“પૂનર્જન્મ– “અહંની યાત્રા” December 19, 2007
Posted by girishdesai in : ચિંતન લેખ , add a comment પૂનર્જન્મ
“અહંની યાત્રા”
પ્રાણી માત્ર પોતાના જીવન દરમ્યાન સુખ અને સગવડની ઇચ્છા રાખે છે. પરંતુ મનુષ્ય જ એક એવું પ્રાણી છે કે જેનું અંતર કેવળ સુખ સગવડ ઉપરાંત પોતાના મૃત્યુ બાદ જન્મ મૃત્યુના ફેરામાંથી મુકત થવાની, યા તો કાયમ માટે સ્વર્ગ સુખની એષણા રાખે છે. અને આ ઇચ્છા તેને એક યા બીજા ધર્મ તરફ ઘસડી જાય છે, કારણ દરેક ધર્મ પોતાની બાંગ પોકારીને કહેતો હોય છે કે તમારી એ ઇચ્છા પરિપૂર્ણ કરવાનો ઇલાજ અમારી પાસે છે. બધા જ ધર્મો કહેતા હોય છે કે પ્રામાણિકતા અને સદાચારથી તમે તમારું ધ્યેય હાંસલ કરી શકશો. હિન્દુઓનો કર્મનો સિદ્ધાંત પણ આ જ વાતને અનુમોદન આપે છે. પરંતુ આ સિદ્ધાંત એટલેથી જ નથી અટકતો. આ સિદ્ધાંત તો એમ સુચવે છે કે કેવળ પ્રામાણિકતા અને સદાચાર એ તમને ધ્યેય તરફ લઇ તો જશે પરંતુ ધ્યેય નજીક આવતાં જ સમજાશે કે ત્યાં પહોંચતા પહેલાં હજી એક અતી દુષ્કર ખાડી ઓળંગવાની બાકી છે,જે કેવળ પ્રામાણિકતા અને સદ્દ્વર્તનને સહારે ઓળંગી શાકાતી નથી. આ ખાડીનું નામ છે ‘અહંકાર’. અહંકાર એટલે માલિકીનો દાવો. જો હું કોઇ વસ્તુ ઉપર મારી માલિકીની છાપ મારૂં તો એમાંથી ઉભી થતી સુખ દુઃખની બધી ઉપાધિ મારે જ ભોગવવી પડે ને ? અને ઇશ્વર કરતાં વધુ ન્યાયી બીજું કોણ હોઇ શકે ! તે આપણને માલિકી ભાવથી કરેલા કર્મનું ફળ જરૂર આપે છે, વળી સાથે સાથે એ ફળ સારી રીતે ભોગવી શકાય તેવો યથાયોગ્ય દેહ પણ આપતો રહે છે. આને જ હિન્દુઓ પૂનર્જન્મ કહે છે.અને આમ આ અહંકાર આપણને જન્મ મૃત્યુના ફેરામાં ફસાવે છે. જો આપણે આ ફેરામાંથી છુટવું હોય તો આપણે આપણા કોઇ પણ કર્મ ઉપર માલિકી ભાવનો દાવો કરવો નહીં. આ દાવા વગર કરેલું કર્મ એટલે જ નિષ્કામ કર્મ.પરંતુ આવી ઘટના બને છે કે નહીં તેનો કોઇ પુરાવો મળતો નથી.આ તો કેવળ માન્યતા છે.(જે વસ્તુનો પુરાવો ન હોય તેને જબરજસ્તી મનમાં ઠસાવી દઇએ એ માન્યતા)હિન્દુ, બુદ્ધ અને જૈન ધર્મોને આ માન્યતા સ્વિકાર્ય છે.પરંતુ ખ્રિસ્તી,યહુદી અને ઇસ્લામ ધર્મોને તે સ્વિકાર્ય નથી.પરંતુ આ પાશ્ચાત્ય ધર્મોમાં પણ સ્વર્ગ અને નરકની માન્યતા તો છે જ. તેઓ માને છે કે મૃત્યુ બાદ મૃતાત્મા “પરગેટોરી” નામના કોઇ સ્થળમાં નિવાસ કરે છે અને એક એવો મુકરર દિવસ આવે છે કે જયારે ઇશ્વર આ સ્થળે આવી આ આત્માઓને એમના કર્મ પ્રમાણે સ્વર્ગમાં કે નરકમાં કાયમ માટે મોકલી આપે છે. આ મૃતાત્માઓને ફરી સુધરવાની તક આપતો નથી અર્થાત પૂનર્જન્મ મળતો નથી. તો ઇશ્વર આવો નિર્દય હશે શું?આ મુકરર દિવસને ખ્રિસ્તીઓ અને યહુદીઓ “ડે ઓફ રીસરેકશન’ કહે છે અને મુસ્લિમો તેને “કયામત”નો દિવસ કહે છે.
