jump to navigation

“ઈશાવાસ્ય – શ્લોક ૯,૧૦,૧૧” November 26, 2007

Posted by girishdesai in : ચિંતન લેખ , trackback

“ઈશાવાસ્ય – શ્લોક ૯,૧૦,૧૧”

November 26, 2007 Edit

શ્લોક ૯
અન્ધં તમઃ પ્રવિશન્તિ યે અવિદ્યામ્ ઉપાસતે ૤
તતો ભૂય ઇવ તે તમઃ ય ઉ વિદ્યાયાં રતાઃ ૤૤
પ્રવેશે ગાઢ અંધકારે,અવિદ્યા જે ઉપાસતા
વળી અતિ ગાઢ અંધકારે પ્રવેશે તેઓ
જે રહે રત કેવળ વિદ્યા મહીં
શ્લોક ૧૦
અન્યદ્ એવ આહુઃ વિદ્યયા અન્યદ્ આહુઃ અવિદ્યા ૤
ઇતિ શુશ્રુમ ધીરાણાં યે નઃ તદ્ વિચચક્ષિરે
મળે જે કાંઇ અવિદ્યાથી તેથી જુદું વિદ્યાથી મળે
દીધી શીખ ધીરજનોએ જે, તેઓ પાસેથી સુણી અમે
શ્લોક ૧૧
વિદ્યાં ચ અવિદ્યાં ચ યઃ તદ વેદ ઉભયં સહ ૤
અવિદ્યયા મૃત્યું તીરત્વા વિદ્યયા અમૃતમ્ અશ્નુતે
વિદ્યા અને અવિદ્યા વિશે, જાણે જે એક સાથ જે
તે અવિદ્યાથી મૃત્યુને તરી,વિદ્યાથી અમૃત મેળવે.
આ ત્રણ શ્લોકમાં ઋષિ વિદ્યા અને અવિદ્યા વચ્ચેનો ભેદ કાંઇક મોઘમમાં સમજાવી રહયાં છે. એમનું કહેવું છે કે વિદ્યાથી કે અવિદ્યાથી કરેલા કર્મનું ફળતો જરૂર મળે છે અને કેવળ આ ફળના પ્રકારથી જ વિદ્યા અને અવિદ્યા વચ્ચેનો ભેદ સમજી શકાય છે.એમનું કહેવું છે કે અમે તો અમારા જમાનાનાં ધીર પુરૂષો પાસે જઇ આ બબતનો નિર્ણય કરેલો.તમારે જો વિદ્યા અને અવિદ્યા વચ્ચેનો ભેદ સમજવો હોય તો તમે પણ તમારા જમાનાનાં ધીર જનો પાસે જઇ તેમને પુછજો.વિદ્યા અને અવિદ્યાનો વચ્ચેનો ભેદ કોઇ શાણા પુરૂષે એક જ વાકયમાં સમજાવ્યો છે. “સા વિદ્યા યા વિમુકતયે” અર્થાત જે મુકિત અપાવે તેજ વિદ્યા બાકી બધી અવિદ્યા.મને લાગે છે કે હવે આ ત્રણ શ્લોક સમજતાં પહેલાં કેટલીક વતો અહીં સ્પષ્ટ કરવી જરૂરી છે.મારી દ્રષ્ટિએ જોતાં
૧)શ્લોક નં. ૩ તામસિક વૃત્તિના લોકોને ઉદ્દેશીને લખાયો છે.
૨)શ્લોક નં. ૯,૧૦ અને ૧૧ રાજસિક લોકોને ઉદ્દેશીને લખાયાં છે અને
૩)શ્લોક નં.૧૨,૧૩ અને ૧૪ સાત્વિક લોકોને ઉદ્દેશીને લખાયાં છે.
તામસિક,રાજસિક અને સાત્વિકની મારી સીધી સાદી વ્યાખ્યા નીચે પ્રમાણે છે. તામસિક એટલે પાકો સ્વાર્થી (સ્વ+અર્થી) પોતે પહેલો પછી બીજા બધાં.ઇશ્વરનો નંબર પણ બીજો આવે પોતાનું કામ પાર પાડતાં બીજાને નુકશાન થાય તેનો વાંધો નહીં ઉલટું સારૂં થયું એવું માનવા વાળા.
