jump to navigation

” ગીતાનો મર્મ “ March 17, 2007

Posted by vijayshah in : ચિંતન લેખ , add a comment

” ગીતાનો મર્મ ”

શ્રી રામકૃષ્ણ પરમહંસ કહેતાં કે જો ગીતાનો સાર સમજવો હોય તો એક જ શ્વાસે ‘ગીતા ગીતા ‘ એમ દસથી પંદર વખત બોલી જાવ આમ કરતાં આપો આપ જ બોલનારના મૂખમાંથી ‘તાગી, તાગી’ એમ બોલાતું સંભળાશે.અર્થાત ગીતાનો ઉપદેશ ‘ગીતા’ એ શબ્દમાં જ છુપાયેલો છે. એને ઊંધો કરી વાંચો કે બોલો તો સમજાશે કે ગીતા સહુને ‘ તાગી-ત્યાગી’ થવાનો ઉપદેશ આપે છે. આ જ છે ગીતાનો સાર.પરંતુ મનમાં એક પશ્ન જરૂર ઉઠે છે કે ત્યાગવું શું ? ધન, દોલત, પત્નિ, છોકરાં શું ત્યાગવું ? ગીતામાં તો કયાંએ આવું કશું ત્યાગવાની વાત આવતી નથી. અર્જુન તો સગા સંબંધીઓને મારી રાજય લેવા કરતાં ભીખ માંગીને રહેવા તૈયાર જ હતો છતાં શ્રી કૃષ્ણએ તો એને પાણી ચઢાવવા એમ કહયું કે
” હતોવા પ્રાપ્યસિ સ્વર્ગમ્ જીત્વા વા ભોક્ષ્યસે મહીમ્”
એટલે કે આ ધર્મ યુદ્ધ કરતાં જો તું હણાશે તો તને સ્વર્ગ મળશે અને જો તું જીતી જશે તો રાજા બનીને પૃથ્વીના બધા ભોગ ભોગવવા મળશે. જયારે શ્રી કૃષ્ણ પોતે સામે ચાલીને આવી અવળી સલાહ આપે તો આપણે ત્યજવું શું? આ મુઝવણનો ઉકેલ લાવતા શ્રી શંક્રાચાર્ય જરા કડવા શબ્દોમાં કહે છે કે
“મૂઢ જહીહિ ધનાગમ તૃષ્ણાં,કુરુ સદબુદ્ધિ મનસિ વિતૃષ્ણાં
યલ્લભસે નિજ કર્મો પાત્તં, વિત્તં તેન વિનોદય ચિત્તં.”
એટલે કે હે મૂર્ખ, તું ધનના ‘આગમથી’ આગમનથી, થતી અથવા (આગમ એટલે જન્મ) ધનમાંથી જન્મતી તૃષ્ણા છોડી દે અને સદબુદ્ધિ વાપરી તૃષ્ણા રહિત થા.અને તારા પોતાના કર્મ ફળ રૂપે જે મળ્યું તેનો આનંદ મનમાં રાખ. તૃષ્ણા એટલે કર્મનું મન ગમતું ફળ મેળવવાની ઇચ્છા કે લાલસા.મનને ન ગમે એવી ઇચ્છા કદી કોઇને થાય ખરી ? શંક્રાચાર્યના કહેવા મુજબ ધન એ જ તૃષ્ણાનું મુખ્ય કારણ છે. તો શું નિર્ધનને તૃષ્ણા નથી સતાવતી ? ના,એવું નથી. કારણ કે એમણે અહીં જે ધનનો નિર્દેશ કર્યો છે તે દ્રષ્ટિએ જોતાં આ સંસારમાં કોઇ નિર્ધન છે જ નહીં. અહીં એમણે ત્રણ પકારના ધનનો નીર્દેશ કર્યો છે. પહેલું છે શારીરિક-ધન બીજું છે માનસિક-ધન અને ત્રીજું છે બૌધિક-ધન. આ ત્રીવિધ ધનની માત્રા હરેક વ્યકિતમાં જુદી જુદી હોય છે વળી એટલું જ નહીં પણ એક જ વ્યકિતમાં પણ તેનું પ્રમાણ સમયાનુસાર બદલાતું જ રહે છે.
જન્મતાની સાથે જ દરેક વ્યકિત પોતાની ઈન્દ્રિયો દ્વારા ( શારીરિક-ધન દ્વારા ) આ સૃષ્ટિ સાથે સંબંધ બાંધે છે. અને સૃષ્ટિ શું છે અને કેવી છે તેનો અનુભવ કરે છે. આ બધાં જ અનુભવોનો આઘાત મન ઉપર થતા મન છંછેડાય છે અને તેની પ્રવૃત્તિ વધવા માંડે છે યાને કહો કે માનસિક-ધનની વૃદ્ધિ થાય છે. વળી ઈન્દ્રિયોથી થતા આ બધા અનુભવો મનને ગમતા હોય એવું નથી બનતું. એટલે મન ઉપર થતા આઘાતને ખાળવા બુદ્ધિ પ્રત્યાઘાત કરે છે અને મનને થયેલ અનુભવ સારો છે કે બુરો તેનું નિદાન કરવા પ્રવૃત્ત થાય છે.આમ બુદ્ધિ કાર્યરત થતા બુદ્ધિ-ધનમાં પણ વધારો થવા માંડે છે. દરેક વ્યકિત,જે અનુભવ પોતાને સાનુકૂળ અને સુખદ હોય તેનો ફરીથી આસ્વાદ કરવા અને જે અનુભવ પ્રતિકૂળ કે દુઃખદાયક હોય તેનાથી દૂર ભાગવાનો પયત્ન સદા કરે છે. અને આમ જાણે અજાણે તેના કર્મની ચકકી ચાલુ થઇ જાય છે આ પ્રમાણે આ ત્રીવિધ ધનને કારણે જો કર્મ કરવું જ પડતું હોય તો ફળ પ્રાપ્તિની ઇચ્છા (તૃષ્ણા) રાખવામાં વાંધો શું ? પહેલો વાંધો તો એ કે કયા કર્મનું ફળ કેવું અને કયારે મળશે તેની કોઇને ખબર નથી. અને બીજો વાંધો એ કે જો ફળની ઇચ્છા હોય તો જ તે અસફળ કે સફળ થવાનો પશ્ન ઉભો થાયને ? હવે આ સફળતા કે અસફળતાની આપણા જીવન ઉપર શી અસર થાય છે તે અંગે વિચારીએ.
