jump to navigation

ગુરૂ દક્ષિણા March 2, 2007

Posted by vijayshah in : ચિંતન લેખ , trackback

પરા પૂર્વથી ચાલી આવેલી અનેક પ્રણાલિકાઓમાંની એક છે ગુરૂ દક્ષિણા. દરેક પ્રણાલિકામાં સમયના વહેણ સાથે ફેરફાર થતો જ રહે છે અને ગુરૂ દક્ષિણાની બાબતમાં પણ આમ જ બન્યું તેમાં નવાઇ નથી. દક્ષિણાનો સાચો અર્થ શું ? તેનું સાચું સ્વરૂપ કેવું ? એ અંગેના વિચારોમાં ધરખમ ફેરફાર થયેલા જણાય છે.ગુજરાત વિદ્યાપીઠના શબ્દકોશ પ્રમાણે દક્ષિણાનો અર્થ છે – ધાર્મિક ક્રિયાને અંતે બાહ્મણને અપાતું દાન અગર ભેટ -પરંતુ ગુરૂ દક્ષિણાની બાબતમાં આ બેમાંથી એક પણ અર્થ મને ઉચિત નથી લાગતો. કારણ કે દાન આપનાર તો ગુરૂ છે શિષ્ય નહી.ગુરૂ શિષ્યને વિદ્યાનું દાન આપે છે, શિષ્યતો લેનાર છે આપનાર નહીં.વળી ભેટ એટલે તો મૂલ્ય લીધા વગર આપેલી વસ્તુ.ગુરૂએ આપેલી અમૂલ્ય વિદ્યાનું ઋણ કોઇ પાર્થિવ વસ્તુથી ચૂકવાય ખરૂં ?
દક્ષિણાનો સાચો અર્થ સમજવા એની વ્યુત્પત્તિ તપાસવી જરૂરી છે. દક્ષ ધાતુ ઉપરથી દિક્ષા અને દક્ષિણા આ બે અગત્યના શબ્દો બન્યા છે. દક્ષ એટલે કાબેલ,પારંગત કે હોંશયિાર.ગુરૂ જયારે શિષ્યને વિદ્યાનું દાન આપી તેને કાબેલ કે હોંશિયાર બનાવવાનું વચન આપે છે ત્યારે ગુરૂએ શિષ્યને દિક્ષા આપી એમ કહેવાય છે. દિક્ષા આપી ગુરૂ શિષ્યને અપનાવે છે. અને વિદ્યા પ્રાપ્તિને અંતે શિષ્ય ગુરૂના આ ઋણથી મુકત થવા,ગુરૂના ચરણોમાં સાચા ભકિત ભાવથી જે કાંઇ મૂકે તેને દક્ષિણા કહેવાય. સાચા ગુરૂ કદિ દક્ષિણા માગતા નથી અને સાચો શિષ્ય દક્ષિણા આપ્યા વગર રહેતો નથી. ગુરૂ દક્ષિણાની સાચી વ્યાખ્યા તો ગીતામાં શ્રીકૃષ્ણએ ખૂબ સુંદર રીતે આપી છે.
पत्रं पुश्पं फलं तोयं यो मे भक्त्या प्रय्च्छति
तद अहं भकत्युपहतम अश्नामि प्रतात्मनः ९-२६
“શુદ્ધ ચિત્તથી અને ભકિત ભાવથી આપેલું બધું હું સ્વિકારૂં છું,પછી ભલેને તે પાંદડું,પુષ્પ,ફળ કે કેવળ પાણી જ કેમ ન હોય” જયારે કોઇ પણ પાર્થિવ પદાર્થ પછી ભલે ને તે પાણીના મૂલ્યનો જ કેમ ન હોય, છતાં જો તેમાં સાચો ભકિતભાવ ભળે ત્યારે તે પણ અમૂલ્ય થઇ જાય છે.ગુરૂએ આપેલી અમૂલ્ય વિદ્યાનું ઋણ ચૂકવવા તો આવી અમૂલ્ય વસ્તુ જ હોવી જોઇએ ને ? સાચા ભકિતભાવથી ઋણ ચૂકવવાની આ રીત એટલે જ ગુરૂ દક્ષિણા. ગુરૂએ આપેલ વિદ્યાનો,જ્ઞાનનો સમાજમાં ફેલાવો કરી ગુરૂનું ધ્યેય પરિપૂર્ણ કરી ગુરૂની કીર્તિ વધારવી એ જ સાચી દક્ષિણા. રાજા અશોકે ભગવાન બુધ્ધ પાસે મેળવેલા જ્ઞાનનું ઋણ ચૂકવવા એમના આપેલા એ જ્ઞાનનો પ્રચાર કરી એમની કીર્તિ જે રીતે વધારી તે છે સાચી દક્ષિણા. શ્રી રામકૃષ્ણ પરમહંસનું નામ ઉજાળવા સ્વામી વિવેકાનંદે જે સમપ્રણ કર્યું તે છે સાચી દક્ષિણા.અહીં એક અતિ અગત્યની વાત વિચારવા યોગ્ય લાગે છે. ગુરૂનું ધ્યેય આગળ ધપાવવા અને તેમની કીર્તિ વધારવા મીશન, મઠ કે આશ્રમ ઉભા કરવાની જરૂર ખરી ?
આ પશ્નનો પત્યુત્તર છે -હા અને ના.
