July 7, 2007
Posted by vijayshah in : વિચાર , trackback” ટીકા નહીં પણ ટેકા કરીએ ”
ગુજરાતી ભાષાના શબ્દોની જોડણી અંગે જે જોડણીનું મહા યુદ્ધ ચાલી રહયું છે તેમાં અને મહાભારતના યુદ્ધમાં મને એક મોટો ફરક દેખાય છે. આ જોડણી યુદ્ધમાં કૌરવો (બહુમતી) સાચા પક્ષમાં છે અને પાંડવો (લઘુમતી) લોકોને અવળે રસ્તે દોરી જવાનો પ્રયાસ કરી રહયાં છે.પરંતુ આ યુદ્ધમાં વિજયતો કૌરવોનો જ થશે. કારણ હંમેશાં ‘સત્યમેવ જયતે.’ હા,એમને એમના વિચારો વ્યકત કરવાનો હક તો છે જ છતાં હું એમની દૃષ્ટિ વીર નર્મદે કરેલા એક વિધાન તરફ દોરું છું
ભાષાને શું વળગે ભૂર
રણમાં જે જીતે તે શૂર
દરેક ભાષાના બે પ્રકાર હોય છે મૌખિક અને લેખિત અને નર્મદે બે જ વાકયમાં આ બેઉની અગત્ય કેવી અને કેટલી છે તે સમજાવ્યું છે એમ હું માનું છું. ભૂરનો અર્થ છે ભારણ કે વજન.મૌખિક ભાષાનું વજન કેટલું ? સાંભળનાર કરે એટલું. ભરુચી લોકો ‘ળ’ ને બદલે ‘લ’નો ઉપયોગ કરતા હોય છે એ તો આપણે સહુ જાણીએ જ છીએ, અને તેને કારણે વાકયોના અર્થ બદલાઇ જાય છે તે પણ આપણે જાણીએ છીએ.
જયોતિન્દ્ર દવેએ આનું એક સરસ ઉદાહરણ આપેલું. એ ભરુચીએ બીજાને ગુસ્સામાં આવી કહયું “તું માલ ઉપર બેઠો બેઠો ગાલ ઉપર ગાલ દે છે તે નીચે ઉતરની તો તને ખબર પાડી દઉ.”
માળ ને બદલે માલ અને ગાળને બદલે ગાલ બોલાય તો અર્થ બદલાઇ જ જાયને ? આજ પ્રમાણે કેટલાક લોકો ‘ળ’ ને બદલે ‘ર’નો ઉપયોગ કરે છે ત્યારે કેવો ગોટાળો થાય છે. કોઇને આપણે “તમે મળો તો સારું એ કહેવાને બદલે તમે મરો તો સારું ” કહીએ તો મરવાનો વારો તો આપણો જ આવેને ? નર્મદને ખબર હતી કે લોકોની બોલી સુધારવાનું કામ અશકય છે એટલે એમણે બીજા વાકયમાં કહયું “રણમાં જે જીતે તે શૂર” તો આ રણને અને ભાષાને શું લેવા દેવા છે ? મને લાગે છે આ રણ તે કચ્છનું કે યદ્ધનુંં રણ નહીં પણ વાકયનું રણ અર્થાત વ્યાકરણ.લેખિત ભાષામાં જે વ્યાકરણનો સાચો ઉપયોગ કરે તે જ પોતાના વિચારો સચોટ રીતે વ્યકત કરી શકે અને જીતી શકે તેને જ શૂર કહેવાયને ? અને જોડણી એ તો વ્યાકરણનું હૃદય છે. અને એટલે જ નર્મદે એકલે હાથે સહુ પ્રથમ કકકાવારી ગુજરાતી શબ્દકોશની રચના કરી.
હવે આપણે બધાં ઓછે વધતે અંશે જોડણીની ભૂલો કરતાં જ હોઇએ છીએ. તો આ ભૂલો સુધારવા કેવા ટેકા કરવા તેનો વિચાર કરીએ. મને લાગે છે કે આ ભૂલોનું મૂળ કારણ આપણને નાનપણમાં આપવામાં આવેલી શિક્ષણ પદ્ધતિ છે. ર્હસ્વ અને દીર્ઘના ચિન્હો અને તેના ઉચ્ચારણનો ખ્યાલ આપવામાં આવે છે પરંતુ આ ચિન્હોની અદલ બદલથી શબ્દોના અર્થમાં કેવો ફેર પડે છે તે અંગેની પુરતી સમજણ આપવામાં નથી આવતી. અને ઉચ્ચારણમાં તો કશો જ ફરક વર્તાતો નથી. એટલે જેમ બોલીએ તેમ લખીએ છીએ.
આનો ઉપાય શું ?
જે શબ્દો ઉચ્ચારમાં સરખા હોય પણ ર્હસ્વ દીર્ઘના ચિન્હોમાં ફેર હોય તેવા શબ્દો તેમના અર્થ સાથે નીચે પ્રમાણે કોઠાના રુપમાં છાપવા. અને નાનપણથી જ બળકોને શિખવવા જેથી તેમનો શબ્દ ભંડોળ અને જોડણીનું જ્ઞાન વધે.અને શકય હોય તો આવા શબ્દોનો ઉપયોગ પણ કરી બતાવવો.
