jump to navigation

“ઇશાવાસ્ય શ્લોક ૬,૭,૮” November 21, 2007

Posted by girishdesai in : ચિંતન લેખ , trackback

શ્લોક- ૬
યત્સુ સર્વાણિ ભૂતાનિ આત્મન્યેવાનુપશ્યતિ ૤
સર્વભૂતેષુ ચ આત્માનં તતો ન વિજુગુપ્સતે ૤૤
પણ જુએ જે સર્વ ભૂતોને,આત્મમાં જ સદા રહ્યાં
અને જુએ જે વળી આત્માને,સર્વ ભૂતોમાં રહ્યો
ન થાય જાણજો તેને, કદીયે કોઇની ઘૃણા.
શ્લોક-૭
યસ્મિન્ સર્વાણિ ભૂતાનિ આત્મૈવાભૂદ્ વિજાનતઃ ૤
તત્ર કો મોહઃ કઃ શોક એકત્વમ્ અનુપશ્યતઃ ૤૤
જાણે છે જે આત્માને જ, સર્વ ભૂતો બની રહ્યો
જુએ એકત્વ જે આવું, તેને હર્ષ કે શોક શો?
અહીં આપણે સર્વભૂતોનો અર્થ સમાજ કરીએ અને આત્મવતનો અર્થ પોતાની જાત કરીએ તો આ બેઉ શ્લોકનો સરળ અર્થ એ થાય કે જયારે કોઇ પણ વ્યકિત અમુક સંજોગોમાં પોતાની જાતને બદલે પોતાના સમાજનો વિચાર કરી વર્તે તો તે બીજાઓની નીંદાને પાત્ર નથી થતી અને પોતે પણ બીજાઓની નિંદા કરવા નથી પ્રેરાતી દા.ત. જો આજના આપણા કહેવાતા નેતાઓ અને પ્રધાનો, આપણા કહેવાતા સંત અને સાધુઓ જો પોતાના ખીસ્સા ભરવાને બદલે કે આશ્રમો સ્થાપવાને બદલે તે જ દ્રવ્યનો સમાજિક કાર્યમાં વ્યય કરે તો પછી નિંદાને પાત્ર બને ખરાં ? જો તેઓ લાંચરૂશ્વતનો કે આશ્રમો સ્થાપવાનો મોહ છોડી દે તો તેઓ ઘૃણાને પાત્ર થાય ખરા ? અને જો તેઓ બીજા પ્રત્યે મનમાં ઘૃણા ન રાખે તો જ આમ કરી શકે ને ? જે સ્વાર્થ ત્યજે તે જ પરમાર્થી કે નિસ્વાર્થિ થઇ શકે. જે મનુષ્ય બધામાં ઇશ્વર છે એવું સમજે એટલે કે બધા ઇશ્વરનો જ અંશ છે એમ સમજે તે બુદ્ધિમાન કે વિવેકી કહેવાય અને આવી વ્યકિત મહદ્ અંશે પરમાર્થીેહોય છે.પરંતુ જે વ્યકિત ઇશ્વરમાં બધાને જુએ છે યાને કે બધું જ ઇશ્વરમય છે એમ સમજે છે તેને શ્રદ્ધાળુ કે વિનયી કહેવાય અને તે મહદ્ અંશે નિસ્વાર્થી હોય છે.વળી જે વ્યકિત બધામાં ઇશ્વરને અને ઇશ્વરને બધામાં જુએ છે યાને કે જે વ્યકિતને ઇશ્વર સિવાય કશું દેખાતું નથી તેને જ્ઞાની કહેવાય.આવી વ્યકિત જ પરમહંસ કહેવાય. શ્રી રામકૃષ્ણ આ પરમહંસ કોટીના હતા.તેમને ઘાસના તણખલામાં પણ ઇશ્વર દેખાતો. અને તેથી જો કોઇ ઘાસ ઉપર ચાલે તો ઘાસને થતી લાગણી પોતે અનુભવતા. આને “એકત્વમ્ અનુપશ્યતઃ” કહેવાયને ? આવા જ્ઞાનીને હર્ષ શું કે શોક શું. તે કોની ઘૃણા કરે ? શ્રી રામકૃષ્ણના જીવનમાં બનેલો આ એક બનાવ છે.એક વખત તેમણે દૂરથી બે માછીમારોને લડતાં જોયા.