jump to navigation

” ઇશોપનિષદ” November 14, 2007

Posted by girishdesai in : ચિંતન લેખ , add a comment

November 12, 2007 Edit

મિત્રો,
આપ સહુને નૂતન વર્ષાભિનંદન
આ નવા વર્ષે મારી એક મનોકામના પૂર્ણ કરવાનો જે વિચાર છે તેને અમલમાં મુકવા હું આપ સહુની સમક્ષ ” ઇશોપનિષદ” વિશેના માર વિચારો રજુ કરું છું. આશા રાખું છું કે આપ સહુ તે અંગે અપનો યોગ્ય પ્રતિભાવ દર્શાવશો.

નિવેદન
ઇશોપનિષદ અથવા ઇશાવાસ્ય ઉપનિષદને નામે પ્રસિદ્ધ આ ઉપનિષદ ઉપર ઘણાં બધા તત્ત્વજ્ઞોએ ઘણાં બધા સાધુ સંતોએ તથા ઘણી બધી ખ્યાતનામ વ્યકિતઓએ પોતાનાં વિચાર વ્યકત કર્યાં છે. તો મારા જેવી સાધારણ વ્યકિતને આ ઉપનિષદ અંગે લખવાની શી જરૂર પડી ? આ લખાણ કરવાના મૂખ્ય બે કારણ છે. એક તો એ કે હું મારા મનમાં વિખેરાયેલા વિચારોને વ્યવસ્થિત કરી શકું.મારી દ્રષ્ટિએ લખવું એ બીજી વ્યકિત સાથે વાર્તાલાપ કરવા સમાન છે.મારો અનુભવ છે કે લખવાથી વિચારમાળાના મણકા ક્રમબદ્ધ ગોઠવવાનું કામ અતિ સરળ થઇ જાય છે.વળી વિચારોમાં રહેલી ક્ષતિઓ પણ આસાનીથી શોધી શકાય છે.અને બીજું એ કે મારા જેવા સાધારણ કક્ષાના માણસોના મનમાં એક એવો હાઉ ઘર કરી બેઠો છે કે વેદ, પુરાણ,ઉપનિષદ વગેરે શાસ્ત્રો તો વિદ્વાનો કે તત્ત્વજ્ઞાનીઓ જ સમજી શકે એમાં આપણી ચાંચ ન ડૂબે. અને આ ડરનું કારણ છે વિદ્વાનોએ અજાણતા જ ઉભો કરેલો ભાષાનો ભાર. વિદ્વાનોને જે વાત સહજ લાગે તે મારી કક્ષના લોકોને ભારે લાગે અને એટલે જ વેદ, ઉપનીષદની વાત આવતા જ ભાગવા માડે. કેટલીક વાર તો મને એમ લાગે છે કે શાસ્ત્રોકત ભાષા કરતાં સાક્ષરોકત ભાષા સમજવી વધુ મુશ્કેલ લાગે છે. હું પંડિત કે સાક્ષર હોવાનો દાવો કરી શકું એમ નથી. હું તો કેવળ મારા જેવી સાધારણ વ્યકિતઓની સાધારણ ભાષાથી જ વધુ પરિચિત છું. તેથી મારી રોજ બરોજની ભાષામાં આ મારી કક્ષના લોકોને કહું છું કે ઇશાવાસ્ય ઉપનિષદ આપણા જેવા સામન્ય માણસોને પણ રોજીંદા જીવનમાં ઘણી સહાય કરે એમ છે. અરે, જો ભગવા પહેરી કોઇ પણ સાધુ બાવો શાસ્ત્રો સમજાવી શકે તો શું આપણે તેમનાથી કાંઇ કમ છીએ ? મારૂં આ લખાણ તત્ત્વજ્ઞાનના ઉંડા પાણીમાં નહી લઇ જાય પણ કદાચ તેમાં થોડા છબછબીયાં તો જરૂર કરાવશે એવી આશા રાખું છું. આ મારો પહેલો જ પ્રયાસ છે એટલે વિચાર કે મુદ્રણમાં થયેલી ક્ષતિઓ તરફ મારું ધ્યાન દોરશો તો આપનો આભાર માનીશ.આ લખાણને ઇશોપનિષદની બાળપોથી ગણશો તો વાંચતી વેળા તત્ત્વજ્ઞાનનો હાઉ તમને નહીં ડરાવે. આ લખાણ મેં ભલે મારા જેવી સાધારણ વ્યકિતઓને ધ્યાનમાં રાખી કર્યું છતાં જો કોઇ વિદ્વાન વ્યકિત આ અંગે પોતાનો પ્રામાણિક અભિપ્રાય વ્યકત કરશે તો મને ખૂબ આનંદ થશે.
મારા આ લખાણમાં થયેલી જોડણી અને વ્યાકરણ અંગેની ભૂલો ખૂબ જ ચીવટ પૂર્વક તપાસી આપવા બદલ મુ.દેવસ્મિતાબેન ભટ્ટનો તથા મારી પત્ની મૃદુલાનો ખૂબ ખૂબ આભાર માનું છું. પરંતુ તે પછી પણ મેં સુધારા વધારા કર્યાં છે એટલે આવી ભૂલો હોવાની શક્યતા તો છે જ. માટે જો તમારા ધ્યાનમાં કોઇ ભૂલ આવે તો તે પ્રત્યે મારું ધ્યાન દોરવા આપ સહુને ખાસ વિનંતી કરું છું.
ગિરીશ દેસાઈ

