jump to navigation

” ગટરના કીડા ” June 13, 2007

Posted by vijayshah in : કવિતા , add a comment

” ગટરના કીડા ”

જોઇ અસ્વચ્છ શેરીઓ ‘ને મેં જોયાં મેલા મકાનો
ચલવાના રસ્તા ઉપર, લોકો માંડી બેઠા દુકાનો

ફટ ફટદોડતી રીક્ષાઓ ફેલાવે, કાળો ધુમાડો
લેવો પડે શ્વાસ સહુને, પ્રદુષણ ભરી હવાનો.

ઘોળીને પી ગયા છે લોકો, સરકારી ફરમાનો
કાયદો ભંગ કરવાનો જાણે છે સહુને પરવાનો.

કાયદો ભંગ કરી છુટવાનો રસ્તો છે એક મઝાનો
લંાચ લેવા સહુ તત્પર છે, પટાવાળા ‘ને પ્રધાનો.

અનુભવે, પણ ટાળે ન કોઇ પ્રદુષણની આ પીડા
શાને રાચે ગંદકી માંહે, જેમ રાચે ગટરના કીડા !

” પ્રભુને પડકાર” June 12, 2007

Posted by vijayshah in : કવિતા , add a comment

” પ્રભુને પડકાર”

નથી યાદ કે મેં માંગ્યું, જીવન જગમાં આવવા
લાગે જન્મ દીધો તેંતો, મુજને જગમાં ફસાવવા.

ફળ તણી લાલચો આપી, તેમાં તેં ફસવી દીધો,
કર્મ તણી ભરી ભીંસ, ‘ને કેદમાં પૂરી દીધો.

કર્મ, ફળ અને જીવન,આ બધું જ છે તારી લીલા,
જો ન છૂટું હું તેમાંથી, તો વાંક તારો જ છે ભલા.

અનંત અનાદિ મોટો તું, દાબ્યું બ્રહ્માન્ડ પગ તળે
મુજ ગરીબ ને સતાવતાં,કહે,આનંદ તુજને શું મળે !

દે શકિત તુજ સમી મુજને,પછી આવ ફસાવવા
તો જાણું કે તું ન્યાયી છે, વિશ્વ આખું ચલાવવા.

” નિવૃત્તિ ની વૃત્તિ “ June 11, 2007

Posted by vijayshah in : વિચાર , add a comment

” નિવૃત્તિ ની વૃત્તિ ”