એ બેમાંથી જેને માર પડયો એની પીઠના સોળ તેમની પોતાની પીઠ ઉપર ઉપસી આવ્યાં. એકત્વના અનુભવનું આનાથી વધુ સારૂં ઉદાહરણ કશે મળે ખરૂં ? આવો મનુષ્ય જ કાલી માતા માટેના ફૂલ પોતાને માથે ચઢાવી શકે.વેદ વેદાન્તમાં વર્ણવેલાં તત્ત્વજ્ઞાનની સત્તા”સત્યતા”આવા મનુષ્યો જ પુરવાર કરી શકે છે.જયાં સુધી ભારતની ભૂમિ ઉપર શ્રી શંકરાચાર્ય,શ્રી ચૈતન્ય મહાપ્રભુ,શ્રી રામકૃષ્ણ પરમહંસ અને શ્રી રમણ મહર્ષિ જેવા મનુષ્યો જન્મ લેશે ત્યાં સુધી વેદાન્તોની સત્તાને કોઇ ઝાંખપ નહીં લગાડી શકે. કોઇ એનો પરાજય નહીં કરી શકે.મારી દૃષ્ટિએ શ્રી કૃષ્ણએ ગીતામાં જે – યદા યદાહિ ધર્મસ્યનું- ઉચ્ચારણ કર્યું તે એટલું જ સમજાવવા કે જયારે જયારે મોટા ભાગના લોકોને વેદોના જ્ઞાન અંગે મનમાં આશંકા અને અશ્રદ્ધા ઉપજે છે ત્યારે ત્યારે હું આવી વ્યકિત રૂપે અવતાર ધારણ કરૂં છું.સંભવામિ યુગે યુગે. આ આખું જગત ઇશતત્ત્વથી આચ્છાદિત છે એવું કહેનાર ઇશાવાસ્યના રચયિતા ૠષિ પણ આવી જ પરમહંસ કોટીના હશે એમા મને જરાય શંકા નથી. શ્લોક ચાર અને પાંચમા વર્ણવેલું બ્રહ્મનું સ્વરૂપ કેવળ શ્રીરામકૃષ્ણ જેવા ગુરૂ વીના શ્રી વિવેકાનંદ જેવા શિષ્યને કોણ સમજાવી શકે ?
શ્લોક-૮
સઃ પર્યગાત્ શુક્રમ્ અકાયમ્ અવ્રણમ્ અસ્નાવિરં શુધ્ધમ્ અપાપ વિધ્ધમ્ ૤
કવિઃમનીષી પરિભૂઃ સ્વયંભૂઃ યથાતથ્યતઃ અર્થાન્ વ્યદધાત્ શાશ્વતીભ્યઃ સમાભ્યઃ ૤૤
જે છે સ્નાયુ વિહોણું, અકાય,અપાપવિધ્ધ
‘ ને વળી છે વ્રણ વિહીન અને શ્ચેત, શુધ્ધ
કવિ,પરિભૂ,મનીષી, સ્વયંભુ
છાઇ રહ્યું તે ગોઠવી સર્વને નિત્ય સ્થાને
અથવા
સ્નાયુ વિહીન અકાય અપાપવિદ્ધને
અને વ્રણ વિહીન તે શ્વેત તથા શુદ્ધને
કલ્પી રહયો જે કવિ પરિભુ મનીષી સ્વયંભુ
તે જાણી ગયો સ્થાન નિત્ય સર્વ પદાર્થ કેરા.
આ શ્લોકનું અર્થ ઘટન બે રીતે કરી શકાય એમ છે અને તેથી જ તેનો અનુવાદ પણ મેં બે રીતે કરવાનો પ્રયત્ન કર્યો છે.આ શ્લોકને આગળના શ્લોક ચાર અને પાંચ સાથે સાંકળી તે સંદર્ભમાં અથવા તો શ્લોક છ અને સાત સાથે સાંકળી બીજા સંદર્ભમાં જોઇ શકાય તેમ છે. શ્લોક આઠની પહેલી બે પંકિતઓમાં તો ૠષિએ એમને થયેલ બ્રહ્માનુભુતિનું વર્ણન કર્યું છે,પરંતુ ત્રીજી પંકિતમાં વપરાયેલા કવિ,પરિભુ,મનીષી અને સ્વયંભુ આ ચાર વિશેષણો કોને માટે વાપરવા તેનો આધાર આ શ્લોકને કયા સંદર્ભમાં સમજીએ છીએ તેના ઉપર છે.જો આપણે આ શ્લોકને શ્લોક ચાર અને પાંચની સાથે સાંકળીએ તો આ વિશેષણો બ્રહ્મને લાગુ પડે છે પરંતુ જો આપણે તેને શ્લોક છ અને સાત સાથે સાંકળીએ તો આજ વિશેષણો સાધકને માટે વપરાયા હોય એમ લાગે છે.હવે આ શ્લોકને શ્લોક ચાર અને પાંચના સંદર્ભમા જોઇએ તો