પ્રસ્તાવના
અઢાર શ્લોકનું આ ઉપનિષદ, માંડૂકય ઉપનિષદ સિવાયના બીજા બધા ઉપનિષદોથી નાનું હોવા છતાં અગત્યમાં સૌથી પ્રથમ સ્થાન ધરાવે છે.મહાત્મા ગંાધીજીએ તો અટલે સુધી કહયું છે કે જો હિન્દુ ધર્મના તમામ શાસ્ત્રોનો વિનાશ થઇ જાય પરંતુ જો કેવળ તેનો પહેલો જ શ્લોક બચી જાય તો હિન્દુ ધર્મનો સંદેશ આવતી પેઢીઓ માટે સચવાઇ રહે.મારી દ્રષ્ટિએ આ ઉપનિષદના રચયિતા ૠષિએ આ અઢાર શ્લોકમાં સાત્વિક,રાજસિક અને તામસિક વ્યકિતઓને ધ્યાનમાં રાખી નિષ્કામ વૃત્તિ કેળવી નિષ્કામ કર્મ કેમ કરવું તે અંગે સમજ આપી છે.
ઋષિએ પહેલા શ્લોકમાં ‘અદઃ’ એટલે કે પુરૂષ અને ‘ઇદં’ એટલે કે પ્રકૃતિ આ બેઉનો ખ્યાલ આપી તે બન્ને પ્રત્યે દરેક વ્યકિતએ કેવી મનોવૃત્તિ કેળવવી એ અંગે ખ્યાલ આપ્યો છે. અર્થાત નિષ્કામ કર્મ વૃત્તિ અંગેની સમજ.
બીજા શ્લોકમાં આવી વૃત્તિ કેળવી તેને જીવનમાં ઉતારવા સો વર્ષના લાંબા આયુષ્યની ઇચ્છા રાખવા વિશે અનુરોધ કર્યો છે.
ત્રીજા શ્લોકમાં ત્યાગ અને ભોગનો સાચો તફાવત સમજયા વગર કેવળ ભોગ કે ત્યાગ વૃત્તિથી જીવન વિતાવવાના કેવા પરિણામ ભોગવવા પડે છે તે અંગે નિર્દેશ કર્યો છે.
શ્લોક ચારથી આઠમાં ઋષિને પોતાને થયેલી બહ્માનુભૂતિનું વર્ણન છે.
શ્લોક નવથી અગિયારમાં રજોગુણી લોકોને ધ્યાનમાં રાખી વિદ્યા અવિદ્યા વચ્ચે શું તફાવત છે અને જીવન ઘડતરમાં તે બેઉ કેવી રીતે ઉપયોગી થાય છે તે સમજાવ્યું છે.એટલું જ નહીં પણ વિદ્યા અવિદ્યા વચ્ચેનો આ તફાવત જમાના પ્રમાણે બદલાતો રહે છે તેથી મનમાં જયારે આ અંગે દ્વિધા ઉભી થાય ત્યારે દરેક વ્યકિતએ તત્કાલીન જમાનાના શાણા ગણાતા માણસોની સલાહ લેવી એવું સુચન કર્યું છે.
શ્લોક બારથી ચૌદમાં સાત્વિક લોકોને ઉદ્દેશીને આજ જાતની સલાહ આપી છે પરંતુ તેઓને વિદ્યા અવિદ્યા અંગે નહીં પણ સંભૂતિ અસંભૂતિ વચ્ચેના તફાવત સમજવા અનુરોધ કર્યો છે.
શ્લોક પંદરથી અઢાર જીવન ઉન્નતી માટે અંતકરણની પ્રાથના છે.
આમ ત્યાગ અને ભોગ, વિદ્યા અને અવિદ્યા તથા સંભૂતિ અને અસંભૂતિ આ ત્રણે જોડકાનો તફાવત સમજી તેનો જીવન ઘડતરમાં કેવી રીતે ઉપયોગ કરવો એ અંગે ત્રીવીધ વૃત્તિના લોકોને અપાયેલ સમજ એટલે જ ઇશોપનિષદ.