રાજસિક એટલે વ્યવહારૂ. પોતાનું કામ પાર પાડવા બીજાઓને મદદ કરે અને પોતાની નિસ્વાર્થતાના બણગા ફુંકે પોતાના ફાયદા માટે ઇશ્વરને પણ બાધા કથા, વ્રત વગેરેની લાલચો આપે. સત્ય નારાયણની કથાનો વાણિયો તો તમને યાદ હશે જ.
સાત્વિક એટલે ઇશ્વરમાં શ્રદ્ધા રાખવા વાળા. ઇશ્વરની ઇચ્છા પ્રમાણે જીવનારા. સાત્વિકના બે પ્રકાર હોય છે. નિસ્વાર્થી અને પરમાર્થી. બધાંમાં ઇશ્વરને-પરમને-જુએ તે પરમાર્થી. આવા લોકો પ્રકૃતિની સેવામાં અર્થાત જન સેવામાં રત રહેનારા હોય છે. અને નિસ્વાર્થી એટલે –
(સ્વ ન અસ્તિ =સ્વ છે જ નહીં )- યાને કે બધું જ ઇશ્વરમય છે એવું માનવા વાળા અને આવી વ્યકિતઓ પુરૂષ ના ઉપાસકો હોય છે. આ વાત આગળ જતાં સમજાશે.
હવે પાછા મૂળ વાત ઉપર જઇએ.આમતો વિદ્યા અને અવિદ્યા શું છે એનો અણસાર ઋષિએ પહેલા જ શ્લોકમાં કર્યો છે. – ત્યકતેન ભુંજીથા – એટલે કે ત્યાગ વૃત્તિ અને ભોગ વૃત્તિ એ બેઉ કેળવો. સામાન્ય મનુષ્યના જીવનમાં આ બન્ને આવશ્યક છે. પરંતુ આ બેઉ વચ્ચેનો ફરક જાણવો એ પણ એટલું જ આવશ્યક છે. ઘરમા હાંડલા ખખડતાં હોય તો હું ઉપવાસ કરી રહયો છું એમ કહેવું શું યોગ્ય ગણાય ખરૂં? અને જે ભોગનો ત્યાગ ન થઇ શકે તે ભોગ હું ભોગવું છું કે ભોગ મને ભોગવે છે? સીગરેટ કે દારુનું વ્યસન ન છુટે તો કેન્સરના ભોગ થવું પણ પડે.તામસિક લોકોને સમજાવવા ઋષિએ આ ત્યાગ અને ભોગ શબ્દ વાપર્યાં પરંતુ રાજસિકોને સમજાવા એમણે ત્યાગને વિદ્યા અને ભોગને અવિદ્યા એવા નામ આપ્યાં.ભોગથી જ – અવિદ્યાથી જ – બંધન થાયને ? અને ત્યાગથી જ – વિદ્યાથી જ – મુકિત મળેને ? આ વિદ્યા શબ્દ ખાસ ધ્યાનથી સમજવા જેવો છે. વિદ એટલે જાણવંુ “ટુ નો” અને વિદ્યા એટલે જાણકારી “નોલેજ” અંગ્રેજીમાં આ “નોલેજ” શબ્દ જ્ઞાન માટે પણ વપરાય છે. જ્ઞાન અને વિદ્યા એક જ વાત નથી.અંગ્રેજી ભાષાની આ અધુરપ આપણને વિદ્યા અને જ્ઞાન વચ્ચે ગોટાળો કરાવે છે. સંકૃત ભાષામાં વપરાતા ધર્મ, જ્ઞાન અને શ્રદ્ધા આ ત્રણ શબ્દો ને અંગ્રેજીમાં સમજાવવા જરી કઠણ છે,કારણ કે જેમ ધર્મમાં ફરજનો,જ્ઞાનમાં વિવેકનો અને શ્રદ્ધામાં વિનયનો પડઘો પડે છે તેમ રીલીજીયનમાં ડયુટીનો,નોલેજમાં ડીસ્ક્રીમીનેશનનો અને ફેથમાં હયુમીલીટીનો પડઘો જરાયે પડતો નથી.