જે જે કર્મમાં સફળતા સાંપડે છે તે તે કર્મ અંગે મનમાં આનંદ તો થાય છે પરંતુ સાથે સાથે કાંઇક અંશે મનમાં એવો ગર્વ પણ થાય છે કે ” હું કેવો હોશિયાર કે મેં મારૂં મન ધારેલું ફળ મેળવ્યું.” આમ મનનો પહેલો શત્રુ ગર્વ યાને ‘મદ’ મનમાં અતિ સરળતાથી ઘર કરી બેસે છે. વળી વાત આટલેથી જ અટકતી નથી, મન ફરીથી સફળતા મેળવવાની કામનાથી ઘેલું થઇ જાય છે. તેનાથી પ્રથમ વાર સાંપડેલી સફળતાનો સ્વાદ અને તેમાંથી ઉપજેલો આનંદ વિસરાતા નથી અને આમ મદની સાથે સાથે ‘કામ’ (કામના- શત્રુ નંબર બે) પણ મનમાં ચોરી છુપીથી ઘુસી જાય છે.વળી જો બે ચાર વખત સફળતા મળી તો વધારે સફળ થવામાં શું આડે આવશે ? વધુ સફળ થવામાં કેટલો આનંદ આવશે ! એ વિચારે મન વધુને વધુ સફળ થવા લોભાય છે. અને મનની અંદર ‘લોભ’ (શત્રુ નંબર ત્રણ) ઘર કરી બેસે છે.અને જયાં લોભ પેઠો ત્યાં મોહને પેસતાં વાર શી ? આમ મનમાં રાખેલી તૃષ્ણા ફળીભૂત થતાં મનમાં કામ,કોધ,લોભ અને ‘મોહ’ (લોભનો મોટો ભાઇ-શત્રુ નંબર ચાર) ઘર કરી તેનો કબજો લઇ લે છે.હવે એ વિચારીએ કે મનમાં રાખેલી ઇચ્છા જો ફળે નહીં તો કેવું પરિણામ આવે.અસફળતામાં બુદ્ધિ હાર સ્વિકારવા તૈયાર નથી થતી અને મળેલી અસફળતાનો દોષ તે બીજી કોઇ વ્યકિત કે વસ્તુ અગર કોઇ સંજોગ ઉપર ઢોળી દે છે અને તેથી તે વકિત કે વસ્તુ કે સંજોગ પ્રત્યે પોતાનો ક્રોધ વ્યકત કરે છે. અને મનનો સૌથી મોટો શત્રુ છે આ ‘કોધ’ (શત્રુ નંબર પંાચ.) વળી જે કાર્યમાં પોતે અસફળ થાય અને તે જ કાર્યમાં અન્ય કોઇ સફળ થાય ત્યારે મનમાં કદી કદી તેના પત્યે ‘મત્સર’ કે ઇર્ષા (શત્રુ નંબર છ) પેદા થાય છે. આ રીતે ફળ પ્રાપ્તિની તૃષ્ણા માત્રથી જો મનમાં કામ ક્રોધાદિ શત્રુ ઘર કરી બેસતા હોય તો તૃષ્ણા રાખવી જ શું કામ ? હવે કોઇ એમ કહે કે ફળ પ્રાપ્તિમાં જો તમને કદીએ અસફળતા મળે જ નહીં (જે બીલકુલ અસંભવ છે) તો તમારા મનમાં ક્રોધ અને ઇર્ષાતો રહે જ નહીં ને ? ભલે કદાચ તમારા મનમાં ક્રોધ અને ઇર્ષા ઉત્પન્ન ન થાય પરંતુ તમારી સફળતા જોઇને બીજી ઘણી વ્યકિતઓમાં તમારા પત્યે ક્રોધ અને ઇર્ષાની લાગણી ઉદ્દ્ભવે તો નવાઇ નહીં. એટલે કે તમારા એકને બદલે બીજા અનેકમાં આવી લાગણી ફેલાય. અર્થાત જગતમાં ક્રોધ અને ઇર્ષાનું પમાણ વધે. હવે જો કોઇ એમ કહે કે કોઇ પણ કામમાં કદીએ સફળતા મળે જ નહીં (તે પણ બીલકુલ અસંભવ છે) તો પણ સફળ થવાની ઇચ્છા તો રહેવાની જ, એટલું જ નહીં પણ આ કામના વધુ જોર પકડે તો નવાઇ નહીં.અને મદ કદાચ લાચારીનું તથા લોભ અને મોહ કદાચ દીનતા અને હીનતાનું સ્વરૂપ ધારણ કરે એવો સંભવ ખરો.એટલું જ નહીં પણ અધુરી રહેલી આ તૃષ્ણા,આ કામના મનને કોરી ખાય અને મૃત્યુ બાદ તે નવ જીવનમાં સંસ્કાર અને વાસનાનો અંચળો ઓઢી ડોકીયાં કર્યાંજ કરે. આ ઉપરથી કહી શકાય કે જો ફળ પ્રાપ્તિની ઇચ્છા માત્રથી આટલાં અનર્થ વેઠવા પડતાં હોય તો ઇચ્છા રાખવી જ શું કામ? ફળની ઇચ્છા હોય તો જ તે સફળ કે અસફળ થવાનો પશ્ન ઉથો થાય છે ને ? ગીતામાં તો સ્પષ્ટ શબ્દોમાં કહયું છે કે મનુષ્યને ફળની ઇચ્છા રાખવાનો અધિકાર જ નથી.