” ઇશોપનિષદ “
(મારી દ્રષ્ટિએ)

ઇશાવાસ્ય ઉપનિષદ એ શુકલ યજુર્વેદની કાણ્વ સંહિતાનો છેલ્લો ચાલીસમો અધ્યાય છે. આ એક જ ઉપનિષદ એવું છે કે જે વેદના ભાગરૂપ છેે, અને તેથી જ, જેમ બીજા પ્રત્યેક ઉપનિષદોમાં તેનો પોતાનો આગવો શાંતિ મંત્ર હોય છે તેમ આ ઉપનિષદમાં પોતાનો આગવો શાંતિ મંત્ર નથી અને તેથી બૃહદારણ્યકના શાંતિ મંત્રને આ ઉપનિષદના શાંતિ મંત્ર તરીકે અપનાવી લેવામાં આવ્યો છે. આ ઉપનિષદને ‘મંત્ર ઉપનિષદ’ પણ કહેવાય છે.મારી દ્રષ્ટિએ આ શાંતિ મંત્રને લક્ષમાં રાખી તેનો ઊંડો અર્થ સમજાવવા કોઇ ઋષિએ જે અઢાર શ્લોક રચ્યાં તે જ આ ઇશાવાસ્ય ઉપનિષદ. વળી આ અઢાર શ્લોકમાં પૂર્ણમ્ અદઃ પૂર્ણમ્ ઇદં એ શાંતિ મંત્ર ઉપરનું ભાષ્ય એટલે ઇશાવાસ્ય,અને આ ભાષ્યનું વિવરણ એટલે ગીતા. જો કે ગીતાતો બધા જ ઉપનિષદોનો નિચોડ છે.
” સર્વોપનિષદો ગાવો દોગ્ધા ગોપાલનન્દનઃ
પાર્થો વત્સઃ સુધીર્ ભોકતા દુગ્ધં ગીતામૃતં મહત “

ઇશાવાસ્ય એ શબ્દની સંધિ બે રીતે છૂટી પાડી શકાય છે.
ઇશા +વાસ્યમ્ એટલે કે ઇશા (પરમેશ્વર) રૂપી (વાસ) વસ્ત્રથી ઢંકાયેલું અથવા
ઇશ +આવાસ્યમ્ એટલે કે ઇશ (પરમેશ્વર)ને આવાસ (રહેઠાણ) રહેવા લાયક.

ઉપનિષદ શબ્દની સંધિમાં ત્રણ ધાતુ વપરાયેલા છે. ઉપ+ નિ + સદ્
ઉપ =પાસે , નિ =નીચે એટલે કે ગુરૂના ચરણમાં અને સદ્ = બેસવું
અર્થાત ગુરૂ ચરણમાં બેસી જ્ઞાન લેવું તે ઉપનિષદ.
શાંતિમંત્ર
મનં ત્રાયતિ ઇતિ મંત્ર = મનનો ઉધ્ધાર કે તે મંત્ર

