jump to navigation

“ઇશાવાસ્ય, શ્લોક -૧,૨” November 15, 2007

Posted by girishdesai in : ચિંતન લેખ , add a comment

શ્લોક -૧
ઇશાવાસ્યમ્ ઇદં સર્વમ્ યત્કિંચ જગત્યાં જગત્ ૤
તેન ત્યકતેન ભુંજીથા મા ગૃધઃ કસ્ય સ્વિદ્ ધનમ્ ૤૤

વિશ્વમાં વસ્યું જે કંાઇ, વસ્યું ઇશતત્ત્વ તેમાં સદા
ત્યાગીને ભોગવી જાણો,ન રાખો ગીધ વૃત્તિ કદા
જાણો છો, આ ધન (વિશ્વ)કોનંુ છે ભલા ?

ઇશાવાસ્ય એ શબ્દની સંધિ બે રીતે છુટી પાડી શકાય છે એ વાતનો ઉલ્લેખ મેં શરૂઆતમાં કરેલો.વસનો અર્થ જો વસ્ત્ર કરીએ તો ઇશાવાસ્યનો અર્થ થાય ઇશ્વર રૂપી વસ્ત્રથી આચ્છાદિત એટલે કે ઇશ્વરમાં સમાયેલું અને જો વાસનો અર્થ રહેઠાણ “આવાસ” કરીએ તો ઇશ્વર જેમાં વસેલો છે તે.આમ ઋષિએ એક જ શબ્દમાં કહયું કે ઇશતત્ત્વ રૂપી વસ્ત્રથી આ આખું જગત આચ્છાદિત છે અને આ અસ્થાયી જગતના કણ કણમાં ઇશ્વરનો વાસ છે.અર્થાત ઇશ્વર સર્વ વ્યાપી છે.વળી ઋષિ એવી સલાહ આપે છે કે આ જગત ત્યાગીને ભોગવો.અહીં ત્યાગનો અર્થ છે નિર્મોહ. જગતમાં જે કંાઇ જાણવા કે માણવા મળે તેનો મોહ ન રાખવો.અર્થાત જીવનની બધી જ પવૃત્તિ નિષ્કામ ભાવે કરવી.આ જગતનો કેવળ ઉપભોગ જ ન કરતાં શકય હોય તેટલંુ બીજાઓ માટે ઉપયોગી થવું.આપણે સહુ આ પ્રકૃતિના અંગ રૂપ છીએ એવી સમજ કેળવવી એ અતિ આવશ્યક છે.જેમ શરીરના વિવિધ અંગો પોતાના પોષણ માટે લોહીનો ઉપભોગ જરૂર કરે છે છતાં પોતાની ફરજ બજાવવામાં અને એક બીજાને સહાય કરવામાં પાછી પાની નથી કરતા.જયારે શરીરનું એકાદ અંગ પોતાંની ફરજ ચૂકે છે ત્યારે જ શરીરમાં રોગ દાખલ થાયછે ને? ધારોકે લોહી હૃદયમાં પહોંચે પછી હૃદય એમ કહે કે આ લોહી હું મારે માટે જ સંગ્રહી રાખીશ બીજા અંગોને નહીં આપું તો શું થાય? હાર્ટએટેક કે બીજું કાંઇ ?
એટલે જ ઋષિ એ કહયું કે ત્યાગીને ભોગવી જાણો ન રાખો ગીધવૃત્તિ “સંગ્રહવૃત્તિ કદા.” વધારાનું ત્યજી દઇ જરૂર પુરતું ભોગવો.ઋષિ વળી ઠપકો આપતાં પુછે છે કે અરે ભાઇ તને ખબર છે ખરી કે આ ધન કોનું છે ? હું જો એમ માનું કે ઇશ્વરતો મારો બાપ છે એટલે આ બધુંય મારા બાપનું જ કહેવાયને ? વાત સાચી,પણ બાપ હજી જીવતો બેઠો છે. હજી એણે મારે નામે કશું મૂકયું નથી એ પણ મારે યાદ રાખવું રહયું. આ શ્લોકમાં ઋષિએ નિષ્કામ કર્મ ઉપર ખાસ ભાર મુકયો છે. હવે પછીના શ્લોકમાં જીવન કેમ જીવવું તે અંગે ઋષિ સમજાવે છે.

