jump to navigation

“ઇશાવાસ્ય, શ્લોક -૧,૨” November 15, 2007

Posted by girishdesai in : ચિંતન લેખ , add a comment

શ્લોક -૧
ઇશાવાસ્યમ્ ઇદં સર્વમ્ યત્કિંચ જગત્યાં જગત્ ૤
તેન ત્યકતેન ભુંજીથા મા ગૃધઃ કસ્ય સ્વિદ્ ધનમ્ ૤૤

વિશ્વમાં વસ્યું જે કંાઇ, વસ્યું ઇશતત્ત્વ તેમાં સદા
ત્યાગીને ભોગવી જાણો,ન રાખો ગીધ વૃત્તિ કદા
જાણો છો, આ ધન (વિશ્વ)કોનંુ છે ભલા ?

ઇશાવાસ્ય એ શબ્દની સંધિ બે રીતે છુટી પાડી શકાય છે એ વાતનો ઉલ્લેખ મેં શરૂઆતમાં કરેલો.વસનો અર્થ જો વસ્ત્ર કરીએ તો ઇશાવાસ્યનો અર્થ થાય ઇશ્વર રૂપી વસ્ત્રથી આચ્છાદિત એટલે કે ઇશ્વરમાં સમાયેલું અને જો વાસનો અર્થ રહેઠાણ “આવાસ” કરીએ તો ઇશ્વર જેમાં વસેલો છે તે.આમ ઋષિએ એક જ શબ્દમાં કહયું કે ઇશતત્ત્વ રૂપી વસ્ત્રથી આ આખું જગત આચ્છાદિત છે અને આ અસ્થાયી જગતના કણ કણમાં ઇશ્વરનો વાસ છે.અર્થાત ઇશ્વર સર્વ વ્યાપી છે.વળી ઋષિ એવી સલાહ આપે છે કે આ જગત ત્યાગીને ભોગવો.અહીં ત્યાગનો અર્થ છે નિર્મોહ. જગતમાં જે કંાઇ જાણવા કે માણવા મળે તેનો મોહ ન રાખવો.અર્થાત જીવનની બધી જ પવૃત્તિ નિષ્કામ ભાવે કરવી.આ જગતનો કેવળ ઉપભોગ જ ન કરતાં શકય હોય તેટલંુ બીજાઓ માટે ઉપયોગી થવું.આપણે સહુ આ પ્રકૃતિના અંગ રૂપ છીએ એવી સમજ કેળવવી એ અતિ આવશ્યક છે.જેમ શરીરના વિવિધ અંગો પોતાના પોષણ માટે લોહીનો ઉપભોગ જરૂર કરે છે છતાં પોતાની ફરજ બજાવવામાં અને એક બીજાને સહાય કરવામાં પાછી પાની નથી કરતા.જયારે શરીરનું એકાદ અંગ પોતાંની ફરજ ચૂકે છે ત્યારે જ શરીરમાં રોગ દાખલ થાયછે ને? ધારોકે લોહી હૃદયમાં પહોંચે પછી હૃદય એમ કહે કે આ લોહી હું મારે માટે જ સંગ્રહી રાખીશ બીજા અંગોને નહીં આપું તો શું થાય? હાર્ટએટેક કે બીજું કાંઇ ?
એટલે જ ઋષિ એ કહયું કે ત્યાગીને ભોગવી જાણો ન રાખો ગીધવૃત્તિ “સંગ્રહવૃત્તિ કદા.” વધારાનું ત્યજી દઇ જરૂર પુરતું ભોગવો.ઋષિ વળી ઠપકો આપતાં પુછે છે કે અરે ભાઇ તને ખબર છે ખરી કે આ ધન કોનું છે ? હું જો એમ માનું કે ઇશ્વરતો મારો બાપ છે એટલે આ બધુંય મારા બાપનું જ કહેવાયને ? વાત સાચી,પણ બાપ હજી જીવતો બેઠો છે. હજી એણે મારે નામે કશું મૂકયું નથી એ પણ મારે યાદ રાખવું રહયું. આ શ્લોકમાં ઋષિએ નિષ્કામ કર્મ ઉપર ખાસ ભાર મુકયો છે. હવે પછીના શ્લોકમાં જીવન કેમ જીવવું તે અંગે ઋષિ સમજાવે છે.

શ્લોક-૨
કુર્વન્ એવેહ કર્માણિ જિજીવિષેત્ શતં સમાઃ ૤
એવં ત્વયિ નાન્યથેતોઅસ્તિ ન કર્મ લિપ્યતે નરે ૤૤

આમ જ કરતા રહી કર્મો, ઇચ્છો આયુ સો વર્ષનંુ
ઉપાય ન બીજો કોઇ , તો થશે નહીં બંધન કર્મનું.
આ આખું જગત ઇશ તત્ત્વથી વ્યાપ્ત છે એવું મનમાં ઠસી જાય પછી માણસે નિષ્કામ કર્મની વૃત્તિ કેળવવી અને એવી વૃત્તિ રાખી સો વર્ષનું આયુષ્ય ભોગવવાની ઇચ્છા રાખવી.ઋષિએ અહીં સો વર્ષનો ઉલ્લેખ કેમ કર્યો હશે ? કારણ કે તે જમાનામાં ઘણાં લોકો વર્ણાશ્રમ પદ્ધતિ અનુસાર જીવન વ્યતીત કરતા હતાં.પચીસ વર્ષનો એક એવા ચાર “બહ્મચર્ય,ગૃહસ્થ,વાનપ્રસ્થ અને સંન્યસ્ત” આશ્રમોનો પુરેપુરો અનુભવ મેળવી લેવાની તક ન ચૂકવી જોઇએ. તો જ આ પ્રકૃતિનો પાકો પરિચય થાય એમ ઋષિનું કહેવું છે.આ ચાર આશ્રમોના – આ ચાર પ્રકારના શ્રમોના – મુખ્ય બે વિભાગ પાડી શકાય. પહેલા વિભાગમાં આવે બહ્મચર્ય અને ગૃહસ્થાશ્રમ તથા બીજામાં આવે વાનપ્રસ્થ અને સંન્યસ્તાશ્રમ.પહેલો વિભાગ ભૌતિક જીવનના વિકાસ માટે એટલે કે પ્રકૃતિને સમજવા માટે છે જયારે બીજો વિભાગ આધ્યાત્મિક જીવનના વિકાસ માટે અટલે કે પુરૂષને સમજવા માટે છે.બહ્મચર્ય આશ્રમ એ સુખી જીવન માટે વ્યકિતએ પોતના કુટુંબ,સમાજ અને સૃષ્ટિ સાથે કેવો સંબંધ રાખવો જોઇએ તે અંગેના સિધ્ધાંતો શીખવા માટે છે. આ આશ્રમ દરમિયાન વ્યકિતના ભરણ પોષણની અને તેના શિક્ષણની જવાબદારી મુખ્યત્વે તેના કુટુંબ અને તેના સમાજને માથે રહે છે. (એટલા માટે જ વિદ્યાર્થીઓ ભિક્ષા માંગવા નીકળતા) જીવનના પહેલાં પચીસ વર્ષ જીવની આ બધી વિદ્યા શીખવામાં તેણે ગાળવા જોઇએ. તેથી જ બહ્મચર્ય આશ્રમને વિદ્યાર્થી અવસ્થા પણ કહેવાય છે.આ સમય પૂરો કરી છવ્વીસથી પચાસ વર્ષ આ બધી વિદ્યાનો જીવન વ્યવહારમાં ઉપયોગ કરવાનો છે. ગૃહસ્થ બની ઉગતી નવી પેઢીને કેળવવાની જવાબદારી માથે લેવાની છે. તેથી જ આ આશ્રમ ગૃહસ્થાશ્રમ કહેવાય છે.આમ જીવનના પચાસતો પૂરા કર્યાં. હવે પચાસથી પંચોતેરમાં જીવનના આધ્યાત્મિક વિકાસ માટેના સિદ્ધાન્તો શિખવાના છે.આધ્યાત્મિક વિકાસ માટે મનને અંતરમુખ કરવું એ અતિ આવશ્યક છે. અને તે ત્યારે જ શકય થાય કે જયારે મન ગૃહસ્થ જીવનની જંજાળમાંથી છૂટે. પરંતુ આગલા પચાસ વર્ષની પડેલી ટેવો આસાનીથી છૂટે ખરી ? એટલે આ પચીસી દરમિયાન ધીરે ધીરે તેનાથી મુકત થતાં જવું. આ આશ્રમ દરમીયાન મનુષ્યે પોતાની જવાબદારીઓ નવી પેઢીને સોંપી દેતા શીખવાનું છે. અને આ-શ્રમમાં નિપુણતા મેળવીને જીવનની શેષ પચીસીમાં એટલે કે સન્યસ્તાશ્રમ વેળા મનને શ્રવણ, મનન અને નિદિધ્યાસ તરફ વાળવાનું છે.આ શ્લોકમાં નિષ્કામ કર્મ ઉપર ખાસ ભાર મુકતાં ઋષિએ કહયું કેે કર્મના લેપનથી જો મુકિત મેળવવી હોય તો કેવળ આ એક જ માર્ગ છે. ઇશાવાસ્યના આ પહેલા બે શ્લોક સમજાવતાં ગીતામાં શ્રી કૃષ્ણ અર્જુનને કહે છે કે
કર્મણ્યેવાધિકારસ્તે મા ફલેષુ કદાચન ૤
મા કર્મફલહેતુઃ ભુઃ મા તે સંગો અસ્તુ અકર્મણિ ૤૤ ગીતા ૨-૪૭
હે અર્જુન, તારામાં કેવળ કર્મ કરવાની જ લાયકાત છે, તેનું ફળ કેવું અને કયારે મળશે તે જાણવાની લાયકાત તારામાં નથી માટે ફળ મેળવવાનો હેતુ ન રાખ, અર્થાત નિષ્કામ કર્મ કર. અહીં અધિકારનો અર્થ લાયકાત કરવો જ યોગ્ય લાગે છે, જેમકે ડૉકટરને દવા આપવાનો અધિકાર છે એટલે કે તેનામાં એ લાયકાત છે. ઇશ્વરે મનુષ્યને ઇન્દ્રિઓ આપી એને કર્મ કરવાની લાયકાત આપી છે. તેથી તો તે કર્મેન્દ્રિઓ કહેવાય છે.પણ કર્મનું ફળ શું હોવું જોઇએ અને કયારે મળવું જોઇએ એનો નિર્ણય કરવાની લાયકાત(શકિત) ઇશ્વરે મનુષ્યને નથી આપી. કર્મનું ફળ કેવું અને કયારે મળવું જોઇએ તેનો નિર્ણય કરવા, કયા કર્મો કયારે કર્યાં, કેવી રીતે કર્યાં, શા કારણથી કર્યાં એ બધાની નોંધ હોવી જોઇએ.મનુષ્ય સવારની વિગતો સાંજ સુધીમાં ભૂલી જાય છે તો તે આ સારાએ જીવનના અને તદ ઉપરાંત પૂર્વ જીવનાનાં બધાય કર્મો કેવી રીતે યાદ રાખી શકે ? એવી સ્મરણ શકિત ઇશ્વરે તેને નથી આપી. અને તે જ સારૂં છે. જો બધું જ યાદ રહે તો મુશ્કેલીનો પાર ન રહે. આ જન્મનો મારો બાપ ગયા જન્મે મારો બેટો હતો એવું યાદ આવે તો કયો બેટો બાપની મર્યાદા રાખે ? એટલે કર્મના ફળની માથાકુટમાં પડયા વગર કર્મ કરતાં રહેવું. આ એક જ રસ્તો છે એમ ઋષિએ કીધું.આ રસ્તે ન ચાલતા કેવળ પ્રકૃતિના ભોગમાં રચ્યા પચ્યા રહેનારની શું દશા થાય છે તે સમજાવતાં ઋષિ કહે છે કે,
વધુ હવે પછી.

” ઇશોપનિષદ” November 14, 2007

Posted by girishdesai in : ચિંતન લેખ , add a comment

November 12, 2007 Edit

મિત્રો,
આપ સહુને નૂતન વર્ષાભિનંદન
આ નવા વર્ષે મારી એક મનોકામના પૂર્ણ કરવાનો જે વિચાર છે તેને અમલમાં મુકવા હું આપ સહુની સમક્ષ ” ઇશોપનિષદ” વિશેના માર વિચારો રજુ કરું છું. આશા રાખું છું કે આપ સહુ તે અંગે અપનો યોગ્ય પ્રતિભાવ દર્શાવશો.

નિવેદન
ઇશોપનિષદ અથવા ઇશાવાસ્ય ઉપનિષદને નામે પ્રસિદ્ધ આ ઉપનિષદ ઉપર ઘણાં બધા તત્ત્વજ્ઞોએ ઘણાં બધા સાધુ સંતોએ તથા ઘણી બધી ખ્યાતનામ વ્યકિતઓએ પોતાનાં વિચાર વ્યકત કર્યાં છે. તો મારા જેવી સાધારણ વ્યકિતને આ ઉપનિષદ અંગે લખવાની શી જરૂર પડી ? આ લખાણ કરવાના મૂખ્ય બે કારણ છે. એક તો એ કે હું મારા મનમાં વિખેરાયેલા વિચારોને વ્યવસ્થિત કરી શકું.મારી દ્રષ્ટિએ લખવું એ બીજી વ્યકિત સાથે વાર્તાલાપ કરવા સમાન છે.મારો અનુભવ છે કે લખવાથી વિચારમાળાના મણકા ક્રમબદ્ધ ગોઠવવાનું કામ અતિ સરળ થઇ જાય છે.વળી વિચારોમાં રહેલી ક્ષતિઓ પણ આસાનીથી શોધી શકાય છે.અને બીજું એ કે મારા જેવા સાધારણ કક્ષાના માણસોના મનમાં એક એવો હાઉ ઘર કરી બેઠો છે કે વેદ, પુરાણ,ઉપનિષદ વગેરે શાસ્ત્રો તો વિદ્વાનો કે તત્ત્વજ્ઞાનીઓ જ સમજી શકે એમાં આપણી ચાંચ ન ડૂબે. અને આ ડરનું કારણ છે વિદ્વાનોએ અજાણતા જ ઉભો કરેલો ભાષાનો ભાર. વિદ્વાનોને જે વાત સહજ લાગે તે મારી કક્ષના લોકોને ભારે લાગે અને એટલે જ વેદ, ઉપનીષદની વાત આવતા જ ભાગવા માડે. કેટલીક વાર તો મને એમ લાગે છે કે શાસ્ત્રોકત ભાષા કરતાં સાક્ષરોકત ભાષા સમજવી વધુ મુશ્કેલ લાગે છે. હું પંડિત કે સાક્ષર હોવાનો દાવો કરી શકું એમ નથી. હું તો કેવળ મારા જેવી સાધારણ વ્યકિતઓની સાધારણ ભાષાથી જ વધુ પરિચિત છું. તેથી મારી રોજ બરોજની ભાષામાં આ મારી કક્ષના લોકોને કહું છું કે ઇશાવાસ્ય ઉપનિષદ આપણા જેવા સામન્ય માણસોને પણ રોજીંદા જીવનમાં ઘણી સહાય કરે એમ છે. અરે, જો ભગવા પહેરી કોઇ પણ સાધુ બાવો શાસ્ત્રો સમજાવી શકે તો શું આપણે તેમનાથી કાંઇ કમ છીએ ? મારૂં આ લખાણ તત્ત્વજ્ઞાનના ઉંડા પાણીમાં નહી લઇ જાય પણ કદાચ તેમાં થોડા છબછબીયાં તો જરૂર કરાવશે એવી આશા રાખું છું. આ મારો પહેલો જ પ્રયાસ છે એટલે વિચાર કે મુદ્રણમાં થયેલી ક્ષતિઓ તરફ મારું ધ્યાન દોરશો તો આપનો આભાર માનીશ.આ લખાણને ઇશોપનિષદની બાળપોથી ગણશો તો વાંચતી વેળા તત્ત્વજ્ઞાનનો હાઉ તમને નહીં ડરાવે. આ લખાણ મેં ભલે મારા જેવી સાધારણ વ્યકિતઓને ધ્યાનમાં રાખી કર્યું છતાં જો કોઇ વિદ્વાન વ્યકિત આ અંગે પોતાનો પ્રામાણિક અભિપ્રાય વ્યકત કરશે તો મને ખૂબ આનંદ થશે.
મારા આ લખાણમાં થયેલી જોડણી અને વ્યાકરણ અંગેની ભૂલો ખૂબ જ ચીવટ પૂર્વક તપાસી આપવા બદલ મુ.દેવસ્મિતાબેન ભટ્ટનો તથા મારી પત્ની મૃદુલાનો ખૂબ ખૂબ આભાર માનું છું. પરંતુ તે પછી પણ મેં સુધારા વધારા કર્યાં છે એટલે આવી ભૂલો હોવાની શક્યતા તો છે જ. માટે જો તમારા ધ્યાનમાં કોઇ ભૂલ આવે તો તે પ્રત્યે મારું ધ્યાન દોરવા આપ સહુને ખાસ વિનંતી કરું છું.
ગિરીશ દેસાઈ