ૐ પૂર્ણમ્ અદઃ પૂર્ણમ્ ઇદં પૂર્ણાત્ પૂર્ણમ્ ઉદચ્યતે
પૂર્ણસ્ય પૂર્ણમ્ આદાય પૂર્ણમ્ એવ અવશિષ્યતે
ૐ શંાતિઃ શંાતિઃ શંાતિઃ

પૂર્ણ છે તે, પૂર્ણ છે આ, પૂર્ણમાંથી પૂર્ણ ઉદ્ભવ્યું
પૂર્ણનંુ પૂર્ણ ગ્રહી લેતા પૂર્ણ જ બાકી રહી ગયંુ
ૐ શંાતિઃ શંાતિઃ શંાતિઃ

અદઃ= તે, પુરૂષ, ઇશતત્ત્વ, બહ્મતત્ત્વ, પરોક્ષતા
ઇદં = આ, પકૃતિ,જગત,સૃષ્ટિ, પત્યક્ષતા
આદાય = લઇ લેતાં, બાદ કરતાં, ગ્રહી લેતાં,સમજી લેતાં
અવશિષ્યતે= શેષ રહે છે ,બાકી રહે છે.

પુરૂષ પૂર્ણ છે તથા પ્રકૃતિ પણ પૂર્ણ છે.પુરૂષમાંથી જ પ્રકૃતિ ઉદ્ભવી છે. પુરૂષમાંથી પ્રકૃતિ ગ્રહી લેતાં કેવળ પુરૂષ જ બાકી રહે છે.અર્થાત કે તે પુરૂષનું પૂર્ણ સ્વરૂપ સમજવું હોય તો આ પ્રકૃતિ શંુ છે અને તેનું સાચું સ્વરૂપ કેવું છે તે સમજી લેવું જોઇએ.આ પ્રકૃતિ કેવળ માયા છે એ વાત મનની અંદર બરાબર ગ્રહણ કરવી જોઇએ.અને મનમાં જયારે આ વાત બરાબર ઠસી જાય ત્યારે જ સમજાય કે આ સૃષ્ટિમાં પુરૂષ સિવાય બીજું કશું જ બાકી નથી રહેતું. “અદઃ એવ અવશિષ્યતે”.મને તો લાગે છે કે આ ઉપનિષદની રચના કરનારા ઋષિ સાચે જ કોઇ બ્રહ્મદ્રષ્ટા હશે, અને એમણે જયારે બૃહદારણ્યકનો આ શ્લોક વાંચ્યો કે સાંભળ્યો હશે ત્યારે સાહજિક રીતે જ, એમણે પોતાને થયેલ અનુભૂતિને અનુમોદન આપતા આ શ્લોકની સાર્થકતા સમજાવવા ઇશાવાસ્યની રચના કરી હશે.આ શ્લોક હવે પછી રજુ થનાર ઇશોપનિષદની પૂર્વભૂમિકા રૂપે છે.
આ શ્લોક એક એવું ઉખાણું છે કે જેનો ઉત્તર તેની અંદર જ સમાઇ જાય છે. પશ્ન એ છે કે પૂર્ણમાંથી પૂર્ણ બાદ કરીએ તો પૂર્ણ કેવી રીતે બચે ? આ ઉખાણાનો પશ્ન હલ કરતાં પહેલાં પૂર્ણની વ્યાખ્યા શું છે તે સમજી લઇએ. પૂર્ણ એને કહેવાય કે જેની બહાર કશું જ ન રહયું હોય. પૂર્ણમાં વધ ઘટ થઇ જ ન શકે. જો તમે તેમાં વધારો કરવા ઇચ્છો તો વધારો કરવા માટેના ઘટકો અને વધારો કરનાર વ્યકિતતો એ પૂર્ણની બહાર જ હોય ને ? એક ઉદાહરણથી આ વાત સમજાશે. એક થાળીમાં એક આખો લાડુ મુકીએ અને તેને પૂર્ણ કહીએ. હવે જો એમાં કંાઇ ઉમેરવું હોય, એટલે કે જો તેને મોટો કરવો હોય, તો તેમાં વપરાયેલા મૂળ ઘટકો,જેવા કે લોટ,ઘી,ગોળ વિગેરે તો બહારથી લાવીને જ ઉમેરવા પડે ને ? અને જો એક પણ ઘટક બહાર રહી ગયું હોય તો લાડુ આપણી વ્યાખ્યા પ્રમાણે પૂર્ણ કહેવાય ખરો ? ચાલો, આમ આપણે એતો સમજયાં કે પૂર્ણ લાડુમાં વધારો ન થઇ શકે પરંતુ ઘટાડો કરવા જો