મારા નિવૃત્ત થયાને લગભગ નવ વર્ષ પુરા થયાં.અને મને તેનો આનંદ પણ છે.પણ મારા ઘણા મિત્રો જે નિવૃત્ત છે કે નિવૃત્તિને આરે આવીને ઉભા છે તે મને ઘણી વાર પશ્ન કરે છે કે તમે આખો દિવસ શું કરો છો ? કોઇ પ્રવૃતિ વીના તમારો સમય કેમ પસાર થાય છે ? આમાંના મોટા ભાગના મિત્રોને એમ લાગે છે કે નિવૃત્તિ એટલે ઘરની જેલ અને પત્નિ એટલે એ જેલનો જેલર. મને તો લાગે છે કે આનું કારણ એ છે કે આજીવીકા રળવામાં તેઓ એટલા વ્યસ્ત રહયાં કે બીજી કોઇ પવૃત્તિમાં રસ જ ન લીધો અને લીધો તો એવી પ્રવૃત્તિઓમાં કે જે બુઢાપાને સાનુકુળ ન હોય. તેઓ એમ માને છે કે પચીસ ત્રીસ વર્ષ સુધી પ્રવૃત્તિ કરી એટલે હવે નિરાંતે શ્વાસ લેવાનો એમનો પ્રવૃત્તિ સિધ્ધ હક છે. અને તેથી ફાજલ સમયમાં પત્નિની સાથે વગર જોઇતી લમણાકૂટ કરતાં રહે છે. અને પોતાના તેમજ પત્નિના મનમાં અશાંતિ ઉભી કરે છે. આ બધા નિવૃત્તિનો અર્થ “જીદંગી ભર કરેલી પ્રવૃત્તિનો અભાવ” એવો કરે છે અથવા તો જીદંગી ભર એક જ પવૃત્તિની ઘરેડમાં પડી તે પવૃત્તિ જ તેમને નિવૃત્તિ સમાન લાગે છે અને તેથી જ આવી પરિસ્થિતિમાં કોઇ પણ ફેરફાર થાય તો તેમને મુઝવણ થાય છે. મારી દ્રષ્ટિએ તો નિવૃત્તિ એટલે સહકાર યોગ. જો પચીસ ત્રીસ વર્ષ પછી તમારે આરામના શ્વાસ લેવા હોય તો તમારી પત્નિને એ હક નથી શું ? તમને બીજી કોઇ પણ પવૃત્તિ કરતા ન ફાવતું હોય તો પત્નિને એના કામમાં સહાય તો કરી શકોને ? વેકયુમ કલીનર રીપેર ન કરી શકો પણ ચાલુ કરી કાર્પેટ ઉપર ફેરવી તો શકો ને ? એઠાં વાસણ ડીશ વોશરમાં તો મુકી શકોને ? જો પત્નિનનો રોજ બરોજનો બોજ અડધો પણ ઓછો કરશો તો તમને બેઉને શાન્તિઃ,શાન્તિઃ,શાન્તિઃ નો સાચો અનુભવ થશે આ સહાય યોગનું ફળ છે. હું એમ નથી કહેતો કે તમારે કેવળ તમારી પત્નિને જ સહાય કરવી જોઇએ. કોઇ પુસ્તકાલયમાં કે મંદિરમાં કે હોસ્પીટલમાં સ્વયંસેવક બની સેવા આપશો કે કોઇ સામાજિક પવૃત્તિમાં ભાગ લેશો તો પણ ચાલશે.પરંતુ આમ કરવામાં તમારે પુસ્તકાલય કે મંદિર સુધી પહોચવા કોઇની સહાય લેવી પડે એમ હોય તો તો તમે બીજા કોઇને સહકાર યોગ કરાવા પવૃત્ત કરો છો એમ કહેવાય. બીજા ઉપર એડલો બધો ઉપકાર કરવાની કોઇ જરૂર નથી. ઘરમાં જો પત્નિને સહકાર આપશો તો આમુશ્કેલી નહીં નડે. નિવૃત્તિ વેળાની વૃત્તિ જો આવી હશે તો નિવૃત્તિમાં ઘર જેલ જેવું નહીં પણ સહેલ કે મહેલ જેવું લાગશે. આખી જીંદગી કોઇના સરવન્ટ રહયા તો હવે હાઉસ હસ્બન્ડ થાવામાં શું વાંધો છે. જો બીજું કઇ ન કરોતો આટલું જરૂર કરજો આ બુઢાની વાત માનો.અને જો આ બુઢાની વાતમાં વિશ્વાસ ન હોય તો તમારા પૌત્રો અને પૌત્રીઓ તમને “દાદા દાદા” કહીને શું કહેવા મથે છે તેનો વિચાર કરો. નિવૃત્ત થયા છો, દાદા થયા છો પણ દાદાનો સાચો અર્થ શું છે તે ખબર છે ? સંસ્કૃત ભાષામાં દા નો અર્થ છે આપવું. એટલે એ ન્હાનાં ભુલકાંઓ “દાદા દાદા” કહી તમને કહે છે ‘આપો આપો’. શું આપો ? તમારી સહાય આપો,તમારો સમય આપો,તમારી શકિત આપો,તમારો પ્રેમ આપો. કેવળ ન આપતા કોઇને વણમાંગી સલાહ. અરે હા,એમ ન માનતા કે હું તમને સહુને આ વણમાંગી સલાહ આપી રહયો છું આતો મારા અનુભવ સિદ્ધ વિચારો જ રજુ કરૂં છું. સ્વિકારો કે ના સ્વિકારો એ તમારી મરજીની વાત છે.માટે “યથા ઇચ્છસિ તથા કુરૂ”
અસ્તુ.

” કાળની કરામત ” June 10, 2007

Posted by vijayshah in : કવિતા , add a comment

” કાળની કરામત ”
જુઓ ગ્રહી લેવા પોતાનું ભાવિ
મૂકે દોટ કેવી,વર્તમાને મનુષ્ય,
અને તે હાથ લાગ્યું,ન લાગ્યું ત્યાંતો
થઇ જાય ભૂત,હતું જે ભવિષ્ય.