પ્રસ્તાવના
અઢાર શ્લોકનું આ ઉપનિષદ, માંડૂકય ઉપનિષદ સિવાયના બીજા બધા ઉપનિષદોથી નાનું હોવા છતાં અગત્યમાં સૌથી પ્રથમ સ્થાન ધરાવે છે.મહાત્મા ગંાધીજીએ તો અટલે સુધી કહયું છે કે જો હિન્દુ ધર્મના તમામ શાસ્ત્રોનો વિનાશ થઇ જાય પરંતુ જો કેવળ તેનો પહેલો જ શ્લોક બચી જાય તો હિન્દુ ધર્મનો સંદેશ આવતી પેઢીઓ માટે સચવાઇ રહે.મારી દ્રષ્ટિએ આ ઉપનિષદના રચયિતા ૠષિએ આ અઢાર શ્લોકમાં સાત્વિક,રાજસિક અને તામસિક વ્યકિતઓને ધ્યાનમાં રાખી નિષ્કામ વૃત્તિ કેળવી નિષ્કામ કર્મ કેમ કરવું તે અંગે સમજ આપી છે.
ઋષિએ પહેલા શ્લોકમાં ‘અદઃ’ એટલે કે પુરૂષ અને ‘ઇદં’ એટલે કે પ્રકૃતિ આ બેઉનો ખ્યાલ આપી તે બન્ને પ્રત્યે દરેક વ્યકિતએ કેવી મનોવૃત્તિ કેળવવી એ અંગે ખ્યાલ આપ્યો છે. અર્થાત નિષ્કામ કર્મ વૃત્તિ અંગેની સમજ.
બીજા શ્લોકમાં આવી વૃત્તિ કેળવી તેને જીવનમાં ઉતારવા સો વર્ષના લાંબા આયુષ્યની ઇચ્છા રાખવા વિશે અનુરોધ કર્યો છે.
ત્રીજા શ્લોકમાં ત્યાગ અને ભોગનો સાચો તફાવત સમજયા વગર કેવળ ભોગ કે ત્યાગ વૃત્તિથી જીવન વિતાવવાના કેવા પરિણામ ભોગવવા પડે છે તે અંગે નિર્દેશ કર્યો છે.
શ્લોક ચારથી આઠમાં ઋષિને પોતાને થયેલી બહ્માનુભૂતિનું વર્ણન છે.
શ્લોક નવથી અગિયારમાં રજોગુણી લોકોને ધ્યાનમાં રાખી વિદ્યા અવિદ્યા વચ્ચે શું તફાવત છે અને જીવન ઘડતરમાં તે બેઉ કેવી રીતે ઉપયોગી થાય છે તે સમજાવ્યું છે.એટલું જ નહીં પણ વિદ્યા અવિદ્યા વચ્ચેનો આ તફાવત જમાના પ્રમાણે બદલાતો રહે છે તેથી મનમાં જયારે આ અંગે દ્વિધા ઉભી થાય ત્યારે દરેક વ્યકિતએ તત્કાલીન જમાનાના શાણા ગણાતા માણસોની સલાહ લેવી એવું સુચન કર્યું છે.
શ્લોક બારથી ચૌદમાં સાત્વિક લોકોને ઉદ્દેશીને આજ જાતની સલાહ આપી છે પરંતુ તેઓને વિદ્યા અવિદ્યા અંગે નહીં પણ સંભૂતિ અસંભૂતિ વચ્ચેના તફાવત સમજવા અનુરોધ કર્યો છે.
શ્લોક પંદરથી અઢાર જીવન ઉન્નતી માટે અંતકરણની પ્રાથના છે.
આમ ત્યાગ અને ભોગ, વિદ્યા અને અવિદ્યા તથા સંભૂતિ અને અસંભૂતિ આ ત્રણે જોડકાનો તફાવત સમજી તેનો જીવન ઘડતરમાં કેવી રીતે ઉપયોગ કરવો એ અંગે ત્રીવીધ વૃત્તિના લોકોને અપાયેલ સમજ એટલે જ ઇશોપનિષદ.

” ઇશોપનિષદ “
(મારી દ્રષ્ટિએ)

ઇશાવાસ્ય ઉપનિષદ એ શુકલ યજુર્વેદની કાણ્વ સંહિતાનો છેલ્લો ચાલીસમો અધ્યાય છે. આ એક જ ઉપનિષદ એવું છે કે જે વેદના ભાગરૂપ છેે, અને તેથી જ, જેમ બીજા પ્રત્યેક ઉપનિષદોમાં તેનો પોતાનો આગવો શાંતિ મંત્ર હોય છે તેમ આ ઉપનિષદમાં પોતાનો આગવો શાંતિ મંત્ર નથી અને તેથી બૃહદારણ્યકના શાંતિ મંત્રને આ ઉપનિષદના શાંતિ મંત્ર તરીકે અપનાવી લેવામાં આવ્યો છે. આ ઉપનિષદને ‘મંત્ર ઉપનિષદ’ પણ કહેવાય છે.મારી દ્રષ્ટિએ આ શાંતિ મંત્રને લક્ષમાં રાખી તેનો ઊંડો અર્થ સમજાવવા કોઇ ઋષિએ જે અઢાર શ્લોક રચ્યાં તે જ આ ઇશાવાસ્ય ઉપનિષદ. વળી આ અઢાર શ્લોકમાં પૂર્ણમ્ અદઃ પૂર્ણમ્ ઇદં એ શાંતિ મંત્ર ઉપરનું ભાષ્ય એટલે ઇશાવાસ્ય,અને આ ભાષ્યનું વિવરણ એટલે ગીતા. જો કે ગીતાતો બધા જ ઉપનિષદોનો નિચોડ છે.
” સર્વોપનિષદો ગાવો દોગ્ધા ગોપાલનન્દનઃ
પાર્થો વત્સઃ સુધીર્ ભોકતા દુગ્ધં ગીતામૃતં મહત “

ઇશાવાસ્ય એ શબ્દની સંધિ બે રીતે છૂટી પાડી શકાય છે.
ઇશા +વાસ્યમ્ એટલે કે ઇશા (પરમેશ્વર) રૂપી (વાસ) વસ્ત્રથી ઢંકાયેલું અથવા
ઇશ +આવાસ્યમ્ એટલે કે ઇશ (પરમેશ્વર)ને આવાસ (રહેઠાણ) રહેવા લાયક.

ઉપનિષદ શબ્દની સંધિમાં ત્રણ ધાતુ વપરાયેલા છે. ઉપ+ નિ + સદ્
ઉપ =પાસે , નિ =નીચે એટલે કે ગુરૂના ચરણમાં અને સદ્ = બેસવું
અર્થાત ગુરૂ ચરણમાં બેસી જ્ઞાન લેવું તે ઉપનિષદ.
શાંતિમંત્ર
મનં ત્રાયતિ ઇતિ મંત્ર = મનનો ઉધ્ધાર કે તે મંત્ર

ૐ પૂર્ણમ્ અદઃ પૂર્ણમ્ ઇદં પૂર્ણાત્ પૂર્ણમ્ ઉદચ્યતે
પૂર્ણસ્ય પૂર્ણમ્ આદાય પૂર્ણમ્ એવ અવશિષ્યતે
ૐ શંાતિઃ શંાતિઃ શંાતિઃ

પૂર્ણ છે તે, પૂર્ણ છે આ, પૂર્ણમાંથી પૂર્ણ ઉદ્ભવ્યું
પૂર્ણનંુ પૂર્ણ ગ્રહી લેતા પૂર્ણ જ બાકી રહી ગયંુ
ૐ શંાતિઃ શંાતિઃ શંાતિઃ

અદઃ= તે, પુરૂષ, ઇશતત્ત્વ, બહ્મતત્ત્વ, પરોક્ષતા
ઇદં = આ, પકૃતિ,જગત,સૃષ્ટિ, પત્યક્ષતા
આદાય = લઇ લેતાં, બાદ કરતાં, ગ્રહી લેતાં,સમજી લેતાં
અવશિષ્યતે= શેષ રહે છે ,બાકી રહે છે.

પુરૂષ પૂર્ણ છે તથા પ્રકૃતિ પણ પૂર્ણ છે.પુરૂષમાંથી જ પ્રકૃતિ ઉદ્ભવી છે. પુરૂષમાંથી પ્રકૃતિ ગ્રહી લેતાં કેવળ પુરૂષ જ બાકી રહે છે.અર્થાત કે તે પુરૂષનું પૂર્ણ સ્વરૂપ સમજવું હોય તો આ પ્રકૃતિ શંુ છે અને તેનું સાચું સ્વરૂપ કેવું છે તે સમજી લેવું જોઇએ.આ પ્રકૃતિ કેવળ માયા છે એ વાત મનની અંદર બરાબર ગ્રહણ કરવી જોઇએ.અને મનમાં જયારે આ વાત બરાબર ઠસી જાય ત્યારે જ સમજાય કે આ સૃષ્ટિમાં પુરૂષ સિવાય બીજું કશું જ બાકી નથી રહેતું. “અદઃ એવ અવશિષ્યતે”.મને તો લાગે છે કે આ ઉપનિષદની રચના કરનારા ઋષિ સાચે જ કોઇ બ્રહ્મદ્રષ્ટા હશે, અને એમણે જયારે બૃહદારણ્યકનો આ શ્લોક વાંચ્યો કે સાંભળ્યો હશે ત્યારે સાહજિક રીતે જ, એમણે પોતાને થયેલ અનુભૂતિને અનુમોદન આપતા આ શ્લોકની સાર્થકતા સમજાવવા ઇશાવાસ્યની રચના કરી હશે.આ શ્લોક હવે પછી રજુ થનાર ઇશોપનિષદની પૂર્વભૂમિકા રૂપે છે.
આ શ્લોક એક એવું ઉખાણું છે કે જેનો ઉત્તર તેની અંદર જ સમાઇ જાય છે. પશ્ન એ છે કે પૂર્ણમાંથી પૂર્ણ બાદ કરીએ તો પૂર્ણ કેવી રીતે બચે ? આ ઉખાણાનો પશ્ન હલ કરતાં પહેલાં પૂર્ણની વ્યાખ્યા શું છે તે સમજી લઇએ. પૂર્ણ એને કહેવાય કે જેની બહાર કશું જ ન રહયું હોય. પૂર્ણમાં વધ ઘટ થઇ જ ન શકે. જો તમે તેમાં વધારો કરવા ઇચ્છો તો વધારો કરવા માટેના ઘટકો અને વધારો કરનાર વ્યકિતતો એ પૂર્ણની બહાર જ હોય ને ? એક ઉદાહરણથી આ વાત સમજાશે. એક થાળીમાં એક આખો લાડુ મુકીએ અને તેને પૂર્ણ કહીએ. હવે જો એમાં કંાઇ ઉમેરવું હોય, એટલે કે જો તેને મોટો કરવો હોય, તો તેમાં વપરાયેલા મૂળ ઘટકો,જેવા કે લોટ,ઘી,ગોળ વિગેરે તો બહારથી લાવીને જ ઉમેરવા પડે ને ? અને જો એક પણ ઘટક બહાર રહી ગયું હોય તો લાડુ આપણી વ્યાખ્યા પ્રમાણે પૂર્ણ કહેવાય ખરો ? ચાલો, આમ આપણે એતો સમજયાં કે પૂર્ણ લાડુમાં વધારો ન થઇ શકે પરંતુ ઘટાડો કરવા જો તેમાંથી એક ટુકડો ખાઇ જઇએ તો ? તો આપણે તેમાંથી એક ટુકડો જ લીધો કહેવાય, પૂર્ણ લાડુ નહી. આપણે તો પૂર્ણમાંથી પૂર્ણ બાદ કરવાનું છે. તમે કહેશો, જો આખો લાડુ ખાઇ જઇએ તો શું બચ્યું ? બચ્યો આખો લાડુ. કારણ આમ કરવાથી તો કેવળ એનું સ્થાન જ બદલાયંુ. વળી મૂળ જે સ્થાનમાં લાડુ હતો તે “થાળી” અને જે સ્થાનમાં તે જઇ પડયો તે “ખાનારનું પેટ” તો લાડુની બહાર જ હતાં ને ? તો પછી આપણી વ્યાખ્યા પ્રમાણે તે પૂર્ણ કેમ કહેવાય ! અહીં જો તમે વાંધો ઉઠાવીને કહો કે “ગિરીશ ભાઈ જરા થોભો, તમે આ થાળી અને પેટને શા માટે લાડુના ઘટક તરીકે ગણો છો?લાડુની પૂર્ણતામાં એ બન્નેને શું કામ સંડોવો છો?” તો મારે બચાવમાં એટલું જ કહેવાનું કે આ સારી સૃષ્ટિની કોઇ પણ વસ્તુનું ઉદાહરણ લઇ ઇશાવાસ્યમાં દર્શાવેલા પૂર્ણને સમજાવવું હોય તો તે ઉદાહરણમાં આ ક્ષતિ તો રહેવાની જ. અને તેથી જ શાંતિ મંત્રમાં અદઃ અને ઇદં ને પૂર્ણ કહયાં છે. અદઃ એટલે ‘પુરૂષ’ કે જેમાંથી આ સારી સૃષ્ટિ “ઇદમ્” ઉત્પન્ન થઇ. સૃષ્ટિના વ્યકત અને અવ્યકત બધા જ પદાર્થો, બધી જ શકિતઓ તથા સ્થળ અને કાળ બધું જ આ પૂર્ણમાં, આ અદઃમાં, ઋષિએ સમાવી દીધું. જેની બહાર કશું જ નથી તેમાંથી કોણ? કયાંથી આવીને ? કેવી રીતે ? વધ ઘટ કરી શકે?
આ વાત પણ સમજયા,પરંતુ ઇદં કયાંથી આવ્યું ? તે પણ પૂર્ણ કેવી રીતે હોઇ શકે ? પૂર્ણતો એક જ હોયને ? આપણી વ્યાખ્યા પ્રમાણે, કયાંતો અદઃ ની અંદર ઇદં સમાઇ જવું જોઇએ યાતો ઇદંની અંદર અદઃ સમાઇ જવું જોઇએ. તો પછી ભૂલ કયાં છે ? ભૂલ છે આપણી સમજમાં.ઋષિ એમ નથી કહેતાં કે પૂર્ણ બે છે.એમના કહેવાનો સાચો અર્થ એ છે કે પૂર્ણતો એક જ છે પરંતુ તે બે નામે ઓળખાય છે. કોણ તેને કઇ રીતે ઓળખે છે એના ઉપર આ પૂર્ણનો આધાર છે.અદઃ એટલે પુરૂષ,એ તત્ત્વ છે અને ઇદં એટલે પ્રકૃતિ, એ આ તત્ત્વનો ગુણ છે. તત્ત્વ અને તેનાં ગુણ કદી જુદાં કરાય જ નહી. દાખલા તરીકે એક પ્રવાહી લો.આ તત્ત્વ થયું.અને પ્રવાહ એ દરેક પ્રવાહીનો ગુણ છે. પ્રવાહ અને પ્રવાહી કદી જુદાં પાડી શકાય ખરાં? જોકે કદીક એવું બને કે તત્ત્વનો ગુણ અવ્યકત હોય. દા.ત. પ્રવાહીને એક પ્યાલામાં મુકીએ તો તેનો પ્રવાહ નહીં દેખાય.પરંતુ પ્રવાહીતો રહેશે જ ને? જયારે તત્ત્વનો ગુણ અવ્યકત હોય,એટલે એનામાં એવો ગુણ છે, એવો ભાવ ન થાય ત્યારે ગુણનો અભાવ લાગે.આમ ગુણનો અભાવ હોઇ શકે પરંતુ તત્ત્વનો અભાવ કદી ન થાય.

