે ગુણોની માત્રા એક સરખી હોય છે,અર્થાત જયારે આ ત્રણે ગુણો સમતોલ હોય છે ત્યારે પ્રકૃતિ અવ્યકત રહે છે પરંતુ જયારે આ ગુણોની માત્રા અસમતોલ થાય છે ત્યારે પ્રકૃતિ સૃષ્ટિ સ્વરૂપે વ્યકત થાય છે. આ અસમતુલા શાથી થાય છે તેનું કારણ આજ સુધી કોઇ જાણી શકયું નથી અને હવે પછી પણ જાણી શકશે નહી, કારણકે જયારે આ ત્રણ ગુણો સમતોલ હોય છે ત્યારે બધું જ અવ્યકત હોય છે અર્થાત કોઇ પણ જીવ સાક્ષી રૂપે હાજર હોતો નથી અને અસમતુલા થયા બાદ પણ જીવ સૃષ્ટિ ઉત્પન્ન થતાં કાંઇ કરોડો વર્ષ નીકળી જાય છે તો આ યુગો પૂર્વેનો વણ લખ્યો ઇતિહાસ કોણ જાણી શકે ? આમ જે અસમતુલાથી પ્રકૃતિનું સૃષ્ટિમાં પરીવર્તન થયું અર્થાત પ્રકૃતિનાં જે ગર્ભમાંથી છુપાયેલી સૃષ્ટિનો ઉદ્ભવ થયો તે ગર્ભને હિરણ્યગર્ભ કહેવાય છે.આ ઉપરથી એમ કહી શકાય કે આ ચોવીસ તત્ત્વો વાળી સૃષ્ટિ હિરણ્ય-ગર્ભથી ઢંકાયેલી છે અને તેમાં જ આપણો દેહ ઢંકાયો છે.આ કારણથી જ મેં હિરણ્યગર્ભનો અર્થ દેહ કર્યો. હવે સત્યનો અર્થ આત્મા શાથી કર્યો એનું કારણ આપવાની જરૂર છે ખરી? આત્માતો અજન્મા અને અમર છે એવી પ્રચલીત સામાજિક માન્યતા છે.મેં આત્માનો સાક્ષાતકાર કર્યો નથી એટલે મારે આટલેથી જ સંતોષ માનવો રહયો.અને દરેક વ્યકિતને દેહ કરતા વધુ પ્રિય કશું હોય છે ખરૂં ? વળી જે દેહમાં આત્માની હાજરી ન હોય અર્થાત મૃત દેહ કોઇને પણ પ્રિય લાગે ખરો?.આમ તાત્ત્વિક દ્રષ્ટિએ આ શ્લોકનો અર્થ એમ જરૂર કરી શકાય કે દેહ રૂપી પ્રેય ઢાંકણ વડે શ્રેય રૂપી આત્મા ઢંકાયેલો છે. હવે શ્લોકના બીજા પદમાં જે ‘સત્યધર્માય’ શબ્દ છે એનો અર્થ છે – સત્યધર્મા માટે – એટલે કે જે સત્યની શોધમાં નીકળ્યો છે તેને માટે. અહીં સાધક પોતે જેની શોધમાં નીકળ્યો છે તે પૂષન્ ને એટલે કે બ્રહ્મને વિનંતી કરે છે કે હે બ્રહ્મ, સત્યની શોધમાં નીકળેલા મારે માટે તું આ દેહનું આવરણ દૂર કર જેથી એમાં છુપાયેલ આત્માનું હું દર્શન કરી શકું.અહીં દેહ રૂપી આવરણ દૂર કરવાનો અર્થ મૃત્યુની પ્રાપ્તિ ન કરશો.મૃત્યુ પછી તો સત્યની શોધની વાત જ કયાંથી થાય ! જે દેહમાં જીવ ન હોય તે શોધ કેવી રીતે કરે. દેહ રૂપી આવરણનો અર્થતો ઋષિએ પહેલા શ્લોકમાં જ આપી દીધો છે.જગત્યામ્ જગત એટલે કે હર પળે બદલાતું જગત- ક્ષણભંગુર જગત- આપણો દેહ પણ જગતનો જ ભાગ છે અને તે પણ ક્ષણભંગુર છે એ વાત જો મનમાં બરાબર વસી જાય ‘આદાય’ તો જ દેહનો મોહ જાય. દેહનો આ મોહ એટલે જ આત્માનું આવરણ અને તે સત્યના પૂર્ણ જ્ઞાન સિવાય કદી દૂર થઇ શકે નહીં. અને પૂર્ણ જ્ઞાન માટે અહંકારનો નાશ કરવો અતિ આવશ્યક છે.જયારે બ્રહ્મ સત્ય જગત મિથ્યા એ જ્ઞાન ચિત્તમાં દ્રઢ થાય ત્યારે આપોઆપ સદેહે જ આ દેહાવરણ દૂર થઇ જાય. રાજા જનકને વિદેહિ કહેવાનું આજ કારણ છે. અને દરેક સાધકની, દરેક સત્યધર્માની આજ યાચના હોવી જોઇએ.
