“ઈશવાસ્ય-શ્લોક ૧૨,૧૩,૧૪” November 28, 2007
Posted by girishdesai in : ચિંતન લેખ , add a commentશ્લોક ૧૨
અન્ધં તમઃ પ્રવિશન્તિ યે અસંભૂતિમ્ ઉપાસતે
તતો ભૂય ઇવ તે તમઃ ય ઉ સંભૂત્યાં રતાઃ
પ્રવેશે ગાઢ અંધકારે, અસંભૂતિ જે ઉપાસતા
પણ અતિ પ્રગાઢ અંધકારે પ્રવેશે તેઓ
જે રહે રત કેવળ સંભૂતિ મહીં
શ્લોક ૧૩
અન્યદ્ એવ આહુઃ સંભવાદ્ અન્યદ્ આહુઃ અસંભવાત્
ઇતિ શુશ્રુમ ધીરાણાં યે નઃ તદ્ વિચચક્ષિરે
મળે સંભૂતિથી જે કાંઇ તેથી જુદું અસંભૂતિથી મળે
દીધી શીખ જે ધીરજનોએ,તે સુણી તેઓ પાસે અમે
શ્લોક ૧૪
સંભૂતિમ્ ચ વિનાશં ચ યઃ તત્ વેદ ઉભયં સહ
વિનાશેન મૃત્યું તીર્ર્ત્વા સંભૂત્યા અમૃતમ્ અશ્નુતે
સંભૂતિ અને વિનાશ અંગે, જાણેે એક સાથ જે
વિનાશથી તરી મૃત્યુ, સંભૂતિથી અમૃત મેળવે.
આ ત્રણ શ્લોક આગળના ત્રણ શ્લોકનું પુનરાવર્તન જ છે.ફરક કેવળ બે શબ્દોનો જ છે. વિદ્યાને બદલે સંભૂતિ અને અવિદ્યાને બદલે અસંભૂતિ,એટલે કે વિનાશ,એવા શબ્દો ઋષિએ વાપર્યાં છે એનું કારણ આપણે આગળ જોઇ ગયા છીએ તેમ આ ત્રણ શ્લોક સાત્વિક વૃત્તિના મનુષ્યો ને ઉદ્દેશીને ઋષિએ લખ્યાં હોય એમ લાગે છે.ઋષિ સારી રીતે જાણે છે કે વિદ્યાર્થિની લાયકાત પ્રમાણે જ શબ્દોનો ઉપયોગ કરવો જોઇએ. આપણે પણ પાણીને માટે ‘ભૂ’ કે ‘H2O’ એમ બે શબ્દોનો ઉપયોગ કોની સાથે વાત કરીએ છીએ તે વિચારીને જ કરીએ છીએ ને? નાના બાળકને કોઇ ‘H2O’ પીવાનું કહે ખરૂં ? કે કોઇ રસાયણ શાસ્ત્રીને ‘ભૂ’ નુ સમિકરણ સમજાવો એમ કહે ખરૂં ? સંભૂતિ એટલે નર્યું અસ્તિત્વ.અસ્તિત્વં એટલે (અસ્તિ + ત્વં)એટલે કે તું જ છે એવો મનોભાવ. આ ‘તું’ એટલે જ તે ‘પુરૂષ’ અથવા ‘અદઃ’ અને અસંભૂતિ એટલે જેનું અસ્તિત્વ કાયમ નથી એવું અર્થાત વિનાશશીલ એટલે પ્રકૃતિ અથવા ‘ઇદમ.’ આ અગાઉ સાત્વિકની વ્યાખ્યા આપી ત્યારે આપણે જોએલું કે સાત્વિક જનો બે પ્રકારના હોય છે. એક પરમાર્થી એટલે કે સગુણ બ્રહ્મના ‘પ્રકૃતિના’ ઉપાસકો અને બીજા નિસ્વાર્થી એટલે કે નિર્ગુણ બ્રહ્મના ‘પુરૂષના’ ઉપાસકો. હવે આ ત્રણ શ્લોક સમજવાનો પ્રયત્ન કરીએ. ‘અંધમ્ તમઃ પ્રવિશન્તિ એ અસંભૂતિમ્ ઉપાસતે’ એટલે કે જેઓ કેવળ પ્રકૃતિની જ ઉપાસના કરે છે, સગુણ બ્રહ્મની જ સાધના કરે છે અને પુરૂષની-નિર્ગુણ બ્રહ્મની જાણકારી પ્રત્યે ઉદાસીનતા દાખવે છે તેઓ પૂરૂં સત્ય જાણી શકતા નથી. એટલે કે અંધકારમાં જ પ્રવેશે છે એમ જ કહેવાય.