તેમાંથી એક ટુકડો ખાઇ જઇએ તો ? તો આપણે તેમાંથી એક ટુકડો જ લીધો કહેવાય, પૂર્ણ લાડુ નહી. આપણે તો પૂર્ણમાંથી પૂર્ણ બાદ કરવાનું છે. તમે કહેશો, જો આખો લાડુ ખાઇ જઇએ તો શું બચ્યું ? બચ્યો આખો લાડુ. કારણ આમ કરવાથી તો કેવળ એનું સ્થાન જ બદલાયંુ. વળી મૂળ જે સ્થાનમાં લાડુ હતો તે “થાળી” અને જે સ્થાનમાં તે જઇ પડયો તે “ખાનારનું પેટ” તો લાડુની બહાર જ હતાં ને ? તો પછી આપણી વ્યાખ્યા પ્રમાણે તે પૂર્ણ કેમ કહેવાય ! અહીં જો તમે વાંધો ઉઠાવીને કહો કે “ગિરીશ ભાઈ જરા થોભો, તમે આ થાળી અને પેટને શા માટે લાડુના ઘટક તરીકે ગણો છો?લાડુની પૂર્ણતામાં એ બન્નેને શું કામ સંડોવો છો?” તો મારે બચાવમાં એટલું જ કહેવાનું કે આ સારી સૃષ્ટિની કોઇ પણ વસ્તુનું ઉદાહરણ લઇ ઇશાવાસ્યમાં દર્શાવેલા પૂર્ણને સમજાવવું હોય તો તે ઉદાહરણમાં આ ક્ષતિ તો રહેવાની જ. અને તેથી જ શાંતિ મંત્રમાં અદઃ અને ઇદં ને પૂર્ણ કહયાં છે. અદઃ એટલે ‘પુરૂષ’ કે જેમાંથી આ સારી સૃષ્ટિ “ઇદમ્” ઉત્પન્ન થઇ. સૃષ્ટિના વ્યકત અને અવ્યકત બધા જ પદાર્થો, બધી જ શકિતઓ તથા સ્થળ અને કાળ બધું જ આ પૂર્ણમાં, આ અદઃમાં, ઋષિએ સમાવી દીધું. જેની બહાર કશું જ નથી તેમાંથી કોણ? કયાંથી આવીને ? કેવી રીતે ? વધ ઘટ કરી શકે?
આ વાત પણ સમજયા,પરંતુ ઇદં કયાંથી આવ્યું ? તે પણ પૂર્ણ કેવી રીતે હોઇ શકે ? પૂર્ણતો એક જ હોયને ? આપણી વ્યાખ્યા પ્રમાણે, કયાંતો અદઃ ની અંદર ઇદં સમાઇ જવું જોઇએ યાતો ઇદંની અંદર અદઃ સમાઇ જવું જોઇએ. તો પછી ભૂલ કયાં છે ? ભૂલ છે આપણી સમજમાં.ઋષિ એમ નથી કહેતાં કે પૂર્ણ બે છે.એમના કહેવાનો સાચો અર્થ એ છે કે પૂર્ણતો એક જ છે પરંતુ તે બે નામે ઓળખાય છે. કોણ તેને કઇ રીતે ઓળખે છે એના ઉપર આ પૂર્ણનો આધાર છે.અદઃ એટલે પુરૂષ,એ તત્ત્વ છે અને ઇદં એટલે પ્રકૃતિ, એ આ તત્ત્વનો ગુણ છે. તત્ત્વ અને તેનાં ગુણ કદી જુદાં કરાય જ નહી. દાખલા તરીકે એક પ્રવાહી લો.આ તત્ત્વ થયું.અને પ્રવાહ એ દરેક પ્રવાહીનો ગુણ છે. પ્રવાહ અને પ્રવાહી કદી જુદાં પાડી શકાય ખરાં? જોકે કદીક એવું બને કે તત્ત્વનો ગુણ અવ્યકત હોય. દા.ત. પ્રવાહીને એક પ્યાલામાં મુકીએ તો તેનો પ્રવાહ નહીં દેખાય.પરંતુ પ્રવાહીતો રહેશે જ ને? જયારે તત્ત્વનો ગુણ અવ્યકત હોય,એટલે એનામાં એવો ગુણ છે, એવો ભાવ ન થાય ત્યારે ગુણનો અભાવ લાગે.આમ ગુણનો અભાવ હોઇ શકે પરંતુ તત્ત્વનો અભાવ કદી ન થાય.