“કર્મણ્યેવાધિકારસ્તે મા ફલેષુ કદાચન
મા કર્મફલહેતુર્ભુઃ મા તે સંગો અસ્તુ અકર્મણિ” ૨-૪૭
અર્થાત મનુષ્યને કેવળ કર્મ કરવાનો અધિકાર છે પણ તેની ફળ પ્રાપ્તિનો નહીં. માટે મનમાં ફળ મેળવવાનો હેતુ ન રાખવો.પણ એનો અર્થ એ નથી કે ફળની સાથે સાથે કર્મનો પણ ત્યાગ કરવો. અહીં જો આપણે અધિકારનો યોગ્ય અર્થ કરીએ તો આ શ્લોકનો અર્થ બરોબર સમજી શકાય છે.અહીં અધિકારનો અર્થ થાય છે લાયકાત કે આવડત. દા.ત. ડાઁકટરને દવાનું જ્ઞાન હોવાથી દવા આપવાનો તેને અધિકાર છે. આમ જ કર્મ કરવાના સાધન રૂપ દેહ, બુદ્ધિ અને મન આપીને ઇશ્વરે મનુષ્યને કર્મ કરવાની લાયકાત અને આવડત આપ્યાં છે. છતાં કયા કર્મનું ફળ કયારે ને કેવું મળશે તે જાણવાની લાયકાત કે શકિત તેણે મનુષ્યને નથી આપી અને એનું કારણ એ છે કે મનુષ્ય પોતાનું કર્મ કેવળ વર્તમાનમાં જ કરી શકે છે પરંતુ ફળ પ્રાપ્તિ તો એણે વર્તમાન તેમ જ ભૂતપૂર્વ જીવનમાં કરેલા બધાં જ કર્મો ઉપર આધારીત છે. અને આ જીવનમાં કરેલા કર્મોનું ફળ ભાવિમાં પણ મળે. મનુષ્ય જો સવારની બધી વાત સાંજ સુધી યાદ નથી રાખી શકતો તો પછી તેનાં ભૂતપૂર્વ જીવનની તો વાત જ શી કરવી સવારે શેનું શાક કાધું હતું તે પણ સાંજ સુધીમાં તે ભૂલી જાય તો આજે પોતાને મળેલું ફળ કયા જન્મમાં કરેલા કયા કર્મનું હશે તે કેવી રીતે તે કહી શકે ! એવી આવડત એનામાં નથી.મનુષ્ય વર્તમાનના કર્મોથી જે ભૂત ઉભું કરે છે તે જ ભવિષ્યમાં તેની સામે આવીને ઉભું રહે છે. છતાં એને તેનો કાંઇ ખ્યાલ જ નથી આવતો.એતો સારી વાત છે કે ચિત્રગુપ્તના ચોપડામાં (કે ગુપ્ત ચિત્રના ચોપડામાં અર્થાત આપણા ભાવિમાં) મનુષ્યના બધા જ કર્મોની યાદી હોય છે. કદ્દાચ ઇશ્વરને પણ બધું યાદ નહી રહેતું હોય એટલે આ કામ ચિત્રગુપ્તને સોપ્યું હશે, અને આ ચોપડાને આધારે જ ઇશ્વર બધાને ફળ પ્રદાન કરે છે.એ અધિકાર ઇશ્વરે પોતાના હાથમા જ રાખ્યો છે. પણ”ફળનો ત્યાગ કરો” એ કહેવામાં જેટલું સહેલું છે તેટલું જ કરવામાં કપરૂં છે. છતાં જો ઇશાવાસ્યના પહેલા શ્લોકમાં અપાયેલી સલાહ માનીને જીવનમાં અપનાવીએ તો ફાયદ્દો જરૂર થાય.
ઇશાવાસ્યં ઇદં સર્વમ્, યત્ કીંચ જગત્યામ્ જગત
તેન ત્યકતેન ભુંજીથા,મા ગૃધઃ કસ્યસ્વિદ્ ધનમ્
એટલે કે આ સારી સૃષ્ટિ,આપણો દેહ,આપણી બુદ્ધિ,આપણું મન બધું જ ઇશ્વરે રચ્યું છે. કર્મ પણ ઇશ્વરની કૃપાથી જ થઇ શકે છે તો એનું ફળ પણ એ જેવું આપે તેવું સ્વિકારી લેવામાં જ બુદ્ધિમાની છે. કર્મ ફળનો બધો ભાર જો કૃષ્ણાને સોંપી દઇએ તો તૃષ્ણા રીસાઇ જાય અને આપણાથી દૂર ભાગે. પરંતુ એ ભાર તૃષ્ણાને સોંપી દઇએ તો કૃષ્ણા રીસાઇને દૂર ભાગે. કારણ કૃષ્ણા અને તૃષ્ણાનો સંબંધ તેજ અને તિમિર જેવો છે. આ બે એક બીજા સાથે રહી શકે જ નહીં. જે મનમાં રહે છે તૃષ્ણા ત્યાં વસી શકે ન કદી શ્રી કૃષ્ણા.
તેજ ‘ને તિમિરને વેર છે આદીના,તેજને જોતાં જ તિમિર ભાગે.
કૃષ્ણા ‘ને તૃષ્ણાને પણ વેર છે આદીના જયાં આવે તૃષ્ણા, ત્યાંથી કૃષ્ણા ભાગે.
નિષ્કામ વૃત્તિ એટલે જ તૃષ્ણાનો ત્યાગ અને તેથી જ ગીતામાં નિષ્કામ કર્મનો આટલો મહિમા ગવાયો છે.
ઇતિ.