જાણકાર માણસ વિદ્વાન કહેવાય પણ જ્ઞાની ન કહેવાય. વિદ્યા અને જ્ઞાનમાં મૂખ્ય તફાવત એ છે કે જે પ્રમાણે વિદ્યા બીજાને આપી શકાય છે,શીખવાડી શકાય છે તે પ્રમાણે જ્ઞાન બીજાને અપાતું નથી. વિદ્યા એ બહારથી મળેલી વસ્તુ છે જયારે જ્ઞાન અંતરમાં સ્ફુરેલી વસ્તુ છે. જેમ ખોરાકનું પાચન થતાં આપોઆપ લોહી બને છે તેમ વિદ્યાનંુબુદ્ધિમાં પાચન થતાં તે આપોઆપ જ્ઞાન બને છે.વિદ્યાની આપલે કરવા વિદ્યાલયો હોય છે. કોઇએ કશે જ્ઞાનાલય સ્થાપ્યું હોય એવું સંાભળ્યું છે ખરૂં ? જ્ઞાન તો એક એવું ધામ છે કે ત્યાં જવા માટે સડકતો વિદ્યાની જ લેવી પડે પરંતુ જયાં સુધી આ સડક પુરી ન થાય અને ધામ ઉપર ન પહોંચાય ત્યાં સુધી વિદ્યાર્થી જ રહેવું પડે.જેની સહાયથી આપણે મેળવેલી વિદ્યાનું જ્ઞાનમાં પ્રિવર્તન થઇ જાય તે જ જ્ઞાનાલય અર્થાત સદ્ગુરૂ એટલે જ જ્ઞાનાલય.
હવે “અંધં તમઃ પ્રવિશન્તિ એ અવિદ્યામ્ ઉપાસતે” નો શું અર્થ થાય છે તે જોઇએ.પણ તે પૂર્વે અવિદ્યા એટલે શું તે જરા વધારે ઊડાણમાં સમજી લઇએ.અવિદ્યા એટલે વિદ્યાનો અભાવ નહીં. અહીં ‘અ’ એ નકારાત્મક પૂર્વગ નથી. મારી દ્રષ્ટિએતો આ અવિદ્યા એ શબ્દ મધ્યમ પદ લોપી સમાસ છે. અર્થાત અવિદ્યા એટલે અ‘પૂર્ણ’વિદ્યા.મેં આગળ દર્શાવેલું તેમ ‘પૂર્ણમદઃ પૂર્ણમ્ ઇદં’એ શાન્તિ મંત્ર સમજાવવા આ ઉપનિષદની રચના થઇ છે. તેથી જો આ પૂર્ણ શબ્દ ઉપર ધ્યાન રાખીશું તો આખું ઉપનિષદ સરળતાથી સમજાશે. પૂર્ણ એટલે સર્વાંગી અને અપૂર્ણ એટલે એકાંગી અથવા બહુઅંગી. અર્થાત જીવના કોઇ એક કે બે પાસાના વિકાસમાં જ મદદ કરે તે અવિદ્યા અને જેનાથી જીવનનો પૂર્ણ વિકાસ થાય તે વિદ્યા.જેમકે હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ કરવું કે આંખમાં નેત્રમણિ મુકવો વગેરે ટેકનોલોજી, કાર કે પ્લેન વગેરેની ટેન્કોલોજી અને ટેલીફોન, ઇન્ટરનેટ વગેરે ટેકનોલોજી જીવનના વિવિધ અંગો માટે સહાયક નીવડે છે પરંતુ તે બધાં આંતરિક પ્રગતિમાં જરાયે સહાયક નથી થતાં બલકે તે કદીક વિઘ્નકારી બને છે.જે લોકો કેવળ અવિદ્યાની ઉપાસના કરે છે તે લોકો ગાઢ અંધકારમાં પ્રવેશે છે. એટલે કે આવા લોકો સર્વાંગી વિકાસ નથી સાધી શકતા.દેહની સુખ સગવડોના મોહમાં તેઓ આત્મોન્નતી નથી સાધી શકતા. કોઇ પણ બુદ્ધિશાળી વ્યકિત અવિદ્યાની ઉપાસના કરે ખરી ? કેવળ જેને વિદ્યા અવિદ્યા વચ્ચેનો ભેદ સમજાયો નથી તેને અનુલક્ષીને જ ઋષિએ આ શ્લોક રચ્યો છે.