પરમાર્થ કરતી વખતે જો પુરૂષનો ખ્યાલ ન રહે તો, પરમાર્થ હું જ કરૂં છું, એવો ભાવ થતાં મનમાં અહંકાર વધે છે. આ છે અસંભૂતિનો ગેરફાયદો, પણ જો પરમાર્થની સાથે સાથે મનમાં પુરૂષનો ખ્યાલ રહે તો, ભગવાનની ઇચ્છાથી હું કોઇને સહાય કરી શકું છું, એવો ખ્યાલ વસતાં મનમાં નમ્રતા અને ભકિતનો ઉદ્ભવ થવાની સંભાવના રહે છે. આ છે અસંભૂતિનો ફાયદો. હવે ‘તતો ભૂય ઇવ તે તમઃ ય ઉ વિદ્યાયામ્ રતાઃ’ નો અર્થ કરીએ. કેવળ પુરૂષની ઉપાસના કરવાથી વધારે અંધકારમાં શી રીતે જવાય! જો એમ જ હોય તો પછી પુરૂષને પૂજે જ કોણ ? યાદ તો હશે જ કે શંાતિ મંત્ર સમજતી વખતે આપણે પુરૂષને તત્વ અને પ્રકૃતિને તેના ગુણ તરીકે સમજેલાં. બીજી દ્રષ્ટિએ જોતાં એમ પણ કહી શકાય કે જો પુરૂષ કોઇ વ્યકિત હોય તો પ્રકૃતિ તેનો ચહેરો છે, એનો દેહ છે. વ્યકિતનો ચહેરો જોયા સિવાય એની પાકી ઓળખાણ થાય ખરી ? કોઇ માણસના ગુણ જાણ્યા વગર એને પૂરેપરો શી રીતે સમજી શકાય? લંગોટ પહેરેલો સાધુ કે સૂટ પહેરેલો સાહેબ સંત છે કે સેતાન એ એના ગુણ જાણ્યા સિવાય શી રીતે કહેવાય? સાધુના વેશમાં રહેલ સેતાનની ઉપાસના કરીએ તો ગાઢ અંધકારની ગર્તામાં જવા બરોબર જ થયું કહેવાયને? બીજું એ કે નિર્ગુણની ઉપાસના કઠણ છે. નિર્ગુણ એટલે શું તે સમજવું અતિ દુષ્કર છે.ઋષિ મુનિઓએ પ્રકૃતિના જે જે વિષય ઉપર ચિંતન કર્યું તે બધામાં કાંઇ ને કાંઇ ગુણ દેખાયો. અને ગુણ દેખાતાં જ બોલી ઉઠયાં ‘નેતી નેતી-આ નહી આ નહી’. એનો અર્થ એ થયો કે આ ઋષિઓને નેતી નેતી ઉચ્ચારતા પહેલા પ્રકૃતિનો પૂરો અભ્યાસ કરવો જ પડયો. પ્રકૃતિને સમજયાં વિના પુરૂષ સમજાય જ નહી. હા, સમજયાનો દંભ કરી શકાય ખરો.આ દંભ એ જ ગાઢ અંધકાર. આ સારૂં જ પુરૂષ દર્શન દેતાં પહેલા પ્રકૃતિ રૂપે પોતાનું પ્રદર્શન કરે છે.જે મનુષ્ય પુરૂષ અને પ્રકૃતિ એટલે કે સગુણને અને નિર્ગુણને એક સાથે સમજયો નથી તેને જ્ઞાની કહેવાય જ નહી. કેવળ પ્રકૃતિની ઉપાસનાથી વિવેક-બુદ્ધિ કેળવી શકાય.વળી કેવળ પુરૂષની ઉપાસનાથી વિનય એટલેકે શ્રદ્ધા અગર નમ્રતા કેળવી શકાય.