“યુકિત અને મુકિત” March 10, 2007

Posted by vijayshah in : ચિંતન લેખ , 1 comment so far

યુકિત એટલે શું અને મુકિત એટલે શું ? યુજ ધાતુમાંથી બનેલો શબ્દ છે યુકત. એનો અથ્ર છે જોડાવું અથવા ભેગા થવું. એજ પ્રમાણે મુચ ધાતુ ઉપરથી બનેલ શબ્દ છે મુકત અને તેનો અર્થ છે છુટા થવું અથવા જુદા પડવું. એક ઉદાહરણથી આ વાત બરાબર સમજાશે. હાઇડ્રોજન અને ઓક્સિજન આ બે તત્ત્વોની યુકિત થતાં જે સંયોજન બને છે તેને પાણી કહેવાય છે. આમ જયારે બે કે બેથી વધારે તત્ત્વોની યુકિત સંયોજન થાય છે ત્યારે તેમાંથી એક કે એકથી વધારે સંયોજીત તત્ત્વો બને છે. તત્ત્વોના આવા અભ્યાસને રસાયણ શાસ્ત્ર કહેવામાં આવે છે.
યુકિતનો બીજો અર્થ છે તરકીબ અથવા જાદુ. જયારે બે તત્ત્વો ભેગાં મળી સંયોજન બનાવે છે ત્યારે મૂળતત્ત્વો પોતાના ગુણધર્મો ગુમાવે છે. જેમ કે હાઇડ્રોજન દાહ્ય વાયુ છે અને ઓકિસજન દહન પોશક વાયુ છે.પરંતુ આ બેઉનું સંયોજન થતાં આ બેઉ એક બીજાની ખૂબ જ નિકટ રહેવા છતાં હાઇડ્રોજન નથી બળી શકતો કે ઓક્સિજન નથી બાળી શકતો. બલકે તેમણે બનાવેલું સંયોજન, પાણી ,આગ સમાવે છે.વળી આ બે આદ્ર્ષ્ય વાયુ સંયોજીત થતાં દ્ર્ષ્ય પાણી બને છે આને તરકીબ નહી તો બીજું શું કહેવાય !
આજ પ્રમાણે જયારે પંચમહાભૂત મળીને દેહ બનાવે છે ત્યારે તે દેહ નથી આકશની જેમ કશું છાઇ શકતો કે નથી તે અગ્નિની જેમ કશું બાળી શકતો અગર તો પાણીની જેમ નથી કશું ભીજવી શકતો.આ પણ એક તરકીબ જ ગણાયને ? મૃત્યુ બાદ દેહના આ પાંચ તત્ત્વોનું વિભાજન થતાં દેહની મુકિત થાય છે. ખરૂં જોતાંતો આ પાંચ તત્ત્વો જ (આકાશ, અગ્નિ, વાયુ,પાણી અને પૃથ્વિ) એક બીજાથી મુકત થાય છે. દેહનો તો કેવળ વિલય જ થાય છે. આમ દેહની મુકિત તો સમજી શકાય છે પણ જેને આપણે મોક્ષ એટલે કે જીવાત્માની મુકિત કહીએ છીએ તે શું છે ? મોક્ષ એટલે જીવન મૃત્યુના આવાગમનમંાથી મુકિત. જીવાત્માની મુકિત સમજવા માટે તે કયા મૂળ તત્ત્વોનો બનેલો છે તે જાણવું અતિ આવશ્યક છે. જીવાત્મા નીચે દર્શાવેલા ત્રણ ઘટકોનો ,તત્ત્વોનો,બનેલો છે.
૧. દેહ એટલે કે પંચમહાભૂતનું મિશ્રણ
૨. મન એટલે કે વાસનાઓનું મિશ્રણ અને
૩. ચિત્ત એટલે કે સંસ્કારોનું મિશ્રણ અને આ ત્રણે ઘટકોને જોડતી શકિત એટલે ચૈતન્ય.
રસાયણ શાસ્ત્રના નિયમોનુસાર પાણીનું સમીકરણ નીચે પ્રમાણે લખાય છે.
2H2+02= 2H20
તે જ પ્રમાણે આધ્યાત્મ શાસ્ત્રના નિયમાનુસાર આપણે જીવનનું સમીકરણ નીચે પમાણે લખી શકીએ.
ચૈતન્ય+જીવન શ દ્દેહ+મન+ચિત્ત+ચૈતન્ય
આ સમિકરણ જોતાં સમજાશે કે એમાં વપરાયેલ ચૈતન્ય તત્ત્વમાં કશો ફેર પડતો નથી.તે તો કેવળ ઉદિ્પકનો જ ભાગ ભજવે છે.અર્થાત તે તો નીર્લેપ રહે છે. એનો અર્થ એ થયો કે જેમ પાણીમાં હાઇડ્રોજન અને ઓકિસજન છુપાયેલા છે તેમજ દેહમાં પંચ મહાભૂત,મનમાં વાસના અને ચિત્તમાં સંસ્કાર, છુપાઇ રહે છે. જયારે પંચમહાભૂત છૂટા પડી દેહમાંથી ચાલ્યા જાય છે ત્યારે દેહની મુકિત થાય છે.અને તેજ રીતે જયારે મનમાંથી વાસનઓ અને ચિત્તમાંથી અહંકાર ચાલ્યાં જાય છે ત્યારે મન અને ચિત્તની મુકિત થાય છે. ત્યારે જ જીવાત્માને સાચી મુકિત મળે છે.

છેદી ન શકે શસ્ત્રો જેને, ન બાળે અગ્નિ જેને કદી
ભીંજવે ન પાણી જેને ,ન સૂકાય વાયુથી જે કદી
અજર અમર એવો આ આત્મા,
કહો શાને બંધાયે વાસનાઓ થકી !

એક નોંધ

જન્મ એટલે વ્યકત સિ્થતી અને મૃત્યુ એટલે અવ્યકત સિ્થતી
જયારે વસ્તુ વ્યકત થાય છે અથા્રત તેને વ્યકિતત્વ સાંપડે છે
ત્યારે તેનો જન્મ થયો એમ કહેવાય છે. અને જયારે તે અવ્યકત
થઇ જાય છે અથા્રત તેનું વ્કિતત્વ રહેતું નથી ત્યારે તેનું મૃત્યુ થયું
એમ કહેવાય છે.