અંધશ્રદ્ધા રાખી વ્રત,કથા અને નિયમોનું પાલન કરવું એ પણ અવિદ્યા ની જ ઉપાસના છે. અર્થાત જે લોકો વિદ્યાની સડક – સર્વાંગી વિકાસ – ઉપર ચઢયાં જ નથી તેવા લોકો અવિદ્યાના ઉપાસકો છે અને આવા લોકો સદા ગાઢ અંધકારમાં જ રહે છે એમ ઋષિનું કહેવું છે.તો પછી ‘તતો ભૂય ઇવ તે તમઃ ય ઉ વિદ્યાયામ્ રતાઃ’ જે લોકો કેવળ વિદ્યાની સડક ઉપર છે તેવો એથી પણ વધુ ગાઢ અંધકારમાં પ્રવેશે છે એમ શાથી કહયું ! અહીં ફરી પૂર્ણની વ્યાખ્યા તપાસીએ -પૂર્ણ એટલે જેની બહાર કશું જ ન રહી ગયું હોય તે, જો આજની ટેકનોલોજીનો એટલે કે વિજ્ઞાનનો જીવના સર્વાંગી વિકાસમાં સમાવેશ ન કરીએ તો એ વિદ્યા પૂર્ણ કહેવાય જ નહીં. જીવનના શારીરિક, માનસિક અને આધ્યાત્મિક વિકાસમાં પૂર્ણ સહાય કરે તે વિદ્યા જ સાચી વિદ્યા કહેવાય પરંતુ આ વ્યવહારિક જગતમાં એવું બને છે ખરૂં ? જીવનના સર્વાંગી વિકાસ માટે આ ત્રણે પાસાઓનો વિકાસ જરૂરી છે.આપણા સહુનો અનુભવ છે કે વિદ્યાલયોમાં જઇ માથે ઉપાધીઓનો ટોપલો મૂકી ફરતાં વિદ્વાનો વ્રત વ્રતાદિની ટીકાકરવામાં જ એમનો સમય વ્યતિત કરતાં હોય છે.વળી બીજા તો એમ માનતા હોય છે કે આપણે આધ્યાત્મિક પ્રગતિ કરીએ તે જ સાચી વિદ્યા. અને આવી માન્યતાને કારણે શાસ્ત્રોનો અને ફીલોસોફીનો ઉપરછલ્લો અભ્યાસ કરી આધ્યાત્મ વિશે સુફીઆણી વાતો કરવામાં અને વિજ્ઞાનની ટીકા કરવામાં જ પ્રવૃત્ત રહેતા હોય છે. યજ્ઞ યાગાદિ પ્રવૃત્તિ કરાવતા પંડીતો અને કથા વાર્તા કહેતા મહારાજોથી કોણ અજાણ્યું છે. એ બધા,સત્સંગનો સાચો અર્થ શું એ સમજાવ્યાં વિના જ સહુને સત્સંગ કરવાની સલાહ આપતા રહે છે. જયાં સુધી આપણા વર્તન, વાણી અને વિચારમાં ‘સત’નું અંગ ભળે નહીં અર્થાત સતનો સંગ થાય નહી ત્યાં સુધી સત્સંગ થયો કહેવાય જ નહીં. લાંચ રુશ્વત કે છેતરપીંડીથી ધન ભેગું કરનારા ને ઘરમાં નિયમિત રીતે સેવા પૂજા કરનારા કે મંદિરે જનારા લાકોના મનમાં એમ હોય છે કે આપણને તો સડક મળી ગઇ છે એટલે આપણે તો ગંગા તરી ગયા.આવા ભૌતિક વિદ્યામાં પારંગત વિદ્વાનો કયારે પણ સંયમ કે શિસ્ત નથી કેળવી શકતા એટલું જ નહી પણ બલકે રહયાં સહયાં શિસ્ત અને સંયમને પણ ગુમાવી દે છે.એટલે કે મળેલી સડક ચૂકી જઇ આડે રવાડે ચઢી જાય છે.