“ન અસતઃ વિદ્યતે ભાવઃ ન અભાવઃ વિદ્યતે સતઃ ” ગિતા- ૨/૧૬
કદિક થાય અભાવ ગુણનો, પણ ન થાય તત્ત્વનો કદી.

એનો અર્થ એ થયો કે પુરૂષ,જે તત્ત્વ છે, તેનો કદી પણ અભાવ થતો નથી. પરંતુ પ્રકૃતિ,જે ગુણ છે તેનો કદીક અભાવ થાય છે. તો પછી આ પ્રકૃતિ કે જે ગુણ છે તે શાને હંમેશાં વ્યકત લાગે છે.આ ગુણનો ભાવ શાથી ? અને પુરૂષ કે જે તત્વ છે તે શાને હંમેશાં અવ્યકત લાગે છે ? આ તત્ત્વનો અભાવ શાથી ? જરા શાંત ચિત્તે આ પ્રકૃતિ અંગે વિચારીએ તો જણાશે કે તે ક્ષણે ક્ષણે બદલાતી જ રહે છે. તેથી જ ઋષિ તેને- જગત્યાં જગત- કહે છે. એક ક્ષણે પ્રકૃતિનો જે ભાવ મનમાં હતો તે બીજી ક્ષણે બદલાઇ જવાનો,અદ્રષ્ય થઇ જવાનો.અથવા કહો કે તેનો અભાવ થવાનો. જેમ પ્રવાહી પ્યાલામાં પડતાં જ તેનો પ્રવાહ અદ્રષ્ય થઇ જાય તેમ વર્તમાનની આ એક ક્ષણ કાળના પ્યાલામાં પડતાં જ ભૂતમાં વિલીન થાય છે, અને વર્તમાનના એના ભાવનો અભાવ થઇ જાય છે.આમ પ્રકૃનિતો ભાવ એ સાચો ભાવ નથી પણ અભાવ અને આશાઓની પરંપરા જ છે. મૃગજળ જેવો ભાસ છે. એટલે જ કહયું છે કે – બહ્મ સત્ય જગત મિથ્યા. હવે જો પુરૂષ અંગે વિચારી એ તો જણાશે કે આ સૃષ્ટિના ઇતિહાસમાં એક પણ વ્યકિત એવી નથી જન્મી કે જે કહે કે મારૂં મૃત્યુ થવાનું જ નથી. ભીષ્મપિતામહે પણ મૃત્યુનો સ્વિકાર કર્યો જ. મૃત્યુ અનિવાર્ય છે.અને એની અનિવાર્યતાનું ભાન ક્ષણિક નથી પરંતુ સ્થાયી છે.
જાવું પડશે એકદિ મારે,મૂકી બધું અહીંનું અહીં
વસે ન શું વિચાર એવો,સદા સહુના મનની મહીં?
મારા કરતાં તે પુરૂષ(અદઃ) વધારે શકિતશાળી છે અને એની કૃપાથી જ હું જીવું છું, અને એની ઇચ્છાથી જ મારે અહીંથી જવું પડશે,એવો ભાવ કોઇના પણ મનમાંથી કયારે પણ દૂર થતો નથી. ક્ષણે ક્ષણે બદલાતી એટલે ભૂત,વર્તમાન અને ભાવિમાં ભટકતી આ પકૃતિનું કારણ તે પુરૂષ જ છે.પુરૂષમાંથી જ પકૃતિનો ઉદ્ભવ થાય છે અને તેમાં જ તેનો વિલય પણ. જેમ પ્રવાહીનો પ્રવાહ પ્રવાહીમાંથી જ ઉદ્ભવે છે અને પ્રવાહીમાં જ શમે છે તેમ.
આમ મારી દ્રષ્ટિએ આ મંત્રનો અર્થ એટલો જ કે જયારે પુરૂષ પોતાના ગુણો વ્યકત કરે છે ત્યારે તે પકૃતિનું રૂપ ધારણ કરે છે. પકૃતિ એટલે બ્રહ્મના ત્રણ ગુણો(સત્ત્વ,રજો અને તમો)નું પદર્શન,બ્રહ્માનાં ગુણોની અભિવ્યકિત.અર્થાત સૃષ્ટિનું સર્જન બ્રહ્મ અને બ્રહ્માન્ડનો આ જ સંબંધ છે.
પ્ર= પહેલાનો, અને દર્શન શ દેખાવ,ભાવ યાને કે દર્શન થતા પહેલાનો ભાવ એટલે પ્રદર્શન (preview). આ વાત જો મનમાં બરાબર ગ્રહી લેવાય (આદાય) તો સમજાય કે કેવળ પુરૂષ જ પૂર્ણ છે.અને પ્રકૃતિનું પ્રદર્શન થાય કે ન થાય અર્થાત પ્રકૃતિ અભિવ્યકત હોય કે ન હોય, એનો ભાવ થાય કે ન થાય,તેનાથી પુરૂષની પૂર્ણતામાં કશો ફરક પડતો નથી. શેષમાં તો પુરૂશ જ બચે છે (અવશિષ્યતે)
This entire universe is just nothing but a preview of God’s attributes. If this preview is so amazing, so tempting then imagine how amazing and tempting His real view could be!

જો મન થાય તે દેખીને ઘેલુંં ,તો શી થાય વલે કરી પૂર્ણનું દર્શન!
સાર એટલો જ કે પુરૂષ એટલે તત્ત્વ અને પ્રકૃતિ એટલે એનો ગુણ.અને આ બે એક બીજાથી છુટા પડે જ નહીં. ન તો તેમાં કશું ઉમેરાય કે ન તેમાંથી કશું બાદ કરાય. આ પ્રકૃતિ કેવળ આપણાં જીવન દરમિયાન વ્યકત હોય છે, અને જન્મ પહેલાં અને મૃત્યુ પછી તે અવ્યકત રહે છે.
“અવ્યકતાદીનિ ભૂતાનિ વ્યકતમધ્યાનિ ભારત
અવ્યકતનિધનાન્યેવ તત્ર કા પરિદેવના” ગીતા ૨- 28
આ પકૃતિ હર પળે સત્ત્વ,રજસ અને તમસ એવા ત્રણ ગુણોમાં અભિવ્યકત થતી રહે છે.જો આ ત્રણે ગુણોને ચિત્તના પ્યાલામાં સમાવી બહાર વહેતાં અટકાવી શકીએ તોજ તત્ત્વનું “પુરૂષનું” ભાન થઇ શકે છે. અને તેથી જ શ્રી કૃષ્ણએ અર્જુનને કહયું કે?
“ત્રૈગુણ્યવિષયા વેદા નિસ્ત્રૈગુણ્યો ભવાર્જુન
નિર્દવન્દ્વો નિત્યસત્ત્વસ્થો નિર્યોગક્ષેમ આત્મવાન્ ” ગીતા ૨-૪૫
હે અર્જુન, વેદો આ ત્રણ ગુણોને સમજાવવા વાળા છે.તું તે ત્રણે ગુણોથી રહિત “પુરૂષ અને પ્રકૃતિના” દ્વન્દ્વ વિનાનો થા. નિત્ય ધૈર્ય નિષ્ઠ થા અને યોગક્ષેમ ની ચીંતા વિનાનો થઇ આત્મનિષ્ઠ થા.અર્થાત તારા ચિત્તના આ ત્રણે ગુણોને શાંત કરી આત્મજ્ઞાન પ્રાપ્ત કર.
હ્વે પછીનું લખાણ હું હપ્તે હપ્તે પ્રગટ કરતો રહીશ.

” મન વિશે “ October 25, 2007

Posted by girishdesai in : ચિંતન લેખ , add a comment

” મન વિશે “

જયારે જયારે મારૂં મન,મન વિશેના વિચારમાં વ્યસ્ત થાય છે ત્યારે સૌથી પહેલાં મનના સર્જકને નમન કરવા જરૂર પ્રેરાય છે.મનનું વિશ્લેશણ કરતી વખતે મારા મનમાં નીચેના પશ્નો ઉપસ્થિત થયા વગર રહેતા નથી ૧)મન એટલે શું ? ૨)એનું ઉદ્ભવ સ્થાન કયાં ? ૩)એનો નિવાસ કયાં ? ૪)એનું અંતીમ સ્થાન કયું ?
આ પશ્નોના જવાબ આપણા વૈદિક તત્ત્વજ્ઞો આ પ્રમાણે આપે છે.
મન એટલે વિચારોનો પ્રવાહ. એનું ઉદ્ભવ સ્થાન છે ચિત્ત. એનો નિવાસ છે અંતઃકરણ. અને એનું અંતીમ સ્થાન છે ચિત્ત, અર્થાત એ જયાંથી ઉદ્ભવ્યું ત્યંાજ છે એનું અંતીમ સ્થાન.
જેમ કોઇ પણ વ્યકિતનું સાચું મુલ્યાંકન કરવું હોય તો, તેની તેના પોતાના ઘરમાં રહેવાની રીતભાત અને તેનું રોજ બરોજનું વર્તન કેવું છે તે જાણવા તેના ઘરમાં પગ પેસારો કરી તેનું અંગત જીવન જાણવાની જરૂર પડે છે તેમ જ આપણે જો મનનું મુલ્યંકાન કરવું હોય તો તેના ઘરમાં અર્થાત અંતઃકરણમાં પગ પેસારો કરવો જરૂરી છે.પરંતુ આમ કરતાં પહેલા અંતઃકરણનો અર્થ સમજી લઇએ. જેમ વશીકરણ એટલે વશ કરવાની ક્રિયા, સમીકરણ એટલે સમાન કરવાની ક્રિયા તેમ અંતઃકરણ એટલે અંતરગત કરવાની ક્રિયા. જીવનભર થતાં અનુભવોને અંતરગત કરવાની ક્રિયા. વળી આ ક્રિયાથી જેનો સંગ્રહ થાય છે તેને પણ અંતઃકરણ કહેવાય છે. અંતઃકરણનું બીજું નામ છે સુક્ષ્મ શરીર. આપણા દસ ઉપાંગો ( પાંચ જ્ઞાનેન્દ્રિયો અનેપાંચ કર્મેન્દ્રિયો)વાળું શરીર સ્થુળ શરીર કહેવાય છે. અને આ બેઉ જેને આધારે ટકી રહે છે તેને કારણ શરીર કહેવાય છે. જેમ સ્થુળ શરીરનો વ્યવહાર તેના દસ ઉપાંગો દ્વારા ચાલે છે તેમ આપણા સુક્ષ્મ શરરિનો વ્યવહાર તેના ચાર ઉપાંગો – મન,બુદ્ધિ,ચિત્ત અને અહંકાર – દ્વારા ચાલે છે અને આ ચાર ઉપાંગોનો સમુહ એટલે જ અંતઃકરણ.
હવે જો આપણે આ ચાર ઉપાંગોનો એક બીજા સાથેનો સંબંધ કેવો છે તે એટલે કે તેઓની એક બીજા પ્રત્યેની શું જવાબદારી છે તે સમજી લઈએ તો ઉપરના ચાર પશ્નોના જવાબની યોગ્યતા સમજાય.આ માટે ગીતાના ત્રીજા અધ્યાયનો શ્લોક બેતાલીસ સહાય રૂપ થશે એમ હું માનું છું.
ઇન્દ્રિયાણિ પરાણ્યાહુઃ ઇન્દ્રિયેભ્યઃ પરં મનઃ
મનસ્તુ પરા બુદ્ધિર્યો બુદ્ધેઃ પરતસ્તુ સઃ ગીતા ૩-૪૨
જેનો અર્થ છે.
ઇન્દ્રિયોના વિષયો ઉપર ઇન્દ્રિયોની સત્તા છે,ઇન્દ્રિયો ઉપર મનની સત્તા છે,મન ઉપર બુદ્ધિની સત્તા છે અને બુદ્ધિ ઉપર “સઃ” ની અર્થાત ‘તે’ની સત્તા છે.આ’તે’ એટલે જ ઇશ્વર કે પરમાત્મા જે કહો તે.આમ આશ્લોકમાં સૃષ્ટિ,ઇન્દ્રિયો,મન,બુદ્ધિ અને પુરૂષ એમ પાંચ વિશયો અંગે વિચાર કરતા મનને મધ્ય સ્થાન મળ્યું કારણ મનને બેઉ તરફ જવાની પૂરી મોકળાશ છે. આમ મનને ઇન્દ્રિયો દ્વારા સૃષ્ટિનો સ્વાદ માણવાની યાતો બુદ્ધિ દ્વારા પુરૂષની ઝંાખી કરવાની સંપૂર્ણ છુટ છે. પરંતુ બુદ્ધિની ગુલામી સ્વિકારવા કરતા મનને ઇન્દ્રિયો ઉપર આધિપત્ય વધારે પસંદ છે. ગુલામી કોને ગમે છે ? અને તેથી જ તે ઇન્દ્રિયો તરફ વળે છે. અને આ ઇન્દ્રિયોનો સંગ લાગતા તેની શું વલે થાય છે તે સમજાવતાં ગીતાના બીજા અધ્યાના શ્લોક ૬૨ અને ૬૩માં નીચે પમાણે કહયું છે કે
ધ્યાયતો વિષયાન્ પુંસઃ સંગઃ તેષૂપજાયતે
સંગાત્ સંજાયતે કામઈ કામાત્ ક્રોધઃ અભિજાયતે ગીતા ૨-૬૨
ક્રોધાત્ ભવતિ સંમોહઃ સંમોહાત્ સ્મૃતિ વિભ્રમઃ
સ્મૃતિ ભ્રંશાત્ બુદ્ધિનાશો બુદ્ધિનાશાત્ પ્રણશ્યતિ ગીતા ૨-૬૩
જેનો અર્થ છે, સૃષ્ટિના જે પણ વિષયને મન ધ્યાનમાં રાખે તેનો તેને સંગ લાગે છે અને તે વિષયનો ઉપભોગ કરવાની તેને કામના થાય છે.પરંતુ તેની બધી જ કામનાઓ કદી પણ સંતોશાતી નથી તેથી તે ખૂદ પોતા ઉપરજ ક્રોધિત થાય છે. અને આ ક્રોધને કારણે તે અભાન અવસ્થામાં આવી જાય છે અને તેને કારણે તેની સ્મૃતિનો નાશ થાય છે. અને આ સ્મૃતિનો નાશ એટલે સારા નરસાનો વિચાર કરવાની શકિતનો નાશ. જેમકે કોઇ માણસ ગુસ્સામાં આવી જાય તો તે અભાન અવસ્થામાં જ બાપને પણ થપ્પડ મારી બેસે. થોડી ક્ષણો માટે, ‘એ મારો બાપ છે’, એ અંગે એને વિસ્મૃતિ થઇ જાય છે. અને આવી વિસ્મૃતિ – ટેમ્પરર્રી ઇસ્નેનીટી – એટલે જ બુદ્ધિ નો નાશ જેને કારણે પોતાની જાતનો પણ નાશ થાય છે. હવે જો મન બુદ્ધિની ગુલામી સ્વિકારી પુરૂષ તરફ જવા મથે તો શું પરિણામ આવે તે અંગે શંકાચાર્યે ભજગોવિંદમ્માં એક શ્લોક કહયો છે.
સંસગત્વે નિસંગત્વં , નિસંગત્વે નિર્મોહત્વં
નિર્મોહત્વે નિશ્ચલ તત્ત્વં , નિશ્ચલતત્ત્વે જીવન મુકિત
આ શ્લોકનો અર્થ તો ખૂબ સરળ છે.
સત્સંગથી મનનો વિષયોના સંગમાંથી છુટકારો થાય છે, અને તથી તે પ્રત્યેનો મોહ છૂટી જાય છે.અને મોહ છુટતા મન આપોઆપ નિશ્ચલ તત્ત્વની શોધ કરવા પ્રેરાય છે. અને અંતે તે પ્રકૃતિની પકડમાંથી મુકત થઇ જાય છે. પણ આ માટે મનને આપણે જબરજસ્તીથી બુદ્ધિના ગુલામ થતાં શીખવાડવું પડે છે.અને તેને માટે કરવો પડતો પ્રયત્ન એજ છે સાચો કર્મ યોગ.
અસ્તુ.
Add comment October 24, 2007 Edit
“પળે પળે”