શ્લોક-૧૬
પૂષન્ એકર્ષે યમ સૂર્ય પ્રજાપત્ય વ્યૂહ રશ્મીન સમૂહ
તેજો યત્તે “રૂપં કલ્યાણતમં તત્તે પશ્યામિ
યઃ અસૌ અસૌ પુરૂષઃ સોઅહમ્ અસ્મિ
હે એકલગામી નિયંતા,પજાપતિ પુત્ર, સૂર્ય,
વિિસ્તારીને સંકેલીલે તું કિરણો ત્હારા.
જેથી હું જોઉ કલ્યાણમય રૂપ તારૂં
જે છે પેલો પુ઼રૂષ તે જ છે રૂપ પણ મારૂં.
અહીં આ પ્રાર્થના સૂર્યને ઉદ્દેશીને કરાઇ છે.કારણ કે સૂર્ય એ જીવનનું પ્રતિક છે.તેની શકિતથી જ જીવન ચાલે છે. આ રાત, દિવસ, ઋતુઓ, હવામાન, અનાજ, વર્ષા બધું જ એની શકિત ઉપર નિર્ભર છે ને? આ બધાંનું નિયમન તેનાથી જ થાય છે ને? અને તેથી જ એને અહીં યમ અર્થાત નિયામકનું બીરૂદ અપાયું છે.વળી પ્રજાપત્ય એટલે કે પજાપતિનો પુત્ર કહયો છે એનું કારણ એ છે કે સૂર્ય ભલે આ પૃથ્વીનો નિયામક હોય, પણ એના નિયામકતો એના પિતા બ્રહ્મા જ છે. બ્રહ્માન્ડમાં તો એના જેવા અને એનાથી પણ મોટા કેટલાંયે સૂર્ય છે.અહીં સાધક સૂર્યને તેના કીરણોનો વ્યૂહ કરીને, પસારીને, અર્થાત ફેલાવીને – જેમ યુદ્ધમાં લશ્કરને વ્યૂહ રચના વખતે ફેલાવી દેવામાં આવે છે તેમ – તથા સંકેલી લઈ ઍ ક સાથે સમૂહમાં બતાવવા અંગે વીનંતી કરે છે કે જેથી તે સૂર્યની પૂર્ણ શકિતના બધાંજ અંગો સમજી શકે. દા.ત.આપણે કોઇ પણ યંત્ર કેવી રીતે કામ કરે છે તે સમજવું હોય તો પહેલા તેના બધા ભાગ જુદા કરી તે દરેકનો અભ્યાસ કરી વળી પાછા એક પછી એક ભેગા કરી યંત્રને હતું તે સ્થિતીમાં મુકી દઇએ તો તે યંત્ર અંગેની પૂર્ણ માહિતી મળી જાય.હવે આ શ્લોકના છેલ્લા પદનો વિચારકરીએ તો સમજાશે કે ઋષિ સૂર્યનો નિર્દેશ કરી આત્માનો સંકેત કરે છે.આત્મા જ જીવનનો સૂર્ય છે એને પ્રતાપે જ આ દેહ સૃષ્ટિ ચાલે છે. જીવાત્મા જ દેહનો નિયામક (યમ) છે.અને દરેક જીવાત્મા પરમાત્માનો જ અંશ છે.અને પરમાત્મા એટલે પ્રજાપતિ બ્રહ્મ.આ દ્રષ્ટિએ જીવાત્માને પ્રજાપતિનો પુત્ર-પ્રજાપત્ય – કહી શકાય. આમ જો પ્રકૃતિમાં રહેલા દરેક જીવત્માને પરમાત્માનું એક કિરણ સમજી તે દરેકને અલગ અલગ તપાસી તેની ખાસીયતો નો અભ્યાસ કરીએ અને પછી આ બધાનો એકત્ર એટલે કે સામાજિક દ્રષ્ટિથી અભ્યાસ કરીએ તો જ સો અહં અસ્મિનો અનુભવ થાય. અહીં જીવાત્મા એટલે પ્રકૃતિ અને પરમાત્મા એટલે પુરૂષ એવો અર્થ કરીએ તો વ્યૂહ અને સમુહનો સચો અર્થ સમજાય.સૃષ્ટિના હરેક અંશને બરાબર રીતે,પૂર્ણ રીતે,સમજીએ તો જ પુરૂષનો પૂર્ણ ખ્યાલ આવે એમ ઋષિનું કહેવું છે.અને ત્યારે જ પુરૂષ અને પ્રકૃતિની એકતા સમજાય.આ એકતાનું જ્ઞાન થતાં જ આપોઆપ સો અહં અસ્મિ બોલાઇ જાય.અને આ સ્થિતીએ પહોંચેલા સાધકને માટે સુખ દુઃખ હર્ષ શોક કશું જ રહેતું નથી.એની સ્થિતી પરમાત્મ જેવી જ થઇ જાય છે.આવી સ્થિતીનો અનુભવ થયો હસે એટલે જ ને શ્રી શંકરાચાર્યે ગાયું કે ન પાપં ન પૂણ્યં ન સૌખ્યં ન દુઃખં
ન મંત્રો ન તીર્થં ન વેદા ન યજ્ઞઃ
અહં ભોજનં નૈવ ભોજયં ચ ભોકતા
ચીદાનંદ રૂપં શિવોહં શિવોહં