jump to navigation

“ઇશાવાસ્ય શ્લોક-૩-૪-૫” November 19, 2007

Posted by girishdesai in : ચિંતન લેખ , add a comment

શ્લોક-૩
અસુર્યા નામ તે લોકા અંધેન તમસા આવૃતાઃ ૤
તાંત્સે પ્રેત્યાભિ ગચ્છન્તિ યે કે ચાત્મહનો જનાઃ ૤૤
છે ધામ અસુરો કેરૂં જે ઘેરાયું અંધકાર ગાઢથી
આત્મઘાતી જનો છે જે, જઇ પહોંચે ત્યાં મૃત્યુ પછી.
અસુરઃ= અસુસુ રમન્તે ઇતિ અસુરઃ= ઇન્દ્રિયોના ભોગમાં રાચનારા
પ્રેત્ય = પ્ર+ઇત્ય અહીંથી જઇને એટલે મૃત્યુ પછી.
આ શ્લોકનો અર્થ છે ,આત્મઘતી લોકો મૃત્યુ પછી ગાઢ અંધકારથી ઘેરાયેલા અસુરોના ધામમાં જઇ પહોંચે છે. તો શું આત્માનો ઘાત થઇ શકે ખરો ?
છેદે ના શસ્ત્રો જેને, બાળે ના અગ્નિ પણ કદી
ભીંજવે ન પાણી જેને, ન સુકાયે વાયુથી વળી.
તો થઇ શકે શું ઘાત તેનો કોઇથી કદી ?
આવા આ અજરામર આત્માનો ઘાત કેવી રીતે થાય ? અહીં ઘાતનો અર્થ હત્યા કે પ્રહાર એવો નથી કરવાનો. અહીં તેનો અર્થ છે અવગણના અથવા અવહેલના.જે લોકો અસુરો છે યાને કે જેઓ ઇન્દ્રિયોના ભોગમાં રાચે છે,જેઓ ભૌતિક સુખમાં રચ્યા પચ્યા રહે છે તેઓ જ બ્રહ્મને ભૂલી શકે ને ? તેઓ જ બ્રહ્મની ઉપેક્ષા કે અવગણના કે અવહેલના કરી શકે ને ? આવી વ્યકિતઓ જયાં રહે તેને અસુરોનંુધામ કહેવાય.આ આપણી પૃથ્વી એટલે જ અસુરોનું ધામ.અને તેથી તો જન્મ મરણના ચકકર અહીં જ કાપવા પડે છે. ગીતાના સોળમાં અધ્યાયમાં આ અસુરોની વૃત્તિ કેવી હોય છે અને તેને કારણે તેમની શી વલે થાય છે તેનું વર્ણન શ્રી કૃષ્ણએ સ્વમુખે કર્યું છે.
અહંકારં બલં દર્પમ્ કામં ક્રોધં ચ સંશ્રિતાઃ ૤
મામાત્ અપર દેહેષુ પ્રદ્વિષન્તો અભ્યસૂયકાઃ ૤૤ ગીતા ૧૬-૧૮
તાન્ અહં દ્વિષતઃ ક્રૂરાન્ સંસારેષુ નરાધમાન્ ૤
ક્ષિપામિ અજસ્રમ્ અશુભાન આસુરીષુ એવ યોનિષુ ૤૤ ગીતા ૧૬-૧૯
એટલે કે અહંકાર, બળ, ગર્વ તથા કામ અને ક્રોધ વગેરેનો આશ્રય લઇ બીજાઓ પત્યે દ્વેષ કરનારા- અસુર લોકો – તેમની પોતાની અંદર તેમ જ બીજાઓની અંદર રહેલા મારા સ્વરૂપનો જ દ્ધેષ કરે છે. મારી જ અવગણના કરે છે. અને આવા દ્વેષી, ક્રૂર નરાધમોને હું અમંગળ એવી આસુરી યોનીમાં વારંવાર નાખું છું. ત્યાં જ ફરી ફરી મોકલું છું. વળી વીસમા શ્લોકમાં કહે છે કે,
આસુરીં યોનિમ્ આપન્ના મૂઢા જન્મનિ જન્મનિ ૤
મામ્ અપ્રાપ્યૈવ કૌન્તેય તતો યાન્તિ અધમા ગતિમ્ ૤૤ ગીતા ૧૬-૨૦