મૃત્યુ પછી પણ ભૂત મૂકે ન કેડો
બની વાસના, તે સાથે આવે અવશ્ય,
વળી અંચળો ઓઢી પ્રારબ્ધ કેરો
બને ભૂતમાંથી તે નવ જીવનનું ભવિષ્ય.

જુઓ આ કરામત,કાળ ‘ને કર્મ કેરી
કરે જે ભાવિનું ભૂત ‘ને ભૂત કેરૂં ભવિષ્ય.
ભૂત અને ભાવિ કેરા આ ચક્રમાંથી
થાયે મુકત, નિષ્કામ કર્મ કરીને મનુષ્ય.

” સાચો સતસંગ ” June 9, 2007

Posted by vijayshah in : કવિતા , add a comment

” સાચો સતસંગ ”
વસ્ત્રો ભગવા ધારણ કીધે, ન આવે તૃષ્ણાનો અંત
તૃષ્ણા મનની મારવા, કરવો પડે સતસંગ.
વિચાર,વાણી,વર્તન મહીં જ્યારે ભળે સત્યનું અંગ
ત્યારે જાણવું કે થઇ ગયો છે સાચો સતસંગ.
***************
માટી કેરી ઇંટો થકી, ચણી શકાય ભવ્ય મંદિર
કેવળ શ્રદ્ધા કેરી ઇંટથી, કરી શકાય મનને સ્થિર.
***************
દાંપત્ય જીવન વહે સુખેથી,
જો થયું હોય બે દિલોનું પ્રેમ માહીં દ્રાવણ
પણ વહે તે સાચે મુસીબતોથી
જો હોય તેમાં કેવળ કામનાનું કામણ.

” વિચારના પ્રકાર “ June 7, 2007

Posted by vijayshah in : ચિંતન લેખ , add a comment

” વિચારના પ્રકાર ”

વિચાર એટલે મગજ ઉપર થતી ઉત્તેજનાનો પ્રત્યાઘાત.મગજ સાથે જોડાયેલી કરોડરજજુ એ મગજનો જભાગ ગણાય. કારણ કે મગજ અને શરીરના અન્ય અંગો વચ્ચેનો વાર્તાલાપ આ કરોડરજજુ દ્વારા જ થાય છે.કુંડલિની યોગમાં કરોડરજજુના છ ચક્રોનું વર્ણન કરવામાં આવે છે.આ છ ચક્રના નામ છે મૂલાધાર, સ્વાધિષ્ઠાન,મણીપૂર,અનાહત,વિશુદ્ધ અને છેલ્લું આજ્ઞા ચક્ર અને સાતમું ચક્ર મગજની મધ્યમાં આવેલું છે અને તેને બ્રહ્મરંધ્ર કે સહસ્રાર કહેવાય છે. કરોડ રજજુના આ છ ચક્રોને વેણુના છ છિદ્રો સાથે સરખાવી શકાય.જેમ વાંસળીના જુદા જુદા છિદ્રોમાંથી જુદા જુદા સૂર નિકળે છે તેમ આ કુંડલિનીના જુદા જુદા ચક્રોમાંથી જુદા જુદા વિચારો ઉદ્દ્ભવે છે.આને જ હું કૃષ્ણની વાંસળી સમજું છું.એમાંથી નીકળતા વિવિધ સૂર એટલે આપણું જીવન.
વિચારના પાંચ મુખ્ય પકાર છે.

૧ વૃત્તિ જેમ કે જિજીવિષા, પ્રજનન, કુદરતી હાજત

૨ લાગણી જેમ કે રાગ, દ્વેષ

૩ વિવેક જેમ કે સારા નરસાની તુલના

૪ સ્ફુરણા જેમ કે અંતરનો અવાજ કે પશ્યન્તિ વાણી

૫ અનુભૂતિ અથવા દર્શન

જો મગજની ઉત્તેજનાનું કારણ મૂલાધાર, સ્વાધિષ્ઠાન કે મણીપૂર ચક્ર હોય તો તેમાંથી ઉદ્દ્ભવેલા વિચારોને વૃત્તિ કહેવાય,

જો ઉત્તેજનાનું કારણ અનાહત ચક્ર હોય તો ઉદ્દ્ભવેલા વિચારને લાગણી કહેવાય.