કવિ= ક્રાન્તદર્શી અર્થાત ભૂત અને ભાવિ બધું જોનારો, સર્વજ્ઞ.
પરિભુ= ચારે બાજુ અસ્તિત્વ ધરાવતો અર્થાત સર્વવ્યાપી.
સ્વયંભુ= પોતાની સ્વશકિતથી ઉદ્ભવેલો અર્થાત સર્વશકિતમાન અને
મનીષી= જેનો વિશ્વમન ઉપર કાબુ છે તેવો અર્થાત ઇશ્વર.
વ્યદધાત્ નો અર્થ છે ઉત્પન્ન કરી વ્યવસ્થિત ગોઠવ્યાં.
આ રીતે જોતાં આ શ્લોકનો અર્થ નીચે પ્રમાણે થઇ શકે.
જે કાયા અને સ્નાયુઓ વિહીન છે, જે પાપ અને જખ્મ વિહીન છે, જે શુદ્ધ અને શ્વેત છે તથા જે સર્વજ્ઞ અને સર્વવ્યાપી છે,એવા સ્વયંભુ ઇશ્વરે શાશ્વત કાળથી આ સૃષ્ટિમાં વ્યાપ્ત થઇ બધાં જ પદાર્થોને પોત પોતાના મુકરર સ્થાને વ્યવસ્થિત રીતે ગોઠવ્યાં.
હવે જો આજ વિશેષણો સાધકને માટે વાપરીએ તો
કવિ= સૃષ્ટિની સર્વે વસ્તુમાં રસ ધરાવનારો. કવિ હૃદય જ પથ્થરથી માંડીને પ્રિયતમા સુધીના કાવ્યો રચે ને?
સ્વયંભુ= પોતાની જાત મહેનતથી જેણે જ્ઞાન પ્રાપ્ત કર્યું છે એવો જ્ઞાની પુરૂષ.
મનીષી= એકનું જ ચિંતન કરનારો અર્થાત ધ્યાની કે સ્થિતપ્રજ્ઞ.
વ્યદધાત=સમજી લીધાં કે મનમાં વ્યવસ્થિત ગોઠવી લીધાં.
આ દ્રષ્ટિએ જોતાં એવો અર્થ થઇ શકે કે કવિ હૃદયના ધ્યાની અને જ્ઞાની એવા સાધકને બ્રહ્મના સ્નાયુ વિહોણા,અકાય નિષ્પાપ,જખ્મ વિહીન,શ્વેત અને શુદ્ધ સ્વરૂપની અનુભૂતિ થતાં,સૃષ્ટિના સર્વ પદાર્થોની યોગ્યતા બલ્કે સાર્થકતા, શું છે અને તેમનું આ સૃષ્ટિમાં શું સ્થાન છે, શું પ્રયોજન છે, તે વાત તેને બરાબર સમજાઇ ગઇ. શ્લોક છ અને સાતમા બ્રહ્મ અને સૃષ્ટિ વચ્ચે તાદાત્મ્ય અનુભવતા સાધકનું વર્તન કેવું હોય છે બતાવ્યું છે પરંતુ આઠમા શ્લોકમાં આવા સાધકની મનોસ્થિતિનું વર્ણન છે. આ શ્લોક નો ક્રમાંક આઠ છે તેથી તેને શ્લોક છ અને સાતના સંદર્ભમાં જોવો એજ વધુ ઉચિત ગણાય એમ મારૂં માનવું છે. હવે આપણે શ્લોક ૯,૧૦ અને ૧૧ને એક સમુહમાં જોઇશું.
આગળ હવે પછી,

Comments»

no comments yet - be the first?


Type in

Following is a quick typing help. View Detailed Help

Typing help

Following preferences are available to help you type. Refer to "Typing Help" for more information.

Settings reset
All settings are saved automatically.