” અવ્યકતાદ્દીનિ ભૂતાનિ વ્યકત મધ્યાનિ ભારત
અવ્યકતનિધનાન્યેવ તત્ર કા પરિદેવના”
આ લખતાં લખતાં મનમાં વિચાર આવ્યો કે
પદાર્થ હંમેશા વ્યક્ત હોય છે અને શક્તિ હંમેશા
આવ્યક્ત રહે છે તો શું આ શ્લોકમાં ” કોન્સસર્વેશન
ઓફ માસ એન્ડ એનર્જી “ના નિયમ પ્રત્યે ઇશારો
કરાયો હશે ? તમે કોઇ આ અંગે પ્રતિભાવ પાડશો
તો આનંદ થશે

ગુરૂ દક્ષિણા March 2, 2007

Posted by vijayshah in : ચિંતન લેખ , 3 comments

પરા પૂર્વથી ચાલી આવેલી અનેક પ્રણાલિકાઓમાંની એક છે ગુરૂ દક્ષિણા. દરેક પ્રણાલિકામાં સમયના વહેણ સાથે ફેરફાર થતો જ રહે છે અને ગુરૂ દક્ષિણાની બાબતમાં પણ આમ જ બન્યું તેમાં નવાઇ નથી. દક્ષિણાનો સાચો અર્થ શું ? તેનું સાચું સ્વરૂપ કેવું ? એ અંગેના વિચારોમાં ધરખમ ફેરફાર થયેલા જણાય છે.ગુજરાત વિદ્યાપીઠના શબ્દકોશ પ્રમાણે દક્ષિણાનો અર્થ છે – ધાર્મિક ક્રિયાને અંતે બાહ્મણને અપાતું દાન અગર ભેટ -પરંતુ ગુરૂ દક્ષિણાની બાબતમાં આ બેમાંથી એક પણ અર્થ મને ઉચિત નથી લાગતો. કારણ કે દાન આપનાર તો ગુરૂ છે શિષ્ય નહી.ગુરૂ શિષ્યને વિદ્યાનું દાન આપે છે, શિષ્યતો લેનાર છે આપનાર નહીં.વળી ભેટ એટલે તો મૂલ્ય લીધા વગર આપેલી વસ્તુ.ગુરૂએ આપેલી અમૂલ્ય વિદ્યાનું ઋણ કોઇ પાર્થિવ વસ્તુથી ચૂકવાય ખરૂં ?
દક્ષિણાનો સાચો અર્થ સમજવા એની વ્યુત્પત્તિ તપાસવી જરૂરી છે. દક્ષ ધાતુ ઉપરથી દિક્ષા અને દક્ષિણા આ બે અગત્યના શબ્દો બન્યા છે. દક્ષ એટલે કાબેલ,પારંગત કે હોંશયિાર.ગુરૂ જયારે શિષ્યને વિદ્યાનું દાન આપી તેને કાબેલ કે હોંશિયાર બનાવવાનું વચન આપે છે ત્યારે ગુરૂએ શિષ્યને દિક્ષા આપી એમ કહેવાય છે. દિક્ષા આપી ગુરૂ શિષ્યને અપનાવે છે. અને વિદ્યા પ્રાપ્તિને અંતે શિષ્ય ગુરૂના આ ઋણથી મુકત થવા,ગુરૂના ચરણોમાં સાચા ભકિત ભાવથી જે કાંઇ મૂકે તેને દક્ષિણા કહેવાય. સાચા ગુરૂ કદિ દક્ષિણા માગતા નથી અને સાચો શિષ્ય દક્ષિણા આપ્યા વગર રહેતો નથી. ગુરૂ દક્ષિણાની સાચી વ્યાખ્યા તો ગીતામાં શ્રીકૃષ્ણએ ખૂબ સુંદર રીતે આપી છે.
पत्रं पुश्पं फलं तोयं यो मे भक्त्या प्रय्च्छति
तद अहं भकत्युपहतम अश्नामि प्रतात्मनः ९-२६
“શુદ્ધ ચિત્તથી અને ભકિત ભાવથી આપેલું બધું હું સ્વિકારૂં છું,પછી ભલેને તે પાંદડું,પુષ્પ,ફળ કે કેવળ પાણી જ કેમ ન હોય” જયારે કોઇ પણ પાર્થિવ પદાર્થ પછી ભલે ને તે પાણીના મૂલ્યનો જ કેમ ન હોય, છતાં જો તેમાં સાચો ભકિતભાવ ભળે ત્યારે તે પણ અમૂલ્ય થઇ જાય છે.ગુરૂએ આપેલી અમૂલ્ય વિદ્યાનું ઋણ ચૂકવવા તો આવી અમૂલ્ય વસ્તુ જ હોવી જોઇએ ને ? સાચા ભકિતભાવથી ઋણ ચૂકવવાની આ રીત એટલે જ ગુરૂ દક્ષિણા. ગુરૂએ આપેલ વિદ્યાનો,જ્ઞાનનો સમાજમાં ફેલાવો કરી ગુરૂનું ધ્યેય પરિપૂર્ણ કરી ગુરૂની કીર્તિ વધારવી એ જ સાચી દક્ષિણા. રાજા અશોકે ભગવાન બુધ્ધ પાસે મેળવેલા જ્ઞાનનું ઋણ ચૂકવવા એમના આપેલા એ જ્ઞાનનો પ્રચાર કરી એમની કીર્તિ જે રીતે વધારી તે છે સાચી દક્ષિણા. શ્રી રામકૃષ્ણ પરમહંસનું નામ ઉજાળવા સ્વામી વિવેકાનંદે જે સમપ્રણ કર્યું તે છે સાચી દક્ષિણા.અહીં એક અતિ અગત્યની વાત વિચારવા યોગ્ય લાગે છે. ગુરૂનું ધ્યેય આગળ ધપાવવા અને તેમની કીર્તિ વધારવા મીશન, મઠ કે આશ્રમ ઉભા કરવાની જરૂર ખરી ?
આ પશ્નનો પત્યુત્તર છે -હા અને ના.
હા, એ દૃષ્ટિથી કે શિષ્ય પરંપરા ચાલુ રાખવા આવી સંસ્થાઓ ઉપયોગી થઇ પડે છે.આવા આશ્રમોમાંથી જ આવા મીશનોમાંથી જ પટૃ શિષ્યોની પરંપરા બહાર પડતી રહે છે,અને ગુરૂનું ધ્યેય આગળ ધપાવે રાખે છે. દરેક ગુરૂના મનમાં કોઇ ને કોઇ ધ્યેય હાંસલ કરવાનો મનસુબો હોય છે અને તેને પરિપૂર્ણ કરવા ગુરૂ પોતે કોઇ ચોકકસ શ્રમ ઉઠાવે છે. અને ગુરૂએ ચાલુ કરેલા આ-શ્રમને જારી રાખવા શિષ્યોને જે શ્રમ કરવો પડે તે જ સાચો આશ્રમ. જો શિષ્ય આમ કરવાનું ચૂકે તો આ શરમની વાત થઇ આશ્રમની નહીં.
અને ના એ દૃષ્ટિએ કે આવા આશ્રમો અને મીશનોની સ્થાપના કરવા અને તેની ઇમારતો ઉભી કરવામાં શિષ્યો એટલા વ્યસ્ત થઇ જાય છે કે ગુરૂનું અસલ ધ્યેય – મીશન – વિસારે પડી જાય છે.મીશન કહો આશ્રમ કહો મઠ કહો, જે કહો તે, પણ જો આવી વિવિધ સંસ્થાઓમાંથી ઉત્કૃષ્ટ શિષ્યોની પરંપરા જળવાઇ ના રહે, તો એ સંસ્થાનો અર્થ જ શું ? યેલ, હારવર્ડ અને એમ.આઇ.ટીની આબરૂ તેમાંથી બહાર આવતા વિધાર્થિઓ વધારે છે તેમની ઇમારતો નહી. જે સંસ્થાઓ ઉત્કૃષ્ટ શિષ્યોની પ્રણાલિ ચાલુ નથી રાખી શકતી તેની ઇમારતોનું ભાવિ મ્યુઝીયમ, હોટેલ કે સામાજીક હોલમાં પરિણમે તો તેમાં આશ્ચર્ય થાય ખરૂં ?
હ્વે અસલના જમાનાની અને આજની શિક્ષણ પધ્ધતિમાં, આજના ગુરૂઓમાં અને આજના શિષ્યોમાં કેવો ફેરફાર થયો છે તે જરા જોઇએ. ઉપનિષદ કાળમાં ગુરૂ અને શિષ્ય વચ્ચે ચિત્ત અને ચેતન વિશે વર્તાલાપ થતો, આજે તેમની વચ્ચે વિત્ત અને વેતનનો થાય છે. તે કાળમાં શિષ્ય ગુરૂને ઘેર રહી ભણતો આજે ગુરૂ શિષ્યને ઘેર ભણાવવા જાય છે. કદાચ એવા દિવસો પણ આવશે કે ગુરૂ શિષ્યને ત્યાંજ ધામા નાખશે. આજના ભારતના,અંગ્રેજી માધ્યમની રઢે ચઢેલા સમાજના શિક્ષકો, શિક્ષણ આપતા પહેલાં જ શિષ્ય પાસે વેતનની -કહેવાતી દક્ષિણાની લેખીત બાંહેદારી – પ્લેજ – લખાવીલે છે.અને બદલામાં શિષ્યો પણ પાસ થવાની બાંહેદારી – ગેરંટી -માંગતા હોય છે.મને તો લાગે છે કે આગળ ઉપર દર્શાવેલી ગીતાની વ્યાખ્યાનો અર્થ આજે બિલકુલ બદલાઇ ગયો છે.આજ કાલના લોકો એને આ પ્રમાણે વાંચતા હોય એવું લાગે છે.
रथं,वित्तं,धनं,भोग्यं,यो मे दुःखेनापि प्रयच्छति
प्रसन्न चित्तो अहं भूत्वा अश्नामि तद सर्वदा
આ શ્લોકમાં વ્યાકરણની ભૂલો શોધવાનો પ્રયત્ન નહીં કરવા વિનંતી છે.
અર્થ છે,
રથ એટલે કાર,ધન, વિત્ત કે ઉપભોગ કરવા લાયક કોઇ પણ વસ્તુ મને કોઇ પણ શિષ્ય દુઃખ ભોગવીને પણ આપે તે બધું જ હું પ્રસન્ન ચિત્તે સ્વિકારી લઉ છું.
જોયો કળીયુગનો પ્રભાવ ?