“ન અસતઃ વિદ્યતે ભાવઃ ન અભાવઃ વિદ્યતે સતઃ ” ગિતા- ૨/૧૬
કદિક થાય અભાવ ગુણનો, પણ ન થાય તત્ત્વનો કદી.

એનો અર્થ એ થયો કે પુરૂષ,જે તત્ત્વ છે, તેનો કદી પણ અભાવ થતો નથી. પરંતુ પ્રકૃતિ,જે ગુણ છે તેનો કદીક અભાવ થાય છે. તો પછી આ પ્રકૃતિ કે જે ગુણ છે તે શાને હંમેશાં વ્યકત લાગે છે.આ ગુણનો ભાવ શાથી ? અને પુરૂષ કે જે તત્વ છે તે શાને હંમેશાં અવ્યકત લાગે છે ? આ તત્ત્વનો અભાવ શાથી ? જરા શાંત ચિત્તે આ પ્રકૃતિ અંગે વિચારીએ તો જણાશે કે તે ક્ષણે ક્ષણે બદલાતી જ રહે છે. તેથી જ ઋષિ તેને- જગત્યાં જગત- કહે છે. એક ક્ષણે પ્રકૃતિનો જે ભાવ મનમાં હતો તે બીજી ક્ષણે બદલાઇ જવાનો,અદ્રષ્ય થઇ જવાનો.અથવા કહો કે તેનો અભાવ થવાનો. જેમ પ્રવાહી પ્યાલામાં પડતાં જ તેનો પ્રવાહ અદ્રષ્ય થઇ જાય તેમ વર્તમાનની આ એક ક્ષણ કાળના પ્યાલામાં પડતાં જ ભૂતમાં વિલીન થાય છે, અને વર્તમાનના એના ભાવનો અભાવ થઇ જાય છે.આમ પ્રકૃનિતો ભાવ એ સાચો ભાવ નથી પણ અભાવ અને આશાઓની પરંપરા જ છે. મૃગજળ જેવો ભાસ છે. એટલે જ કહયું છે કે – બહ્મ સત્ય જગત મિથ્યા. હવે જો પુરૂષ અંગે વિચારી એ તો જણાશે કે આ સૃષ્ટિના ઇતિહાસમાં એક પણ વ્યકિત એવી નથી જન્મી કે જે કહે કે મારૂં મૃત્યુ થવાનું જ નથી. ભીષ્મપિતામહે પણ મૃત્યુનો સ્વિકાર કર્યો જ. મૃત્યુ અનિવાર્ય છે.અને એની અનિવાર્યતાનું ભાન ક્ષણિક નથી પરંતુ સ્થાયી છે.
જાવું પડશે એકદિ મારે,મૂકી બધું અહીંનું અહીં
વસે ન શું વિચાર એવો,સદા સહુના મનની મહીં?
મારા કરતાં તે પુરૂષ(અદઃ) વધારે શકિતશાળી છે અને એની કૃપાથી જ હું જીવું છું, અને એની ઇચ્છાથી જ મારે અહીંથી જવું પડશે,એવો ભાવ કોઇના પણ મનમાંથી કયારે પણ દૂર થતો નથી. ક્ષણે ક્ષણે બદલાતી એટલે ભૂત,વર્તમાન અને ભાવિમાં ભટકતી આ પકૃતિનું કારણ તે પુરૂષ જ છે.પુરૂષમાંથી જ પકૃતિનો ઉદ્ભવ થાય છે અને તેમાં જ તેનો વિલય પણ. જેમ પ્રવાહીનો પ્રવાહ પ્રવાહીમાંથી જ ઉદ્ભવે છે અને પ્રવાહીમાં જ શમે છે તેમ.
આમ મારી દ્રષ્ટિએ આ મંત્રનો અર્થ એટલો જ કે જયારે પુરૂષ પોતાના ગુણો વ્યકત કરે છે ત્યારે તે પકૃતિનું રૂપ ધારણ કરે છે. પકૃતિ એટલે બ્રહ્મના ત્રણ ગુણો(સત્ત્વ,રજો અને તમો)નું પદર્શન,બ્રહ્માનાં ગુણોની અભિવ્યકિત.અર્થાત સૃષ્ટિનું સર્જન બ્રહ્મ અને બ્રહ્માન્ડનો આ જ સંબંધ છે.
પ્ર= પહેલાનો, અને દર્શન શ દેખાવ,ભાવ યાને કે દર્શન થતા પહેલાનો ભાવ એટલે પ્રદર્શન (preview). આ વાત જો મનમાં બરાબર ગ્રહી લેવાય (આદાય) તો સમજાય કે કેવળ પુરૂષ જ પૂર્ણ છે.અને પ્રકૃતિનું પ્રદર્શન થાય કે ન થાય અર્થાત પ્રકૃતિ અભિવ્યકત હોય કે ન હોય, એનો ભાવ થાય કે ન થાય,તેનાથી પુરૂષની પૂર્ણતામાં કશો ફરક પડતો નથી. શેષમાં તો પુરૂશ જ બચે છે (અવશિષ્યતે)
This entire universe is just nothing but a preview of God’s attributes. If this preview is so amazing, so tempting then imagine how amazing and tempting His real view could be!