પૂનર્જન્મ કે સ્વર્ગ અને નરક છે કે નહીં તે કોણ કહી શકે. છતાં પૂનર્જન્મવાદીઓ પોતાનો મત સિદ્ધ કરવા કેવળ શ્રદ્ધાનો સહારો ન લેતાં તર્કબદ્ધ દલીલોનો સહારો લે છે.તેમની પહેલી દલીલ તો એ છે કે કોઇ પણ વ્યકિત કે જે કર્મના સિદ્ધાંતમાં માનતી હોય તેણે પૂનર્જન્મની માન્યતા સ્વિકારવી જ પડે. જો તે એમ ન કરે તો તે કોઇ દુરાચારીને સુખમાં રાચતો કે કોઇ સદાચારીને દુઃખમાં રડતો જુએ તો એ ઘટના કેવી રીતે સમજાવી શકે ? આવી ઘટના જોતાં જ એ કહેશે કે “અરે ભાઇ,આતો એના આગલા જન્મના કર્મોનું ફળ ભોગવે છે.” પણ આ ઉપરથી તો એમ સાબીત થાય કે કર્મનો નિયમ તો પ્રારબ્ધને જ પ્રાધાન્ય આપે છે અને તેથી લોકો પ્રારબ્ધ ઉપર આધાર રાખી નિષ્ક્રિય થઇ જાય છે. તો શું કર્મનો સિદ્ધાંત સાચે જ નિષ્ક્રિયતાનો પ્રેરક છે?
ના, જરાય નહી.કર્મના સિદ્ધાંતને પ્રારબ્ધવાદ માની લેવા જેવી બીજી મોટી ભૂલ કોઇ નથી એમ હું માનું છું. કારણ આ સિદ્ધાંત કર્મ ઉપર નહી પણ કર્મ કરવાની રીત ઉપર, અર્થાત અહંકાર રહીત પુરૂષાર્થ એટલે કે નિષ્કામ કર્મ ઉપર ખાસ ભાર મુકે છે. બૌદ્ધો અને જૈનો તો ભગવાન કરતાં પણ આ નિયમને વધુ અગત્ય આપે છે.
હવે વૈદિક વિચાર ધારા પ્રમાણે પૂનર્જન્મ અંગે શું સમજાવ્યું છે તે જોઇએ. આ તત્ત્વજ્ઞાન પ્રમાણે માનવ જીવના ત્રણ અલગ અલગ ભાગમાં પાડી એમાના કયા ભાગ માટે પૂનર્જન્મની શકયતા છે તે સમજાવ્યું છે.આ ત્રણ ભાગ આ પ્રમાણે છે.
