jump to navigation

July 7, 2007

Posted by vijayshah in : વિચાર , 2 comments

” ટીકા નહીં પણ ટેકા કરીએ ”

ગુજરાતી ભાષાના શબ્દોની જોડણી અંગે જે જોડણીનું મહા યુદ્ધ ચાલી રહયું છે તેમાં અને મહાભારતના યુદ્ધમાં મને એક મોટો ફરક દેખાય છે. આ જોડણી યુદ્ધમાં કૌરવો (બહુમતી) સાચા પક્ષમાં છે અને પાંડવો (લઘુમતી) લોકોને અવળે રસ્તે દોરી જવાનો પ્રયાસ કરી રહયાં છે.પરંતુ આ યુદ્ધમાં વિજયતો કૌરવોનો જ થશે. કારણ હંમેશાં ‘સત્યમેવ જયતે.’ હા,એમને એમના વિચારો વ્યકત કરવાનો હક તો છે જ છતાં હું એમની દૃષ્ટિ વીર નર્મદે કરેલા એક વિધાન તરફ દોરું છું
ભાષાને શું વળગે ભૂર
રણમાં જે જીતે તે શૂર
દરેક ભાષાના બે પ્રકાર હોય છે મૌખિક અને લેખિત અને નર્મદે બે જ વાકયમાં આ બેઉની અગત્ય કેવી અને કેટલી છે તે સમજાવ્યું છે એમ હું માનું છું. ભૂરનો અર્થ છે ભારણ કે વજન.મૌખિક ભાષાનું વજન કેટલું ? સાંભળનાર કરે એટલું. ભરુચી લોકો ‘ળ’ ને બદલે ‘લ’નો ઉપયોગ કરતા હોય છે એ તો આપણે સહુ જાણીએ જ છીએ, અને તેને કારણે વાકયોના અર્થ બદલાઇ જાય છે તે પણ આપણે જાણીએ છીએ.
જયોતિન્દ્ર દવેએ આનું એક સરસ ઉદાહરણ આપેલું. એ ભરુચીએ બીજાને ગુસ્સામાં આવી કહયું “તું માલ ઉપર બેઠો બેઠો ગાલ ઉપર ગાલ દે છે તે નીચે ઉતરની તો તને ખબર પાડી દઉ.”
માળ ને બદલે માલ અને ગાળને બદલે ગાલ બોલાય તો અર્થ બદલાઇ જ જાયને ? આજ પ્રમાણે કેટલાક લોકો ‘ળ’ ને બદલે ‘ર’નો ઉપયોગ કરે છે ત્યારે કેવો ગોટાળો થાય છે. કોઇને આપણે “તમે મળો તો સારું એ કહેવાને બદલે તમે મરો તો સારું ” કહીએ તો મરવાનો વારો તો આપણો જ આવેને ? નર્મદને ખબર હતી કે લોકોની બોલી સુધારવાનું કામ અશકય છે એટલે એમણે બીજા વાકયમાં કહયું “રણમાં જે જીતે તે શૂર” તો આ રણને અને ભાષાને શું લેવા દેવા છે ? મને લાગે છે આ રણ તે કચ્છનું કે યદ્ધનુંં રણ નહીં પણ વાકયનું રણ અર્થાત વ્યાકરણ.લેખિત ભાષામાં જે વ્યાકરણનો સાચો ઉપયોગ કરે તે જ પોતાના વિચારો સચોટ રીતે વ્યકત કરી શકે અને જીતી શકે તેને જ શૂર કહેવાયને ? અને જોડણી એ તો વ્યાકરણનું હૃદય છે. અને એટલે જ નર્મદે એકલે હાથે સહુ પ્રથમ કકકાવારી ગુજરાતી શબ્દકોશની રચના કરી.
હવે આપણે બધાં ઓછે વધતે અંશે જોડણીની ભૂલો કરતાં જ હોઇએ છીએ. તો આ ભૂલો સુધારવા કેવા ટેકા કરવા તેનો વિચાર કરીએ. મને લાગે છે કે આ ભૂલોનું મૂળ કારણ આપણને નાનપણમાં આપવામાં આવેલી શિક્ષણ પદ્ધતિ છે. ર્હસ્વ અને દીર્ઘના ચિન્હો અને તેના ઉચ્ચારણનો ખ્યાલ આપવામાં આવે છે પરંતુ આ ચિન્હોની અદલ બદલથી શબ્દોના અર્થમાં કેવો ફેર પડે છે તે અંગેની પુરતી સમજણ આપવામાં નથી આવતી. અને ઉચ્ચારણમાં તો કશો જ ફરક વર્તાતો નથી. એટલે જેમ બોલીએ તેમ લખીએ છીએ.
આનો ઉપાય શું ?
જે શબ્દો ઉચ્ચારમાં સરખા હોય પણ ર્હસ્વ દીર્ઘના ચિન્હોમાં ફેર હોય તેવા શબ્દો તેમના અર્થ સાથે નીચે પ્રમાણે કોઠાના રુપમાં છાપવા. અને નાનપણથી જ બળકોને શિખવવા જેથી તેમનો શબ્દ ભંડોળ અને જોડણીનું જ્ઞાન વધે.અને શકય હોય તો આવા શબ્દોનો ઉપયોગ પણ કરી બતાવવો.
જેમકે
કિલ=ખરેખર અને કીલ=મળી ” ગાડાના પૈંડા ઉપર લાગતો મેલ
કુચ=સ્ત્રીની છાતી, સ્તન અને કૂચ=લશ્કરી ચાલ
પાણિ=હાથ અને પાણી=જળ
પૂજન વેળા પૂજારીએ પાણિમાં પાણી લઇ આચમન કયુ્રં
પુર=શહેર અને પૂર=નદીમાં આવતી બાઢ
નદીના પૂરમાં આખું પુર તારાજ થઇ ગયું
દિન=દિવસ અને દીન=ગરીબ
તે દીન માણસ આખો દિન ભૂખો રહયો
આ જ પ્રમાણે બીજા ઘણા શબ્દો હશે. પાંચમાથી બારમા ધોરણના બાળકોને દર વર્ષે આવા થોડા
થોડા શબ્દોથી વાકેફ કરીએ તો તેમની ભાષા શુદ્ધિમાં થોડી પ્રગતિ થાય.
ચાલો આપણે ભેગા મળી આ કાર્ય શરું કરીએ અને કોપ્યુટરની મદદથી દરેક ગુજરાતીના ઘરમાં પહોંચાડીએ.
આ લખાણમાં થયેલી જોડણીની ભૂલો મને બતાવશો તો આનંદ થશે.

Type in

Following is a quick typing help. View Detailed Help

Typing help

Following preferences are available to help you type. Refer to "Typing Help" for more information.

Settings reset
All settings are saved automatically.