જેમકે
કિલ=ખરેખર અને કીલ=મળી ” ગાડાના પૈંડા ઉપર લાગતો મેલ
કુચ=સ્ત્રીની છાતી, સ્તન અને કૂચ=લશ્કરી ચાલ
પાણિ=હાથ અને પાણી=જળ
પૂજન વેળા પૂજારીએ પાણિમાં પાણી લઇ આચમન કયુ્રં
પુર=શહેર અને પૂર=નદીમાં આવતી બાઢ
નદીના પૂરમાં આખું પુર તારાજ થઇ ગયું
દિન=દિવસ અને દીન=ગરીબ
તે દીન માણસ આખો દિન ભૂખો રહયો
આ જ પ્રમાણે બીજા ઘણા શબ્દો હશે. પાંચમાથી બારમા ધોરણના બાળકોને દર વર્ષે આવા થોડા
થોડા શબ્દોથી વાકેફ કરીએ તો તેમની ભાષા શુદ્ધિમાં થોડી પ્રગતિ થાય.
ચાલો આપણે ભેગા મળી આ કાર્ય શરું કરીએ અને કોપ્યુટરની મદદથી દરેક ગુજરાતીના ઘરમાં પહોંચાડીએ.
આ લખાણમાં થયેલી જોડણીની ભૂલો મને બતાવશો તો આનંદ થશે.
Comments»
આપે જોડણી અંગે “મહાયુધ્ધ” જેવો શબ્દપ્રયોગ કર્યો એ કદાચ વધુ પડતું છે,
હા યુધ્ધ ખરું પણ ફક્ત વિચારોમાં ઊંજાજોડણીના સમર્થકો ગુજરાતી ભાષી ગુજરાતમાં કંઈ ઉકાળીના શક્યા એટલે નેટ પર જોરશોરથી પ્રચાર કરી રહ્યા છે પણ હવે તો તેને ઊંજા જોડણી પણ કહેતા શરમ આવે છે એટલે કદાચ “નવી જોડણી” શબ્દનો પ્રયોગ કરે છે,
મુખ્ય વાત પોતે ભાષા સાથે કંઇક અલગ પ્રયોગ કરી રહ્યા છે એ કહેતા પણ એમને શરમ આવે છે કે પછી સ્પષ્ટ રીતે ગુજરાતી ભાષીઓને ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ કરી રહ્યા છે.
કદાચ અત્યારની જાહેરાત કરવાની પધ્ધતિનો સારો અભ્યાસ કરી ચૂક્યા લાગે છે, ભળતા નામે ખોટી વસ્તુ પધરાવવી.
આપે સાચુ કહ્યુ કે ભૂલોનું મૂળ કારણ આપણને નાનપણમાં આપવામાં આવેલી શિક્ષણ પદ્ધતિ છે.
વેકેશન પછી અભ્યાસ શરૂ થઈ ગયો તેને એક મહિનો થઈ જવા છતા પણ જો પાઠ્ય પુસ્તકો શાળામાં ઉપલબ્ધ ના થાય તો આગળની ગુજરાતીની હાલત શું થશે તેની કલ્પના કરી શકાય તેમ છે.
કદાચ આપણી પછાત માનસિકતાએ પણ એટલો જ ભાગ ભજવ્યો છે,
દાસપણું આપણા માનસમાંથી હજું ખસવાનું નામ જ લેતું નથી આગળના સમયમાં કદાચ ગુજરાતીને સહુંથી વધુ નુકસાન ઊંજાજોડણીથી નહિં પણ આપણા દાસપણાને સ્વભાવને કારણે Englishથી જ થસે.
તમારી જેમ જ હું પણ કહીશ કે મારા લખાણની જોડણીની ભૂલો મને બતાવશો તો આનંદ થશે.
દાસપણું અથવા ગુલામ મનોદશા અથવા બહારનું જેટલુ આવે તેટલુ સારુ જેવુ આંધળુ અનુકરણ આપણે ઇંટરનેટ અને તકનીકી ક્ષેત્રોમાં છોડ્યુ તો આજે સર્વોત્તમ રીતે ત્યાં આગળ વધ્યા. આજ વાત આપણી માતૃભાષા માટે સાચી છે.
આપણી સહ ભાષા મરાઠી કે તામિલ પાસે આ વસ્તુ શીખવી ન જોઇએ?
કદાચ ચીની ભાષા જેવી અઘરી ભાષા આપણી નથી અને તેઓનો વિકાસ આપણા કરતા વધુ છે અને તેઓ તેમની ભાષા અને સંસ્કૃતિને ક્યારેય ભુલ્યા નથી તેથી તેમનો વિકાસ પણ અનન્ય છે.
આપણને અંગ્રેજો અંગ્રેજી એટલા માટે શીખવતા હતા કે તેમને તેમના કામ માટે ગુલામો અને કારકુનો જોઇતા હતા..અને આપણે આજે પણ જ્યારે સ્વતંત્રતાને 60 વર્ષ થયા છતા તે જ ભુલ આગળ વધારી રહ્યા છે
મને તે વાત અત્યારે યાદ આવે છે કે
ખુદી કો કર ઇતના બુલંદ કે ખુદા ભી પુછે બતા તેરી રજ ક્યા હૈ… જે તકનીકી ક્ષેત્રે આપણે કર્યુ અને વિદેશી સંસ્થાનો જેવા કે માઇક્રોસોફ્ટ ઇન્ટેલ ડેલ અને એપલ જેવી સંસ્થા ભારત આવી.
આપણી ભાષા વિશ્વભાષા બની શકે તેમ છે ચાલો સાથે મળીને તે કરીયે વળી દરેક દેશમાં નાણાકીય ક્ષેત્રે કોઇક ગુજરાતી મળશે તેના વંશ વારસોને માતૃભાષાથી દુર કેમ થવા દેવાય? માતૃભાષાનાં સંવર્ધન અને ..સંચાર..પ્રચાર…તે દેશ સેવાનો એક પ્રકાર જ છે ને?