૧) કારણ શરીર ૨) સ્થૂળ શરીર કે કાર્ય શરીર ૩) સૂક્ષ્મ શરીર કે કારક શરીર
કારણ શરીર –
આ શરીર કે જેને કારણે બીજા બે શરીર સંભવી શકે છે અને ટકી શકે છે તેનું વર્ણન કરતાં શાસ્ત્રો કહે છે કે તે શાશ્વત, અજન્મા,અદ્રષ્ય,સર્વવ્યાપી વગેરે વગેરે છે. તો જે જન્મ્યું જ નથી તેનું મૃત્યુ કેવી રીતે થાય? અને મૃત્યુ વગર પૂનર્જન્મ કયાંથી ? અર્થાત આ કારણ દેહના પૂનર્જન્મ વિશે વિચાર કરવો પણ યોગ્ય ન ગણાય.
ન જાયતે મ્રિયતે વા કદાચિત્ નાયં ભૂત્વા ભવિતા વા ન ભૂયઃ
અજો નિત્યઃ શાશ્વતઃ અયં પુરાણો ન હન્યતે હન્યમાને શરીરે ગીતા ૨,૨૦
સ્થૂળ શરીર –
આ શરીર “આકાશ,અગ્નિ,વાયુ,પૃથ્વી અને પાણી” એ પંચમાભૂતોનું બનેલું છે. અહીં ‘ વાયુ ,પૃથ્વી અને પાણી’નો ઉલ્લેખ કરી પદાર્થ માત્રની ઘન,પ્રવાહી કે વાયુ સ્થિતીનું સુચન કરવામાં આવ્યું છે. જયારે અગ્નિ “પ્રકાશ અને ગરમી”શકિતનું સુચન કરે છે. અને આકાશ આ બધા‘પદાર્થ અને શકિત’ને પાંગરવા માટે અતિ આવશ્યક છે.અને મૃત્યુ પછી આ પાંચ તત્ત્વોના બનેલા દેહનું,એના મૂળ તત્ત્વોના રૂપમાં પરિવર્તન થાય છે.(Law of conservation of mass and energy) આ દ્રષ્ટિએ જોતાં કદાચ એમ કહી શકાય કે આ પાંચ તત્ત્વોનો પૂનર્જન્મ થયો.પરંતુ આ તત્ત્વો સ્થૂળ દેહની ઉત્પત્તિ થતાં પહેલા પણ હતાં જ કેવળ સ્થૂળ દેહનો અંચળો ઓઢી સંતાઇ રહયાં હતા એટલે કે દેહ રૂપમાં વ્યકત હતાં એમ કહેવાય. ગીતામાં આ વાતનો પણ ઉલ્લેખ છે.
અવ્યકતાદીનિ ભૂતાનિ વ્યકત મધ્યાનિ ભારત
અવ્યકતનિધનાન્યેવ તત્ર કા પરિદેવના ગીતા-૨,૨૮
વળી ફરી નવો અંચળો ઓઢી બીજી કોઇ પણ યોનીમાં નવો દેહ ધારણ કરી આ પાંચે તત્ત્વો વ્યકત થઇ શકે ખરાં. તેથી આ ક્રીયાને પૂનર્જન્મ કહેવા કરતા દેહની પૂનરાભિવવ્યકિત કહીએ તે વધારે યોગ્ય ગણાય એમ હું માનું છું.
સૂક્ષ્મ શરીર-
આ શરીર “મન, બુદ્ધિ ચિત્ત અને અહંકાર” નામના ચાર અંગોનું બનેલું છે.જેનું બીજું નામ છે ‘અંતઃકરણ’, અંતઃકરણનો સાચો અર્થ છે અંતરગત કરવું.(જેમ કે વશીકરણ કે વર્ગીૈકરણ કરવું) જીવન દરમ્યાન થતા અનુભવોને અંતરગત કરી વ્યક્તિત્વ ઘડવાની ક્રિયાને પણ અંતઃકરણ કહેવાય ને ? આપણે સહુ જાણીએ છીએ કે કોઇ પણ વિશયનું જ્ઞાન મેળવવું હોય તો સૌથી પ્રથમ
તે વિશય અંગેની બધી માહિતી મેળવવી જોઇએ. પછી
તેનું પૃથકકરણ અને વર્ગિકરણ કરવું જોઇએ ત્યાર પછી
આ વર્ગોને અલગ અલગ લેબલ લગાવ્યા બાદ
આ વર્ગોનોે સંગ્રહ કરવો અને છેલ્લે
તેના ઉપર મહોર મારી આ બધી માહિતી ભાવિ માટે સાચવી રાખવી.