વિશુદ્ધ ચક્રને કારણે ઉદ્દ્ભવેલાં વિચારોને વિવેક કહેવાય

આજ્ઞા ચક્રને કારણે જન્મેલાં વિચારોને સ્ફૂરણા કહેવાય. અને

સહસ્રાર કે બ્રહ્મરંધ્રમાંથી જન્મતી ઉત્તેજનાના પત્યાઘાતને અનુભૂતિ કે દર્શન કહેવાય.

આ બધું વર્ગીકરણ મે મારી સમજ પ્રમાણે સ્વેચ્છાએ કરેલું છે.એ અંગે મારી પાસે કોઇ પુરાવો
નથી. માટે એને માન્ય રાખતાં પહેલા કોઇ વિદ્વાન વ્યકિતનો અભિપ્રાય લેવાનું સહુ વાંચકોને મારું સૂચન છે.

” તાણો અને વાણો ”

Posted by vijayshah in : કવિતા , 1 comment so far

” તાણો અને વાણો ”

તાણો ન આવે વાણાની આડે
વાણો આવે ન આડે તાણાની
વળી એક બીજામાં ગુંથાઇ જાયે
અને બને ચાદર સુંદર મઝાની.

જો પતિ ન આવે પત્નિની આડે
‘ને જો ન આવે આડે પત્નિ પતિની
પણ સદા રહે એક બીજામાં ગુંથાઇ
તો બેઉની જીંદગી બને મઝાની ?

” સત્ય- નારાયણની કથા “ June 5, 2007

Posted by vijayshah in : ચિંતન લેખ , add a comment

” સત્ય- નારાયણની કથા ”