શ્લોક-૨
કુર્વન્ એવેહ કર્માણિ જિજીવિષેત્ શતં સમાઃ ૤
એવં ત્વયિ નાન્યથેતોઅસ્તિ ન કર્મ લિપ્યતે નરે ૤૤

આમ જ કરતા રહી કર્મો, ઇચ્છો આયુ સો વર્ષનંુ
ઉપાય ન બીજો કોઇ , તો થશે નહીં બંધન કર્મનું.
આ આખું જગત ઇશ તત્ત્વથી વ્યાપ્ત છે એવું મનમાં ઠસી જાય પછી માણસે નિષ્કામ કર્મની વૃત્તિ કેળવવી અને એવી વૃત્તિ રાખી સો વર્ષનું આયુષ્ય ભોગવવાની ઇચ્છા રાખવી.ઋષિએ અહીં સો વર્ષનો ઉલ્લેખ કેમ કર્યો હશે ? કારણ કે તે જમાનામાં ઘણાં લોકો વર્ણાશ્રમ પદ્ધતિ અનુસાર જીવન વ્યતીત કરતા હતાં.પચીસ વર્ષનો એક એવા ચાર “બહ્મચર્ય,ગૃહસ્થ,વાનપ્રસ્થ અને સંન્યસ્ત” આશ્રમોનો પુરેપુરો અનુભવ મેળવી લેવાની તક ન ચૂકવી જોઇએ. તો જ આ પ્રકૃતિનો પાકો પરિચય થાય એમ ઋષિનું કહેવું છે.આ ચાર આશ્રમોના – આ ચાર પ્રકારના શ્રમોના – મુખ્ય બે વિભાગ પાડી શકાય. પહેલા વિભાગમાં આવે બહ્મચર્ય અને ગૃહસ્થાશ્રમ તથા બીજામાં આવે વાનપ્રસ્થ અને સંન્યસ્તાશ્રમ.પહેલો વિભાગ ભૌતિક જીવનના વિકાસ માટે એટલે કે પ્રકૃતિને સમજવા માટે છે જયારે બીજો વિભાગ આધ્યાત્મિક જીવનના વિકાસ માટે અટલે કે પુરૂષને સમજવા માટે છે.બહ્મચર્ય આશ્રમ એ સુખી જીવન માટે વ્યકિતએ પોતના કુટુંબ,સમાજ અને સૃષ્ટિ સાથે કેવો સંબંધ રાખવો જોઇએ તે અંગેના સિધ્ધાંતો શીખવા માટે છે. આ આશ્રમ દરમિયાન વ્યકિતના ભરણ પોષણની અને તેના શિક્ષણની જવાબદારી મુખ્યત્વે તેના કુટુંબ અને તેના સમાજને માથે રહે છે. (એટલા માટે જ વિદ્યાર્થીઓ ભિક્ષા માંગવા નીકળતા) જીવનના પહેલાં પચીસ વર્ષ જીવની આ બધી વિદ્યા શીખવામાં તેણે ગાળવા જોઇએ. તેથી જ બહ્મચર્ય આશ્રમને વિદ્યાર્થી અવસ્થા પણ કહેવાય છે.આ સમય પૂરો કરી છવ્વીસથી પચાસ વર્ષ આ બધી વિદ્યાનો જીવન વ્યવહારમાં ઉપયોગ કરવાનો છે. ગૃહસ્થ બની ઉગતી નવી પેઢીને કેળવવાની જવાબદારી માથે લેવાની છે. તેથી જ આ આશ્રમ ગૃહસ્થાશ્રમ કહેવાય છે.આમ જીવનના પચાસતો પૂરા કર્યાં. હવે પચાસથી પંચોતેરમાં જીવનના આધ્યાત્મિક વિકાસ માટેના સિદ્ધાન્તો શિખવાના છે.આધ્યાત્મિક વિકાસ માટે મનને અંતરમુખ કરવું એ અતિ આવશ્યક છે. અને તે ત્યારે જ શકય થાય કે જયારે મન ગૃહસ્થ જીવનની જંજાળમાંથી છૂટે. પરંતુ આગલા પચાસ વર્ષની પડેલી ટેવો આસાનીથી છૂટે ખરી ? એટલે આ પચીસી દરમિયાન ધીરે ધીરે તેનાથી મુકત થતાં જવું. આ આશ્રમ દરમીયાન મનુષ્યે પોતાની જવાબદારીઓ નવી પેઢીને સોંપી દેતા શીખવાનું છે. અને આ-શ્રમમાં નિપુણતા મેળવીને જીવનની શેષ પચીસીમાં એટલે કે સન્યસ્તાશ્રમ વેળા મનને શ્રવણ, મનન અને નિદિધ્યાસ તરફ વાળવાનું છે.