જો મન થાય તે દેખીને ઘેલુંં ,તો શી થાય વલે કરી પૂર્ણનું દર્શન!
સાર એટલો જ કે પુરૂષ એટલે તત્ત્વ અને પ્રકૃતિ એટલે એનો ગુણ.અને આ બે એક બીજાથી છુટા પડે જ નહીં. ન તો તેમાં કશું ઉમેરાય કે ન તેમાંથી કશું બાદ કરાય. આ પ્રકૃતિ કેવળ આપણાં જીવન દરમિયાન વ્યકત હોય છે, અને જન્મ પહેલાં અને મૃત્યુ પછી તે અવ્યકત રહે છે.
“અવ્યકતાદીનિ ભૂતાનિ વ્યકતમધ્યાનિ ભારત
અવ્યકતનિધનાન્યેવ તત્ર કા પરિદેવના” ગીતા ૨- 28
આ પકૃતિ હર પળે સત્ત્વ,રજસ અને તમસ એવા ત્રણ ગુણોમાં અભિવ્યકત થતી રહે છે.જો આ ત્રણે ગુણોને ચિત્તના પ્યાલામાં સમાવી બહાર વહેતાં અટકાવી શકીએ તોજ તત્ત્વનું “પુરૂષનું” ભાન થઇ શકે છે. અને તેથી જ શ્રી કૃષ્ણએ અર્જુનને કહયું કે?
“ત્રૈગુણ્યવિષયા વેદા નિસ્ત્રૈગુણ્યો ભવાર્જુન
નિર્દવન્દ્વો નિત્યસત્ત્વસ્થો નિર્યોગક્ષેમ આત્મવાન્ ” ગીતા ૨-૪૫
હે અર્જુન, વેદો આ ત્રણ ગુણોને સમજાવવા વાળા છે.તું તે ત્રણે ગુણોથી રહિત “પુરૂષ અને પ્રકૃતિના” દ્વન્દ્વ વિનાનો થા. નિત્ય ધૈર્ય નિષ્ઠ થા અને યોગક્ષેમ ની ચીંતા વિનાનો થઇ આત્મનિષ્ઠ થા.અર્થાત તારા ચિત્તના આ ત્રણે ગુણોને શાંત કરી આત્મજ્ઞાન પ્રાપ્ત કર.
હ્વે પછીનું લખાણ હું હપ્તે હપ્તે પ્રગટ કરતો રહીશ.

Type in

Following is a quick typing help. View Detailed Help

Typing help

Following preferences are available to help you type. Refer to "Typing Help" for more information.

Settings reset
All settings are saved automatically.