પળે પળે વિચાર મનમાં કાંઇ આવે
ભમતું રહે આ મન સૃષ્ટિ માંહે
કદી ભૂત માંહે, કદી ભાવિ માંહે
શાને તે કદી ના કશે સ્થિર થાએ !
તણાતું શાને મન કાળ માંહે !
********
પળે પળે આ તન જીર્ણ થાએ
‘ને રહે વહેતું તે મૃત્યુની રાહે
કદી સુખ માંહે, કદી દુઃખ માંહે
શાને અવશ્ય તેનું મૃત્યુ થાએ !
હણાતું શાને તન કાળ માંહે !
Add comment October 22, 2007 Edit
‘કરોડની કિંમત’

જન્મતાં પહેલાં જ ભગવાને બક્ષેલ કરોડની કિંમત
કરોડોની મૂડી કરતાં કરોડ ઘણી વધારે નથી શું?
1 comment October 18, 2007 Edit
“મૂર્ખતાના લક્ષણ”

૧૯૭૮ ના ફેબ્રુઆરીના હ્યુસ્ટન ક્રોનીકલમાં એન લેન્ડર્સની કોલમમાં મહાત્મા ગાંધીજીએ વર્ણવેલા
દુનિયાના સાત પાપોની જે યાદી પ્રગટ થઇ હતી તેનો ગુજરાતી તરજુમો મૂળ અંગ્રેજી લખાણ સાથે અહીં રજુ કરૂં છું.
seven sins in this world
Wealth without work: Pleasure without conscience
Knowledge without character: commerce without morality
Science without humanity: Worship without sacrifice
And politics without principles: These are the seven sins.
ગાંધીજીએ દર્શાવેલા મૂર્ખતાના સાત લક્ષણો
શ્રમ વિહોણી સંપત્તિ ‘ને
માનવતા વિહોણું વિજ્ઞાન
ત્યાગ વિહોણી ભાવના ‘ને
ચારિત્ર વિહોણું જ્ઞાન
વિવેક વિહોણો આનંદ ‘ને
નીતિ વિહોણું જયાં રાજ
‘ને અનિતી ભર્યો વેપાર જયાં
આ છે મૂર્ખતાના લક્ષણ સાત.
Add comment October 16, 2007 Edit
” માગું એક વરદાન “

મુજ અંતર અંદર, રટું નિરંતર
હે પ્રભુ, તારું નામ,
તુજ કૃપાથી થાયે આ જગમાં
સહુના સઘળાં કામ.
શિવ,વિષ્ણુ તું બુદ્ધ,ઇષુ તું
તંુ જ રહીમ તું રામ,
વિધ વિધ રૂપે પૂજે સહુ તુંજ ને
કરે તને પ્રણામ.
સર્વ ધર્મનો તું સંચાલક
તુજ કરમાં સહુની લગામ,
તો માનવ કૃત ધર્મો આ જગના
ઝગડે છે શું કામ ?
હે શેષશાયી જાગ હવે તું
કર કઠણ તુજ કરની લગામ,
લાગે માનવી ભૂલ્યો છે આજે
માનવતાનું ભાન.
માગું પ્રભુ હું તારી પાસે
બસ એક વરદાન,
કે દે સદબુદ્ધિ તું સહુ માનવને
બનવા સાચો ઇન્સાન.
Add comment October 13, 2007

” અવતાર ” August 22, 2007

Posted by vijayshah in : ચિંતન લેખ , 1 comment so far

અવતાર

અવતાર શું કેવળ પરમાત્મા જ લઇ શકે ? શાસ્ત્રો અને સંતોના કહેવા પ્રમાણે તો આત્મા અને પરમાત્મા વચ્ચે કશો ભેદ નથી. તો આપણે કેમ અવતાર ન લઇ શકીએ ? હા, આપણે પણ અવતાર તો લઇએ જ છીએ પણ કેવળ આપણા મૃત્યુ પછી જ અને તેને આપણે પુનર્જન્મ કહીએ છીએ. અવતારનો અર્થ છે “નીચે ઉતરવું.” હવે નીચે ઉતરવા માટે બે પરિસ્થિતિનો સુમેળ હોવો ઘણો જરૂરી છે. એક તો એ કે આપણે જીવતા હોઇએ અને બીજું એ કે આપણું સ્થાન ઊંચું હોવું જોઇએ. ઊંચે હોઇએ તો જ નીચે ઊતરાય ને ? એટલે ઉતરતા પહેલા ઉપરતો ચઢવું પડે ને ? મારી સમજ મુજબ આપણને ઉપર ચઢવા એટલે કે ઉન્નતિનો રસ્તો બતાવવા માટે જ પરમાત્મા અવતાર લેતો હોય છે. મારી આ સમજને ટેકો આપવા હું નીચે
પ્રમાણે દલીલ રજુ કરૂં છું.
ગીતામાં કૃષ્ણએ કહયું “અહં સર્વસ્ય પ્રભવો મત્તઃ સર્વમ્ પ્રવર્તતે” હું જ સર્વ જગતની ઉત્પત્તિનું કારણ છું મારે લીધે જ બધું પ્રવર્તે છે. આટલો મોટો અહં રાખનાર કૃષ્ણ અર્જુનનો સારથી કેવી રીતે થયો હશે! એને આમ કરવાનું કારણ શું? કારણ એ કે ખૂદ ભગવાનને પણ અવતરણ કરવા માટે અહંનો ત્યાગ કરવો પડે છે. જો આમ જ હોય તો આપણી તો વાત જ શી કરવી. દિનભર આપણે આપણો અહં ટકાવી રાખવા શું શું કરતા રહીએ છીએ ! અને તેને કારણે આપણે પોતાને માટે તથા બીજાઓ માટે કેટલી મુશીબતો ઉભી કરતાં રહીએ છીએ ! વળી આપણે સહુ સ્વાનુભવે જાણીએ પણ છીએ કે જયારે આ અહંને બાજુ મુકી નમતું જોખીએ, નમ્ર થઇએ, છીએ ત્યારે મુશીબતોથી મુકત પણ થઇ શકાય છે.એટલું જ નહી પણ જેની સમક્ષ નમ્ર થઇએ છીએ તેના મનમાં પણ આપણી પ્રત્યે કાંઇક કૂણી લાગણી જન્મતી હોય છે.અને તે આપણી પ્રત્યે સદ્દ્ભાવ દાખવા પણ પ્રેરાય છે. તે ભલે આપણું માન ન કરે પણ અપમાનતો નહીં જ કરે. આમ એના મનમાં આપણી ઉન્નતી થાય છે અને આપણું પોતાનું મન પણ શાંતિ અનુભવે છે. અને ઉન્નતિને રસ્તે જ્વું જ હોય તો મનની શાંતિ ખૂબ જરૂરી છે. અહંકારનો ત્યાગ કરવાની વૃત્તિ જો અમલમાં મુકીએ તો જરૂર આપણું વ્યકિતત્વ પણ બદલાય છે. જેવો આપણો અહંભાવ તેવો જ આપણો સ્વભાવ અને જેવો આપણો સ્વભાવ તેવું જ આપણું વ્યકિતત્વ. વ્યકિતત્વ બદલીને માણસ દેવ પણ થઇ શકે અથવા દાનવ પણ થઇ શકે. વ્યકિતત્વનું આવું રૂપાંતર તો જીવતા હોઇયે તોજ થાય ને? આમ મૃત્યુને ભેટયાં વગર નવું રૂપ ધારણ કરીએ તેને અવતાર નહીં તો બીજું કહેવાય?
ઇતિ.

” સનાતન ધર્મ “ July 11, 2007

Posted by vijayshah in : ચિંતન લેખ , 1 comment so far

” સનાતન ધર્મ ”