આ ત્રણ શબ્દોથી હિન્દુસ્તાનમાં જન્મેલી અને ઉછરેલી કોઇ પણ હિન્દુ વ્યકિત વાકેફ ન હોય એવું કવચીત જ બને. સ્કંદ પુરાણના રેવા ખંડમાં સમાયેલી આ કથામાં બીજી પૌરણિક કથાઓની જેમ જ સાંકેતિક ઉપદેશ આપવામાં આવ્યો છે એમ હું માનું છું.મારી દ્રષ્ટિએ જોતાં આ કથાનું તાત્પર્ય અને મહત્વ સમજવું હોયતો આ ત્રણે શબ્દોનો અર્થ અલગ અલગ સમજવો જોઇએ.અર્થાત સત્ય એ શું ? નારાયણ એટલે કોણ ? અને કથા એટલે શું ?
સત્ય એટલે ?
શાસ્ત્રોમાં સત્યના બે પ્રકાર ગણાવ્યા છે.એક કહેવાય છે ઋત અને બીજો કહેવાય છે સત્ય. ઋત એટલે એ વસ્તુ કે વિચાર કે જે સમયની ચૂડમાં સપડાય નહીં. એટલે કે સમયના વહેણ સાથે એ વસ્તુ કે વિચારમાં કોઇ ફેરફાર થાય નહીં.” જેમ કે ગુરૂત્વાકર્ષણનો નિયમ, અથવા જન્મેલાનું મૃત્યુ થવાનું જ છે” એવું વિધાન.અને સત્ય એટલે રોજીંદા જીવન દરમિયાન થોડા ઘણા સમય માટે ન બદલાતી વસ્તુ કે વિચાર જેમ કે હું આજે જીવિત છું, પણ કાલે ન પણ હોઉં. અથવા “હું પહેલા બાળક હતો, હવે યુવાન છું અને પછી વૃદ્ધ થઇશ” આ ત્રણે વિધાન સત્યતો છે જ પણ તે ત્રણેની સાથે ભૂત,વર્તમાન અને ભાવિ સંકળાયેલા છે ને ?
નારાયણ એટલે ?
હવે નારાયણનો અર્થ શું ? “નારાયન એટલે નાર+અયન” નાર નો એક અર્થ છે “ઇશ્વર” અને અયન એટલે “ની તરફ જવું ” જેમકે ઉત્તરાયન,દક્ષિણાયન.આ ઉપરથી એમ કહેવાય કે નારાયણ એટલે ઇશ્વર તરફ જવું અથવા ઇશ્વર પરાયણ થવું કે સાચા વૈષ્ણવ બનવું.અર્થાત નારાયણ એટલે કોઇ વ્યકિત નહીં પણ જીવન જીવવાની એક પદ્ધતિ એમ સમજવાનું છે.
કથા એટલે ?
કથા એટલે કોઇ અમુક વિશય અંગે જે કહેવાયું છે તે.
આમ આપણા જીવન દરમિયાન ઇશ્વર તરફ જવા માટે, સાચા વૈષ્ણવ કઇ રીતે થવું એ અંગે જે કહેવામાં આવ્યું છે તે જ સત્યનારાયણની કથા. પરંતુ આ કથાને કેવળ કથા નહીં પણ એક વ્રત તરીકે સમજીએ તો જ સાચા વૈષ્ણવ થવાય. વ્રત એટલે સ્વૈછિક રીતે મનને શિસ્તબદ્ધ કરવા અમુક ચોકકસ નિયમોનું પાલન કરવાનો મનસુબો. પહેલા અધ્યાયના પહેલા વાકયમાં જ આ વાત સ્પષ્ટ કરવામાં આવી છે. નૈમિષારણ્યમાં શૌનકાદિ ઋષિઓએ કયું વ્રત કરવાથી એટલે કે કયા નિયમોનું પાલન કરવાથી વાંછિત ફળ મળે છે એ અંગે સમજાવવા સૂત મુનિને વિનંતી કરી છે. અને તેના જવાબમાં સૂત મુનીએ દ્રષ્ટંાત રૂપી ચાર કથાઓ કહીને સાચા વૈષ્ણવ કેમ થવું તે સમજાવવાનો જે પયત્ન કર્યો છે તે છે સત્યનારાયણની કથા.
અધ્યાય પહેલો
આ અધ્યાયમાં,અધ્યાય બે થી પાંચમાં બતાવેલા નિયમો કોણે પાળવા તે અંગે થોડી માહિતી આપતા કહયું છે કે આ નિયમો પાળવામાં વર્ણ, જાતિ કે સમયની કોઇ જ બાધા નથી.અર્થાત ઇશ્વરાભિમુખ થવાની ઇચ્છા વાળી હરેક વ્યકિતએ આ નિયમો હંમેશા પાળવા જોઇએ. કયારે પાળવા તે અંગે વધારામાં ભાર મુકીને એમ કહયું કે આ કથા ખાસ કરીને સંધિ કાળે કરવી.સંધિ કાળ એટલે શું ? બે વિરૂદ્ધ પરિસ્થિતિનો ઉકેલ લાવવા માટે લેવાતો વચગાળાનો માર્ગ. એટલે જયારે મનમાં દ્વિધા ઉત્પન થાય ત્યારે આ કથામાં વર્ણવેલા નિયમો પાળવાથી જરૂર સમાધાન થશે.અને કેવી રીતે પાળવા એ અંગે કહયું કે
પ્રસાદમાં વપરાતી બધી સામગ્રીનું પ્રમાણ સવા ઘણું રાખવું. અહીં પ્રસાદના બે અર્થ છે.ભગવાન તરફથી આપણને મળે તે પ્રસાદ એટલે ભગવાનની મહેરબાની અને આપણે ભગવાનને જે અર્પણ કરીએ તે પ્રસાદ એટલે નૈવેદ્ય અથવા આપણે વ્રતની સફળતા માટે કરેલી મહેનત.પોતાની મહેનત વિના ઇશ્વરની મહેરબાની માટે આશા રાખવી એ સાચા વૈષ્ણવનું લક્ષણ નથી.અને એટલે જ અહીં કહયું કે નૈવેદ્યનું પ્રમાણ, અર્થાત મહેનત, સવા ઘણી કરવી એમાં જરાપણ કચાશ કે આળસ ન રાખવી.વળી આપણી મહેનતથી મળેલી પ્રભુની પ્રસાદીનો લાભ બીજાને જરૂર આપવો,એટ્લે કે પ્રસાદ વહેચવો. હવે આ નિયમો અંગે વિચારીએ.