અસ્તિત્વં February 18, 2007

Posted by vijayshah in : ચિંતન લેખ , 1 comment so far


અસ્તિત્વં અથવા “ત્વં અસ્તિ – તું છે” આ તું એટલે કોણ ? તું એટલે પેલી શકિત કે જેનાથી આ સૃષ્ટિનું સર્જન થયું.એને આપણે ઇશ્વર કહીએ કે ભગવાન, કૃષ્ણ કહીએ કે રામ કે પછી અલ્લાહ કહી કે ઇસુ એમાં કોઇ ફરક નથી પડતો. આ શક્તિનું જ બીજું નામ છે અસ્તિત્વ. ભગવાનનું કોઇ અલાયદું અસ્તિત્વ નથી પરંતુ અસ્તિત્વ એ જ ભગવાન છે. એ જ રામ છે એ જ રહીમ એ જ તમે છો એ જ હું છું. આ સારી સૃષ્ટિમાં જેનું પણ અસ્તિત્વ છે તે બધું જ ભગવાનનું રૂપ છે. છતાં એક વાત સમજવા જેવી છે.અને તે એ કે અસ્તિત્વ સદા વ્યકત નથી હોતું. પુરૂષ અને પકૃતિ સદાએ અવ્યકત હોય છે.અને પકૃતિ જયારે ત્રણ ગુણોની પકડમાં ફસાય છે ત્યારે તે સૃષ્ટિ રૂપે વ્યકત થાય છે.એનો અર્થ એ થયો કે જે અવ્યકત છે તેનું અસ્તિત્વતો છે જ પણ તે ઇન્દ્રિયાતીત હોવાથી આપણને દેખાતું નથી.હવા અને અવકાશ દેખાતા નથી તો શું એનું અસ્તિત્વ જ નથી એમ કહેવાય ? ભલે આપણને કોઇ ચીજ દેખાતી ન હોય પણ જો મનમાં એનો ભાવ થાય તો તેનું અસ્તિત્વ તો છે જ એમ માનવું રહયું. તેથી જ ગીતામાં કહયું છે ને કે (more…)