સનાતનનો અર્થ છે શાશ્વત કે નિત્ય અથવા આદિ અને અંત વગરનું. અને ધર્મ ની વ્યાખ્યા છે “ધારયતિ ઇતિ ધર્મ ” એટલે કે જે ધારણ કરે છે અર્થાત કે જે આધાર આપે છે તે ધર્મ .ધર્મ છે કોને આધાર આપે છે ? આ સારી સૃષ્ટિને અને તેમાં રહેલા તમામ જડ અને ચેતન તત્ત્વોને. આ જગત જેના આધારે ટકી રહયું છે એ જ સાચો સનાતન ધર્મ .બાકી ધર્મ ને નામે ઓળખાતાં હિન્દુ, મુસ્લિમ,ખ્રીસ્તિ,બાૈધ્ધ વગેરે વગેરે તો આ સનાતન ધર્મ ના અલગ અલગ પંથ છે અથવા કહો કે અલગ અલગ વાડા છે.
સનાતન ધર્મ સૃષ્ટિના તમામ જડ અને ચેતન પદાર્થો અને તેમને ગતિમાન કરતી વિવિધ શકિતઓને આવરીલે છે. સનાતન ધર્મ એટલે સૃષ્ટિના ભૌતિક અને આધ્યાત્મિક અચળ નિયમો. આ નિયમોને આધારે જ જડ વસ્તુની જડતા, માનવીની માનવતા, પ્રવાહીનો પ્રવાહ અને પશુની પશુતા જળવાઇ રહે છે. આ નિયમોને આધારે જ વાયુ, સૂર્ય, તારા, ગ્રહો અને નિહારિકાઓ ગતિમાન થાય છે અને ગતિમાં રહે છે.આ નિયમોને આધારે જ સૃષ્ટિનું સજ્રન થયું. આ નિયમોને આધારે જ સૃષ્ટિનું સંચાલન થાય છે અને તેમના આધારે જસૃષ્ટિનો સંહાર પણ થશે. અર્થાત સૃષ્ટિના સર્જન પહેલાં પણ આ નિયમો હતાં આજે પણ છે અને સૃષ્ટિના વિલય બાદ પણ રહેશે જ. એટલે કે આ નિયમો – આદિ કે અંત વગરના- સનાતન છે. આ નિયમોનું અસ્તિત્વ “સંભૂતિ” એટલે જ ઇશ્વર.સર્જનના નિયમો એટલે જ બ્રહ્મા, સંચાલનના નિયમો એટલે જ વિષ્ણુ અને સંહારના “વિલયના” નિયમો એટલે જ મહેશ આપણા શરીરમાં હર પળે નવા કોષોનું “સેલ્સનું ” સર્જન, તેમનું સંચાલન અને તેમનો સંહાર થતાં રહે છે. આ પ્રમાણે આપણાં જન્મથી મૃત્યુ પર્યન્ત હર પળે આપણાં શરીરમાં બ્રહ્મા, વિષ્ણુ અને મહેશની અભિવ્યકિત થતી રહે છે.
આ નિયમોમાંથી કેટલાંક નિયમો મનુષ્યને માટે બુદ્ધિગમ્ય છે, પરંતુ કેટલાં એવા પણ છે કે જે એની બુદ્ધિથી પર છે. બુદ્ધિગમ્ય નિયમોના કાર્ય અને કારણોનું વિશ્લેષણ એટલે વિજ્ઞાન.જે નિયમો બુદ્ધિથી પર છે તેનું વિશ્લેષણ તો કેવળ શ્રદ્ધાથી જ થઇ શકે છે. શ્રદ્ધાથી કુદરતના નિયમો સમજવાનો આ પ્રયાસ એટલે ધર્મ. બુદ્ધિથી સમજાય તે વિજ્ઞાન અને શ્રદ્ધાથી સમજાય તે ધર્મ.
મનુષ્યની બુદ્ધિ અને શ્રદ્ધાના પ્રકાર અને પ્રમાણ દરેક વ્યકિતમાં જુદા જુદા હોય છે.એટલું જ નહી પરંતુ દરેક વ્યકિતના જીવન દરમિયાન તે બદલાતાં રહે છે. વ્યકિતની બુદ્ધિ અને શ્રદ્ધાના વિકાસનો આધાર એના સંસ્કાર, એના સંજોગ,એની સોબત તથા એના શિક્ષણ ઉપર અવલંબે છે. દરેક વ્યકિત પોતાની બુદ્ધિ અને શ્રદ્ધા અનુસાર કોઇ બીજી વ્યકિત કે વાદ ઉપર વિશ્વાસ મૂકવા માંડે છે. અને તે વ્યકિત કે વાદે ચીંધેલા માર્ગે ચાલવા લાગે છે. વળી કદીક તે આવી વ્યકિતને ગુરૂ તરીકે પણ અપનાવી લે છે, અને આવા વાદને તે પોતાનો ધર્મ માની તે પંથે ચાલવા લાગે છે. જેવા કે હિન્દુ મુસ્લિમ વગેરે વગેરે. અને પોતાને મન ગમતો આ વાદ, આ પંથ, આ ધર્મ સચવાઇ રહે તે માટે એની ચારે બાજુ વહેમ અને રીત રિવાજોની એક અભેદ્ય દીવાલ ઉભી કરે છે. આ કારણે જ તે મંદિર, મસ્જીદ, ચર્ચ વગેરે વગેરે ઉભાં કરે છે.એટલું જ નહી પણ આ દીવાલોથી પોતે સ્વિકારેલા ધર્મની રક્ષા કરવામાં તે પોતાના જીવનની સાર્થકતા માને છે, અને એની પાછળ એટલો સમય વ્યતીત કરે છે કે તેને પોતાનામાં રહેલ ઇશ્વરદત્ત માણસાઇ શું છે તેનો વિચાર કરવાનો જરા પણ સમય નથી મળતો.પોતાના માનેલા આવા ધર્મની રક્ષા ખાતર તે બીજાઓનાં ગળા રહેંસતાં જરા પણ ક્ષોભ,સંકોચ કે શરમ નથી અનુવતો. ધર્મ શું છે તે સમજયા વગર જ ધર્મયુદ્ધ કરવા તત્પર થઇ જાય છે.અને એમાં ગૌરવ પણ લે છે.
કોઇ પણ પશુ પોતાની સ્વેચ્છાથી પોતાની સ્વભાવ જન્ય “ઇશ્વરદત્ત” પશુતા ત્યજી શકે ખરૂં ? કોઇ જડ પદાર્થ પોતાની જડતા ત્યજી શકે છે શું ? પ્રવાહી પોતાનો પ્રવાહ ત્યજી શકે ખરૂં ? એક મનુષ્ય જ એવું પાણી છે કે જે પોતાની સ્વભાવ જન્ય માણસાઇ ભૂલી શકે છે.અને છતાં પોતાને બુદ્ધિમાન ગણાવે છે. જો કે એ વાતતો સાચી છે કે, જો એનામાં બુદ્ધિ ન હોત તો એ માણસાઇ ભૂલી શકત જ નહી. યાદ રાખવું અને ભૂલવું એતો બુદ્ધિ નો ધર્મ છે. અને મનુષ્યનો ધર્મ “ફરજ ” છે તેને કેળવીને કાબુમાં રાખવાનો. જો તે આમ ન કરી શકે તો તેમાં વાંક બુદ્ધિનો નહી પરંતુ મનુષ્યનો જ ગણાય. તેણે માની લીધેલા તેના ધર્મનો જ ગણાય.
સૃષ્ટિને માણવા માટે ઇશ્વરે મનુષ્યને દેહ આપ્યો છે પરંતુ સૃષ્ટિને જાણવા,સમજવા, સારૂં ઇશ્વરે તેને ચિત્ત,મન અને બુદ્ધિ આપ્યાં છે.સૃષ્ટિનો તાગ કાઢવા આ શરીર તો સમર્થ નથી જ અને તેથી જ ઇશ્વરે મન અને બુદ્ધિના વિસ્તાર તથા ગતિ એટલાં વિશાળ ક્રર્ર્યા છે કે આ સારી સૃષ્ટિતેમાં સમાઇ જાય અને સૃષ્ટિના કોઇ પણ ખૂણામાં તે એક ક્ષણ માત્રમાં પહોંચી જાય.આ મન અને બુદ્ધિ દશે દિશામાં અબાધિત ભટકી શકે છે.આમ ભટકવું એતો જાણે એમનો સ્વભાવ છે,ધર્મ છે,અથવા કહો કે તેમને માટે આ મૂળભૂત નિયમ “સનાતન ધર્મ” છે. જો તેઓ આમ ભટકી ન શકે તો સૃષ્ટિનો ખૂણે ખૂણો કેમ કરી ખૂંદી વળે ! આપણે આગળ જોયું તેમ માણસ એની માણસાઇ ભૂલે છે એનું કારણ તે પોતાની બુદ્ધિનો કેવો ઉપયોગ કરે છે તે ઉપર આધાર રાખે છે.
હવે બુદ્ધિનો કેવો ઉપયોગ કરવો જોઇએ તે સમજવા સારૂં આ ચિત્ત, મન અને બુદ્ધિ શું છે અને એમનો એક બીજા સાથેનો સંબંધ “વ્યવહાર” કેવો છે તે સમજવું બુદ્ધિ એટલે નદીના કાંઠા કે જે ખડકો અને પથ્થરો ના બનેલા હોય છે. આ નદીનું નામ રાખીશું ” મનો- નદી”. જેમ નદીના પ્રવાહની દિશા અને ગતિ તેના પ્રવાહમાં રૂકાવટ કરતા પથ્થરો ઉપર આધાર રાખે છે તેમ જ આ “મનો- નદી”ના પ્રવાહની દિશા અને ગતિ તેના પ્રવાહમાં રૂકાવટ કરતાં બુદ્ધિ રૂપી પથ્થરો ઉપર આધાર રાખે છે.જો પથરા મોટા અને ભારે હોય તો તે પ્રવાહને અમુક દિશામાં જતો રોકી એની દિશા જરૂર બદલી શકશે. પરંતુ જો એ પથરા નાના અને હલકા હોય તો ? તો પ્રવાહની સાથે સાથે તે પણ તણાઇ જાય એમાં કોઇ શંકા નથી.આમ જ જે બુદ્ધિ ભારે એટલે કે તીવ્ર અને કેળવાયેલી હશે તે મનના પ્રવાહને અમુક જ દિશામાં વહેવા દેશે.અને એના વેગને પણ ખાળી શકશે.પરંતુ આ બુદ્ધિ જો નાના કાંકરા જેવી અર્થાત મંદ અને બીન કેળવાયેલી હોય તો તે મનના પ્રવાહમાં કયાંય તણાઇ જાય તો તેમાં નવાઇ શું !
હવે ચિત્ત અને મનનો એક બીજા સાથે કેવો સંબંધ છે તે વિચારીએ. નદીનો પ્રવાહ જેમ પવ્રતમાં સંઘરાયેલા પાણી ઉપર આધાર રાખે છે તેમ મનનો પ્રવાહ ચિત્ત રૂપી પવ્રતમાં સંઘરાયેલ વાસના રૂપી પાણી ઉપર આધાર રાખે છે. વર્ષાનંુ પાણી જેમ પવ્રતના ખાડા અને કોતરોમાં ભરાઇ રહે છે અથવા તો તેના ઊંચાં શિખરો ઉપર ઠરી ને બરફ રૂપે જમા થાય છે તેમ જ જન્મો જન્મની વાસનાઓ રૂપી વર્ષાનું પાણી ચિત્તના ખાડા અને કોતરોમાં જમા થાય છે યાતો એના શિખરો ઉપર વાસનાનો બરફ બની થીજી જાય છે. ચિત્ત રૂપી આ પવ્રતમાં કામ,કોધ,લોભ,મોહ,મદ્દ અને મત્સર નામના છ મોટાં કોતરો છે જેમાં જન્મો જન્મની વાસનાનું પાણી ભરાઇ રહે છે.આ બધાં કોતરોમાં વ્યવસ્થિત રીતે બુદ્ધિના પથ્થરો વડે પૂરાણ કરવામાં આવે તો વાસનાનું પાણી તેમાં જમા ન થતાં એક નાનો વહેળો બની વહી જાય અને થોડા સમયમાં જ સુકાઇ પણ જાય.તેનો સંગ્રહ ન થાય. બુદ્ધિથી કામ ક્રોધાદિના આ કોતરો તો પૂરી શકાય પરંતુ ચિત્તના શિખરો ઉપર થીજેલા પેલા વાસનાનાં બરફને કેમ કરી દ્દૂર કરાય ? ઇશ્વરે આટલા સારૂં જ મનુષ્યને એક શસ્ત્ર પણ આપ્યું છે. આ શસ્ત્ર એટલે જ શ્રદ્ધા. આ શ્રદ્ધાના સૂર્યથી વાસનાનો બધો બરફ ઓગાળી શકાય. આ શ્રદ્ધા એક એવું શસ્ત્ર છે કે જો યોગ્ય રીતે તેનો ઉપયોગ કરતાં આવડી જાય તો બસ બેડો પાર થઇ જાય. બુદ્ધિકરતા શ્રદ્ધાની શકિત ઘણી અધિક છે તેથી જ ગીતામાં કહયું છે કે ” શ્રદ્ધાવાન લભતે જ્ઞાનં” શા માટે એમ ન કહયું કે ” બુદ્ધિમાન લભતે જ્ઞાનં ” કારણ એ છે કે બુદ્ધિ અહંને પોષે છે જયારે શ્રદ્ધા અહંને શોષે છે. છતાં બુદ્ધિ ની સહાય વિના શ્રદ્ધાનું શસ્ત્ર વાપરવું એ અતિ મુશ્કેલ છે. કારણ બુદ્ધિ વિનાની શ્રદ્ધા એ ધાર વિનાની તલવાર બરાબર છે. સાચું પૂછો તો શ્રદ્ધા એટલે ધનુષ્ય અને બુદ્ધિ એટલે બાણ. આ બેઉ એક બીજાં વગર બીલકુલ પાંગળાં છે. બીલકુલ નાકામયાબ છે. બુદ્ધિથી ઉભરાતા અહંકારનો નાશ કરવા શ્રદ્ધા અનિવાર્ય છે અને શ્રદ્ધા અંધશ્રદ્ધામાં, વહેમમાં,ન પરિણમે તે માટે બુદ્ધિ અતિ અનિવાર્ય છે. બીજું એ કે પ્રકૃતિનો પરિચય, અનુભવ, કરવાં જેમ બુદ્ધિ આવશ્યક છે તેમ પુરૂષની પ્રતિતી કરવા શ્રદ્ધા આવશ્યક છે.બુદ્ધિ અને શ્રદ્ધાના સહકારથી જ ભકિત ઉદભવી શકે. અને આ ભકિત જ ધનુષ્યની પણછનું કામ સારે.વળી બીજી દ્રષ્ટિએ જોતાં મને એમ લાગે છે કે આ બુદ્ધિ, શ્રદ્વા અને તેમનાં સુમેળથી જન્મેલી ભકિત, આ ત્રણે બ્રહ્મવિદ્યાની ગાદીનાં ત્રણ મૂખ્ય પાયા છે અને તેની ઉપર બ્રહ્મજ્ઞાની સ્થિરતાથી પોતાનું આસન જમાવે છે.જો આ ત્રણમાંથી કોઇ પણ એક પાયો ડગમગતો હશે તો તેનું બ્રહ્મજ્ઞાન પણ ડગમગતું જ રહેવાનું. અપૂર્ણ જ રહેવાનું.
હવે પશ્ન એ છે કે જેમાંથી ભકિત જન્મે છે તે બુદ્ધિ અને શ્રદ્ધાના વિકાસ માટે મનુષ્યએ શું કરવું જોઇએ? આ અગાઉ મેં ઉલ્લેખ કર્યો હતો કે મનુષ્યની બુદ્ધિ અને શ્રદ્ધાનો આધાર તેનાં સંસ્કાર, તેનાં સંજોગ, તેની સોબતો અને તેનાં શિક્ષણ ઉપર છે.પરંતુ બુદ્ધિનો વિકાસ વિશેષતઃ, તેનાં શિક્ષણ અને તેની સોબતો ઉપર આધારીત છે, જયારે તેની શ્રદ્ધાનો વિકાસ વિશેષતઃ તેનાં સંસ્કાર અને તેનાં સંજોગો ઉપર આધાર રાખે છે.આનો અર્થ એ થયો કે બુદ્ધિ વર્તમાન જન્મના કર્મોથી વિકસે છે વત્ર્તમાન જીવનમાં જો સારી સોબતો રાખી સારૂં શિક્ષણ મેળવીએ તો બુદ્ધિનો સારો વિકાસ થાય એમાં કોઇ શંકા નથી.પરંતુ શ્રદ્ધાના વિકાસ માટે જરૂરી એવા સંસ્કાર અને સંજોગો, જે પૂર્વ જન્મના ફળ,પ્રારબ્ધ,રૂપે મળે છે,તે સારા હોવા અતિ આવશ્યક છે.
વર્તમાન જન્મનાં કર્મોથી જ આપણે આપણાં ભાવિ જન્મનંુ પ્રારબ્ધ ઘડીયે છીએ.આપણાં ભાવિ જીવનનાં ઘડવૈયા તો આપણે જ છીએ ને ? તો આ જન્મમાં સારી સોબતો રાખી એટલે કે સત્સંગ કરી સારૂં શિક્ષણ મેળવવીએ તો ભાવિ જન્મના સંસ્કરો અને સંજોગો સુધારી શકીએ એમ માનવામાં કાંઇ જ ભૂલ નથી. એટલા માટે તો શાણાં લોકો શિખ દ્દે છે કે “ભાઇ, ક્ર્મો એવાં કરો કે જેથી પરલોક સુધરે” આ પરલોક એટલે જ ભાવિ જીવન. આ પ્રમાણે વર્તમાનમાં સત્સંગ અને સતકર્મો કરી ભાવિ જન્મના સંસ્કરો ઘડવા કે જેને આધારે નવા જન્મમાં શ્રદ્ધાનો ઉદ્દ્ભવ થાય.આ પ્રમાણે શ્રદ્ધાનો પાયો મજબૂત કરવા કેટલા જન્મ જોઇએ એતો ઇશ્ચર જાણે.પરંતુ એટલંુ તો ચોકકસ કે આ જન્મમાં જેટલા પ્રમાણમાં પ્રગતિ કરીએ તેટલા પ્રમાણમાં જન્મ ઓછાં લેવા પડે.આ ઉપરથી એક એ વાત તો સમજાશે કે કર્મ કર્યા વિના બુદ્ધિ વધે નહી અને બુદ્ધિ વિના શ્રદ્ધા પણ ઘડાય નહી બીજી વાત એ કે ભૂત, વર્તમાન અને ભાવિ જીવનનો પંથ આપણાં વર્તમાન જીવનના કર્મોથી જ ઘડાય છે. વળી વર્તમાન તો ભૂત અને ભાવિને જોડતો રસ્તો છે. વર્તમાન વિના ભૂત અને ભાવિ સંભવે જ નહી. તમે એક પણ એવંુ ગામ જોયંુ કે જાણ્યંુ છે કે જયાં જવાનો કોઇ રસ્તો જ ન હોય ? જો રસ્તો ન હોય તો ગામ પણ ન હોય.ગામ ઉભુ કરવા ત્યાં જવાનો માર્ગતો જોઇએ ને ? બુદ્ધિઅને શ્રદ્ધાને સંાકળવા એક જ માર્ગ છે,અને તે છે વર્તમાનનો કર્મ માર્ગ-કર્મ યોગ. મનુષ્ય એના ધ્યેય ઉપર પહોંચી શકશે કે નહી તેનો આધાર તે આ કર્મ માર્ગ ઉપર કઇ દિશામાં પ્રવાસ કરે છે તે ઉપર છે. આ દિશા એટલે કર્મ કરવાનો હેતુ કે આશય કે ઇચ્છા. ધ્યેય પ્રાપ્તિ કે ફળ પ્રાપ્તિ કર્મ ઉપર નહી પરંતુ કર્મ કરવાના હેતુ ઉપર આધાર રાખે છે. અને મનુષ્યને બંધન પણ આ હેતુથી જ થાય છે કર્મથી નહી. આ જન્મનાં કર્મોનો હેતુ અર્થાત ઇચ્છા જો ફળીભૂત ન થાય તો તે પારબ્ધનો અંચળો ઓઢી ભાવિ જીવનમાં સંસ્કાર અને વાસના બની જરૂર ડોકીયાં કરે છે. જેવાં જેનાં હેતુ તેવાં તેનાં સંસ્કાર,અને જેવાં જેનાં સંસ્કાર તેવી તેની શ્રદ્ધા. આ ઇચ્છાના, આ આશયના, આ હેતુના સારા કે ખોટા જે ફળ મળે તે સ્વિકારી લેવામા જ મનુષ્યની સાચી બુદ્ધિમાની છે. આ કારણથી જ ગીતામાં શ્રી કૃષ્ણે અર્જુનને કહયંુ છે કે, હે અર્જુન,
કમ્રણ્યેવાધિકારસ્તે મા ફલેષુ કદાચન
મા કર્મફલહેતુ;ભૂ્ઃમા તે સંગોઅસ્ત્વકમ્રણિ
કર્મનંુ ફળ મેળવવાનો હેતુ ન રાખ અને અકર્મનો સંગ પણ ન કર એટલે કે ફળની ઇચ્છા ન રાખ અને કર્મ નથી કરવંુ એવી દાનત પણ ન રાખ. કારણ કે મેં તને શરીર,બુદ્ધિ અને મન આપીને કર્મ કરવાની લાયકાત તો આપી છે પરંતુ કયા કર્મનંુ ફળ કેવંુ અને કયારે મળશે તેનો નિર્ણય કરવાની લાયકાત મેં તને નથી આપી.મનુષ્ય, કે જે સવારની વાત સાંજ સુધી યાદ નથી રાખી શકતો તે, કયંુ કર્મ તેણે કયારે કર્યું અને તેનંુ કેવંુ ફળ તેને કયારે મળ્યંુ તે કેમ કરી નકકી કરી શકે ? એ નકકી કરવાનો એને અધિકાર નથી . એનામાં એ લાયકાત નથી. ઇશાવાસ્ય ઉપનિષદમાં પણ કહયંુ છે કે
કુર્વન એવેહ કર્માણિ જિજીવિષેત્ શતં સમાઃ
એવં ત્વયિ નાન્યતેથોસ્તિ ન કર્મ લિપ્યતે નરે
એટલે કે કર્મ ફળની આશા રાખ્યા વગર પૂરા સો વર્ષનંુ આયખંું ભોગવવાની મનોવૃત્તિ રાખી કર્મ કરતાં રહો તો કર્મનું લેપન નથી થતંુ. આવાં કર્મોની ભાવિ જીવન ઉપર કાંઇ અસર થતી નથી. ફળની ઇચ્છા રાખીએ તોજ તે સફળ કે નિષ્ફળ થવાનો સંભવ રહે છે ને ? ઇચ્છા હોય તો જ વાસનામાં પરિણમે ને ? કેવળ નિષ્કામ વૃત્તિથી ઘડાયેલ બુદ્ધિ અને શ્રદ્ધા જ સાચા જ્ઞાન તરફ દોરી જાય છે.
સરાંશ એટલો જ કે જ્ઞાન માટે શ્રદ્ધા,શ્રદ્ધા માટે બુદ્ધિ,બુદ્ધિ માટે કર્મ,કર્મ માટે ઇન્દ્રિયો અને ઇન્દ્રિયો માટે દેહ અતિ આવશ્યક છે.અને એટલા માટે જ ઇશ્વર આપણને દેહ પછી દેહ આપતો જ રહે છે. જ્ઞાન પૂર્ણ થતાં જ નવો દેહ મળવાનંુ બંધ થાય છે. યાને કે મુકિત મળે છે. આમ જો ઇન્દ્રિયોથી નિષ્કામ કર્મ કરી બુદ્ધિ અને શ્રદ્ધાને સારી રીતે વિકસાવવામાં આવે તો જ્ઞાન પૂર્ણતાએ પહોંચતાં ઇશ્વર શંુ છે તે સમજાય.અને જેને કારણે ઇશ્વરનંુ રહસ્ય છતંુ થાય,જેને કારણે સૃષ્ટિના સર્જન,સંચાલન અને સંહારના નિયમો સમજાય તે જ સાચો ધર્મ. તે જ સનાતન ધર્મ.
ઇતિ