અધ્યાય બીજો
આ અધ્યાય વાંચતા ત્રણ નિયમો નજર સમક્ષ તરી આવે છે.એક એ કે ભીખ માંગીને પરતંત્ર જીવન જીવવા કરતા દરેક વ્યકિતએ સ્વાવલંબી બની સ્વતંત્ર જીવન જીવતા શીખવું જોઇએ. ભીખ માંગવી એટલે પર ધનનો સ્વિકાર કરવો. અને સાચો વૈષ્ણવતો તે જ કહેવાય કે જે “પરધન નવ ઝાલે હાથ રે” શતાનંદ બ્રાહ્મણના ઉદાહરણથી આ વાત સ્પષ્ટ કરવામાં આવી છે. અને કઠિયારાના ઉદાહરણથી એમ સમજયાવ્યંુ છે કે કેવળ ગધ્ધા વૈતરૂં કરવાથી પણ કાંઇ વળતું નથી. જે કાંઇ કરીએ તેમાં બુદ્ધિનો ઉપયોગ આવશ્યક છે જ. કઠિયારો જો પહેલેથી જ આળસ કર્યાં વગર ધનિક લત્તામાં લાકડા વેચવા નિકળ્યો હોત તો ધન પ્રાપ્તિમાં સરળતા થઇ હોત.પણ સૌથી મુદ્દાનો નિયમ તો એ છે કે કોઇએ પણ મનમાં ઉચ નીચનો ભેદ ન રાખવો. એટલે જ આ અધ્યાયમાં બ્રાહ્મણ અને શૂદ્રનો સુમેળ કર્યો છે. કથા જેવા શુભ અને પવિત્ર પ્રસંગે પણ બ્રાહ્મણે કઠિયારાને આવકાર્યો છે. આ અધ્યાયમાં સદવર્તન ઉપર ભાર મુકવામાં આવ્યો છે.
અધ્યાય ત્રીજો અને ચોથો
આ બે અધ્યાયમાં સત્ય વાણિ અને સદ વિચાર ઉપર ભાર મુકાયો છે. સાધુ વાણિયો કે તકસાધુ વાણિયો પોતાનું કામ કઢાવી લેવા ભગવાનને પણ છેતરવાનો પ્રયત્ન કરે છે. જુઠું વચન આપી પોતાની મતલબ માટે પોતાની પત્નિને ઉઠા ભણાવે છે. સાચો વૈષ્ણવ તો ” જિહ્વા થકી અસત્યન બોલે ” અને “મોહ માયા વ્યાપે નહી જેને” પણ વાણિયાથી તો એની સંપત્તિનો મોહ છુટતો જ નથી એટલે તે યતિના વેશમાં આવેલા નારાયણને પણ ઉઠા ભણાવે છે. વળી કલાવતિના ઉદાહરણથી એમ સમજાવ્યું છે કે જયાં સુધી વ્રત પાલનમાં સફળતા ન મળે, ( પ્રભુની પસાદ્દી,મહેરબાની)ન મળે, ત્યાં સુધી એ વ્રતનો ત્યાગ ન કરવો. એટલે કે આરંભેલું કામ અધુરૂં ન છોડવું. આગળ કહયું તેમ મહેનત તો સવા ઘણી કરવી તો જ મહેરબાની મળે આપણે ગુજરાતીઓને તો કાછીયા કે મોદી કને થોડું નમતું જોખાવવાની ટેવ છે તો નારાયણને નૈવેદ્ય ધરાવવામાં આપણે પણ નમતું જોખતાં શિખવું જોઇએ ને ? આ નમતું જોખવું એટલે સવા ઘણું કરવું એમ કહેવાય. આ અધ્યાયમાં પણ બ્રાહ્મણ, વૈષ્ય અને ક્ષત્રીયના એક બીજા પ્રત્યેના વ્યહવારનું વર્ણન કરી ઉચ નીચ વચ્ચેનો ભેદ દૂર કરવા કહયું છે.આ અધ્યાયમાં વાણિ અને વર્તન ઉપર ખાસ ભાર મુકાયો છે.
અધ્યાય પાંચમો?
આ અધ્યાયમાં વિચાર અને વર્તન ઉપર ભાર મુકવામાં આવ્યો છે. રાજા અંગધ્વજ ગોવળીયાઓ સાથે અભિમાન યુકત વર્તન કરી પ્રસાદની અવગણના કરે છે. સાચો વૈષ્ણવતો “મન અભિમાન ન આણે રે” અંગધ્વજના અભિમાનનું મુખ્ય કારણ તેના મનમાં રહેલો ઉચ નીચનો ભેદ છે. તેને મનમાં થયું હશે કે “હું આ ગમાર ગોવાળીયાઓનું રક્ષણ કરનાર રાજા છું તો એમનો આપેલો પ્રસાદ હું કેમ લઇ શકું.” અભિમાન એટલે જ અહંભાવ અને જયાં સુધી મનમાં અહંભાવ હોય ત્યાં સુધી ઇશ્વરાભિમુખ થવું અઘરૂં છે.
કથાનો સાર
આ કથાનો સાર તો એટલો જ છે કે જેને ઇશ્વરાભિમુખ થવાની ઇચ્છા હોય તેણે આ કથામાં વર્ણવેલા બધા જ નિયમોનું સતત અને શિસ્ત પૂર્વક પાલન કરવું. આ નિયમો ફરીથી નીચે ટાંકયા છે.
૧. મનમાં ઉચ નીચનો ભેદ ન રાખો.
૨. સ્વાવલંબી બની સવા ઘણી મહેનત કરો.
૩. તમારી મહેનતથી જે ફળ પાપ્ત થાય તેની વહેંચણી કરતા શિખો.
૪. આરંભેલું કામ અધુરૂં ન મુકો.
૫. મનમાં અભિમાન ન રાખો.
૬. વાણી, વર્તન અને વિચારમાં સદભાવ રાખો.
૭. આ નિયમોનું સતત પાલન કરો એટલે કે તેને જીવનમાં વણી લો.