સખાવત January 31, 2007

Posted by vijayshah in : ચિંતન લેખ , 1 comment so far

સખાવતનો પચલિત અર્થ છે દાન પણ મારી દ્રષિ્ટએ એનો બીજો પણ એક અર્થ થઇ શકે એમ હું માનું છું. સખા એટલે મિત્ર અને તેને વત્ પ્રત્યય લગાડતાં બને ‘સખાવત’ આ વત્ પ્રત્યય માલિકી ભાવ અથવા કોઇ ગુણથી યુકત હોવાનો ભાવ દર્શાવે છે. જેમ કે ગુણવત એટલે ગુણથી યુકત જેના ઉપરથી ગુણવાન અને ગુણવત્તા એ બે શબ્દો પચલીત થયાં છે. આ રીતે જોતાં સખાવત એટલે મિત્ર ભાવથી યુકત એવો અર્થ થાય.

સખાવતનો આવો અર્થ બતાવતું ઉદાહરણ આપણને શ્રી કૃષ્ણ અને સુદામાની મિત્રતામાંથી તરી આવતો દેખાય છે. ગરીબ એવા સુદામાને અતિ પેમથી ભેટી શ્રી કૃષ્ણએ એના ચરણ ધોયાં અને એણે સંતાડેલા એના તાંદુલ એના હાથમાંથી ખેંચી લઇને ખાધા અને છતાં એના બદલામાં સહુની હાજરીમાં એને કશું પણ ન આપ્યું એનું કારણ એ કે સાચો મિત્ર બધાની હાજરીમાં પોતાના મિત્રને અહેસાનીમાં કદી ન મુકે. એ તો છાનો છૂપો જ મદદ કરે. વળી સુદામા પણ તાંદુલ છૂપાવતા હતા તેનું કારણ પોતાની ગરીબાઇની શરમ નહીં પણ કૃષ્ણ પત્યેનો સાચો મિત્રભાવ છે. એ જાણતા હતા કે  મિત્રતાનો દાવો ચીજ વસ્તુની આપ-લેથી પૂરવાર નથી થતો. આપ-લે તો નવા મૈત્રી સંબંધો કરવા માટે છે. સાચા મિત્રો જાહેરમાં એક બીજા સાથે ઠઠ્ઠા મશ્કરી કરી લે અને સહી પણ લે પણ બીજાને માથે અહેસાન તો કદી પણ ન ચઢાવે.

ગીતાના ૧૧માં અધ્યાયના શ્લોક ૪૧ અને ૪૨મા અર્જુને પોતાને શ્રી કૃષ્ણનો સખા માનવની  ભૂલ સમજાતા શ્રી કૃષ્ણ પાસે એ ભૂલની માફી માગી છે. અર્જુન અને સુદામા બેઉ  કૃષ્ણભકત તો હતાં જ  પરંતુ અર્જુનનો ભકિતભાવ એ દાસ્યભાવ હતો અને સુદામાનો ભકિતભાવ સખ્યભાવ હતો.

કેવળ તખ્તી ઉપર નામ છપાવવાની ઇચ્છાથી દાન કરવું તે સખાવત નથી. સખાવત માટે તો સાચો મૈત્રીભાવ કેળવવો ખૂબ જરૂરી છે.         સખાવત કરવા માટે જોઇએ મોટું ધન પરંતુ સખા વત રહેવા માટે જોઇએ મોટું મન.

અસ્તુ.

    ૧૭-૧૧-૦૫

ભગવાન

Posted by vijayshah in : ચિંતન લેખ , 1 comment so far

સંસ્કૃત ભાષામાઁ એક ઘણુઁ સુંદર અને જાણીતું વાકય છે, ” ચરાતિ ચરતો ભગઈ  ” જેનો શબ્દર્થ છે,” ચાલતાનું  નસીબ ચાલતું ” અને ભાવાર્થ છે “પુરૂષાથ્ર કરે તે પામે ” ચર એટલે ચાલવું અને ભગ એટલે નસીબ,  ભાગ્ય કે પારબ્ધ જે કહો તે.આ વાકય વાંચીને મને બીજા કેટલાક શબ્દો યાદ આવ્યાં. જેવા કે ધનવાન,ગુણવાન,રૂપવાન.આમ શાથી થયું ? કારણ ભગ ઉપરથી પણ એક ખૂબ જાણીતો શબ્દ બને છે.અને તે છે ભગવાન. આપણે સહુ જાણીએ છીએ કે ધનવાન એટલે ધન વાળો, ગુણવાન એટલે ગુણ વાળો અને રૂપવાન એટલે રૂપ વાળો તો પછી ભગવાન એટલે ભાગ્ય વાળો કે નસીબ વાળો એમ કહેવાય કે નહીં ?અને આ દુનિયામાં ભાગ્ય વગરનો કોઈ હોય ખરો ? કયાંતો સદભાગી હોય કે કયાંતો દુર્ભાગી હોય પણ દરેક વ્યકિત સાથે એનું ભાગ્ય સદા જોડાયેલું જ હોય છે.

  એનો અર્થ એ થયો કે આપણે બધા ભગવાન જ કહેવાઇએ. સાચું પુછો તો કેવળ મનુષ્ય જ  નહીં પરંતુ પાણી માત્ર અને વનસ્પતિ તથા જડ વસ્તુઓ સુધ્ધાં પોત પોતાનું નસીબ લઇને જ આવે છે.જુઓને અમેરીકામાં કૂતરાંને છોકરાં કરતાં પણ વધારે લાડ મળે છે અને આપણે ત્યાં એ બિચારા હડધૂત થાય છે. આ એમના નસીબની જ વાત છે ને ? ઝાડપાન વિશે પણ એવું જ  છે, કોઇ છોડને બગીચામાં સરસ માવજત મળે તો કોઇ છોડને ઊંટ બકરાં પીંખી ખાય છે.અને જડ વસ્તુ માટે તો આપણે સહુ જાણીએ જ છીએ કે હીરો રાજાને માથે ચઢી બેસે છે અને ધૂળ બધાના પગ તળે રગદોળાય છે અને લોખંડ કરતા સોનું બધાને વધુ પિય છે. ભજનની પેલી પંકિત યાદ કરો “એક લોહા પૂજામે રાખત,એક ઘર બધિક પરો,પભુ મોરે અવગુન ચિત્ત ન ધરો” આ દ્રષ્ટિએ જોઇએ તો હું, તમે અને આ આખું જગત ભગવાન જ છે. તો પછી પાગલની જેમ અદ્રષ્ટ ભગવાનની શોધમાં સમય વિતાવવાની જરૂર ખરી ? છતાં મનમાં એક પશ્ન જરૂર ઉભો થાય છે કે આપણે જેને ભગવાન માનીએ છીએ તેતો સર્વવ્યાપી સર્વશકિતમાન અને સર્વજ્ઞ કહેવાય છે.તો આમાનો એકે ગુણ આપણામાં છે ખરો ?