જોડણી વિશે July 4, 2007

Posted by vijayshah in : ચિંતન લેખ , 1 comment so far

જોડણી વિશે

જોડણી વિશે
તંત્રીશ્રી,
જાન્યુઆરી ૨૮ના અંકમાં શ્રી હસમુખભાઇ બરોટનો – શાણી ગુજરાતી વાણી – વાળો લેખ વાંચ્યો. એમાં એમણે વ્યકત કરેલા બધા વિચારો સાથે હું સહમત થાઉ છું. એટલું જ નહીં બલકે એમના આ વિચારોને અનુમોદન આપવા થોડુંક લખવા માટે પ્રેરાયો છું.
તૈત્તિરીય ઉપનિષદની શીક્ષાવલ્લિના બીજા અનુવાકમાં શિક્ષા કેવી રીતે મેળવવી તેનું વર્ણન કરતાં આ પ્રમાણે કહયું છે.
શીક્ષાં વ્યાખ્યાસ્યામઃ વર્ણઃ સ્વરઃ,માત્રા બલમ્
સામ સંતાનઃ, ઇત્યુકતઃ શીક્ષાધ્યાયઃ
ભાવાર્થ છે કે શિક્ષા મેળવવા માટે વિધાથીર્થીને શબ્દના વર્ણનું ,સ્વર કે વ્યંજનું, ઉદ્દાત્તાદિ માત્રાનું, ર્હસ્વ કે દીઘ્રનું,બળનું એટલે કે ઉચ્ચારણ વખતે મુકાતા ભારનું,સામનું એટલે નિયમબધ્ધ ઉચ્ચારણ કરવાની રીતનું તથા
સંધાનનું એટલે સંધીનું,પૂરતું જ્ઞાન હોવું જોઇએ.એનું કારણ એ કે તે જમાનામાં શિક્ષણ કેવળ મૌખિક રીતે જ અપાતું હતું. અને તેથી જ શિષ્યોને ગુરૂના સાનિધ્યમાં ગુરૂકુળમાં રહેવું પડતું.પરંતુ જયારે શિક્ષણ લેખિત માધ્યમથી અપાવા માંડયું ત્યારે શબ્દ ઉચ્ચારણની સ્પષ્ટતા કેમ કરવી એ પશ્ન જરૂર ઉભો થયો હશે.અને તેના ઉકેલ માટે તે સમયના વિદ્વાનોએ જે નિર્ણય લીધો તેનું પરિણામ તે છે આજની બારસ્વરી કે બારાક્ષરી કે બારાખડી. ગુજરાતી ભાષા કે જે સંસ્કૃતમાંથી ઉતરી આવી છે તેમાં આ બારાખડીના બાર સ્વરો અને તેમની સંજ્ઞાઓ ( ા િ ી ુ ૂ ે ૈ ો ૌ ં) ખૂબ જ અગત્યનો ભાગ ભજવે છે.જયારે શબ્દમાં સ્વર આવતો હોય ત્યારે તે સ્થાને યોગ્ય સ્વર વાપરવો પરંતુ જો કોઇ વ્યંજનને ઇકાર કે ઉકાર વગેરે આપવાં હોય તો તે વ્યંજનને ઇકાર કે ઉકાર આપતા યોગ્ય સ્વરની સંજ્ઞા લગાડવી.
અંગ્રેજીમાં કેવળ પાંચ જ સ્વરો હોવાથી કેટલા ગૂંચવાડા ઉભા થાય છે તે જાણીતું છે. “ડીઓ”એટલે ‘ડુ’ અને “જીઓ” એટલે ‘ગો’ એક જ સ્વરના બે ઉચ્ચાર.અંગ્રેજીમાં નિયમો કરતાં અપવાદ વધારે છે, જયારે સંસ્કૃતમાંથી ઉતરી આવેલી ભાષાઓ વધુ નિયમબદ્ધ છે. એક રમુજી દાખલો આપું. મેં જયારે નાનપણમાં પહેલી વાર ‘ફટીગ’ શબ્દ્દ વાંચ્યો ત્યારે તેનો ઉચ્ચાર કર્યો -ફાટીગ્યુ. જો કોઇ જાણકારે તેનો સાચો ઉચ્ચાર -ફટીગ- ન કરી બતાવ્યો હોત તો મારે માટે તો તે ફાટીગ્યુ જ રહેત. અંગેજી શબ્દકોશમાં પણ દરેક શબ્દનો ઉચ્ચાર કેમ કરવો તે બતાવવા કાંઉસમાં જાતજાતની સંજ્ઞાઓનો ઉપયોગ કરી બતાવેલો હોય છે.
શબ્દોનું ઉચ્ચારણ કરવામાં બધા એક સરખા ન જ હોય. એટલે જ કહેવાયું છે કે “બાર ગાઉએ બોલી બદલાય” પરંતુ લખાણમાંતો સામ્યતા હોવી જ જોઇએ. વૈદિક કાળમાં ઉચ્ચારણ માટેની જે સંજ્ઞાઓ હતી તે બધી આજે મોટા ભાગે વિસરાઇ ગઇ છે અને તેની સાથે સાથે વેદો પણ વિસરાયાં છે.આવા જ હાલ ગુજરાતીના ન થાય તે અંગે વિચારવું જોઇએ. નહીં તો આપણી ભાષા ગુજરાતી ને બદલે ગુજરતી ભાષા થઇ જશે. બીજું એકે હિન્દી,મરાઠી,સંસ્કૃત વગેરેમાં પણ આ જ સંજ્ઞાઓ વપરાય છે.તો આ સંજ્ઞાઓ વિના તે ભાષાઓ કેવી રીતે સમજાશે ? ગીતા અને ઉપનિષદો શું નવેસરથી
લખશો ? પાણિનિ ની મહેનત ઉપર પાણી ફેરવવાની કાંઇ જરૂર ખરી ? અરે ગીતા ઉપનિષદની વાત છોડો આપણા આ જમાનાના સાક્ષરોનું લખાણ કેવી રીતે સમજશે ? ઉંઝાની પદ્ધતી પ્રમાણે ‘સ અને ષ’ નો બહિષ્કાર કરીશું તો બીજી એક બે
પેઢી પછીના લોકો ‘સ અને ષ’ જોઇને આપણા સાક્ષરોની મશ્કરી ઉડાવશે કે મુઝવણ અનુભવશે ? આજે આપણે આપણી સાચી જોડણી કરવાની બીન આવડતને છુપાવવા સરળતાને બહાને જે પગલાં ભરીશું તેનું પરીણામ શું આવશે તે અંગે
ખૂબ ઉડો વિચાર કરવો જોઇએ.
ઉપાય?
શ્રી હસમુખભાઇએ દર્શાવેલ,એક સરખા લાગતા ઉચ્ચાર વાળા પણ અર્થમાં અસામ્ય એવા (પૂર-પુર, કે દિન-દીન)વગેરે શબ્દોના જોડકાંઓના કકકાવારી કોઠા બનાવી, આંકના કોઠાની જેમ, પ્રાથમિક શાળાથી જ વિદ્યાર્થિઓને કંઠસ્થ કરાવવા કે જેથી બારમા ધોરણ સુધી પહોંચતા તેમનો શબ્દ ભંડોળ સારો એવો મોટો થઇ જાય.વળી કીરીટભાઇ શાહે બતાવેલા જોડાક્ષરોના પણ કકકાવારી કોઠા બનાવી આ બન્ને પકારના કોઠાઓના અલગ વિભાગ પાડી શબ્દકોશમાં છાપવા.
હવે એક મુદ્દાની વાત કરૂં.ગુજરાતી શબ્દોની જોડણીનું મારૂં જ્ઞાન ઘણું જ સીમિત છે, તેથી જ લખતી વખતે હું શબ્દકોશ લઇને જ બેસું છું. એટલે જો ર્હ્સ્વ ‘ ઇ’ અને દીર્ઘ ‘ઉ’ કાઢી નાખવામાં આવે તો મને તો ફાયદ્દો જ ફાયદ્દો છે. પરંતુ હું ભાષાદ્રોહી થવા નથી માંગતો એટલે આ પસ્તાવની વિરૂદ્ધમાં મારો મત આપું છું. આપણી બીનઆવડ અને આળ ને કારણે ગુજરાતી ભાષાને “ગુ જ ર તી” કરવાની જરુર નથી. ઇતિ
2 Comments Add your own

” ૐ સહનાવવતુ “ June 25, 2007

Posted by vijayshah in : ચિંતન લેખ , add a comment

ૐ સહનાવવતુ સહ નૌ ભુનકતુ સહ વીર્યમ્ કરવાવહૈ
તેજસ્વિનાવધીતમસ્તુ મા વિદ્વિષાવહૈ
ૐ શાન્તિઃ શાન્તિઃ શાન્તિઃ