આટલા નિયમો જે પાળે તેનું જીવન સુખમય જ રહેને ?
આ છે આ ક્થાના ” સાત કમાન્ડમેન્ટસ”

” કાચના વાસણ “

Posted by vijayshah in : કવિતા , 1 comment so far

” કાચના વાસણ ”

જુઓ સોહે વાસણ કાચના
વળી કરે અતિ મધુર રણકાર
પણ છુટે જો તે હાથથી તો
રહે કેવળ મૂલ્યહીન ભંગાર.

ભલે ન સોહે વાસણ ધાતુનાં
‘ને હોયે ગોબા તેમાં બે ચાર
છતાં લાગે કામ તે રાંધવા
‘ને ઉપજે પૈસા થતાં ભંગાર.

જો હશે તમ મન કાચ સમ
તો નહીં લાગે નંદવાતાં વાર
વળી સહુ જન તમને ટાળશે
‘ને રહેશે દૂર મિત્ર પરિવાર.

પણ કરી મન તમ ધાતુ સમ
સહેશો
કટુ વાણી,વર્તન ‘ને વિચાર
તો રહેશે જીવન હળવું અને
તમારો થશે જરૂર બધે સત્કાર.

” નેતિ નેતિ બ્રહ્મ “ June 4, 2007

Posted by vijayshah in : કવિતા , 2 comments

” નેતિ નેતિ બ્રહ્મ ”

કહેવું શૂન્યને મોટું કે નાનું
તે ન કદી સમજાય.
શૂન્ય તણા આવે વિચારો
‘ને મન મારૂં મુઝાય.

જે શૂન્યમાં તરે છે સૃષ્ટિ સારી
તે અણુમાં પણ સમાય.
અણોર્ અણિયાન મહતો મહિયાન
તેથી તો તેને કહેવાય.

શૂન્ય ન બળે અગ્નિથી કદી
‘ને પાણીથી તે ન ભીંજાય.
શૂન્ય ન સૂકાયે વાયુથી
કે ન શસ્ત્રથી તે છેદાય.

આ શૂન્યમાં સંતાઇ જે શકિત
તે શકિત બ્રહ્મ કહેવાય.
સર્વવ્યાપિ છે શૂન્ય શકિત આ
પણ ન કદી કો’ને દેખાય.

જેણે જાણી આ શૂન્યની શકિત
તે સહુ દ્રષ્ટાઓ કહેવાય.
‘ને તેઓનું કહેવું છે કે આ શકિત જ
નેતિ નેતિ બ્રહ્મ કહેવાય.

Type in

Following is a quick typing help. View Detailed Help

Typing help

Following preferences are available to help you type. Refer to "Typing Help" for more information.

Settings reset
All settings are saved automatically.