આસુરી યોનિને પામેલા આ મૂઢ લોકો, મને નહીં પામતા જન્મો જન્મ વધારે અધમ ગતિને પામે છે. ગીતાના આ ત્રણ શ્લોકમાં જે વાત સમજાવી તેજ વાત ઇશાવાસ્યના ત્રીજા શ્લોકમાં સમજાવી છે.આ પૃથ્વી ઉપર કેવળ અસુરો જ નથી રહેતા. મને લાગે છે કે અહીં અસુર કહીને ઋષિએ તામસિક લોકોનો ઉલ્લેખ કર્યો છે.આગળ ચાલતા સમજાશે કે ઋષિ રાજસિક અને સાત્વિક લોકોને પણ આ વાત સમજાવે છે જ પરંતુ જુદા શબ્દોમાં. આમ પહેલા ત્રણ શ્લોકમાં ઋષિએ પુરૂષ અને પ્રકૃતિનું સ્વરૂપ કેવું છે અને તે બે વચ્ચેનો સંબંધ કેવો છે, નિષ્કામ કર્મની શી આવશ્યકતા છે અને તે માર્ગે નહીં ચાલનાર વ્યકિતઓની કેવી કફોડી સ્થિતિ થાયછે તે કહયું. હવે શ્લોક ચારને પંાચમા ઋષિની વિચાર ધારા વળાંક લેતી હોય એમ લાગે છે. તેમની સમક્ષ બેઠેલા વિદ્યાર્થિઓનું ભાન ભૂલી ઋષિ અર્ધસમાધિ અવસ્થામાં પહોંચી ગયા હોય તેમ લાગે છે. તેમને પોતાને થયેલી અનુભૂતિમાં ગરકાવ થઇ તેનું વર્ણન કરતા હોય તેમ તેઓ કહે છે,
શ્લોક-૪
અનેજદેકં મનસો જવીયો નૈનદ્ દેવા આપ્નુવન્ પૂર્વમર્ષત્ ૤
તદ્ ધાવતો અન્યાનત્યે તિ તિષ્ઠત્ તસ્મિન્નપો માતરિશ્વા દધાતિ ૤૤
જે હાલે નહીં, ‘ને અદ્વૈત છે, મનથી છે વેગીલું વળી
ન પહોંચે ઇન્દ્રિયો જેને,સહુથી આગળ તે રહયું.
સ્થિર છતાં દોડતું જાયે કરી ધારણ વિશ્વ પ્રાણને.
આ ઇશ તત્ત્વ અદ્વૈત છે. તે હાલ્યા વગર જ મન કરતાં પણ વધુ વેગથી દોડે છે. ઇન્દ્રિઓ તેને આંબી શકતી નથી. તે સ્થિર હોવા છતાં સહુથી આગળ નીકળી જાય છે. અને તે સૃષ્ટિની જીવન શકિતનો (વિશ્વપાણ- માતરિશ્વા) આધાર છે. આવા વિરોધાભાસી શબ્દો જરૂર મનમાં ગુંચવણ ઉભી કરે છે.પરંતુ એક ઉદાહરણથી કદાચ આ વાત સમજી શકાશે. એક વિશાળ શાંત સરોવરના સ્થિર પાણીમાં તરતી હોડીનો દાખલો લઇએ. હોડી ગમે તેટલા વેગથી ચાલતી હોય છતાં પેલું સ્થિર પાણી તેની સામે ને સામે જ હોવાનું તેનાથી આગળ જ રહેવાનું અને આમ થવાનું કારણ છે સરોવરની વિશાળતા.તો પછી આ અનંત,સર્વવ્યાપી, સારાએ વિશ્વના ચેતને ધારણ કરનાર પુરૂષ તત્ત્વને કોણ આંબી શકે ? અને તેની ગતી માપવી હોય તો તેમાંથી બહાર નીકળી તેનાથી દૂર જઇને મપાય અથવા આપણે પોતે સ્થિર રહીએ અર્થાત આપણા મનને સંપૂર્ણ રીતે સ્થિર કરીએ તો તે શકય થાય ખરૂં. એટલે જ સિદ્ધ જ્ઞાનીઓ મનને એકાગ્ર કરી સ્થિર કરવાની સલાહ આપતાં હોય છે ને ? શ્લોક ચાર અને પાંચમાં ઋષિ સિદ્ધિને આરે આવીને ઉભેલાં પુરૂષોને ઉદ્દેશીને કહેતાં હોય એમ લાગે છે. શ્લોક છ અને સાત વાંચતા આ વાત સ્પષ્ટ થશે. નિર્ગુણના ગુણ સમજવા અને સમજાવવા એ અતિ કપરૂં કામ છે.
જેમ,પદાર્થ વિના શકિતની પ્રતીતિ નથી થતી
અને શકિત વિના પદાર્થની પ્રગતિ નથી થતી
તેમ જ પુરૂષ વિના પ્રકૃતિનો અનુભવ નથી થતો
અને પ્રકૃતિ વિના પુરૂષની અનુભુતિ નથી થતી.