હિન્દુ સમાજમાં અતિ પ્રચલીત આ મંત્ર કઢોપનિષદ અને શ્વેતાશ્વતર ઉપનિષદનો શાન્તિ મંત્ર છે.
આ શ્લોકનો સાચો અર્થ એની સંધિ છુટી પાડી એક પછી એક વાકય તપાસીએ તો બરોબર સમજાય. સંધિ નીચે પ્રમાણે છોડી શકાય છે.
ૐ સહ નૌ અવતુ, સહ નૌ ભુનકતુ, સહ વીર્યમ્ કરવા વહૈ, તેજસ્વિ નૌ અવધિતમ્ અસ્તુ, મા વિદ્વિષાવહૈ,
ૐ શાન્તિઃ શાન્તિઃ શાન્તિઃ
હવે દરેક શબ્દનો અર્થ જોઇએ.
સહ =એક સાથે, નૌ = અમારા બેઉનું, અવતુ = રક્ષણ કરો, ભુનકતુ = પાલન કરો, વીર્યમ્ = કામ કરવાની શકિત અવધિતમ્ = અમારૂં શીખેલું = અમારૂં શીક્ષણ, અસ્તુ – થાઓ
મા =ન કરીએ, વિદ્વિષાવહૈ = વિખવાદ.
શ્લોકનો અર્થ છે
હે ઇશ્વર, અમારા બેઉનું એક સાથે રક્ષણ કરો,અમારા બેઉનું એક સાથે પાલન કરો, અમને બેઉને એક સાથે હળી મળીને કામ કરવાની શકિત આપો, અમારૂં શિક્ષણ અમને બેઉને તેજસ્વિ બનાવે અને અમે એક બીજા પ્રત્યે દ્વેષભાવ ન રાખીએ અર્થાત વિખવાદન કરીએ તો જ અમારા જીવનમાં શાન્તિ થશે.
હવે પ્રશ્ન એ છે કે “નૌ” એટલે કે અમે બેઉ,તો કયા બેઉની વાત છે. પ્રચલીત રીતે ‘નૌ’ એટલે ગુરૂ અને શિશ્ય એવો અર્થ કરવામાં આવે છે. પરંતુ મને એમ લાગે છે કે આ અર્થ સાચો ભલે ગણાય યોગ્ય નહી કરણ કે તે સીમિત છે.જયારે હું આ મંત્ર બોલું ત્યારે મનમાં વિચાર આવે કે હું નથી કોઇનો ગુરૂ કે નથી કોઇનો શિશ્ય તો આ મંત્ર બોલવાનો મને અધિકાર છે ખરો ? પરંતુ જો ‘નૌ’ ને જરા વધારે બહોળા અર્થમાં જોઇએ તો સમજાશે કે ‘નૌ’ અમે બેઉ એટલે હું અને બીજી કોઇ વ્યકિત, કે વ્યકિતઓનો સમુહ દા.ત. હું અને મારી પત્નિ અગર હું અને મારૂં કુટુંબ કે હું અને મારા મિત્રો.અર્થાત એક તરફ હું અને બીજી તરફ આખો સંસાર.
આ મંત્રમાં યાચક ઇશ્વરને પ્રાર્થના કરે છે કે તું અમારા બેઉનું રક્ષણ અને પાલન કર, તો શાનાથી રક્ષણ કરવાનું અને કેવી રીતે પાલન કરવાનું કહે છે. યાચક જાણે છે કે જીવનની બરબાદીનું મુખ્ય કારણ છે એક બીજા પત્યેનો દ્વેષ અને વિખવાદ. દ્વેષને કારણે જ વ્યકિતઓ એક બીજાથી દૂર રહેવા પ્રેરાય છે. અને નીકટ આવતાં જ વિખવાદ શરૂ થાય છે.અને એટલા માટે જ યાચક પ્રાર્થના કરે છે કે હે પ્રભુ, અમે એક બીજાનો દ્વેષ ન કરીએ અને હળી મળીને કર્મો કરતા રહીએ એવી શકિત આપ. પરંતુ આવી શકિત તો તો જ મળે કે જયારે આપણે આપણું શિખેલું અને અનુભવેલું બધું જ મન અને બુદ્ધિથી પચાવીએ. તો જ આવા વર્તનની અપેક્ષા રાખી શકાય.અને તેથી જ યાચક કહે છે કે અમે અમારી શિખેલી વિદ્યાથી તેજસ્વિ થઇએ એવું કર. જે યાચક નીચે દર્શાવેલી આ ત્રણ પ્રકારની વૃત્તિ રાખી વર્તનમાં મુકે તેનું રક્ષણ અને પાલન થયા વગર કદી ન રહે.
૧) દ્વેષ ટાળવાની વૃત્તિ
૨) સહકાર આપવાની વૃત્તિ
૩) જે કાંઇ શિખીએ તેનો મન અને બુદ્ધિથી અર્થાત વિચાર અને વિવેકથી ઉપયોગ કરવાની વૃત્તિ

જો જરા વધારે ઊંડાણમાં ઉતરીએ તો’નૌ’ નો અર્થ છે મન અને બુદ્ધિ થાય. આમ કહેવાનું મારું કારણ જો તમે શ્વેતાશ્વતર ઉપનિષદના બીજા અધ્યાનો પહેલો શ્લોક વાંચશો તો બરોબર સમજાશે જેમાં આ પ્રમાણે કહયું છે.
યુજજાનઃ પ્રથમં મનસ્તત્વાય સવિતા ધિયઃ
અગ્નેઃજયોતિઃ નિચ્ચાય પૃથિવ્યા અધ્યાભરત
અર્થ કાંઇક આવો છે
હે સવિતા દેવ, સહુ પ્રથમ, તત્ત્વની પ્રાપ્તિ માટે, અમારા મન અને બુદ્ધિને પાર્થીવ પદાર્થોમાંથી ઉપાડી અમારા દિવ્ય સ્વરુપ સાથે જોડે.
(મારું સંકૃત ભાષાનું જ્ઞાન બહુ સીમીત છે એટલે આ શ્લોકનો શબ્દસહ અનુવાદ કરી શકયો
નથી આ કેવલ ભાવાર્થ જ છે. કોઇ સંકૃત વિશારદ મદદ કરશે તો જરુર આનંદ થશે )
ભલે આપણને તત્ત્વની પ્રાપ્તિન થાય પરંતુ મન અને બુદ્ધિની હાલત ઉપર જ વ્યકિતના જીવનની હાલતનો આધાર છે ને ? એટલે જયારે આ શ્લોક બોલતાં હોઇએ ત્યારે ‘ હે પ્રભુ મારા મન અને બુદ્ધિ એક બીજા સાથે સહકાર રાખી લાગણી અને વિવેકથી વર્તે એવું કરજે એવી ભાવનાથી બોલાય તો જીવનમાં શાન્તિઃ શાન્તિઃ શાન્તિઃ નો અનુભવ થાય.
મને તો લાગે છે કે જો આપણે મન અને બુદ્ધિની કાર્યવાહી સમજી લઇએ તો આ શ્લોકનો અર્થ વધારે ચોખવટથી સમજાશે.
મન એટલે શું ? શંકા કરે તે મન
અને બુદ્ધિ એટલે શું ? શંકાનું નિવારણ કરે તે બુદ્ધિ
દા.ત. ઉષ્ણતામાનમાં બહુ જ ઓછા તફાવત વાળી બે વસ્તુ લઇએ તો પહેલી દૃષ્ટિએ મન કહેશે કે એ બન્ને વસ્તુઓનું ઉષ્ણતામાન સરખું જ છે,પણ તરત જ તેને શંકા થશે કે તેમ ન હોય તો? અને તરત જ બુદ્ધિ મનની આ શંકાનું નિરાકરણ કરવા થર્મોમીટર લઇને દોડી આવશે .મનુષ્યનો વિકાસ મન અને બુદ્ધિના આવા સહકારથી જ થતો રહે છે.
જેની શંકા શકિત અને નિરાકરણ શકિત સરખાં હોય તે માણસ સ્થાપીત બુદ્ધિ વાળો કહેવાય.
જેની શંકા શકિત નિરાકરણ શકિત કરતાં વધારે હોય તે માણસ દોલાચલ ચીત્તવૃત્તિ વાળો કહેવાય.
જેનામાં નિરાકરણ કરવાની શકિતનો સંપૂર્ણ અભાવ હોય તે મૂર્ખ કહેવાય.
અને જેની બુદ્ધિએ બધી જ શંકાઓનું નિરાકરણ કર્યું હોય તેને જ્ઞાની કહેવાય. એટલે આ પ્રમાણે જોતાં
“નૌ”નો યોગ્ય અર્થ છે મન અને બુદ્ધિ.
ઇતિ

” વિચારના પ્રકાર “ June 7, 2007

Posted by vijayshah in : ચિંતન લેખ , add a comment

” વિચારના પ્રકાર ”

વિચાર એટલે મગજ ઉપર થતી ઉત્તેજનાનો પ્રત્યાઘાત.મગજ સાથે જોડાયેલી કરોડરજજુ એ મગજનો જભાગ ગણાય. કારણ કે મગજ અને શરીરના અન્ય અંગો વચ્ચેનો વાર્તાલાપ આ કરોડરજજુ દ્વારા જ થાય છે.કુંડલિની યોગમાં કરોડરજજુના છ ચક્રોનું વર્ણન કરવામાં આવે છે.આ છ ચક્રના નામ છે મૂલાધાર, સ્વાધિષ્ઠાન,મણીપૂર,અનાહત,વિશુદ્ધ અને છેલ્લું આજ્ઞા ચક્ર અને સાતમું ચક્ર મગજની મધ્યમાં આવેલું છે અને તેને બ્રહ્મરંધ્ર કે સહસ્રાર કહેવાય છે. કરોડ રજજુના આ છ ચક્રોને વેણુના છ છિદ્રો સાથે સરખાવી શકાય.જેમ વાંસળીના જુદા જુદા છિદ્રોમાંથી જુદા જુદા સૂર નિકળે છે તેમ આ કુંડલિનીના જુદા જુદા ચક્રોમાંથી જુદા જુદા વિચારો ઉદ્દ્ભવે છે.આને જ હું કૃષ્ણની વાંસળી સમજું છું.એમાંથી નીકળતા વિવિધ સૂર એટલે આપણું જીવન.
વિચારના પાંચ મુખ્ય પકાર છે.

૧ વૃત્તિ જેમ કે જિજીવિષા, પ્રજનન, કુદરતી હાજત

૨ લાગણી જેમ કે રાગ, દ્વેષ

૩ વિવેક જેમ કે સારા નરસાની તુલના

૪ સ્ફુરણા જેમ કે અંતરનો અવાજ કે પશ્યન્તિ વાણી

૫ અનુભૂતિ અથવા દર્શન

જો મગજની ઉત્તેજનાનું કારણ મૂલાધાર, સ્વાધિષ્ઠાન કે મણીપૂર ચક્ર હોય તો તેમાંથી ઉદ્દ્ભવેલા વિચારોને વૃત્તિ કહેવાય,

જો ઉત્તેજનાનું કારણ અનાહત ચક્ર હોય તો ઉદ્દ્ભવેલા વિચારને લાગણી કહેવાય.

વિશુદ્ધ ચક્રને કારણે ઉદ્દ્ભવેલાં વિચારોને વિવેક કહેવાય

આજ્ઞા ચક્રને કારણે જન્મેલાં વિચારોને સ્ફૂરણા કહેવાય. અને

સહસ્રાર કે બ્રહ્મરંધ્રમાંથી જન્મતી ઉત્તેજનાના પત્યાઘાતને અનુભૂતિ કે દર્શન કહેવાય.

આ બધું વર્ગીકરણ મે મારી સમજ પ્રમાણે સ્વેચ્છાએ કરેલું છે.એ અંગે મારી પાસે કોઇ પુરાવો
નથી. માટે એને માન્ય રાખતાં પહેલા કોઇ વિદ્વાન વ્યકિતનો અભિપ્રાય લેવાનું સહુ વાંચકોને મારું સૂચન છે.

” સત્ય- નારાયણની કથા “ June 5, 2007

Posted by vijayshah in : ચિંતન લેખ , add a comment

” સત્ય- નારાયણની કથા ”