આ ક્રિયાઓ આપણા અંતરમાં પણ આ પ્રમાણે જ થાય છે.
આપણું ભટકતું મન જુદી જુદી માહિતી મેળવી બુદ્ધિ ને આપે છે.
બુદ્ધિ તે માહિતી સારી છે કે ખોટી તેનું નિદાન કરી વર્ગિકરણ કરી ચિત્તને આપે છે.
ચિત્ત આ બધાનો સંગ્રહ કરી અહંકારને આપે છે અને
અહંકાર તેના ઉપર ” આ બધી માહિતી મારી છે” એવી મહોર મારી સાચવી રાખે છે.
અને જીવનભર આ અહંકાર સાચવેલી માહિતી વડે પોતાનું વ્યક્તિત્વ ઘડે છે.
ગીતામાં એમ કહયું છે કે મૃત્યુ બાદ, પવન જેમ ગંધને તાણી જાય છે તેમ આ અહંકાર (જીવાત્મા) પૂર્વ દેહમાં સંગ્રાહેલી વિગતોને સાથે તાણી જઇ નવા દેહ સાથે જોડે છે.
શરીરં યદવાપ્નોતિ યત્ ચ અપિ ઉત્ક્રામતી ઇશ્વરઃ
ગૃહીત્વા એતાની સંયાતિ વાયુઃ ગન્ધાન્ ઇવ આશયાત્ગીતા ૧૫-૮
મૃત્યુ પામતા પહેલાની જીવનની છેલ્લી પળોમાં અધુરી રહેલી કેટલીક ઇચ્છા મનને કોરી ખાતી હોય છે. આવી ઇચ્છા વાસનાનું રૂપ લઇ નવા જીવનમાં ડોકીયાં કરે છે.જયારે કેટલીક ઇચ્છા એવી પણ હોય છે કે જે મનને કોરી નથી ખાતી છતાં મનમાં તે પુરી ન થવાનો અસંતોશ રહી ગયો હોય.આવી ઇચ્છા નવા જીવનમાં સંસ્કાર રૂપે વ્યકત થાય છે આમ સંસ્કાર અને વાસનાનું ભાથું લઇ અહંકાર પોતાની લખ-ચોરાસીની યાત્રામાં આગળ વધે છે. પૂર્વ જીવનની માહિતીનું નવા જીવનમાં થતું આવું પ્રસારણ કદાચ એક ઉદાહરણથી વધુ સમજાશે. જેમ રેડીયો સ્ટેશનેથી પ્રસારીત માહિતી યોગ્ય રીતે ટયૂન કરેલો રેડીઓ ઝીલે છે તેમ જ પૂર્વ જીવનના અંતઃકરણમાં સંગ્રાહેલી માહિતીથી, વાસનાઓથી, યોગ્ય રીતે ટયૂન થયેલું નવા દેહનું મગજ એ જુની માહિતીના પ્રસારણને ઝીલીને નવા અનુભવ કરતું હશે. આમ બને છે કે નહીં તેનો પુરાવો મારી પાસે નથી. આતો કેવળ મારી માન્યતા જ છે. એની હાંસી ઉડાવશો કે અવગણના કરશો તો મને કોઇ વાંધો નથી. પરંતુ મારા વિચારોમાં થયેલી ક્ષતિઓ પ્રત્યે મારું ધ્યાન નહીં દોરો તો મને દુઃખ તો જરૂર થશે.
ઇતિ.