અને ગાઢ અંધકારને માર્ગે ચાલવા લાગે છે. પોતાનામાં રહેલ અહંકાર અને ગેરસમજનું જ આ કારણ છે અને તેથી જ તેઓ અંધકારની ગર્તામાં ડૂબે છે. જો શ્લોક નવને આ પ્રમાણે સમજીએ તો શ્લોક દસનું અર્થ ઘટન બહુ સરળ થઇ જાય છે. દસમાં શ્લોકમાં એમ કહયું છે કે ધીર પુરૂષોના અભિપ્રાય અનુસાર વિદ્યાથી જે કાંઇ મળે તેના કરતા અવિદ્યાથી કાંઇક જુદું જ મળે છે. એનો અર્થ એ કે અવિદ્યાથી પણ કાંઇક મળે છે તો ખરૂં જ. આગલા શ્લોકમાં આપણે જોયું કે આજની ટેકનોલોજી જીવનની સુવિધામાં કેટલો ભાગ ભજવે છે. તેજ પ્રમાણે કોઇ સાચા જ્ઞાની પાસે શાસ્ત્રો અને તત્ત્વજ્ઞાન અંગેની સાચી સમજ કેળવીએ તો મન અંતરમુખ કરી શકાય.આને જ સત્સંગ કહેવાયને? આટલું સમજયાં પછી શ્લોક અગીયારનો અર્થ સમજવાનો પ્રયત્ન કરીએ.એમાં ઋષિ કહે છે કે વિદ્યા અને અવિદ્યા બેઉની ઉપાસના કરવી જોઇએ કારણ અવિદ્યાથી મૃત્યુ ટાળી શકાય છે જયારે વિદ્યાથી અમૃત મેળવી શકાય છે.પરંતુ ઋષિના આ વિધાનનો અર્થ યોગ્ય રીતે સમજવો હોય તો વિદ્યા અને અવિદ્યા તથા મૃત્યુ અને અમૃત વચ્ચે શું તફાવત છે તે જાણવું જરુરી છે. વિદ્યા એટલે પુરૂષ વિશેનું જ્ઞાન અને અને અવિદ્યા એટલે પ્રકૃતિ વિશેની જાણકારી. અને મૃત્યુ એટલે જીવનનો અભાવ (કે જે પૂર્નજન્મ થતાં પાછું મળે છે). અર્થાત જન્મ મરણનું ચક્ર જે પ્રકૃતિના બધા જ અંગોને આવરીલે છે. પરંતુ અમૃત (અ+મૃત) એટલે કે જે મર્યું નથી અથવા મરતું નથી તે અર્થાત જે શાશ્વત છે તે પુરુષ તત્ત્વ. પ્રકૃતિનું બીજું નામ છે માયા અને જે વ્યકિત પ્રકૃતિની ઉપાસના કરે છે તે અવશ્ય માયામાં ફસાય છે.આ ફસામણી એટલે જ વાસના. અને જયાં સુધી આ વાસના હયાત છે ત્યાં સુધી ફરી ફરી નવા નવા જન્મ લેવા પડે છે. અર્થાત મૃત્યુનો ત્યાગ કરી “મૃત્યું તીર્ર્ત્વા નવું જીવન સ્વિકારવું પડે છે.પરંતુ જે વ્યકિત પુરૂષની ઉપાસનામાં રત છે તે મુકિત મેળવી શાશ્વત ને પામે છે.

Comments»

no comments yet - be the first?


Type in

Following is a quick typing help. View Detailed Help

Typing help

Following preferences are available to help you type. Refer to "Typing Help" for more information.

Settings reset
All settings are saved automatically.