પરંતુ વિવેક અને વિનયનો સુમેળ ન થાય તો જ્ઞાન પ્રાપ્તિ અસંભવિત છે. વિનય અને વિવેકનો સુમેળ એટલે જ જ્ઞાન યોગ કે રાજ યોગ. વિનય અને વિવેકથી કરેલી સાધના એટલે જ ભકિત.પુરૂષ અને પ્રકૃતિની એક સાથે થયેલી ઉપાસનાની અગત્ય કેટલી છે તે સમજવું હોય તો શ્રી રામકૃષ્ણ પરમહંસ અને એમના ગુરૂ શ્રી તોતાપુરીજી મહારાજ- નાંગટા બાવા-વચ્ચે બનેલ બે પ્રસંગ જાણવા જેવા છે.આમતો આ બન્ને મહાત્મા એક બીજાના ગુરૂ અને શિષ્ય હતા એમ કહી શકાય. શ્રી રામકૃષ્ણ જયારે સમાધિસ્થ અવસ્થામાં પહોંચી જતાં ત્યારે તેમને શ્રી કાલીના દર્શન અચુક થતાં.પરંતુ મા-કાલી એતો પરબ્રહ્મનું સગુણ રૂપ થયું.તેમને હજી સુધી નિર્ગુણ બ્રહ્મની અનુભુતિ થઇ ન હતી.આવે સમયે શ્રી તોતાપુરીજી દક્ષીણેશ્વર આવી પહોચ્યાં અને તેમણે શ્રી રામકૃષ્ણની આવી હાલત જોઇ ત્યારે તેમને દીક્ષા આપી પોતાના શિષ્ય બનાવ્યા અને એક દિવસ ગુસ્સામાં આવી એક કાચનો ટુકડો લઇ શ્રંી રામકૃષ્ણની બે ભમરની વચ્ચે મારી કહયું તું તારૂં ધ્યાન અહીં એકત્રીત કર અને એટલું કહી શ્રી રામકૃષ્ણને એક ઓરડીમાં પૂરી દઇ બહારથી તાળું મારી દીધું.શ્રી રામકૃણને એવી સમાધિ લાગી ગઇ કે ત્રણ દિવસ સુધી તેઓ તે જ સ્થિતિમાં રહયાં. શ્રી તોતાપુરીજી મનમાં વિચારતા જ રહયાં કે હજી તેણે બારણું કેમ ન ખખડાવ્યું.પછી પોતાની ધીરજ ખુટતાં પોતે જ બારણું ઉઘાડયું અને જોયું તો શ્રી રામકૃષ્ણને સમાધિસ્થ સ્થિતિમાં જોયા.તેમણે શ્રી રામકૃષ્ણનું શરીર તપાસી જોયું, તેમનો શ્વાસ તપાસી જોયો અને જયારે ખાત્રી થઇ કે શ્રી રામકૃષ્ણ નિર્વિકલ્પ સમાધિમાં છે ત્યારે તેમને ખૂબ આશ્વર્ય થયું કે જે સ્થિતિએ પહોંચતા પોતાને ચાલીસ વર્ષ લાગ્યાં તે સ્થિતિ શ્રી રામકૃષ્ણએ ત્રણ જ દિવસમાં પ્રાપ્ત કરી. પછી ૐકારના રટનથી રામકૃષ્ણને ભાનમાં આણ્યાં.આ પ્રમાણે શ્રી તોતાપુરીજીની સહાયથી શ્રી રામકૃષ્ણને નિર્ગુણ બ્રહ્મની અનુભૂતિ થઇ. શ્રી તોતાપુરીજીને નિર્ગુણ બ્રહ્મની, ‘પુરૂષની’ અનુભૂતિ થઇ ચુકી હતી.પરંતુ જપ,કીર્તન,ભજન વગેરેમાં તે માનતા નહી.