તેથી જ પુરૂષે પોતાની પ્રતીતિ કરાવવા સારૂં આ ત્રણ ગુણવાળી સૃષ્ટિ સર્જી છે.જયારે કોઇ મનુષ્ય પોતાની વિવેક બુદ્ધિથી આ ત્રણે ગુણ પુરેપુરા સમજીને,અનુભવીને,નિસ્ત્રૈગુણ્ય થવાનો પયત્ન કરે છે ત્યારે જ તેને પુરૂષની પ્રતીતિ યાને અનુભૂતિ થાય છે. મારી દ્રષ્ટિએ કર્મયોગ એ જીવનમાં આવી પ્રગતિ કરવાનું સાધન છે જયારે જ્ઞાનયોગ એ પુરૂષની પ્રતીતિ કરવાનું સાધન છે. જ્ઞાનનું આસન કર્મ,શ્રદ્ધા અને ભકિત રૂપી ત્રણ પાયાની બનેલી ત્રિપાઇ ઉપર હોય છે. કર્મ કરી બુદ્ધિ કેળવવી, બુદ્ધિથી શ્રદ્ધા મજબૂત કરવી અને આ બે પાયા મજબૂત થતાં ભકિત રૂપી પાયો આપોઆપ સ્થિર થઇ જાય છે. જયારે આ ત્રણે પાયા સ્થિર થાય ત્યારે જ જ્ઞાન તેના ઉપર સ્થિરતાથી બેસી શકે
શ્રદ્ધા,ભકિત અને કર્મ તણાં,ત્રણ પાયાની એક ત્રિપાઇ જ્ઞાનદેવ બેસે તે ઉપર,આસન સ્થિર જમાવી
જેણે પ્રગતિ કરીને પુરૂષની પ્રતીતિ કરી હોય તેને જ આશ્લોકનો સાચો અર્થ સમજાય. એવી શકિત મારામાં તો નથી જ.
શ્લોક-૫
તત્ એજતિ તત્ ન એજતિ, તત્ દૂરે તત્ ઉ અન્તિકે ૤
તત્ અન્તરસ્ય સર્વસ્ય તત્ ઉ સર્વસ્ય અસ્ય બાહ્યતઃ ૤૤
હાલે તે, ન હાલે તે કદી,રહે દૂર ’ને વળી પાસમાં
સહુની ભીતરે વસે છે તે, ’ને વસે સહુની બહારે સદા.
આ શ્લોકનો શબ્દાર્થ લગભગ ચોથા શ્લોક જેવો જ છે પરંતુ ભાવાર્થ અતિ કઠણ નથી.આમાં ઇશતત્ત્વની વ્યાપકતા કેટલી છે તે જ બતાવ્યું છે. તે સહુથી દૂર અર્થાત કે બ્રહ્માંડની સરહદને પેલે પાર હોવા છતાં સહુથી નજદિક યાને કે સહુની ભીતરમાં પણ તે જ તત્ત્વ રહેલું છે.અહીં ઋષિ પહેલા શ્લોકમાં કરેલી ઇશ્વરની સર્વવ્યાપકતાનું પુનરુચ્ચારણ કરતાં હોય એમ મને લાગે છે.ખરૂં જોતાં ઇશતત્વ બધાની અંદર અને બહાર છે એમ કહેવા કરતાં બધું જ ઇશતત્ત્વમાં છે એમ કહેવું વધારે યોગ્ય લાગે છે. જેમકે ઘડાની અંદર અને બહાર પાણી છે એમ કહેવા કરતાં ઘડો પાણીમાં છે એમ કહેવું વધારે યોગ્ય લાગે છે.આ હાલવું (સાપેક્ષતા) અને ન હાલવંુ(નિરપેક્ષતા) એતો ગતિની વાત થઇ, પરંતુ આ ગતિ કોની ? કેવળ મનની જેનું મન ભમતું તેનું જગત ભમતું જેનું મન સ્થિર તેનું જગત સ્થિર. જેનું મન બિલકુલ શાંત થઇ જાય તેને જ ઇશ્વરની અનુભૂતિનો આસ્વાદ મળી શકે. મનનું મૃત્યુ એટલે જ મોક્ષ.મક્ષતો જીવતે જીવ જ મળે.મૃત્યુ પછી તો મુકિત મળે.મન જયારે વાસનાની પકડમાંથી છૂટે તેને મોક્ષ કહેવાય પરંતુ સાથે સાથે દેહ જયારે પંચ મહાભૂતની પકડમાંથી અને ચિત્ત જયારે અહંકારની પકડમાંથી છૂટે ત્યારે જ મુકિત મળી કહેવાય. ઇશતત્ત્વમાંતો કયારેયે કોઇ પણ જાતનો ફરક શકય જ નથી. સારી સૃષ્ટિના હલન ચલન માટે કોઇ જવાબદાર હોય તો તે છે માનવનું મન. શ્લોક છ અને સાતમા પણ મનની સ્થિતિનુ કેવું પરિણામ આવે છે તેનો ઉલ્લેખ કર્યો છે.
વધુ હવે પછી.

Type in

Following is a quick typing help. View Detailed Help

Typing help

Following preferences are available to help you type. Refer to "Typing Help" for more information.

Settings reset
All settings are saved automatically.