હા, એ દૃષ્ટિથી કે શિષ્ય પરંપરા ચાલુ રાખવા આવી સંસ્થાઓ ઉપયોગી થઇ પડે છે.આવા આશ્રમોમાંથી જ આવા મીશનોમાંથી જ પટૃ શિષ્યોની પરંપરા બહાર પડતી રહે છે,અને ગુરૂનું ધ્યેય આગળ ધપાવે રાખે છે. દરેક ગુરૂના મનમાં કોઇ ને કોઇ ધ્યેય હાંસલ કરવાનો મનસુબો હોય છે અને તેને પરિપૂર્ણ કરવા ગુરૂ પોતે કોઇ ચોકકસ શ્રમ ઉઠાવે છે. અને ગુરૂએ ચાલુ કરેલા આ-શ્રમને જારી રાખવા શિષ્યોને જે શ્રમ કરવો પડે તે જ સાચો આશ્રમ. જો શિષ્ય આમ કરવાનું ચૂકે તો આ શરમની વાત થઇ આશ્રમની નહીં.
અને ના એ દૃષ્ટિએ કે આવા આશ્રમો અને મીશનોની સ્થાપના કરવા અને તેની ઇમારતો ઉભી કરવામાં શિષ્યો એટલા વ્યસ્ત થઇ જાય છે કે ગુરૂનું અસલ ધ્યેય – મીશન – વિસારે પડી જાય છે.મીશન કહો આશ્રમ કહો મઠ કહો, જે કહો તે, પણ જો આવી વિવિધ સંસ્થાઓમાંથી ઉત્કૃષ્ટ શિષ્યોની પરંપરા જળવાઇ ના રહે, તો એ સંસ્થાનો અર્થ જ શું ? યેલ, હારવર્ડ અને એમ.આઇ.ટીની આબરૂ તેમાંથી બહાર આવતા વિધાર્થિઓ વધારે છે તેમની ઇમારતો નહી. જે સંસ્થાઓ ઉત્કૃષ્ટ શિષ્યોની પ્રણાલિ ચાલુ નથી રાખી શકતી તેની ઇમારતોનું ભાવિ મ્યુઝીયમ, હોટેલ કે સામાજીક હોલમાં પરિણમે તો તેમાં આશ્ચર્ય થાય ખરૂં ?
હ્વે અસલના જમાનાની અને આજની શિક્ષણ પધ્ધતિમાં, આજના ગુરૂઓમાં અને આજના શિષ્યોમાં કેવો ફેરફાર થયો છે તે જરા જોઇએ. ઉપનિષદ કાળમાં ગુરૂ અને શિષ્ય વચ્ચે ચિત્ત અને ચેતન વિશે વર્તાલાપ થતો, આજે તેમની વચ્ચે વિત્ત અને વેતનનો થાય છે. તે કાળમાં શિષ્ય ગુરૂને ઘેર રહી ભણતો આજે ગુરૂ શિષ્યને ઘેર ભણાવવા જાય છે. કદાચ એવા દિવસો પણ આવશે કે ગુરૂ શિષ્યને ત્યાંજ ધામા નાખશે. આજના ભારતના,અંગ્રેજી માધ્યમની રઢે ચઢેલા સમાજના શિક્ષકો, શિક્ષણ આપતા પહેલાં જ શિષ્ય પાસે વેતનની -કહેવાતી દક્ષિણાની લેખીત બાંહેદારી – પ્લેજ – લખાવીલે છે.અને બદલામાં શિષ્યો પણ પાસ થવાની બાંહેદારી – ગેરંટી -માંગતા હોય છે.મને તો લાગે છે કે આગળ ઉપર દર્શાવેલી ગીતાની વ્યાખ્યાનો અર્થ આજે બિલકુલ બદલાઇ ગયો છે.આજ કાલના લોકો એને આ પ્રમાણે વાંચતા હોય એવું લાગે છે.
रथं,वित्तं,धनं,भोग्यं,यो मे दुःखेनापि प्रयच्छति
प्रसन्न चित्तो अहं भूत्वा अश्नामि तद सर्वदा
આ શ્લોકમાં વ્યાકરણની ભૂલો શોધવાનો પ્રયત્ન નહીં કરવા વિનંતી છે.
અર્થ છે,
રથ એટલે કાર,ધન, વિત્ત કે ઉપભોગ કરવા લાયક કોઇ પણ વસ્તુ મને કોઇ પણ શિષ્ય દુઃખ ભોગવીને પણ આપે તે બધું જ હું પ્રસન્ન ચિત્તે સ્વિકારી લઉ છું.
જોયો કળીયુગનો પ્રભાવ ?

Comments»

1. - March 16, 2007

guru dakshina visheno pratibhav vanchine ghano prabhavit thayo

2. Wahoo - October 6, 2007

Thank you for sharing!

3. PUSHPA - August 27, 2010

જેવા ગુરુ એવા શિશ્ય, જો તમારામા લગન હોય તો શોધ લગાવો કલ યુગ પન સત્ય યુગ બનશે પન ધ્ગશનુ મહ્ત્વ્ન ચે, દોશ બિજાનો નથિ, ખુદ કરો ખરી મહેનત.


Type in

Following is a quick typing help. View Detailed Help

Typing help

Following preferences are available to help you type. Refer to "Typing Help" for more information.

Settings reset
All settings are saved automatically.