એક વખત શ્રી રામકૃષ્ણ ભજન ગાતા ગાતા તાળી પાડી રહયાં હતાં તે જોઇ તોતાપુરીજી એ ટીકા કરતા કહયું તમે રોટલા કેમ ટીપો છો? જગદંબાની ‘સગુણની’ ભકિત પૂજા અંગે આ બે મહાનુભાવોમાં ઘણી વખત મતભેદ થઇ જતો. પરંતુ વિધિના ખેલ તો જુઓ ત્રણ દિવસથી વધુ કોઇ પણ સ્થળે નહી રહેનારા તોતાપુરીજી શ્રી રામકૃષ્ણના સહવાસમાં સતત અગિયાર માસ રહયાં અને બંગાળના પાણીની તેમના ખડતલ અને નિરોગી શરીર ઉપર અસર થતાં તેઓ લોહીના મરડામાં ફસાયા.આ મરડાનું જોર એટલું વધી કે તેમનાથી પોતાનું મન સમાધિસ્થ કરવું લગભગ અસંભવિત થઇ ગયું. અને જયારે આ સ્થિતિ લંબાઇ ત્યારે તેમણે દેહત્યાગ કરવાનો વિચાર કરી એક રાત્રે ડૂબી મરવાના આશયથી ગંગા જળમાં ચાલવા માડયું.પરંતુ તેઓ ચાલતા ચાલતા આખી નદી પાર કરી ગયા પણ માથાડૂબ પાણી કયાંયે ન મળ્યું તેમને થયું કે આ તે કેવી દૈવી માયા! ડૂબવા જેટલું પાણી પણ આજે આ નદીમાં નથી શું ! તે જ ક્ષણે જાણે કોઇએ એમની બુદ્ધિ ઉપરથી આવરણ હઠાવી દીધું અને તોતાપુરીજીને માતાજીની અનુભૂતિ થઇ. અને ભકિતમાં નહી માનનારા તોતાપુરી ભકિત વિભોર ચિત્તે ‘મા’,’મા’,ના પોકારોથી દિશાઓ ભરી દીધી. અને પ્રભાત થતાં જ શ્રી રામકૃષ્ણ અને શ્રી તોતાપુરીજી મા જગદંબાની મૂર્તિ સમક્ષ પ્રણિપાત કરી રહયાં. આમ આ બેઉ મહાત્માઓએ સગુણ અને નિર્ગુણની અનુભૂતિ કરી પૂર્ણ જ્ઞાન પાપ્ત કર્યું. અહીં એક વાત ધ્યાન ખેંચે એવી એ છે કે નિર્ગુણની સાધના કરતાં સગુણની સાધનાથી સિદ્ધિ મેળવવી સહેલી છે. નિર્ગુણ બ્રહ્મની પ્રાપ્તિમાં તોતાપુરીજીને ચાલીસ વર્ષ લાગ્યા પરંતુ શ્રી રામકૃષ્ણએ સગુણની પ્રાપ્તિ કરી લીધી હતી એટલે નિર્ગુણની પ્રાપ્તિમાં ત્રણ જ દિવસ લાગ્યા.
ટુંકમાં, ઉપરના છ શ્લોકોનો અર્થ એટલો જ છે કે જીવનના સર્વાંગી કે પૂર્ણ વિકાસ માટે પુરૂષ અને પ્રકૃતિનો એક સાથે અને એક સરખો વિચાર કરી તે પ્રમાણે જીવન વ્યવહાર કરવો. આપણે સહુ પ્રકૃતિના ભાગ છીએ તો આપણે આપણી જાતનો જ અસ્વિકાર કરીએ તે કેમ ચાલે! પહેલાં હું કોણ એ જાણું પછી જ ‘તે’ કોણની પંચાત કરૂં તે જ યોગ્ય ગણાય ને ?
પુરૂષ પિતા છે મા પકૃતિ,‘ને આપણે છીએ તેમનાં છોરૂં
જો ન કરી એ સેવા બેઉની તો,રહે જીવન અપૂર્ણ અધુરૂં.
એક વાત આપણે સહુએ યાદ રાખવી જોઇએ કે
પુરૂષ વિના પ્રકૃતિની પ્રગતી થતી નથી
અને પ્રકૃતિ વિના પુરૂષની પ્રતીતિ થતી નથી.
Add comment November 28,