હા છે. જરૂર છે. જો આપણે જગતમાં રહેલા બધા જ પાણી,બધી જ વનસ્પતિ તથા બધી  જ  જડ વસ્તુઓનો સામુહિક દ્રષ્ટિએ વિચાર કરીએ તો આ બધા જ ગુણો આપણામાં પણ છે. અહીં મારો કહેવાનો ભાવાર્થ એ છે કે જો આપણે આખા જગતને એક અવિભાજય એકમ તરીકે જોઇએ તો આપણે બધા જ તેના અંગ છીએ એમ કહેવાય.જે વાતનું જ્ઞાન મને નથી તેનું જ્ઞાન તમને કે કોઇ બીજી વ્યકિતને હશે.અને સહકારથી એ જ્ઞાન મને પણ કામમાં લાગશે. દા.ત. ટેલીવીઝન કે વિમાન કે ટેલીફોનનું જ્ઞાન મને ભલે ન હોય પણ મને તેનો ઉપયોગ કરવાની શકિત સાંપડે જ છે. વળી એ વાત પણ સાચી છે કે આજ સુધીમાં આ જગતમાં ભૂગોળ,ખગોળ,ભૌતિક શાસ્ત્ર,તત્વજ્ઞાન વિગેરે વિગેરે વિવિધ વિષયોથી જેટલું પણ જ્ઞાન અને શકિત પગટ થયંા છે તે માનવ જાતની સામુહિક શકિતથી જ થયાં છે. અને તેમાં બીજા પાણી અને વનસ્પતિનો ફાળો જરાએ ઓછો નથી.અરે પાણી અને વનસ્પતિ તો શું   પણ જડ ગણાતી વિવિધ ધાતુઓનો ફાળો પણ એટલો જ અગત્યનો છે. જુઓને મારા આ વિચારો    તમારી સમક્ષ રજુ કરવામાં જડ ગણાતા કોપ્યુટર અને પ્રીન્ટરનો ફાળો શું ઓછો છે ? એટલે જો આપણે સામુહિક દ્રષિ્ટથી વિચારીએ તો આપણે આ આખા દ્રષ્ટ જગત સાથે સર્વવ્યાપી, સર્વ શકિતમાન અને સર્વજ્ઞ ગણાઇએ.ભગવાન ગણાઇએ.મને તો લાગે છે કે                                                                    

                               “ઇશાવાસ્યં ઇદં સવ્રં યત્ કિંચ જગત્યાં જગત”

એ ઉકિતમાં આ જ સત્યનું વિધાન છુપાયેલું છે.

  હવે અહીં એક મુદ્દાની વાત સમજી લઇએ તો આપણે ભગવાન છીએ કે નહીં તે વાતનો  ખુલાસો થઇ જાય. આપણા જીવનમાં બનતા બધા જ બનાવો વિશેની જવાબદારી આપણે પેલા અદ્રષ્ય ભગવાન ઉપર ઢોળી દઇએ છીએ અને કહેતા ફરીએ છીએ કે “ભગવાને જેવું ભાગ્ય આપ્યું તે ભોગવે જ છૂટકો એમાં આપણુ શું ચાલે.” આ વાત લાગે છે તો સાવ સાચી કે ભાગ્યમાં  ભગવાને જે લખ્યું હોય તે ભોગવવું જ પડે પરંતુ આ ભાગ્યનો લેખક પેલો અદ્રષ્ય ભગવાન નહીં પણ આપણે જ છીએ.આપણા પૂર્વે કરેલા કર્મોથી જ આપણું ભાગ્ય ઘડાય છે.એ ઉપરથી સાબીત થાય છે ને કે આપણે જ ભગવાન છીએ ? ભાગ્ય એટલે કીધેલા કર્મોનું ફળ.અર્થાંત આપણે જ આપણા ભાગ્યના ઘડવૈયા છીએ તો પછી એની જવાબદારી આપણી જ કહેવાયને ?

જે માનવી સર્વવ્યાપી,સર્વજ્ઞ અને સર્વ શકિતમાન થવા ઇચ્છતો હોય તેણે બીજા બધાની સાથે એક જ શરીરના વિવિધ અંગોની જેમ સહકારથી રહેતા શીખવું જોઇએ. જો ડાબો પગ ઉત્તરમાં અને જમણો દક્ષિણમાં દોડે તો શું થાય? આપણી આજની સ્થિતી કઇક અંશે આવી જ છે. કોઇ પણ વ્યકિતનો સર્વતોમુખી વિકાસતો ત્યારે જ થાય કે જયારે તે બીજાઓ સાથે સહકારથી રહે.અને આવું તો તો જ બને કે જયારે તે વ્યકિત પોતાના મન અને બુધ્ધિને એક બીજાના સહકારથી ચાલતા શીખવે એટલે કે ત સ્થિતપ્રજ્ઞ થાય.આવા મનુષ્ય માટે ભગવાન કદી અદ્રષ્ય ન રહી શકે.

                                                                                                              ૨૬-૮-૦૪

Type in

Following is a quick typing help. View Detailed Help

Typing help

Following preferences are available to help you type. Refer to "Typing Help" for more information.

Settings reset
All settings are saved automatically.