આ શ્લોકમાં નિષ્કામ કર્મ ઉપર ખાસ ભાર મુકતાં ઋષિએ કહયું કેે કર્મના લેપનથી જો મુકિત મેળવવી હોય તો કેવળ આ એક જ માર્ગ છે. ઇશાવાસ્યના આ પહેલા બે શ્લોક સમજાવતાં ગીતામાં શ્રી કૃષ્ણ અર્જુનને કહે છે કે
કર્મણ્યેવાધિકારસ્તે મા ફલેષુ કદાચન ૤
મા કર્મફલહેતુઃ ભુઃ મા તે સંગો અસ્તુ અકર્મણિ ૤૤ ગીતા ૨-૪૭
હે અર્જુન, તારામાં કેવળ કર્મ કરવાની જ લાયકાત છે, તેનું ફળ કેવું અને કયારે મળશે તે જાણવાની લાયકાત તારામાં નથી માટે ફળ મેળવવાનો હેતુ ન રાખ, અર્થાત નિષ્કામ કર્મ કર. અહીં અધિકારનો અર્થ લાયકાત કરવો જ યોગ્ય લાગે છે, જેમકે ડૉકટરને દવા આપવાનો અધિકાર છે એટલે કે તેનામાં એ લાયકાત છે. ઇશ્વરે મનુષ્યને ઇન્દ્રિઓ આપી એને કર્મ કરવાની લાયકાત આપી છે. તેથી તો તે કર્મેન્દ્રિઓ કહેવાય છે.પણ કર્મનું ફળ શું હોવું જોઇએ અને કયારે મળવું જોઇએ એનો નિર્ણય કરવાની લાયકાત(શકિત) ઇશ્વરે મનુષ્યને નથી આપી. કર્મનું ફળ કેવું અને કયારે મળવું જોઇએ તેનો નિર્ણય કરવા, કયા કર્મો કયારે કર્યાં, કેવી રીતે કર્યાં, શા કારણથી કર્યાં એ બધાની નોંધ હોવી જોઇએ.મનુષ્ય સવારની વિગતો સાંજ સુધીમાં ભૂલી જાય છે તો તે આ સારાએ જીવનના અને તદ ઉપરાંત પૂર્વ જીવનાનાં બધાય કર્મો કેવી રીતે યાદ રાખી શકે ? એવી સ્મરણ શકિત ઇશ્વરે તેને નથી આપી. અને તે જ સારૂં છે. જો બધું જ યાદ રહે તો મુશ્કેલીનો પાર ન રહે. આ જન્મનો મારો બાપ ગયા જન્મે મારો બેટો હતો એવું યાદ આવે તો કયો બેટો બાપની મર્યાદા રાખે ? એટલે કર્મના ફળની માથાકુટમાં પડયા વગર કર્મ કરતાં રહેવું. આ એક જ રસ્તો છે એમ ઋષિએ કીધું.આ રસ્તે ન ચાલતા કેવળ પ્રકૃતિના ભોગમાં રચ્યા પચ્યા રહેનારની શું દશા થાય છે તે સમજાવતાં ઋષિ કહે છે કે,
વધુ હવે પછી.

Type in

Following is a quick typing help. View Detailed Help

Typing help

Following preferences are available to help you type. Refer to "Typing Help" for more information.

Settings reset
All settings are saved automatically.