આ ત્રણ શબ્દોથી હિન્દુસ્તાનમાં જન્મેલી અને ઉછરેલી કોઇ પણ હિન્દુ વ્યકિત વાકેફ ન હોય એવું કવચીત જ બને. સ્કંદ પુરાણના રેવા ખંડમાં સમાયેલી આ કથામાં બીજી પૌરણિક કથાઓની જેમ જ સાંકેતિક ઉપદેશ આપવામાં આવ્યો છે એમ હું માનું છું.મારી દ્રષ્ટિએ જોતાં આ કથાનું તાત્પર્ય અને મહત્વ સમજવું હોયતો આ ત્રણે શબ્દોનો અર્થ અલગ અલગ સમજવો જોઇએ.અર્થાત સત્ય એ શું ? નારાયણ એટલે કોણ ? અને કથા એટલે શું ?
સત્ય એટલે ?
શાસ્ત્રોમાં સત્યના બે પ્રકાર ગણાવ્યા છે.એક કહેવાય છે ઋત અને બીજો કહેવાય છે સત્ય. ઋત એટલે એ વસ્તુ કે વિચાર કે જે સમયની ચૂડમાં સપડાય નહીં. એટલે કે સમયના વહેણ સાથે એ વસ્તુ કે વિચારમાં કોઇ ફેરફાર થાય નહીં.” જેમ કે ગુરૂત્વાકર્ષણનો નિયમ, અથવા જન્મેલાનું મૃત્યુ થવાનું જ છે” એવું વિધાન.અને સત્ય એટલે રોજીંદા જીવન દરમિયાન થોડા ઘણા સમય માટે ન બદલાતી વસ્તુ કે વિચાર જેમ કે હું આજે જીવિત છું, પણ કાલે ન પણ હોઉં. અથવા “હું પહેલા બાળક હતો, હવે યુવાન છું અને પછી વૃદ્ધ થઇશ” આ ત્રણે વિધાન સત્યતો છે જ પણ તે ત્રણેની સાથે ભૂત,વર્તમાન અને ભાવિ સંકળાયેલા છે ને ?
નારાયણ એટલે ?
હવે નારાયણનો અર્થ શું ? “નારાયન એટલે નાર+અયન” નાર નો એક અર્થ છે “ઇશ્વર” અને અયન એટલે “ની તરફ જવું ” જેમકે ઉત્તરાયન,દક્ષિણાયન.આ ઉપરથી એમ કહેવાય કે નારાયણ એટલે ઇશ્વર તરફ જવું અથવા ઇશ્વર પરાયણ થવું કે સાચા વૈષ્ણવ બનવું.અર્થાત નારાયણ એટલે કોઇ વ્યકિત નહીં પણ જીવન જીવવાની એક પદ્ધતિ એમ સમજવાનું છે.
કથા એટલે ?
કથા એટલે કોઇ અમુક વિશય અંગે જે કહેવાયું છે તે.
આમ આપણા જીવન દરમિયાન ઇશ્વર તરફ જવા માટે, સાચા વૈષ્ણવ કઇ રીતે થવું એ અંગે જે કહેવામાં આવ્યું છે તે જ સત્યનારાયણની કથા. પરંતુ આ કથાને કેવળ કથા નહીં પણ એક વ્રત તરીકે સમજીએ તો જ સાચા વૈષ્ણવ થવાય. વ્રત એટલે સ્વૈછિક રીતે મનને શિસ્તબદ્ધ કરવા અમુક ચોકકસ નિયમોનું પાલન કરવાનો મનસુબો. પહેલા અધ્યાયના પહેલા વાકયમાં જ આ વાત સ્પષ્ટ કરવામાં આવી છે. નૈમિષારણ્યમાં શૌનકાદિ ઋષિઓએ કયું વ્રત કરવાથી એટલે કે કયા નિયમોનું પાલન કરવાથી વાંછિત ફળ મળે છે એ અંગે સમજાવવા સૂત મુનિને વિનંતી કરી છે. અને તેના જવાબમાં સૂત મુનીએ દ્રષ્ટંાત રૂપી ચાર કથાઓ કહીને સાચા વૈષ્ણવ કેમ થવું તે સમજાવવાનો જે પયત્ન કર્યો છે તે છે સત્યનારાયણની કથા.
અધ્યાય પહેલો
આ અધ્યાયમાં,અધ્યાય બે થી પાંચમાં બતાવેલા નિયમો કોણે પાળવા તે અંગે થોડી માહિતી આપતા કહયું છે કે આ નિયમો પાળવામાં વર્ણ, જાતિ કે સમયની કોઇ જ બાધા નથી.અર્થાત ઇશ્વરાભિમુખ થવાની ઇચ્છા વાળી હરેક વ્યકિતએ આ નિયમો હંમેશા પાળવા જોઇએ. કયારે પાળવા તે અંગે વધારામાં ભાર મુકીને એમ કહયું કે આ કથા ખાસ કરીને સંધિ કાળે કરવી.સંધિ કાળ એટલે શું ? બે વિરૂદ્ધ પરિસ્થિતિનો ઉકેલ લાવવા માટે લેવાતો વચગાળાનો માર્ગ. એટલે જયારે મનમાં દ્વિધા ઉત્પન થાય ત્યારે આ કથામાં વર્ણવેલા નિયમો પાળવાથી જરૂર સમાધાન થશે.અને કેવી રીતે પાળવા એ અંગે કહયું કે
પ્રસાદમાં વપરાતી બધી સામગ્રીનું પ્રમાણ સવા ઘણું રાખવું. અહીં પ્રસાદના બે અર્થ છે.ભગવાન તરફથી આપણને મળે તે પ્રસાદ એટલે ભગવાનની મહેરબાની અને આપણે ભગવાનને જે અર્પણ કરીએ તે પ્રસાદ એટલે નૈવેદ્ય અથવા આપણે વ્રતની સફળતા માટે કરેલી મહેનત.પોતાની મહેનત વિના ઇશ્વરની મહેરબાની માટે આશા રાખવી એ સાચા વૈષ્ણવનું લક્ષણ નથી.અને એટલે જ અહીં કહયું કે નૈવેદ્યનું પ્રમાણ, અર્થાત મહેનત, સવા ઘણી કરવી એમાં જરાપણ કચાશ કે આળસ ન રાખવી.વળી આપણી મહેનતથી મળેલી પ્રભુની પ્રસાદીનો લાભ બીજાને જરૂર આપવો,એટ્લે કે પ્રસાદ વહેચવો. હવે આ નિયમો અંગે વિચારીએ.
અધ્યાય બીજો
આ અધ્યાય વાંચતા ત્રણ નિયમો નજર સમક્ષ તરી આવે છે.એક એ કે ભીખ માંગીને પરતંત્ર જીવન જીવવા કરતા દરેક વ્યકિતએ સ્વાવલંબી બની સ્વતંત્ર જીવન જીવતા શીખવું જોઇએ. ભીખ માંગવી એટલે પર ધનનો સ્વિકાર કરવો. અને સાચો વૈષ્ણવતો તે જ કહેવાય કે જે “પરધન નવ ઝાલે હાથ રે” શતાનંદ બ્રાહ્મણના ઉદાહરણથી આ વાત સ્પષ્ટ કરવામાં આવી છે. અને કઠિયારાના ઉદાહરણથી એમ સમજયાવ્યંુ છે કે કેવળ ગધ્ધા વૈતરૂં કરવાથી પણ કાંઇ વળતું નથી. જે કાંઇ કરીએ તેમાં બુદ્ધિનો ઉપયોગ આવશ્યક છે જ. કઠિયારો જો પહેલેથી જ આળસ કર્યાં વગર ધનિક લત્તામાં લાકડા વેચવા નિકળ્યો હોત તો ધન પ્રાપ્તિમાં સરળતા થઇ હોત.પણ સૌથી મુદ્દાનો નિયમ તો એ છે કે કોઇએ પણ મનમાં ઉચ નીચનો ભેદ ન રાખવો. એટલે જ આ અધ્યાયમાં બ્રાહ્મણ અને શૂદ્રનો સુમેળ કર્યો છે. કથા જેવા શુભ અને પવિત્ર પ્રસંગે પણ બ્રાહ્મણે કઠિયારાને આવકાર્યો છે. આ અધ્યાયમાં સદવર્તન ઉપર ભાર મુકવામાં આવ્યો છે.
અધ્યાય ત્રીજો અને ચોથો
આ બે અધ્યાયમાં સત્ય વાણિ અને સદ વિચાર ઉપર ભાર મુકાયો છે. સાધુ વાણિયો કે તકસાધુ વાણિયો પોતાનું કામ કઢાવી લેવા ભગવાનને પણ છેતરવાનો પ્રયત્ન કરે છે. જુઠું વચન આપી પોતાની મતલબ માટે પોતાની પત્નિને ઉઠા ભણાવે છે. સાચો વૈષ્ણવ તો ” જિહ્વા થકી અસત્યન બોલે ” અને “મોહ માયા વ્યાપે નહી જેને” પણ વાણિયાથી તો એની સંપત્તિનો મોહ છુટતો જ નથી એટલે તે યતિના વેશમાં આવેલા નારાયણને પણ ઉઠા ભણાવે છે. વળી કલાવતિના ઉદાહરણથી એમ સમજાવ્યું છે કે જયાં સુધી વ્રત પાલનમાં સફળતા ન મળે, ( પ્રભુની પસાદ્દી,મહેરબાની)ન મળે, ત્યાં સુધી એ વ્રતનો ત્યાગ ન કરવો. એટલે કે આરંભેલું કામ અધુરૂં ન છોડવું. આગળ કહયું તેમ મહેનત તો સવા ઘણી કરવી તો જ મહેરબાની મળે આપણે ગુજરાતીઓને તો કાછીયા કે મોદી કને થોડું નમતું જોખાવવાની ટેવ છે તો નારાયણને નૈવેદ્ય ધરાવવામાં આપણે પણ નમતું જોખતાં શિખવું જોઇએ ને ? આ નમતું જોખવું એટલે સવા ઘણું કરવું એમ કહેવાય. આ અધ્યાયમાં પણ બ્રાહ્મણ, વૈષ્ય અને ક્ષત્રીયના એક બીજા પ્રત્યેના વ્યહવારનું વર્ણન કરી ઉચ નીચ વચ્ચેનો ભેદ દૂર કરવા કહયું છે.આ અધ્યાયમાં વાણિ અને વર્તન ઉપર ખાસ ભાર મુકાયો છે.
અધ્યાય પાંચમો?
આ અધ્યાયમાં વિચાર અને વર્તન ઉપર ભાર મુકવામાં આવ્યો છે. રાજા અંગધ્વજ ગોવળીયાઓ સાથે અભિમાન યુકત વર્તન કરી પ્રસાદની અવગણના કરે છે. સાચો વૈષ્ણવતો “મન અભિમાન ન આણે રે” અંગધ્વજના અભિમાનનું મુખ્ય કારણ તેના મનમાં રહેલો ઉચ નીચનો ભેદ છે. તેને મનમાં થયું હશે કે “હું આ ગમાર ગોવાળીયાઓનું રક્ષણ કરનાર રાજા છું તો એમનો આપેલો પ્રસાદ હું કેમ લઇ શકું.” અભિમાન એટલે જ અહંભાવ અને જયાં સુધી મનમાં અહંભાવ હોય ત્યાં સુધી ઇશ્વરાભિમુખ થવું અઘરૂં છે.
કથાનો સાર
આ કથાનો સાર તો એટલો જ છે કે જેને ઇશ્વરાભિમુખ થવાની ઇચ્છા હોય તેણે આ કથામાં વર્ણવેલા બધા જ નિયમોનું સતત અને શિસ્ત પૂર્વક પાલન કરવું. આ નિયમો ફરીથી નીચે ટાંકયા છે.
૧. મનમાં ઉચ નીચનો ભેદ ન રાખો.
૨. સ્વાવલંબી બની સવા ઘણી મહેનત કરો.
૩. તમારી મહેનતથી જે ફળ પાપ્ત થાય તેની વહેંચણી કરતા શિખો.
૪. આરંભેલું કામ અધુરૂં ન મુકો.
૫. મનમાં અભિમાન ન રાખો.
૬. વાણી, વર્તન અને વિચારમાં સદભાવ રાખો.
૭. આ નિયમોનું સતત પાલન કરો એટલે કે તેને જીવનમાં વણી લો.

આટલા નિયમો જે પાળે તેનું જીવન સુખમય જ રહેને ?
આ છે આ ક્થાના ” સાત કમાન્ડમેન્ટસ”

” ઇશ્વર દર્શન “ May 8, 2007

Posted by vijayshah in : ચિંતન લેખ , add a comment

” ઇશ્વર દર્શન ”

ઇશ્વર દર્શન કોને થાય? તેને કે જેને ઇશ્વરના અસ્તિત્વમાં શ્રદ્ધા હોય.પરંતુ કેવળ આવી શ્રદ્ધાથી જ તેના દર્શન નથી થતાં.એના દર્શન માટે તો એ સર્વવ્યાપી અને અનાદિ છે એમ પણ સ્વિકારવું જરૂરી છે. એનો અર્થ એ કે તે ઇશ્વર દરેક પદાર્થની અંદર તથા બહાર સદાકાળ વ્યાપ્ત છે.
“તદ અંતરસ્ય સર્વસ્ય તદુ સર્વસ્યાસ્ય બાહ્યતઃ”
પદાર્થની અંદર રહેલા ઇશ્વરને આપણે આત્મા ને નામે ઓળખીએ છીએ જયારે તેની બહાર રહેલા ઇશ્વરને આપણે બ્રહ્મ કહીએ છીએ. હવે જો કેવળ ભૌતિક દ્રષ્ટિ કામે લગાડીએ તો આપણે કહી શકીએ કે આત્મા કરતા બ્રહ્મ મોટો હશે કારણ પદાર્થની અંદરની બાજુ કરતા બહારની બાજુ મોટી જ હોય.
આમ બ્રહ્મ ઘણો મોટો અને નજદિક હોવાથી જોઇ શકાતો નથી.પર્વતની ભવ્યતાનો ખ્યાલ પર્વતથી દૂર જઇએ તો જ આવે ને ? એટલે જો બ્રહ્મ ને જોવો જ હોય તો તેનાથી દૂર જઇએ તો જ તે દેખાય. પણ તેનાથી દૂર થવું શી રીતે ? તે તો સર્વવ્યાપી છે.આ માટે એક સરળ ઉપાય અજમાવવો પડે છે.આપણે આગળ જોયું તેમ આત્મા એ બહ્મનું જ નાનું સ્વરૂપ છે તો આપણે આત્માથી દૂર જઇને તેના દર્શન કરીએ તો પણ આપણને બ્રહ્મ જ્ઞાન લાધે ખરૂં.આત્માથી દૂર જવું એનો અર્થ છે આપણે આપણી જાતમાંથી બહાર નીકળી પોતાની જાતને ઓળખવી.પોતાની જાતમાંથી બહાર નીકળવા માટે પોતાપણું એટલે કે અહંકાર ત્યજવો અતિ આવશ્યક છે. તે કેમ છૂટે ? કેવળ નિશ્ચિત વર્તનથી. આપણે આપણી જાતને પારકાઓની દ્રષ્ટિથી જોતાં થઇએ ત્યારે જ આપણને સમજાયકે આપણે કેવા છીએ.આમ અન્ય વ્યકિતઓના આપણા અંગેના અભિપ્રાયોથી પોતાની જાતનું મૂલ્યાંકન કરવું એટલે જ પોતાની જાતમાંથી બહાર નીકળવું એમ કહેવાય.પારકાની દ્રષ્ટિથી પોતાની જાતને જોવા માટે આપણે તેમની દ્રષ્ટિ મેળવવી પડે અર્થાત આપણે એમને સમજવા પડે અને તે માટે તેમનો સહકાર જોઇએ,અને જો આપણે ખૂદ તેઓને સહકાર ન આપીએ તો તેમના સહકારની આશા શી રીતે રાખીએ ! આપણે આપણા અહંકારમાંથી જ ઉંચા ન આવીએ,આપણા ગમા અણગમા છોડીએ જ નહી તો આપણને સહકાર કોણ આપે !
અન્ય વ્યકિતઓને સહકાર આપવો એનો અર્થ છે આપણે આપણંુ વર્તન સુધારી બીજાઓને અનુકૂળ થવું. આપણો અહંકાર ત્યજી બીજાઓ પ્રત્યેના ગમા અણગમા વિસારે પાડવા એ અતિ વિકટ નથી.ધીરે ધીરે સહિષ્ણુતા વધારવાની આ એક સરળ સધના છે,એક સરળ કર્મયોગ છે.અને આ સાધનાનું જે ફળ મળે છે તેને કહેવાય છે સમભાવ.સમભાવ એટલે કોઇ કોઈનાથી ચડતું કે ઉતરતું નથી એવી મનોવૃત્તિ.
આતો ઇશ્વર દર્શનના માર્ગનું પહેલું પગથીયું થયું.સમભાવ કેળવ્યાં પછી પણ આ કર્મયોગ – ગમા અણગમા દૂર કરવાનો પ્રયત્ન – તો ચાલુ જ રાખવો પડે છે.આ સતત ચલતા કર્મયોગમાં જયારે સમભાવ ઓતપ્રોત થઇ જાય છે ત્યારે જ તેમાંથી ભકિતનો ઉદ્દ્ભવ થાય છે.આમ સમભાવ મિશ્રિત કર્મયોગને પંથે ચાલતાં ભકિતયોગનું દ્વાર દેખાય છે.આ છે બીજું પગથીયંુ. ભકિત પૂર્વક સતત કર્મ કરતાં રહેવાથી જે ફળ મળે છે તેને એકાત્મભાવ કહેવાય છે.એકાત્મભાવ એટલે કોઇ કોઇનાથી જુદું નથી,બધામાં એક જ આત્મતત્ત્વ રહેલું છે એવો મનોભાવ.
આ બીજું પગથીયું ચઢયાં પછી જો સાધક ભકિતપૂર્ણ મનથી કાર્યરત રહે અને તેમાં જયારે એકાત્મ ભાવ ઓતપ્રોત થઇ જાય ત્યારે સાધકના અંતરમા જ્ઞાનનો ઉદય થાય છે.આમ એકાત્મભાવ મિશ્રિત ભકિત યોગને પંથે ચાલતાં સાધકને જ્ઞાન યોગનું દ્વાર ખુલતું દેખાય છે.આવો જ્ઞાની સાધક જો ભકિત પૂર્વક સતત કર્મ કરતો રહે તો તેને જે ફળ મળે છે તેને અદ્વૈતભાવ કહેવાય છે.આ અદ્વૈતભાવ એટલે કે સૃષ્ટિના બધાજ નિરજીવ અને સજીવ પદાર્થો એક જ તત્ત્વમાંથી – બહ્મ તત્ત્વમાંથી – ઉદ્દભવ્યાં છે એવું જ્ઞાન.આ રીતે જોતાં લાગે છે કે કર્મ્યોગનું ફળ એટલે સમભાવ,ભકિતયોગનું ફળ એટલે એકાત્મભાવ અને જ્ઞાનયોગનું ફળ એટલે અદ્વૈતભાવ,કર્મયોગી બધાંને સમાન સમજે છે, ભકતને બધામાં ઇશ્વર દેખાય છે અને જ્ઞાનીને બધે જ ઇશ્વર દેખાય છે અર્થાત તેને ઇશ્વર સિવાય બીજુ કાંઇ જ દેખાતુ નથી.આને જ સાચું ઇશ્વર દર્શન કહેવાયને ?

Type in

Following is a quick typing help. View Detailed Help

Typing help

Following preferences are available to help you type. Refer to "Typing Help" for more information.

Settings reset
All settings are saved automatically.